You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાત ચૂંટણી : 'આપ'ના મુખ્ય મંત્રીપદના ઉમેદવાર ઈસુદાન ગઢવી માટે જીત કેટલી મુશ્કેલ?
- લેેખક, જયદીપ વસંત
- પદ, બીબીસી ગુજરાતી માટે
સોમવારે આમ આદમી પાર્ટીના મુખ્ય મંત્રીપદના ઉમેદવાર ઈસુદાન ગઢવીએ જામખંભાળિયાની બેઠક પરથી ઉમેદવારી નોંધાવી હતી.
અગાઉ ભાજપ અને કૉંગ્રેસના ઉમદેવારોની ટક્કરના કારણે રાજ્યસ્તરે હાઈ-પ્રોફાઇલ બની ગયેલી ખંભાળિયાની બેઠક ગઢવીની ઉમેદવારી બાદ રાષ્ટ્રીયસ્તરે ચર્ચાનું કેન્દ્ર બની છે.
સૌ પહેલાં કૉંગ્રેસે આ બેઠક પરથી કૉંગ્રેસના દિગ્ગજ નેતા વિક્રમ માડમ અને પછી ભાજપે પૂર્વ મંત્રી મૂળુભાઈ બેરાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા. સોમવારે જામખંભાળિયા સહિત પહેલા તબક્કાની બેઠકો માટે ઉમેદવારી કરવાની છેલ્લી તારીખ હતી.
એ પછી આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને કેજરીવાલ ખંભાળિયાથી ઉમેદવારી કરશે તેવી જાહેરાત કરી હતી.
દેવભૂમિ દ્વારકા જિલ્લા હેઠળ આવતી જામખંભાળિયા બેઠક પર પહેલા તબક્કામાં પહેલી ડિસેમ્બરના રોજ ચૂંટણી યોજાશે. જ્યારે આઠમી ડિસેમ્બરના રોજ ચૂંટણી પરિણામ જાહેર થશે.
ઈસુદાન, OBC અને ઓળખ
ખંભાળિયાની બેઠક પર લગભગ ત્રણ લાખ મતદાર છે. જેમાંથી અંદાજે 52 હજાર આહીર, મુસ્લિમોના 40 હજાર, સતવારાના 20 હજાર, દલિતોના 18 હજાર અને ગઢવી સમુદાયના 15 હજાર મત છે. આહીરની જેમ જ ગઢવી અને સતવારા ઓબીસી (અધર બૅકવર્ડ ક્લાસ) હેઠળ આવે છે.
વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક સતીશ મોરીના કહેવા પ્રમાણે, "પરંપરાગત રીતે જ્ઞાતિ-જાતિનાં સમીકરણોને જોવામાં આવે તો ચારણ સમુદાયમાંથી આવતાં ઈસુદાન ગઢવી તેમાં ફિટ નથી બેસતા. તેઓ પહેલી વખત જ ચૂંટણી લડી રહ્યા છે છતાં ટેલિવિઝન કાર્યક્રમના કારણે લોકોની વચ્ચે જાણીતો ચહેરો છે અને આમ આદમી પાર્ટીએ આ બાબતને ધ્યાને લીધી હોય તેમ જણાય છે."
"ગઢવીએ મીડિયામાં ખેડૂતોના તથા પછાતવર્ગના મુદ્દા ઉઠાવ્યા હતા. જો આવો નેતા જનપ્રતિનિધિ હોય તો ખેડૂત તથા લોઅર-મિડલ ક્લાસની સમસ્યાને સમજી શકે અને તેનો ઉકેલ લાવી શકે, તેવી આશા જન્માવે છે. વધુમાં જામખંભાળિયા ઈસુદાન ગઢવીનું વતન પણ ખરું. હવે, આમ આદમી પાર્ટીના સ્થાનિક સંગઠનની જવાબદારી પર ઘણો આધાર રહે છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઈસુદાન ગઢવી પ્રાદેશિક ચેનલમાં સંવાદદાતા હતા, ત્યારે સતીશ મોરી એ ચેનલના તંત્રી હતા અને પત્રકારમાંથી રાજનેતા સુધીની સફરને નજીકથી જોઈ છે.
ગઢવીનો જન્મ જામખંભાળિયા તાલુકાના પીપળિયા ગામ ખાતે થયો હતો. આંકડાકીય રીતે જોઈએ તો ચારણ સમુદાયના ગઢવી આ સમીકરણમાં બંધ નથી બેસતા, પરંતુ 'ઓબીસી'ના ગણિતમાં ગોઠવાઈ શકે તેમ છે.
ઘી તથા મઠડી માટે વિખ્યાત ખંભાળિયાની બેઠક પર અન્ય એક નોંધપાત્ર પરિબળ ઠક્કરનું છે. આ બેઠક પર તેમની સંખ્યા 20 હજાર જેટલી અંદાજવામાં આવે છે.
જામનગર, દેવભૂમિ દ્વારકા તથા રાજકોટ જિલ્લામાં નોંધપાત્ર વસતિ ધરાવતા આ સમુદાયને ભાજપ તથા કૉંગ્રેસ પાર્ટી તરફથી ટિકિટમાં પ્રતિનિધિત્વ નથી મળ્યું, જેના કારણે બન્ને પક્ષ પ્રત્યેના અસંતોષનો લાભ આપને મળી શકે છે.
ઉમેદવારી કર્યા બાદ ગઢવીએ પત્રકારો સાથે વાત કરતા કહ્યું, "પત્રકાર તરીકે મેં જ્ઞાતિ-જાતિનાં સમીકરણ જોયાં વગર મહિલાઓ, બેરોજગારો અને ખેડૂતોના મુદ્દા ઉઠાવ્યા છે, ત્યારે મતદાર તરીકે તમે પણ 'ઈસુદાન' બનો અને નાત-જાતનાં સમીકરણથી ઉપર ઊઠીને મતદાન કરજો."
બેઠકનું બૅકગ્રાઉન્ડ
અગાઉ એવી ચર્ચા હતી કે, ઈસુદાન ગઢવીને દ્વારકા બેઠક પરથી ઉમેદવાર બનાવવામાં આવશે, પરંતુ ત્યાંથી આપે સતવારા સમુદાયના નેતાને ઉમેદવાર બનાવ્યા છે.
પાર્ટીને આશા છે કે, તેનો લાભ તેને ખંભાળિયામાં થશે, જ્યાં આ સમુદાયની વસતિ નોંધપાત્ર છે.
ભગવદ્દગોમંડળમાં આપવામાં આવેલા વિવરણ પ્રમાણે, સતવારા (કે સથવારા) સમુદાયના લોકો બાગાયતી ખેતી કે કડિયાકામ સાથે જોડાયેલા હતા અને તેઓ મૂળતઃ રાજપૂત હોવાનું મનાય છે.
15 ઑગસ્ટ, 2013ના રોજ દેવભૂમિ દ્વારકા જિલ્લો અસ્તિત્વમાં આવ્યો તે પહેલાં આ બેઠક જામનગર જિલ્લા હેઠળ આવતી હતી. હજુ પણ લોકસભાની ચૂંટણી દરમિયાન આ બેઠક નીચલાગૃહની જામનગર બેઠક હેઠળ જ આવે છે.
1962માં પહેલી વખત આ બેઠક પર ચૂંટણી યોજાઈ ત્યારે કૉંગ્રેસે સતવારા સમુદાયના હીરાલા નકુમને ચૂંટણી આપી હતી, જેની સામે પ્રજા સોશિયાલિસ્ટ પાર્ટીએ લોહાણા (ઠક્કર) સમાજના દ્વારકેશ બારાઈને ઉમેદવાર બનાવ્યા હતા. 1967ની ચૂંટણીમાં બારાઈએ પોતાની હારનું વેર વાળ્યું અને સ્વતંત્ર પક્ષના ઉમેદવાર તરીકે વિધાનસભા સુધી પહોંચ્યા.
આ છેલ્લી વખત હતું કે કોઈ બિનઆહીર ઉમેદવાર વિજયી થયા હોય. એ પછી એકાદ અપવાદને બાદ કરતા આ બેઠક પર આહીર (યાદવ) સમુદાયના ઉમેદવારનો જ દબદબો રહ્યો છે.
1972,1975, 1980, 1985માં હેમંત માડમ આ બેઠક પરથી અપક્ષ ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા. પહેલી ચૂંટણીમાં સતવારા તથા બાકીની બે ચૂંટણીમાં લોહાણા ઉમેદવાર બીજા ક્રમે રહ્યા હતા.
1975માં ચીમનભાઈ પટેલનો કિસાન મજદૂર લોક પક્ષ તથા 1980માં કૉંગ્રેસના ઉમેદવાર બીજા ક્રમે રહ્યા હતા.
1990માં કૉંગ્રેસના આહીર સમાજના ઉમેદવાર રણમલ વારોતરિયા વિજયી થયા હતા. આ ચૂંટણી જંગમાં હેમંત માડમે ઝંપલાવ્યું ન હતું. જ્યારે ભાજપે ઠક્કર સમાજના જગુભાઈ તન્નાને ટિકિટ આપી હતી.
આગળ જતાં તેઓ કૉંગ્રેસની ટિકિટ પર જામનગરની લોકસભા બેઠકના ઉમેદવાર બન્યા હતા.
1995ની વિધાનસભા ચૂંટણી દરમિયાન માડમ પરિવારના પ્રવીણભાઈને કૉંગ્રેસે ટિકિટ આપી, પરંતુ મૂળુભાઈ બેરા આ બેઠક પરથી વિજયી થયા હતા. પ્રવીણભાઈ જામનગર મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં કૉર્પોરેટર હતા. મૂળુભાઈના પિતા પણ રાજકારણમાં સક્રિય હતા. 1985માં પોલીસ રક્ષણ છતાં તેમના પિતાની હત્યા થઈ ગઈ હતી.
2012માં ખંભાળિયા બેઠક પર જીતીને તેમણે આ બેઠક પર ફરી એક વખત પરિવારનો દબદબો કાયમ કર્યો હતો. પુનઃસીમાંકનને કારણે અગાઉ ભાણવડ બેઠક હેઠળ જતાં આહીર મતોનો મોટો હિસ્સો ફરી હવે ખંભાળિયાની બેઠક પર કેન્દ્રિત થવાનો તેમને લાભ મળ્યો હતો.
2014ની લોકસભાની જામનગર બેઠક પરથી ભાજપનાં સંસદ સભ્ય પૂનમબહેન માડમ તેમનાં પુત્રી છે. માડમ પરિવાર દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર તથ રાજકોટમાં આહીર સમુદાયમાં દબદબો ધરાવે છે.
કહેવાય છે કે, 2014માં કૉંગ્રેસે વિક્રમભાઈને જામનગરની લોકસભાની ટિકિટ ઑફર કરી હતી, પરંતુ તેમણે ભત્રીજી સામે ચૂંટણી લડવાનો ઇન્કાર કરી દીધો હતો.
પછી અહીં પેટાચૂંટણી યોજાઈ હતી, જેમાં વિક્રમભાઈએ ભાજપના ઉમેદવાર કાળુ ચાવડાને પરાજય આપ્યો હતો, જેઓ અગાઉ બે વખત (1998 અને 2002) આ બેઠક પરથી ધારાસભ્ય બન્યા હતા.
મીડિયા સાથેની વાતચીતમાં વિક્રમ માડમે કહ્યું હતું કે, “તેઓ માત્ર આહીર સમાજના નેતા નથી, પરંતુ દરેક સમાજનું સમર્થન તેમને હાંસલ છે અને તેઓ બધાના નેતા છે.”
ગત વિધાનસભા ચૂંટણીમાં ચાવડા અને માડમ વચ્ચે ફરી એક વખત જંગ જામ્યો હતો, જેમાં ફરી એક વખત માડમે તેમના હરીફને હરાવ્યા હતા. ભાજપ તથા કૉંગ્રેસે આહીર ઉમેદવારોને ટિકિટ આપી છે, જેથી તેમના મતોનું વિભાજન થશે.
બે બળિયાની વચ્ચે ત્રીજા નવલોહિયાએ ઝંપલાવતા આ બેઠક પરનો વિધાનસભા ચૂંટણીજંગ રસપ્રદ બની ગયો છે.