અર્બુદા સેના : ભાજપને પડકારવાની વાત કરતાં કરતાં વિપુલ ચૌધરીએ પીછેહઠ કેમ કરી?

    • લેેખક, જય શુક્લ
    • પદ, બીબીસી સંવાદદાતા

સમાચાર એવા હતા કે ઉત્તર ગુજરાતના ચૌધરી સમાજે બનાવેલી અર્બુદા સેનાએ નક્કી કર્યું છે કે તેઓ કોઈ રાજકીય પાર્ટીને સમર્થન નહીં આપે. અટકળો એવી લગાવાઈ રહી હતી કે અર્બુદા સેના આમ આદમી પાર્ટીને સમર્થન આપી શકે છે.

‘આપ’ના મીડિયા સેલ દ્વારા પત્રકારોને નિમંત્રણ અપાયું ત્યારે આ અટકળોને હવા મળી હતી.

નિમંત્રણ એ વાતનું હતું કે આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલ ગાંધીનગરના ચરાડા વિસ્તારમાં અર્બુદા સેનાના એક સંમેલનમાં ભાગ લેશે.

આ સાથે માધ્યમોમાં એવા અહેવાલો પણ આવ્યા કે અર્બુદા સેનાના સ્થાપક અને પૂર્વ ગૃહરાજ્યમંત્રી વિપુલ ચૌધરી ‘આપ’માં જોડાઈ શકે છે.

દરમિયાન અર્બુદા સેનાનું શક્તિપ્રદર્શન યોજાઈ ગયું અને વિપુલ ચૌધરીએ કોઈ રાજકીય પક્ષમાં જોડાવાની અનિચ્છા દર્શાવતા અરવિંદ કેજરીવાલે પણચરાડા જવાનું પડતું મૂક્યું.

અર્બુદા સેનાનો આ કાર્યક્રમ દૂધસાગર ડેરીના સ્થાપક અને વિપુલ ચૌધરીના પિતા માનસિંહ પટેલની જન્મજયંતી નિમિત્તે યોજવામાં આવ્યો હતો.

સ્પષ્ટતા અને તે પછીના પ્રશ્નો

અર્બુદા સેનાના મહામંત્રી રાજુભાઈ ચૌધરી બીબીસી સમક્ષ ઉપરોક્ત સમગ્ર ઘટનાક્રમના ભેદભરમ વિશે સ્પષ્ટતા કરતા કહે છે, "હા, વાત સાચી છે કે અમારી ‘આપ’ સાથે વાત ચાલતી હતી, પરંતુ સમાજના વડીલોને લાગ્યું કે અર્બુદા સેનાએ રાજકીય પાર્ટીને સમર્થન ન આપતા માત્ર સમાજના કલ્યાણ માટે જ કામ કરવું જોઈએ."

તેઓ ઉમરે છે, "અમારી ‘આપ’ સાથે જ નહીં પરંતુ કૉંગ્રેસ સાથે પણ વાટાઘાટ ચાલતી હતી. ભાજપના નેતાઓએ પણ અમારું સમર્થન માગ્યું હતું. પણ અમે નક્કી કર્યું કે અમે માત્ર સમાજના ઉત્કર્ષ માટે જ કામ કરીશું."

રાજુભાઈએ વાતનો વધુ ઉઘાડ કરતા એમ પણ ઉમેર્યું હતું કે, "વિપુલભાઈ ચૌધરી ભવિષ્યમાં જો કોઈ રાજકીય પક્ષમાં જોડાવા માગતા હોય તો અમે તેમને સંપૂર્ણ સમર્થન આપીશું. એ નિર્ણય વિપુલભાઈનો રહેશે.” 

અરવિંદ કેજરીવાલના ચરાડા ગામ ખાતેના અર્બુદા સેનાના કાર્યક્રમ રદ થવા મામલે જ્યારે બીબીસીએ આમ આદમી પાર્ટીના પ્રવક્તા ઇર્સાન ત્રિવેદીને પૂછ્યું તો તેમણે કારણ આપતા કહ્યું કે, "વિપુલ ચૌધરી તરફથી આમ આદમી પાર્ટીને આ કાર્યક્રમમાં આવવાનું આમંત્રણ હતું પણ કયા કારણસર છેલ્લી ઘડીએ અર્બુદા સેનાએ રાજકીય પક્ષને મંચ આપવાનો ઇન્કાર કર્યો તે વિશે અમને જાણકારી નથી. બાકી ‘આપ’ હંમેશાં વિચારધારા સાથે જોડાવા માગતા લોકોને આવકારવા માટે તત્પર છે."

ઇર્સાન ત્રિવેદી ઉમેરે છે, "કદાચ વિપુલ ચૌધરીનાં મૂળ ભાજપનાં છે તે નડી રહ્યાં છે."

છેલ્લી ઘડીએ કેજરીવાલનો કાર્યક્રમ રદ્દ થયો તો પછી શું વિપુલ ચૌધરીએ ‘આપ’નો હથિયાર તરીકે ઉપયોગ કરી લીધો?

ઇર્સાન ત્રિવેદી કહે છે, "એ શક્યતા નકારી શકાય નહીં પણ કોઈ રાજકીય મહત્ત્વાકાંક્ષા સંતોષવા માટે આપનો ઉપયોગ નહીં કરી શકે."

જાણીતા રાજકીય વિશ્લેષક દિલીપ ગોહિલ કહે છે કે, "ઘણા વખતથી વાત ચાલતી હતી કે વિપુલ ચૌધરી ‘આપ’માં જોડાશે, પણ તેઓ અવઢવમાં હતા કે જવું કે ન જવું. પણ આખરે તેમણે ન જોડાવાનો નિર્ણય કર્યો છે."

આપમાં ન જોડાવાના વિપુલ ચૌધરીના નિર્ણય વિશે વિશ્લેષણ કરતા દિલીપ ગોહિલ કહે છે કે, "બની શકે કે તેમને એવું લાગ્યું હોય કે ‘આપ’માં જોડાવાથી તેમને વધુ નુકસાન થઈ શકે અને સત્તાવિરોધી મતો કૉંગ્રેસ અને આપમાં વહેંચાઈ જાય તો ભાજપને તેનાથી ફાયદો થઈ શકે. તેથી તેમણે ‘આપ’માં ન જોડાવાની રણનીતિ બનાવી હોય."

જાણકારોના મતે જેલવાસ ભોગવી રહેલા વિપુલ ચૌધરી ચૂંટણી ટાણે તેમની અર્બુદા સેનાનો હથિયાર તરીકે ઉપયોગ કરવા માગે છે.

જોકે અર્બુદા સેનાએ નક્કી કર્યું છે કે તેઓ તેમના સંગઠનનો ઉપયોગ કોઈ રાજકીય પાર્ટીના મંચ તરીકે નહીં કરે.

પણ જાણકારો કહે છે કે આ શક્તિપ્રદર્શન કરીને વિપુલ ચૌધરાના સમર્થકોએ ભાજપને જે આપવાનો હતો તે સંકેત તો આપી જ દીધો છે અને કેટલાક જાણકારો એમ પણ કહે છે કે વિપુલ ચૌધરી હાલ સરકાર પર દબાણ કરવાની રાજનીતિ કરી રહ્યા છે.

દિલીપ ગોહિલ કહે છે, "ખોડલધામના નરેશ પટેલ પણ આ પ્રકારે નિવેદનો કરે છે કે તેમનું સંગઠન રાજકીય મંચને સમર્થન નહીં આપે. તો પ્રશ્ન એ ઊભો થાય છે કે જો તમે સામાજિક પ્રવૃત્તિઓ જ કરવા માગતા હોવ તો પછી આ પ્રકારે ભેગા થઈને શક્તિપ્રદર્શન કેમ કરો છો?"

જોકે અર્બુદા સેનાના મહામંત્રી રાજુભાઈ ચૌધરી કહે છે, "અર્બુદા સેના ‘આપ’માં જોડાઈ હોત તો કદાચ વિપુલ ચૌધરીને છોડાવવા માટે આક્રમક લડત આપી શકી હોત પરંતુ સમાજના મોભીઓનું કહેવું હતું કે આપણે માત્ર સમાજની માગો મામલે જ લડત ચલાવીશું."

કોણ છે વિપુલ ચૌધરી?

વિપુલ ચૌધરી ગુજરાત સરકારના પૂર્વ ગૃહરાજ્યમંત્રી છે. તેઓ શંકરસિંહ વાઘેલા સરકારમાં મંત્રી બન્યા હતા. 1995માં તેઓ ભાજપ તરફથી માણસા બેઠક પર પહેલી વાર વિધાનસભામાં ચૂંટાયા હતા.

કેશુભાઈ પટેલની સરકારમાં પણ તેમને ગ્રામ્યવિકાસ મંત્રાલય મળ્યું હતું. તેમને શંકરસિંહ વાઘેલાની સરકારમાં ગૃહરાજ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા.

તેઓ શંકરસિંહ છાવણી છોડીને 2007માં ભાજપમાં જોડાઈ ગયા.

છેલ્લી ચૂંટણી તેઓ ભાજપ તરફથી 2007માં ભિલોડા બેઠક પરથી લડ્યા હતા અને કૉંગ્રેસના અનિલ જોશીયારા સામે હારી ગયા હતા.

ત્યાર બાદ તેમને વિધાનસભાની ચૂંટણી લડવાની તક ન મળી પરંતુ તેઓ ડેરીના રાજકારણ સાથે જોડાયેલા રહ્યા.

2005થી 2016 સુધી તેઓ દૂધસાગર ડેરીના ચૅરમૅન રહ્યા. હાલમાં દૂધસાગર ડેરીના 800 કરોડના કૌભાંડ મામલે તેમની ધરપકડ થઈ છે. હાલ અધિકારિક રીતે તેઓ ભાજપમાં જ છે, કારણ કે વિધિવત તેમણે પક્ષમાંથી રાજીનામું આપ્યું નથી.

શા માટે બનાવી હતી અર્બુદા સેના?

ઑગસ્ટ 2021માં વિપુલ ચૌધરીએ અર્બુદા સેના બનાવી હતી. જે પ્રકારે અલ્પેશ ઠાકોરે ઉત્તર ગુજરાતમાં ઠાકોર સેના બનાવી હતી તે જ રીતે વિપુલ ચૌધરીએ પોતાના રાજકીય દબદબા માટે અર્બુદા સેના બનાવી હોવાનું જાણકારો કહે છે.

આ સેનાનું નામ ચૌધરી સમાજના કુળદેવી અર્બુદાદેવી પરથી પાડવામાં આવ્યું છે, જેમનું મંદિર માઉન્ટ આબુના એક શિખર પર આવેલું છે.

અર્બુદા સેનાના આગેવાનોનો દાવો છે કે ઉત્તર ગુજરાતના 32 તાલુકામાં તેમના 1000 જેટલાં ગામોમાં આ સંગઠન કાર્યરત્ છે અને તેઓ મહદંશે દૂધઉત્પાદકોની સમસ્યાને વાચા આપવાનું કામ કરે છે.

જો કોઈ પક્ષ અર્બુદા સેના સાથે મળીને ચૂંટણી લડે તો તે પક્ષને આ કૅડર તૈયાર મળી શકે. અને કદાચ આ જ ઇરાદાને આગળ ધપાવીને કેજરીવાલ ગાંધીનગરમાં થનારા અર્બુદા સેનાના સંમેલનમાં હાજરી આપવા જવાના હતા, પરંતુ બાદમાં તેમણે તેમનો કાર્યક્રમ રદ કરવો પડ્યો.

હાલમા જ્યારે વિપુલ ચૌધરીની ધરપકડ થઈ છે ત્યારે અર્બુદા સેનાના નેતાઓ તેઓ નિર્દોષ હોવાનો દાવો કરી રહ્યા છે.

રાજુ ચૌધરી કહે છે કે, "તેમના પર બિલકુલ પાયાવિહોણા આરોપો લાગ્યા છે, આ એક રાજકીય ષડયંત્ર છે."

આમ તો ચૌધરી સમાજના લોકો મહદંશે ભાજપની જ વોટ બૅન્ક મનાય છે પણ જાણકારો કહે છે કે ઉત્તર ગુજરાતની 35 જેટલી બેઠકો પર ચૌધરી મતોનો સીધો કે આડકતરો પ્રભાવ છે અને ચૌધરી મતો ડઝનેક બેઠકો પર સીધી અસર કરે છે.

આમ, વિપુલ ચૌધરીની ધરપકડને કારણે ભાજપને નુકસાન સહન કરવાનું આવી શકે, કારણ કે તેમને કારણે ચૌધરી સમાજના તેમના સમર્થકો નારાજ થયા છે. આ નારાજગીની અસર પડી શકે છે.

દિલીપ ગોહિલ કહે છે, "ભૂપેન્દ્ર પટેલની સરકારના મંત્રીમંડળમાં ચૌધરી સમાજનું પ્રતિનિત્વ નહીં હોવાને લઈને પહેલાંથી જ ચૌધરી સમાજ નારાજ છે એટલે ભાજપને નુકસાન થવાની સંભાવના નકારી શકાય નહીં. ભાજપે જ વિપુલ ચૌધરીને ડેરીના રાજકારણમાંથી બહાર કાઢવા માટે બીજું જૂથ ઊભું કર્યું હતું તેથી તેમના સમર્થકો પણ નારાજ છે એટલે અસર તો થશે."

"જો કદાચ તેઓ ‘આપ’માં જોડાયા હોત તો ચૌધરી મતો ‘આપ’ અને કૉંગ્રેસમાં વહેંચાઈ ગયા હોત પણ હવે લાગે છે કે તેમણે રણનીતિક નિર્ણય લીધો કે તેઓ અંદરખાને કૉંગ્રેસને સમર્થન આપે."