You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાત: નરોડા બેઠક પરથી ભાજપનાં ઉમેદવાર પાયલ કુકરાણી કોણ છે?
- લેેખક, રજનીશકુમાર
- પદ, બીબીસી સંવાદદાતા, નરોડા પાટિયાથી
અમદાવાદના નરોડા પાટિયાના ઈન્ડી કેપ વિસ્તારમાં શનિવારે રાત્રે 9 વાગ્યાથી ભાજપના સમર્થકોની ભીડ પાયલ કુકરાણીની રાહ જોઈ રહી છે.
પાયલ કુકરાણીના પિતા મનોજ કુકરાણીના મોબાઇલ ફોન પર વારંવાર કૉલ આવી રહ્યા છે અને તેઓ તેમની પુત્રીના આગમન વિશે બધાને જાણ કરી રહ્યા છે.
ભારતીય જનતા પાર્ટીએ મનોજ કુકરાણીની 30 વર્ષની પુત્રી પાયલ કુકરાણીને અમદાવાદની નરોડા વિધાનસભા બેઠક પરથી ટિકિટ આપી છે.
2002નાં ગુજરાત રમખાણોમાં નરોડા પાટિયા હત્યાકાંડ કેસમાં મનોજ કુકરાણીને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે.
મનોજ કુકરાણી હાલ બીમારીના કારણસર જામીન પર બહાર છે. 28 ફેબ્રુઆરી, 2002ના રોજ નરોડા પાટિયા અને આસપાસના વિસ્તારોમાં રમખાણોમાં ટોળાં દ્વારા 97 લઘુમતીઓની હત્યા કરવામાં આવી હતી.
પાયલ કુકરાણીને પૂછવામાં આવ્યું કે તેઓ રાજકારણમાં સાવ નવા છે છતાં પાર્ટીએ ટિકિટ કેમ આપી?
પાયલ કહે છે, "હું હૉસ્પિટલના ઑપરેશન થિયેટરમાં હતી ત્યારે ખબર પડી કે ભાજપે મને નરોડા પાટિયાથી મેદાનમાં ઉતારી છે. મને પણ નવાઈ લાગી હતી. મારા પિતાએ ટિકિટ માટે મારું ફોર્મ ભર્યું હતું.
"મને આશા નહોતી. નરોડા ભાજપનો ગઢ છે. અહીંથી માત્ર ભાજપને જ જીત મળે છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પિતાના દોષી હોવા પર પાયલનો જવાબ
જ્યારે પાયલને પૂછવામાં આવ્યું કે તેમના પિતા મનોજ કુકરાણીને 2002નાં રમખાણોમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે અને તેમને આજીવન કેદની સજા કરવામાં આવી છે. તેઓ આ ઓળખને કેવી રીતે જુએ છે?
આ સવાલના જવાબમાં પાયલે કહ્યું કે, "દરેકનો પોતાનો ભૂતકાળ હોય છે અને મારા પરિવારનો પણ એક ભૂતકાળ છે. પરંતુ મને લાગે છે કે હું ડૉક્ટર છું કે યુવાન છું તેથી પાર્ટીએ મને પસંદ કરી છે. આ વખતે મોટી સંખ્યામાં યુવાઓને તક આપવામાં આવી છે અને હું પણ તેમાંથી એક છું."
આ દરમિયાન મનોજ કુકરાણી પણ ત્યાં ઊભા હતા. પાયલનાં માતા રેશમા કુકરાણી અને નરોડા પાટિયાના વર્તમાન ધારાસભ્ય બલરામ થાવાણી પણ ત્યાં હતા.
જ્યારે પાયલને પૂછવામાં આવ્યું કે, 2002નાં રમખાણોમાં મનોજ કુકરાણી એટલે કે તેમના પિતાને દોષિત ઠેરવવાથી અસર તેમની રાજનીતિ પર કેવી પડશે?
તેના જવાબમાં પાયલે કહ્યું, “હું આ મુદ્દે કંઈ કહેવા માગતી નથી.” પાયલનાં માતા રેશમા કુકરાણીએ પણ આ સવાલનો જવાબ આપવાનો ઈનકાર કર્યો હતો.
પણ બલરામ થાવાણી આ પ્રશ્નનો જવાબ આપવા આતુર જણાતા હતા.
તેમણે જવાબમાં કહ્યું, "જુઓ, સ્થાનિક લોકો સત્ય જાણે છે. નરોડા પાટિયા કેસમાં જે લોકો પર કેસ ચલાવવામાં આવ્યો હતો, હું માનું છું કે તમામ નિર્દોષ છે. મનોજ પર એફઆઈઆર 90 દિવસ પછી કરવામાં આવી છે."
પાયલને તેમના પિતાના કારણે કઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો? પાયલે કહ્યું, "દેખીતી રીતે સામનો કરવાનું સરળ ન હતું. પરંતુ જીવન અટકતું નથી. હું ભૂતકાળમાંથી બહાર નીકળીને સકારાત્મક બાબતો પર ધ્યાન આપી રહી છું."
શું પાયલને તેમના પિતા પર ગર્વ છે? આ સવાલના જવાબમાં તેમણે કહ્યું કે, "હું હવે આ વિવાદમાં પડવા માગતી નથી. મને હવે આવા સવાલો ન પૂછો."
ઓવૈસીએ શું કહ્યું?
ઑલ ઇન્ડિયા મજલિસે ઈત્તેહાદુલ મુસ્લિમીન (એઆઈએમઆઈએમ)ના પ્રમુખ અને હૈદરાબાદ લોકસભાના સાંસદ અસદુદ્દીન ઓવૈસીને પૂછવામાં આવ્યું કે તેઓ પાયલને ટિકિટ આપવા પાછળ ભાજપની રણનીતિ જુએ છે?
ઓવૈસીએ કહ્યું, "એક વાત તો સ્પષ્ટ થઈ ગઈ છે કે ભાજપનો તે પરિવાર સાથે સંબંધ હતો અને રહેશે. કોર્ટે આજીવન કેદની સજા આપી હોવા છતાં. ભાજપ અને આરએસએસનો સંબંધ આ પરિવાર સાથે છે."
"તે એ પણ દર્શાવે છે કે ભાજપ પોતાના લોકોનો સાથ છોડતો નથી. પછી ભલે વ્યક્તિને દોષિત ઠેરવવામાં આવે કે આજીવન કેદની સજા થઈ હોય. જો અન્ય કોઈ પક્ષે આવું કર્યું હોત તો તેણે જવાબદારીની વાત કરી હોત. પરંતુ સત્તા માટે પોતાના સમયમાં બધું જ ભૂલી જાય છે."
ઓવૈસી કહે છે, "જો આવતી કાલે ભાજપ એવો કાયદો બનાવે છે કે દોષિતો પણ ચૂંટણી લડી શકે છે, તો તે બિલકીસબાનોના બળાત્કારીઓને પણ ટિકિટ આપી શકે છે."
પાયલ કુકરાણી સિંધી છે અને નરોડા પાટિયા વિધાનસભામાં સિંધીઓનું વર્ચસ્વ છે.
છેલ્લાં 30 વર્ષથી અહીં ભાજપ જીતી રહ્યો છે. આમ આદમી પાર્ટીએ અહીંથી ઓમપ્રકાશ તિવારીને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. આ વિસ્તારમાં સિંધીઓ ઉપરાંત મોટી સંખ્યામાં હિન્દી ભાષી લોકો પણ રહે છે.
નરોડા પાટિયાનું જ્ઞાતિનું સમીકરણ
ઓમપ્રકાશ તિવારી મૂળ ગોરખપુરના છે અને જૂના કૉંગ્રેસી છે. જ્યારે પાયલ કુકરાણીને ભાજપમાંથી ટિકિટ મળવા અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, "2002નાં રમખાણોમાં મનોજ કુકરાણી દોષિત છે. તેથી જ ભાજપે તેની પત્ની રેશમાને કોર્પોરેટર બનાવ્યાં છે અને હવે પુત્રીને ધારાસભ્યની ચૂંટણીમાં ઉતારવામાં આવી છે. ભાજપમાં ગુનેગારોને ફાયદો મળે છે અને મનોજ કુકરાણી સાથે પણ આમ જ થઈ રહ્યું છે."
ઓમપ્રકાશ તિવારી કહે છે, "મનોજ કુકરાણી શાસક પક્ષના છે. તેથી તેના માટે પેરોલ પર બહાર આવવું કે નિર્દોષ સાબિત થવું એ કોઈ મોટી વાત નથી. ગુજરાત પોલીસે તેને દોષિત ઠેરવ્યો છે, કોઈ અન્ય રાજ્યની સરકારે નહીં. પરંતુ ભાજપ તો હંમેશાં આવા લોકોને જ આગળ લઈ જાય છે."
2017માં કૉંગ્રેસે ઓમપ્રકાશ તિવારીને નરોડા પાટિયાથી ઉમેદવાર બનાવ્યા હતા, પરંતુ તેઓ ભાજપના ઉમેદવાર સામે હારી ગયા હતા. તિવારી નરોડા પાટિયા વિધાનસભા મતવિસ્તારના જ્ઞાતિનાં સમીકરણને આંગળીના ટેરવે ગણાવી દે છે.
જ્ઞાતિનાં સમીકરણ વિશે વાત કરતા તેમણે કહ્યું, "અહીં સિંધી સમાજના લગભગ 60 હજાર લોકો છે પરંતુ અન્ય રાજ્યોના લોકો પણ લગભગ એટલી જ સંખ્યામાં છે. લગભગ 48 હજાર ઓબીસી, 26 હજાર દલિત છે, 23 હજાર પટેલ, 11 હજાર જેટલા ગુજરાતી ક્ષત્રિય છે, 10 હજાર જેટલા ગુજરાતી બ્રાહ્મણ છે, સાત હજાર વૈશ્ય છે, ત્રણ હજાર મુસ્લિમ છે, 10 હજાર 400 એસટી છે. એમ કુલ બે લાખ 72 હજાર મતદારો છે.”
આ વિસ્તારમાંથી કૉંગ્રેસ અને એનસીપીના સંયુક્ત ઉમેદવાર નિકુંજસિંહ તોમર મેદાનમાં છે. તોમરને જ્યારે પૂછવામાં આવ્યું કે પાયલ કુકરાણીને નરોડા પાટિયામાંથી ઉતારવા પાછળની ભાજપની રણનીતિ શું છે.
તો તેમણે કહ્યું, "ભાજપમાં 2002નાં રમખાણોના ગુનેગારોને ઈનામ મળે જ છે. મનોજ કુકરાણીને પણ તે મળ્યું છે. તેમાં કંઈ ચોંકાવાની વાત નથી."
નરોડા પાટિયાનાં રમખાણો
28 ફેબ્રુઆરી, 2002ના રોજ અમદાવાદના નરોડા પાટિયા વિસ્તારમાં થયેલાં કોમી રમખાણોમાં ઓછામાં ઓછા 97 મુસ્લિમોની હત્યા કરવામાં આવી હતી.
ગુજરાતના ગોધરામાં સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના કેટલાક કોચ સળગાવવામાં આવ્યા બાદ ફાટી નીકળેલાં રમખાણોમાં સૌથી વધુ હિંસા નરોડા પાટિયામાં જોવા મળી હતી.
મનોજ કુકરાણી એ 32 લોકો પૈકીના એક છે જેમને અમદાવાદની વિશેષ અદાલતે નરોડા પાટિયા કેસમાં દોષિત ઠેરવ્યા હતા.
ભાજપનાં ધારાસભ્ય માયા કોડનાનીને પણ આ કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યાં હતાં. 2018માં આ કેસમાં કોડનાની સહિત 13 લોકોને ગુજરાત હાઈકોર્ટે નિર્દોષ જાહેર કર્યાં હતાં.
પાયલ ઍનેસ્થેટિસ્ટ છે. તેઓ પશ્ચિમ અમદાવાદના ગુરુકુલ વિસ્તારની હૉસ્પિટલમાં કામ કરે છે. તેમનાં માતા રેશમા કુકરાણી અમદાવાદના સૈજપુર બોઘા વોર્ડમાંથી ભાજપનાં કૉર્પોરેટર છે.
નરોડા પાટિયા બેઠક પરથી જ માયા કોડનાની ધારાસભ્ય તરીકે ચૂંટાયાં હતાં. 2017માં ભાજપના બલરામ થાવાણી અહીંથી ચૂંટણી જીત્યા હતા.