ગુજરાત ચૂંટણી : રામનવમી પર કોમી હિંસા થઈ હતી એ હિંમતનગરમાં લોકો હિંદુ-મુસ્લિમ મહોલ્લા વચ્ચે દીવાલ ચણવા કેમ માગે છે?

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરની એક અલગ તાસીર છે. રાજસ્થાન અને ગુજરાતની સરહદની નજીક આવેલા આ શહેરમાં રાજસ્થાની અને ગુજરાતી સંસ્કૃતિની મિશ્ર અસર જોવા મળે છે.

સામાન્ય રીતે શાંત અને ઉદ્યમી નગરજનો ધરાવતા આ શહેરની રાજકીય ચેતના પણ સતેજ છે. આ વાતનું પ્રમાણ છે કે વર્ષ 2007ની ચૂંટણીમાં ચૂંટાયેલા ભાજપના ધારાસભ્ય પ્રફૂલ પટેલ, જે ગૃહરાજ્યમંત્રી પણ બન્યા હતા, તેમને વર્ષ 2012માં કૉંગ્રેસના ઉમેદવાર રાજેન્દ્રસિંહ ચાવડા સામે હારનો સામનો કરવો પડ્યો હતો.

સરકારી નોકરી મેળવવાને પ્રાધાન્ય આપતા સાબરકાંઠા જિલ્લાના રહિશોના અભિગમને કારણે પેપરલીકની ઘટનાઓ અને પોલીસને ગ્રેડ-પેની માંગણી જેવા આંદોલનો હિંમતનગરથી શરૂ થયાં અને સમગ્ર રાજ્યમાં ફેલાયાં હતા.

જોકે દાયકાઓથી કોમી હિંસાના સમાચારોથી દૂર રહેલું હિંમતનગર ગુજરાત વિધાનસભાની ચૂંટણીના સાત મહિના પહેલાં જ 10 એપ્રિલ 2021ના રોજ રામનવમીના દિવસે થયેલાં કોમી છમકલાં માટે સમગ્ર રાજ્યમાં ચર્ચિત બન્યું હતું.

બીબીસી ગુજરાતીએ જ્યારે એ કોમી છમકલાના છ મહિના બાદ જ્યારે હિંમતનગરની મુલાકાત લીધી ત્યારે એ હુલ્લડગ્રસ્ત વિસ્તારોમાં જોવા મળતી શાંતિમાં અજંપો અને રહિશો સાથેની વાતચીતમાં રાજકીય પક્ષો સામેની નારાજગી અનુભવાતી હતી.

કોમી હિંસા સાથે હિંમતનગરનો ઇતિહાસ

સુલતાન અહમદશાહનું પ્રિય શહેર અહમદનગર રાજસ્થાન અને ગુજરાત પર શાસન માટેનું મહત્ત્વનું નગર હતું. ત્યારબાદ આ નગર ઇડરમાં ભળતાં શહેરનું નવું નામ ઇડરના તત્કાલીન રાજા પ્રતાપસિંહના કુંવર હિંમતસિંહના નામ પરથી હિંમતનગર પડ્યું.

પૂર્વે રાજસ્થાનનો હિસ્સો રહી ચૂકેલા હિંમતનગરમાં રાજસ્થાનની છાંટ હજુ જોવા મળે છે. આ શહેરમાં દર અડધો કિલોમિટરે રાજસ્થાનની દાલબાટીની રેસ્ટોરાં જોવા મળે છે.

ગુજરાતની સ્થાપના બાદ રાજસ્થાનના ડુંગરપુર સ્ટેટમાંથી ગુજરાતમાં ભળેલા આ શહેરે અનેક કોમી હિંસાઓ જોઈ છે.

તેમણે વધુમાં કહ્યું, “એ પછી 1985માં થયેલાં કોમી તોફાનોમાં ગુજરાતમાં છ મહિના કરફ્યુ રહ્યો ત્યારે અને વર્ષ 1992માં બાબરી મસ્જિદનું ‘વિવાદિત માળખું’ તૂટ્યું ત્યારે અને 2002માં રાજ્યમાં સાંપ્રદાયીક રમખાણો થયાં ત્યારે પણ શહેરમાં થોડાં તોફાનો પછી શાંતિ સ્થપાઈ હતી.”

જામીલે ઉમેર્યું, “જૂની વાતો અને યાદોને વિસારે પાડીને બધા એકબીજા સાથે હળીમળીને રહેતા હતાં. પણ આ વર્ષે રામનવમીના દિવસે થયેલાં કોમી છમકલા બાદ બુલડોઝર ફર્યાં જેના કારણે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ અહીં પહેલી વાર જોવા મળી રહી છે.”

સંક્ષિપ્તમાં

  • હિંમતનગરમાં આ વર્ષે રામનવમીની હિંસા પછી બુલડોઝર ફર્યાં જેના કારણે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે
  • બીબીસીએ આ શહેરની મુલાકાત લીધી ત્યારે છાપરીયાવાડ અને રામજી મંદિર વિસ્તાર જાણે કે બે ભિન્ન દેશ હોય એમ એક તરફ ઘરો પર કેસરી ઝંડા અને બીજી તરફ લીલા ઝંડા લાગેલા હતા
  • 20% મુસ્લિમ મતદાતા ધરાવતી આ બેઠક રાજેન્દ્રસિંહ ચાવડા 2017માં માત્ર 1,712 મતની પાતળી સરસાઈથી જીત્યા હતા
  • જ્યારે એ ચૂંટણીમાં ‘નોટા’ને 3,334 મત મળ્યા હતા

રામનવમીના દિવસે અચાનક કેવી રીતે ફાટી નીકળી હિંસા?

સાબરકાંઠાના હિંમતનગરમાં રામનવમી નિમિત્તે શોભાયાત્રા નીકળી હતી અને એ દરમિયાન એક જ દિવસમાં પથ્થરમારાની બે ઘટના બની હતી.

રામનવમીની ઉજવણી માટેની શોભાયાત્રા છાપરિયા વિસ્તારમાંથી પસા થઈ ત્યારે બપોરના સમયે પથ્થરમારાની ઘટના બની અને સાંજે પાંચેક વાગ્યે ફરીથી અહીં જ પથ્થરમારો થયો હતો.

આ પથ્થરમારા બાદ સ્થિતિ વણસતાં કેટલાક લોકોએ અહીં પડેલાં વાહનોમાં પણ આગ લગાડી હતી. બાઇક, કાર સહિતનાં આશરે પાંચ વાહનોમાં આગ લગાડવામાં આવી હતી.

પોલીસે પરિસ્થિતિને થાળે પાડવા માટે ટિયરગૅસના શેલ છોડવા પડ્યા હતા. અહેવાલો મુજબ આ ઘટનામાં જિલ્લા પોલીસ વડા સહિત કેટલાક પોલીસકર્મીઓ પણ ઈજાગ્રસ્ત થયા હતા.

હિંમતનગરની ઘટના બાદ પહોંચેલા હિંમતનગર પોલીસના રેન્જ આઈજી (ઇન્સ્પેક્ટર જનરલ) વી. ચંદ્રશેખરે કહ્યું હતું, "રામનવમીના દિવસે નીકળેલી રેલી પર પથ્થરમારો થયો હતો, જે બાદ સ્થિતને કાબૂમાં લેવા માટે ગાંધીનગર, મહેસાણા તથા સાબરકાંઠાથી વધારે સુરક્ષાદળો બોલાવવામાં આવ્યાં, જે બાદ સ્થિતિ કાબૂમાં આવી હતી."

તેમણે કહ્યું હતું, "સ્થિતિને કાબૂમાં લીધા બાદ પોલીસ આ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. જે બાદ ફરી સાંજે પાંચ વાગ્યાની આસપાસ પથ્થરમારો થયો હતો. અહીં કેટલાંક વાહનોને સળગાવી દેવામાં આવ્યાં હતા અને કેટલાક પોલીસકર્મીઓને પણ ઈજા થઈ હતી."

કોમી છમકલા બાદ ચાલ્યું બુલડોઝર

હિંમતનગરના કેટલાક વિસ્તારોમાં કલમ 144 લગાવી દેવાઈ હતી. ઉપરાંત આ વિસ્તારોમાં આરએએફ અને એસઆરપી સહિતની કંપનીઓને ખડકી દેવાઈ હતી.

હિંમતનગરમાં એ ડિવિઝન અને બી ડિવિઝન પોલીસસ્ટેશનમાં ત્રણ અલગ-અલગ ફરિયાદ નોંધીને પોલીસે કાયદેસર કાર્યવાહી કરી હતી.

પોલીસે 39 વ્યક્તિઓ સામે નામજોગ ફરિયાદ કરી હતી અને 700થી વધુના ટોળા સામે જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડવા અંગે ફરિયાદ નોંધાઈ હતી.

હિંસા બાદ સ્થાનિક તંત્ર દ્વારા કથિતપણે પથ્થરમારો અને હિંસાના આરોપીઓની મિલકતો અને લઘુમતી સમાજની આસપાસની મિલકતોને ‘ગેરકાયદેસર દબાણ’ ગણાવી તોડવાની પ્રવૃત્તિ હાથ ધરાઈ હતી.

આ સમાચાર સમગ્ર દેશમાં વીજળીવેગે પ્રસર્યા હતા, અને તેની સરખામણી ઉત્તર પ્રદેશમાં લઘુમતી સમાજના હિંસાના આરોપીઓની મિલકતો પર બુલડોઝર ફેરવવાની કાર્યવાહી સાથે કરાઈ હતી.

જોકે, સ્થાનિક તંત્ર દ્વારા ‘કોઈ પણ પ્રકારના દ્વેષ સાથે આ કાર્યવાહી ન કરાઈ’ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.

મકાનો પર કેસરી અને લીલા ઝંડાઓથી વહેંચાઈ ગયેલો છાપરિયા વિસ્તાર

અમે હિંમતનગરમાં સંવેદનશીલ વિસ્તાર ગણાતા છાપરિયાવાડ અને રામજીમંદિર વિસ્તારની મુલાકાત લીધી ત્યારે વાતાવરણમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ અનુભવાતી હતી.

છાપરીયાવાડ અને રામજીમંદિર વિસ્તારમાં ઘરો પર એક તરફ કેસરી ઝંડા અને બીજી તરફ લીલા ઝંડા લાગેલા હતા.

જોકે, બીજી બાજુ સ્થાનિકોનાં નિવેદનો પરથી અલગ જ ચિત્ર રજૂ થઈ રહ્યું હતું.

છાપરીયાવાડમાં રહેતા કસબા જમાતના પ્રમુખ લિયાકત શેખે બીબીસી ગુજરાતીને કહ્યું, “અહીં લોકો શાંતિથી રહે છે, કોઈ તણાવ નથી.”

“25 વર્ષ જૂની ટીપી સ્કીમના પ્લાનની અમલવારી માટે ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. કોઈ એક કોમને ધ્યાનમાં રાખીને કાર્યવાહી કરવામાં આવી નથી.”

હિંમતનગરના સામાજિક કાર્યકર અને લઘુમતી સમાજના અગ્રણી યુસુફ પઠાણ આ વિશે કહે છે, “હિંમતનગરમાં શાંતિ અને ભાઈચારાનો માહોલ છે. છાપરિયાવાડ ને બદનામ કરવા માટે રામનવમીએ બહારના લોકો આવીને તોફાન કરી ગયા છે.”

તેમણે કહ્યું, “અહીં કોઈ સાંપ્રદાયીક હિંસા ઇચ્છતું નથી. 25 વર્ષ પહેલાં નક્કી થયેલી ટી.પી. સ્કીમ માટે જમાતનું મકાન વચ્ચે આવતું હતું અને એને તોડી પડાયું છતાં કોઈએ વિરોધ નથી કર્યો. સાંપ્રદાયીક હિંસામાં માસૂમ અને નિર્દોષોનો જ ભોગ લેવાય છે, રામનવમીમાં થયેલી હિંસામાં સંખ્યાબંધ લોકો જેલમાં છે.”

ચૂંટણી માટે નિરાશા અને રાજકીય પક્ષો સામેનો અસંતોષ

ગુજરાત ચૂંટણીને આડે હવે થોડા દિવસો જ બાકી રહ્યા છે ત્યારે જાણે સ્થાનિક મતદારોના મન પર એ કોમી છમકલાની અસર તેમની વાતોમાં અસંતોષ બનીને પડઘાતી હતી.

કેટલાક રહિશોએ આગામી ચૂંટણીમાં રાજકીય પાર્ટીઓ પાસેથી વધુ અપેક્ષા ન હોવાનો મત વ્યક્ત કર્યો હતો.

રામનવમીના દિવસે થયેલી હિંસામાં અહીંની તકિયા મસ્જિદ સળગાવાઈ હતી. તકિયા મસ્જિદ અને કબ્રસ્તાન ટ્રસ્ટના પ્રમુખ શાહિદ હુસૈન હરદોલિયાએ બીબીસી ગુજરાતીને કહ્યું,“અમે ગરીબો માટે નિ:શુલ્ક ભોજન જેવાં કાર્યોમાં નાત-જાતને જોતા નથી. અમે કોરોનાના કપરા કાળમાં પણ રોજ કમાઈને ખાતા ગરીબોને રૅશનની કિટ સહિત દવા અને હૉસ્પિટલની સહાય પૂરી પાડી હતી.”

તેમણે નિરાશાજનક સ્વરે કહ્યું, “રામનવમીની હિંસામાં અમારી મસ્જિદ બાળી નાખી, દરગાહને નુકસાન થયું ત્યારે કોઈ રાજકીય પક્ષ અમારી પડખે ઊભો રહ્યો નથી. જેના કારણે હવે અમને રાજકારણીઓમાં વિશ્વાસ રહ્યો નથી. અમે આ ચૂંટણીમાં રસ લેવાના નથી.”

હિંદુ વસતી ધરાવતા રામજી મંદિર વિસ્તારમાંથી પણ પલાયન

વિસ્તારના લઘુમતી સમુદાયના મતદારોની જેમ જ હિંદુ સમાજના મતદારો પણ ચૂંટણીને લઈને વધુ આશાવાદી ન હોવાનું જણાવે છે

રામનવમીના દિવસે હિંસા થઈ એ વખતે છાપરિયાવાડની નજીકના રામજી મંદિર વિસ્તારના લોકોએ પોતાની ઓળખ માટે ઘર પર કેસરી ઝંડા લગાવ્યા હતા.

આ હિંસા સમયે રામજી મંદિર વિસ્તારમાંથી પોતાનું ઘર છોડીને નીકળી ગયેલાં સપનાબહેન રામીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું, “અહીં રહેતા હવે અમને ડર લાગે છે. અમે અનેકવાર રજૂઆત કરી છે કે છાપરિયાવાડ અને રામજી મંદિર વિસ્તારને અલગ પાડવા માટે દીવાલ બનાવવામાં આવે પણ અમારી વાત કોઈ સાંભળતું નથી.”

તેમણે વધુમાં કહ્યું, “વારંવાર થતી સાંપ્રદાયિક હિંસાને કારણે અમારો વિસ્તારની હવે પછાત વિસ્તારમાં ગણના થવા લાગી છે. અમારા મકાનના ભાવ પણ ગગડ્યા છે. અમે મકાન વેચીને અન્યત્ર જઈ પણ શકતા નથી. કેમ કે મકાનના નીચા ભાવને કારણે નવું મકાન ખરીદવા માટે જોઈતાં નાણાં મળે એમ નથી એટલે નાછૂટકે અમે અહીં રહીએ છીએ. અમે સતત ભય નીચે જીવી રહ્યાં છીએ આ વખતે ચૂંટણીમાં અમે ભાગ નહીં લઈએ.”

રામનવમીની હિંસા સમયે ઘર છોડીને એક મહિના માટે બીજે રહેવા જતાં રહેલાં પ્રાર્થનાબહેન બારોટે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું, “છાશવારે થતી હિંસાને અટકાવવા સરકારે અહીં પ્રૉટેક્શન વૉલ બનાવવી જોઈએ અથવા અશાંત ધારો લગાવવો જોઈએ જેથી અમે સલામત રીતે રહી શકીએ. રાજકારણીઓ અમારી કોઈ વાત સાંભળવા તૈયાર નથી.”

ચૂંટણીમાં ભાજપ, કૉંગ્રેસ અને ‘નોટા’ નું હિંમતનગરમાં પ્રદર્શન

હિંમતનગરની રાજકીય સ્થિતિની વાત કરીએ તો આ બેઠક 1980માં ભાજપ જીત્યું હતું. વર્ષ 1990માં ભાજપ સાથેના ગઠબંધનમાં લડેલા જનતાદળે બેઠક જીતી હતી. ત્યાર બાદ ભાજપ સતત આ બેઠક પરથી જીતતો આવ્યો હતો.

આ બેઠક પરથી 1995થી 2002 સુધી ભાજપના રણજિતસિંહ ચાવડા ત્રણ વાર ચૂંટાયા હતા.

પટેલ, ક્ષત્રિય ઠાકોર અને મુસ્લિમનું વર્ચસ્વ ધરાવતી હિંમતનગર વિધાનસભાની બેઠક પર પિતાની ટિકિટ કપાતાં તેમના પુત્ર રાજેન્દ્રસિંહ ચાવડા કૉંગ્રેસમાંથી 2012માં ચૂંટણી લડ્યા અને તત્કાલીન ગૃહમંત્રી પ્રફુલ પટેલને હરાવ્યા હતા.

રાજેન્દ્રસિંહ ફરી કૉંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા અને પેટા ચૂંટણીમાં જીત મેળવી હતી.

20% મુસ્લિમ મતદાતા ધરાવતી આ બેઠક રાજેન્દ્રસિંહ ચાવડા 2017માં માત્ર 1,712 મતની પાતળી સરસાઈથી જીત્યા હતા. જ્યારે એ ચૂંટણીમાં ‘નોટા’ને 3,334 મત મળ્યા હતા.

સાંપ્રદાયિક હિંસાનો ઇતિહાસ ધરાવતા હિંમતનગરમાં આ વખતે મતદારોનો મિજાજ પણ અલગ છે. સાંપ્રદાયિક હિંસા, પોલીસ આંદોલન, પેપર ફૂટવાના કારણે ઘણા લોકો ‘આપ’ તરફ વળી રહ્યા હોય એવું લાગી રહ્યું છે, કારણકે પોલીસ ના ગ્રેડ-પે આંદોલનની શરૂઆત સાબરકાંઠાના હિંમતનગરથી થઈ હતી.

રસ્તા, ગટર, પાણી અને આરોગ્યને લગતી સ્થાનિક સમસ્યા દૂર નહીં થવાને કારણે લોકોમાં સરકાર તરફ એટલે કે ભાજપ તરફ નારાજગી દેખાઈ રહી છે.

હિંમતનગરની દાલબાટીની રેસ્ટોરાંમાં સ્થાનિક પંકજ પરમારે બીબીસી ગુજરાતી સાથેની વાતચીત કહ્યું, “હિંમતનગરમાં રસ્તાની સમસ્યા છે, લોકોને તકલીફ પડે છે પણ કંઈક મેળવવા માટે તકલીફ સહન કરવી પડે છે.”

સ્થાનિક હરેશ પ્રજાપતિએ કહ્યું, “પેપરલીકની ઘટનાઓ વચ્ચે અહીં મોટાભાગના લોકો સરકારી નોકરી માટે તૈયારી કરે છે.”

“ગ્રેડ પે આંદોલન અહીંથી શરૂ થયું હતું અને સરકારે એને દબાવી દીધું એના કારણે લોકોમાં ભારે નારાજગી છે. અહીં નહેર અને રસ્તા નહીં બનવાથી પણ લોકો નારાજ છે.”

હિંમતનગરના રહિશ કુમાર ભાટે કહ્યું, “હિંમતનગરમાં ટીપી સ્કીમના નામે લોકોનાં ઘર તોડી પાડવામાં આવે છે, હૉસ્પિટલ બનાવાઈ છે, પણ કોઈ સુવિધા નથી. કરોડો રૂપિયા પાણીમાં ગયા છે, હાઇવે બનાવવાના નામે કરોડોનો ભ્રષ્ટાચાર આચરાયો છે એટલે રસ્તા બનતા નથી જેના કારણે આ ચૂંટણીમાં ગઈ ચૂંટણી કરતાં વધુ ‘નોટા’ને વોટ પડશે.”