ગુજરાત ચૂંટણીએ ભાઈ-ભાઈને સામસામે લાવી દીધા

    • લેેખક, જય શુક્લ
    • પદ, બીબીસી ગુજરાતી

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારોની જાહેરાત થઈ રહી છે, તો સાથે ઉમેદવારો પોતાના ઉમેદવારીપત્રકો પણ ભરી રહ્યા છે.

તાજેતરમાં જાહેર કરાયેલા ઉમેદવારોની યાદી દર્શાવે છે કે, આ વખતે ચૂંટણી ઘણી બેઠકો પર ખૂબ જ રસપ્રદ બનવાની છે. કેટલીક બેઠકો પર ભાઈ-બહેનો સામસામે છે, તો કેટલીક જગ્યાએ ભાઈ સામે ભાઈ છે.

તો કેટલીક જગ્યાએ એક જ પરિવારનાં નણંદ અને ભાભી મેદાનમાં છે. ચૂંટણીને લીધે ક્યાંક પિતા અને પુત્ર વચ્ચે ડખો પણ થયો છે.

જાણકારો કહે છે કે આ સત્તાની સાઠમારી છે. જાણીતા રાજકીય વિશ્લેષક હેમંતકુમાર શાહ કહે છે કે, "ચૂંટણી એક રાજકીય બજાર છે અને સત્તા કેન્દ્રમાં છે જ્યારે પરિવાર ગૌણ છે. રાજનીતિમાં સિદ્ધાંત સાથે લાગતું વળગતું નથી, સગાવાદની આ લડાઈમાં પરિવારજનો વચ્ચે પણ રાજકારણ ઘૂસી ગયું છે."

અંકલેશ્વરમાં ભાઈઓ આમનેસામને

ગુજરાતના રાજકીય ઇતિહાસ પર નજર કરીએ તો મોટા ભાગે જાતિનું રાજકારણ જોવા મળે છે અને અહીં નેતાઓ સત્તા માટે આકાશપાતાળ એક કરી નાખે છે.

અંકલેશ્વરની વાત કરીએ તો અહીં બે ભાઈ એકબીજા સામે લડી રહ્યા છે. કેટલાકને ભાજપે અને બીજાને કૉંગ્રેસે ટિકિટ આપી છે.

અંકલેશ્વર બેઠક પરથી ભાજપે વર્તમાન ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલને ટિકિટ આપી છે. આ બેઠક પરથી ઈશ્વરસિંહ પટેલ છેલ્લા ચાર વખત ધારાસભ્ય છે.

તો કૉંગ્રેસે ઈશ્વરસિંહ પટેલ સામે તેમના ભાઈ વિજયસિંહ પટેલને મેદાનમાં ઉતાર્યા છે. વિજયસિંહ પટેલે તેમના ભાઈને દરેક સમયે મદદ કરી છે, તેમની સાથે રહ્યા છે.

જોકે, એક વર્ષ પહેલાં બંને ભાઈ વચ્ચે ઝઘડો થયો હતો. છ મહિના પહેલાં વિજયસિંહ કૉંગ્રેસ પાર્ટીમાં જોડાયા હતા. કૉંગ્રેસના ઉમેદવાર વિજયસિંહ પટેલે બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, "અમારા વચ્ચે વૈચારિક મતભેદ છે. લોહી એક છે પણ હું તેમની સાથે મતભેદ હોવાને કારણે બોલતો નથી. અમારા પરિવારજનો સાથે તેમના બોલવાના સંબંધો પણ નથી. અમને એકબીજા સાથે ફાવતું નથી એટલે નથી બોલતા. તે ભાજપમાં છે અને હું કૉંગ્રેસમાં છું."

રીવાબા ભાજપમાં, નયનાબા કૉંગ્રેસમાં

જામનગર ઉત્તરમાં ભાજપે ભારતીય ક્રિકેટર રવીન્દ્ર જાડેજાનાં પત્ની રીવાબા જાડેજાને ઉમેદવાર જાહેર કર્યાં છે. તેઓ લગભગ ત્રણ વર્ષ પહેલાં ભાજપમાં સામેલ થયાં હતાં. તે પાર્ટીનો મહિલા ચહેરો છે.

આ બેઠક પરથી વર્તમાન ધારાસભ્ય હજુભા જાડેજાને રિપીટ કરાયા નથી, આ સાથે જ કૉંગ્રેસે રવીન્દ્ર જાડેજાનાં બહેન નયનાબાને બદલે બિપેન્દ્રસિંહ જાડેજાને મેદાનમાં ઉતાર્યા છે.

આ વિસ્તારમાંથી રીવાબાનાં નણંદ નયનાબાએ પણ ચૂંટણી લડવા માટે કૉંગ્રેસમાંથી ટિકિટ માગી હતી, પરંતુ તેમને ટિકિટ મળી નહોતી.

જોકે તેમનાં નણંદ રીવાબાને ભાજપે ટિકિટ આપતા નયનાબાએ કહ્યું હતું કે તેમનાં ભાભી નબળાં ઉમેદવાર છે. જ્યારે નયનાબાનો બીબીસીએ સંપર્ક સાધ્યો ત્યારે તેમણે કહ્યું કે "મેં એમ નથી કહ્યું કે મારાં નણંદ નબળાં છે, પરંતુ એમ કહ્યું હતું કે ભાજપનાં ઉમેદવાર નબળાં છે."

વધુમાં નયનાબાએ ઉમેર્યું કે અમે ભલે અલગઅલગ પક્ષમાં હોઇએ, મને તેમની સાથે કોઈ અંગત વાંધો નથી. હું મારું કામ કરું છું અને તેઓ તેમનું કામ કરે છે. આમ, વિરુદ્ધ પાર્ટી હોવાથી નયનાબા તેમનાં નણંદ વિરુદ્ધ પ્રચાર કરશે. નયનાબા જામનગર મહિલા કૉંગ્રેસનાં અગ્રણી નેતા પણ છે.

રીવાબા કૉંગ્રેસના દિગ્ગજ નેતા હરિસિંહ સોલંકીનાં સંબંધી પણ છે. ઉપરાંત રવીન્દ્ર જાડેજાના પિતા પણ રાજનીતિમાં છે. તેઓ કૉંગ્રેસ સાથે સંકળાયેલા હતા.

મનાય છે કે રવીન્દ્ર કિશોરાવસ્થામાં હતા ત્યારે તેમનાં માતાનું અવસાન થયું હતું ત્યાર બાદ તેમનાં બહેન નયનાબાએ જ તેમની જવાબદારી સંભાળી હતી. એટલું જ નહીં પરંતુ ક્રિકેટમાં આગળ વધવાની પ્રેરણા પણ તેમણે જ આપી હોવાનું મનાય છે.

પતિ કૉંગ્રેસમાં અને પત્ની ભાજપમાં

પ્રભાતસિંહ ચૌહાણનાં પત્ની રંગેશ્વરી દેવી ભાજપમાં છે, જ્યારે તેમના પતિ પ્રભાતસિંહ ચૌહાણ ભાજપ છોડીને હવે કૉંગ્રેસમાં જોડાયા છે. તેમણે કાલોલ બેઠક પરથી કૉંગ્રેસે તેમને પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે અને તેમણે ઉમેદવાર ફોર્મ પણ ભર્યું છે.

પ્રભાતસિંહે પત્રકારોને જણાવ્યું કે, "રંગેશ્વરી મારી વિધિવત પત્ની નથી. તે ભાજપમાં હોય તો મને વાંધો નથી."

પ્રભાતસિંહ ચૌહાણે વધુમાં ઉમેર્યું હતું કે, "તેમનાં પુત્રવધૂ સુમન ચૌહાણ પણ ભાજપ સાથે હોવા છતાં તેમને કોઈ વાંધો નથી. જો પરિવારજનોને લાગતું હોય કે મારી સાથે રહેવું જોઈએ તો મારી સાથે રહે નહીંતર લોકશાહીમાં લોકોને કોઈ પણ પક્ષ સાથે રહેવાનો અધિકાર છે."

વળી તેમનાં પુત્રવધૂ સુમનસિંહ ચૌહાણ પણ ભાજપમાં જ છે. સુમનસિંહે પણ અગાઉ પત્રકારોને કહ્યું હતું કે કૉંગ્રેસમાં જોડાવું એ તેમના સસરાનો વ્યક્તિગત નિર્ણય છે અને હું તો ભાજપમાં જ રહીશ.

કાલોલમાં ભાજપના ઉમેદવાર ફતેસિંહ ચૌહાણના પ્રચારમાં રંગેશ્વરી પણ જોડાયાં હતાં. અગાઉ રંગેશ્વરીએ પત્રકારોને જણાવ્યું હતું કે હું તેમની (પ્રભાતસિંહ) પત્ની છું એ વાત બરાબર પણ હું ભાજપની કાર્યકર્તા છું. આ તેમના પરિવારનો મામલો છે અને તેઓ પાર્ટી છોડીને દબાણ ઊભું કરવા માગતા હોય તો તે તેમનો અંગત મામલો છે.

આ સિવાય રંગેશ્વરી ગોધરામાં જ્યારે ભાજપ તરફથી સીકે રાઉલજીએ ફોર્મ ભર્યું ત્યારે પણ તેઓ ભાજપનાં કાર્યકર્તા તરીકે હાજર રહ્યાં હતાં.

ઝગડિયામાં પિતા-પુત્ર

ઝગડિયાથી બીટીપીના નેતા છોટુ વસાવા અને તેમના દીકરા મહેશ વસાવા આમનેસામને આવી ગયા છે. બંને આ બેઠક પરથી ચૂંટણી લડશે.

છોટુ વસાવાએ અપક્ષ તરીકે ઝંપલાવ્યું છે, જ્યારે છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવાએ બીટીપી તરફથી ચૂપચાપ ઝગડિયાથી ફોર્મ ભરી દીધું છે, જેની જાણ ન કરાતા તેમના પિતા છોટુ વસાવા નારાજ છે. અગાઉ મહેશ વસાવા ડેડિયાપાડાથી ચૂંટાતા હતા.

મહેશ વસાવાની સામે ખુદ તેમના પિતા છોટુ વસાવાએ અપક્ષ તરીકે ફોર્મ ભરી દીધું છે. છોટુ વસાવાને ઝગડિયાથી બીટીપી પાર્ટીનો મેન્ડેટ નહીં અપાતા છોટુ વસાવાના અન્ય પુત્ર અને મહેશ વસાવાના ભાઈ દિલીપ વસાવા પણ નારાજ થયા હતા.

દિલીપ વસાવાએ પાર્ટીના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે અને અપક્ષ ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. જોકે, અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવ્યા બાદ દિલીપ વસાવાએ પોતાનું ઉમેદવારીપત્ર પાછું ખેંચી લીધું છે.

મહેશ વસાવા હાલ બીટીપીના અધ્યક્ષ છે. જ્યારે છોટુ વસાવા સાત ટર્મથી ઝગડિયાથી ચૂંટાતા આવે છે. બીજી તરફ છોટુ વસાવાએ આરોપ લગાવ્યો છે કે પરિવારમાં પેદા થયેલા સંકટ માટે વિરોધી પાર્ટીઓ જવાબદાર છે.

બીબીસીના સહયોગી નરેન્દ્ર પાનવાલા કહે છે કે, "પિતા-પુત્ર વચ્ચે મતભેદની શરૂઆત ત્યારે થઈ હતી જ્યારે છોટુ વસાવાએ જાહેરાત કરી હતી કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બીટીપી અને જેડીયુ વચ્ચે ગઠબંધન થયું છે. ત્યારે મહેશ વસાવાએ મીડિયાને કહ્યું હતું કે આ છોટુભાઈ વસાવાનું અંગત નિવેદન છે."

નરેન્દ્ર પાનવાલા ઉમેરે છે કે મહેશ વસાવા ભાજપ સાથે નજીકના સંબંધો ધરાવે છે, જ્યારે છોટુ વસાવાએ ભાજપ સાથે દૂરી બનાવી છે. મનાય છે કે છોટુ વસાવાના વિરોધ છતાં મહેશ વસાવાએ ભાજપ અને કૉંગ્રેસ સાથે ગઠબંધન કરવાની કોશિશ પણ કરી હતી, પરંતુ તેઓ સફળ થયા નહોતા.