ઈસુદાન ગઢવી પત્રકારની કારકિર્દી છોડીને 'આપ'માં કેમ જોડાયા હતા?

    • લેેખક, રજનીશકુમાર
    • પદ, બીબીસી સંવાદદાતા
  • બીબીસી સંવાદદાતા રજનીશકુમારે અમદાવાદમાં આમ આદમી પાર્ટીના ગુજરાતમાં મુખ્ય મંત્રીપદના ઉમેદવાર ઈસુદાન ગઢવી સાથે મુલાકાત કરી હતી.
  • આ મુલાકાતમાં રાજનીતિના કેટલાક મહત્ત્વના મુદ્દાઓ અંગે સવાલ-જવાબો થયા હતા.
  • અરવિંદ કેજરીવાલ અને અન્ના આંદોલન ચલાવતા હતા ત્યારે ઈસુદાને એક પત્રકાર તરીકે આંદોલનને કઈ રીતે જોયું હતું?
  • 1995થી ચૂંટણી નથી હારી એવા ભાજપને નવીનવેલી પાર્ટી ચૂંટણી હરાવી શકશે?
  • લોકો આમ આદમી પાર્ટીની બિનસાંપ્રદાયિકતા સામે પણ સવાલો ઉઠાવે છે, અરવિંદ કેજરીવાલની ચલણી નોટ પર લક્ષ્મી અને ગણેશની તસવીર મૂકવાની ભલામણ કેમ કરે છે?

આમ આદમી પાર્ટીએ ઈસુદાન ગઢવીને ગુજરાતમાં પાર્ટીના મુખ્ય મંત્રીપદના ઉમેદવાર જાહેર કર્યા છે.

જામખંભાળિયા તાલુકાના પીપળિયા ગામે 10 જાન્યુઆરી 1982ના રોજ જન્મેલા ખેડૂતપુત્ર ઈસુદાન જામનગરમાં ભણ્યા પછી અમદાવાદમાં પત્રકારત્વના અભ્યાસ માટે આવ્યા હતા.

તેઓ કહે છે, “અમદાવાદમાં પત્રકારત્વના અભ્યાસ માટે આવ્યો ત્યારે મેં જીવનમાં બીજી વાર અમદાવાદમાં પગ મૂક્યો હતો.”

16 વર્ષ સુધી વિવિધ ચેનલમાં પત્રકારત્વ કર્યું. બીબીસી સાથેની વાતચીતમાં તેઓ કહે છે, “12 વર્ષ મેં ઈટીવીમાં કામ કર્યું. ત્યાર બાદ વીટીવીમાં ચેનલ હેડ તરીકે જોડાયો. અહીં મારો શો ‘મહામંથન’ ચાલતો હતો. એ એટલો લોકપ્રિય બન્યો કે દર્શકોની ફરમાઈશ પર તેનો સમય રાતના 8 વાગ્યાથી 9 સુધીનો હતો તે વધારીને 9:30નો કરવો પડ્યો હતો.”

“તે પછી લોકોની અપેક્ષાઓ ઘણી વધી ગઈ. પત્રકાર બતાવી શકે (સમસ્યા અને સત્ય), કંઈ કરી ન શકે. બધી સત્તા રાજનેતાઓ પાસે છે.”

અરવિંદ કેજરીવાલ અન્ના આંદોલન ચલાવતા હતા ત્યારે તમે પત્રકારત્વ કરી રહ્યા હતા તો તમે તેમની આલોચના કરતા હતા કે નહીં?

આ પ્રશ્નના જવાબમાં ઈસુદાન કહે છે, “કરી હશે. મને યાદ નથી. હું એકદમ સ્પષ્ટ છું.”

અમદાવાદથી એ આંદોલનની મુલવણી અંગે તેઓ કહે છે, “તેઓ ભલાઈ માટે આંદોલન કરી રહ્યા હતા. આંદોલન કરવામાં કંઈ ખોટું નથી. સૌથી મહત્ત્વની વાત એ છે કે તેઓ આંદોલન કરીને બેસી ન રહ્યા. આંદોલન કરીને બેસી રહો તો કોઈ પરિવર્તન આવવાનું નથી. એ માટે તમારે સિસ્ટમમાં ઘૂસવું પડે. તેઓ સિસ્ટમમાં ઘૂસ્યા તો આજે સારી શાળાઓ બની. આજે સારા દવાખાનાં બન્યાં. મોહલ્લા ક્લિનિક બન્યાં.”

ગુજરાતમાં ત્રીજો પક્ષ ફાવશે?

ગુજરાતની રાજનીતિ દ્વિપક્ષીય છેલ્લા ચાર દાયકાથી દ્વિપક્ષીય રહી છે. પહેલી વાર ત્રીજો પક્ષ ચિત્રમાં આવ્યો છે. લોકો સાથેની ચર્ચામાં પણ આમ આદમી પાર્ટીની વાતો થઈ રહી છે. ગુજરાતમાં 1995થી એક પણ ચૂંટણી ભાજપ હાર્યો નથી.

ઈસુદાન કહે છે, “પહેલી વાત, 27 વર્ષથી ભાજપ સરકારનું કુશાસન છે એટલે જ આમ આદમી પાર્ટીની સરકાર આવી શકે છે. બીજી વાત, બે પક્ષ મજબૂત હોય તો ત્રીજા પક્ષનો પ્રવેશ નથી થતો. પરંતુ અહીં કૉંગ્રેસ ખતમ થઈ ગઈ છે.”

2017માં આટલી બધી બેઠકો મેળવ્યા છતાં કૉંગ્રેસને કઈ રીતે ખતમ થઈ ગઈ એમ કહી શકાય? ઈસુદાન કહે છે, “2017ની વાત જવા દો, 2021ની વાત કરો. 2021માં 31 જિલ્લા પંચાયતની ચૂંટણીઓ હતી. જેમાં કૉંગ્રેસને શૂન્ય જિલ્લા પંચાયત મળી. એની સામે 2015માં કૉંગ્રેસની પાસે 25 જિલ્લા પંચાયત હતી અને બેમાં ટાઈ થઈ હતી. આમ, કૉંગ્રેસ ખતમ થઈ ગઈ છે.”

“કૉંગ્રેસના મોટા મોટા નેતા ભાજપમાં જતા રહેતા હતા. લોકો ભાજપની વિરુદ્ધ મત આપતા હતા, પરંતુ તેઓ (કૉંગ્રેસના નેતા) વેચાઈ જતા હતા. લોકો પરેશાન હતા, એટલે ગુજરાતમાં લોકો પરિવર્તન ઇચ્છતા હતા અને એટલે અરવિંદ કેજરીવાલજીની આમ આદમી પાર્ટી ગૅરંટી આપે છે અને જે ગૅરંટી આપે છે તેને પૂરી કરે છે.” 

કેજરીવાલ દિલ્હી મૉડલની વાત કરે છે, પીએમ મોદી ગુજરાત મૉડલની વાત કરે છે. બંનેની પદ્ધતિ સમાન જેવી છે. એક દિલ્હી મૉડલને વેચે છે, બીજો ગુજરાત મૉડલને વેચે છે.

ગુજરાત મૉડલનો વિરોધ કરતા ઈસુદાન કહે છે કે અહીં ખેડૂતોની આવક બમણી થવાને બદલે ખર્ચ બમણો થઈ ગયો છે. અહીં એક નહીં દસ-દસ પેપરલીક થાય છે. બેરોજગારો સરકાર બદલવાની રાહ જોઈ રહ્યા છે. આઉટસોર્સિંગ કર્મચારીઓનું શોષણ થઈ રહ્યું છે. ગરીબ, વંચિત અને શોષિતોને ન્યાય નથી મળતો.

‘કૉંગ્રેસની અડધી બેઠકો ભાજપ નક્કી કરતો’

ગુજરાતમાં કુશાસનનાં આટલાં બધાં ઉદાહરણો ગણાવવામાં આવે છે તો પ્રશ્ન એ થાય છે કે ભાજપે છેલ્લાં 27 વર્ષથી ચૂંટણી કેમ નથી હારી?

આ પ્રશ્નનો જવાબ આપતા ઈસુદાન કહે છે, “એનું કારણ એ છે કે સામે કૉંગ્રેસ હતી અને કૉંગ્રેસ વેચાઈ જતી હતી. કૉંગ્રેસની અડધી બેઠકો ભાજપ નક્કી કરતો હતો.”

“લોકોને ઓળખવામાં મુશ્કેલી નથી પડી રહી. ભાજપ અને કૉંગ્રેસવાળાને એવું છે કે અમારી પાસે મોટા નેતાઓ છે, અમે ચૂંટણી જીતી જઈશું. રાજનીતિ બદલાઈ રહી છે. આમ આદમી પાર્ટી પહેલી વાર ચૂંટણી લડે છે અને સરકાર બનાવે છે. દસ વર્ષમાં બે સરકાર બનાવે છે. અગિયાર વર્ષે ત્રીજી સરકાર બનાવવા જઈ રહી છે. ”

ધાર્મિક ધ્રુવીકરણ ગુજરાતની રાજનીતિની ખાસિયત રહી છે. વર્ષ 1969ના હિતેન્દ્ર દેસાઈના સમયમાં કોમી રમખાણો થયાં ત્યારથી લઈને 2002નાં કોમી રમખાણો. જેની અસર આજપર્યંત ચૂંટણીમાં જોવા મળે છે.

ધાર્મિક ધ્રુવીકરણના પ્રશ્નના જવાબમાં ઈસુદાન કહે છે, “ગુજરાતની જનતા અત્યારે કામની રાજનીતિને માને છે. ધર્મ આધારિત રાજનીતિ ત્યારે થાય કે જ્યારે બંને પક્ષો એ કરતા હોય. અમને એવી રાજનીતિ આવડતી નથી, અમને કામ કરતા આવડે છે. જો સારી શાળા, હૉસ્પિટલો, વીજળી. પાણી જોઈતાં હોય તો અમને મત આપો. ગુંડાગીરી અને ભ્રષ્ટાચાર જોઈતો હોય તો તેમને મત આપો.”

લોકો આમ આદમી પાર્ટીની બિનસાંપ્રદાયિકતા સામે પણ સવાલો ઉઠાવે છે. અરવિંદ કેજરીવાલની ચલણી નોટ પર લક્ષ્મી અને ગણેશની તસવીર મૂકવાની ભલામણ કેમ કરે છે? બિનસાંપ્રદાયિક દેશમાં આવુ ન થઈ શકે.

ઈસુદાન ગઢવી કહે છે, “આપણે સૌ ધનતેરસના દિવસે લક્ષ્મીજીની પૂજા કરીએ છીએ અને નોટ (ચલણી નોટ)ને લક્ષ્મીજી માનીએ છીએ. તો અરવિંદ કેજરીવાલજીને એવો વિચાર આવ્યો. તો વિચારનો ભાજપ વિરોધ કેમ કરે છે? ઇન્ડોનેશિયામાં ચલણી નોટ પર ગણપતિની તસવીર છે જ. ચલણી નોટ પર લક્ષ્મીજીની તસવીર છપાય તો એમાં ખોટું શું છે?”

આખરી સવાલ ઈસુદાનને પૂછ્યો કે આમ આદમી પાર્ટી પૂર્ણ બહુમતથી આવશે કે વિપક્ષમાં બેસશે. જવાબમાં ઇસુદાને કહ્યું, “વિપક્ષમાં તો અમે છેલ્લા દોઢ વર્ષથી છીએ, કેમ કે પેપરલીકમાં કૉંગ્રેસના કોઈ ધારાસભ્ય નથી ગયા જેલમાં, અમે જેલમાં ગયા છીએ. આમ આદમી પાર્ટીની સરકાર બનશે.”

ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બની જાય તો પણ એ સવાલ ઊભો રહે છે કે ચંદીગઢની સરકાર દિલ્હીથી ચાલે છે એવો આરોપ લાગી રહ્યો છે તો ગાંધીનગરની સરકાર ગાંધીનગરથી જ ચાલશે કે કેમ?

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ચૂંટણી જાહેર થઈ ગઈ છે અને સત્તાધારી ભાજપ, કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ચૂંટણીપ્રચાર આરંભી દીધો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ, અરવિંદ કેજરીવાલ સહિત કૉંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓ પણ ગુજરાતમાં આવી રહ્યા છે.

ગુજરાતની ચૂંટણી હાલ સમગ્ર દેશમાં ચર્ચાનું કેન્દ્ર બની છે, કેમ કે આ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું ગૃહરાજ્ય પણ છે. જોકે હજુ સુધી રાહુલ ગાંધી ગુજરાતમાં પ્રચાર માટે આવ્યા નથી, એ વાત પણ ચર્ચાઈ રહી છે.