મોદી સરકારની વિદેશનીતિનો 'જયજયકાર' ખરેખર એસ. જયશંકરને કારણે થઈ રહ્યો છે?

    • લેેખક, રજનીશ કુમાર
    • પદ, બીબીસી સંવાદદાતા

નવેમ્બરના છેલ્લા સપ્તાહમાં હું ભૂતાન ગયો હતો. મેં કેટલાક સ્થાનિક યુવકોને પૂછ્યું હતું કે તેમને હવે ભારતના ક્યા નેતા પસંદ છે?

તેનો જવાબ હિન્દીમાં આપતાં તેમણે કહ્યું હતું કે “વિદેશમંત્રી એસ. જયશંકર જે પણ કહે છે, તે સ્પષ્ટ કહે છે. યુક્રેન પરના હુમલા પછી રશિયા પાસેથી ક્રૂડ ખરીદવાના ભારતના નિર્ણય બાબતે યુરોપ અને અમેરિકાએ સવાલ કર્યો ત્યારે જયશંકરે સ્પષ્ટ જવાબ આપ્યો હતો. એ સાંભળીને મને મજા પડી હતી. મેં અત્યાર સુધી દક્ષિણ એશિયાના વિદેશમંત્રીને પશ્ચિમના દેશોને આ રીતે જવાબ આપતા ક્યારેય જોયા નથી.”

જયશંકરનાં વખાણ પાડોશી દેશો જ નહીં, પરંતુ પશ્ચિમના રાજદ્વારી પણ કરે છે.

2022ના જૂનના પહેલા સપ્તાહમાં જયશંકરે સ્લોવેકિયાની રાજધાની બ્રટિસલાવામાં યોજાયેલી એક કૉન્ફરન્સમાં કહ્યું હતું કે “યુરોપ એવા દૃષ્ટિકોણ સાથે વિકસ્યું છે કે તેની સમસ્યા સમગ્ર વિશ્વની સમસ્યા છે, પરંતુ દુનિયાની સમસ્યા તેની સમસ્યા નથી.”

ભારત ખાતે જર્મનીના રાજદૂત તરીકે ફરજ બજાવી ચૂકેલા વોલ્ટર જે. લિંડનેરે જયશંકરની આ ટિપ્પણીને છઠ્ઠી ડિસેમ્બરે ટ્વિટર પર પોસ્ટ કરતાં લખ્યું હતું કે, “તેમનો તર્ક એકદમ વાજબી છે.”

જે દેશોના સંદર્ભમાં જયશંકરે આવું કહ્યું હતું એ પૈકીના એક દેશના રાજદ્વારીએ એવું કહ્યું હતું કે ભારતીય વિદેશમંત્રીની વાત એકદમ સાચી છે.

આ વર્ષે એપ્રિલમાં જયશંકર વૉશિંગ્ટનમાં અમેરિકાના વિદેશમંત્રી તથા સંરક્ષણમંત્રી સાથે એક પત્રકારપરિષદને સંબોધી રહ્યા હતા ત્યારે એક પત્રકારે ભારત દ્વારા રશિયા પાસેથી ક્રૂડ ખરીદવા બાબતે સવાલ કર્યો હતો.

તેના જવાબમાં જયશંકરે કહ્યું હતું કે, “તમે ભારત દ્વારા ક્રૂડની ખરીદી બાબતે ચિંતિત છો, પરંતુ યુરોપ રશિયા પાસેથી એક બપોરે જેટલું ક્રૂડ ખરીદે છે તેટલું ક્રૂડ ભારત એક મહિનામાં પણ ખરીદતું નથી.”

જયશંકરની આ ટિપ્પણી સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ હતી.

શું એસ. જયશંકરનાં ‘આક્રમક વલણ’ અને ‘કડક જવાબો’થી વિશ્વમાં ભારતની વિદેશનીતિનો ઝંડો બુલંદ થયો છે?

  • નરેન્દ્ર મોદી સરકાર વિદેશમંત્રી એસ. જયશંકરે ‘સ્પષ્ટવક્તા’ તરીકે નામના મેળવી છે
  • તેમની વિદેશનીતિની સમજ અને હાજરજવાબીપણાના કારણે માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ તેમનાં ‘વખાણ’ થાય છે
  • ભારતની વિદેશનીતિના બચાવમાં તેમના દ્વારા રજૂ કરાતાં તર્કો અને તેમની ટિપ્પણી ઘણી વખત વાઇરલ થઈ જાય છે
  • તેઓ ચીન, રશિયા અને અમેરિકા જેવા મહત્ત્વના દેશોમાં ભારતના રાજદૂત તરીકે ફરજ બજાવતા હતા, વર્ષ 2018 સુધી તેઓ મોદી સરકારમાં વિદેશસચિવ હતા
  • રશિયા-યુક્રેન યુદ્ધથી માંડીને કોરોના સંદર્ભે ઊભા થયેલા વિદેશનીતિને સંલગ્ન પડકારોનું સારું મૅનેજમૅન્ટ અને પશ્ચિમ પ્રત્યે આક્રમક વલણ અને કડક નિવેદનોથી વિદેશમંત્રી અવારનવાર ચર્ચામાં રહે છે
  • પરંતુ શું માત્ર એસ. જયશંકરને કારણે જ ભારતની વિદેશનીતિનાં વખાણ થઈ રહ્યાં છે?

ભારત સામેના પડકારો

જયશંકર મે, 2019માં ભારતના વિદેશમંત્રી બન્યા હતા. એ પહેલાં મોદી સરકારના પહેલા કાર્યકાળમાં 2018 સુધી તેઓ વિદેશસચિવ હતા.

એ અગાઉ તેઓ ચીન, રશિયા અને અમેરિકા જેવા મહત્ત્વના દેશોમાં ભારતના રાજદૂત તરીકે ફરજ બજાવતા હતા.

નરેન્દ્ર મોદી સરકારનો બીજો કાર્યકાળ વિદેશનીતિના સંદર્ભમાં ઘણો પડકારજનક રહ્યો છે.

કોવિડ મહામારી 2019ના ડિસેમ્બરમાં શરૂ થઈ હતી અને 2020માં ભારત બહુ ખરાબ રીતે તેમાં સપડાઈ ગયું હતું.

2020માં જ પૂર્વ લદ્દાખના ગલવાનમાં ચીન સાથે વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) પર થયેલી અથડામણમાં ભારતના 20 સૈનિકો શહીદ થયા હતા. એલએસી પર અત્યારે પણ ઘણી જગ્યાએ બન્ને દેશના સૈનિકો એકમેકની સામે ઊભા છે.

2021માં સમગ્ર વિશ્વના અર્થતંત્રમાં મંદી જોવા મળી હતી અને તેની અસર ભારતના અર્થતંત્ર પર પણ જોવા મળી હતી.

આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડના ભાવ આસમાને પહોંચ્યા હતા. કોવિડને કારણે આખી સપ્લાય ચેનમાં વિક્ષેપ સર્જાયો હતો.

2022ની 24 ફેબ્રુઆરીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને યુક્રેન પર હુમલાનો આદેશ આપ્યો હતો. યુક્રેનમાં અત્યારે પણ રશિયાનું આક્રમણ ચાલુ છે અને બન્નેમાંથી એકેય દેશ ઝૂકવા તૈયાર નથી.

પશ્ચિમના લગભગ તમામ દેશ રશિયા સામે એક થઈ ગયા છે અને ભારત પર પણ યુક્રેનની તરફેણમાં બોલવાનું દબાણ છે.

વિદેશનીતિના સંદર્ભમાં જયશંકર તથા મોદી સરકાર માટે 2022નું વર્ષ બહુ મુશ્કેલીભર્યું રહ્યું છે.

મહાશક્તિઓની ટક્કર

ફાઇનાન્સિયલ ટાઇમ્સ અખબારના તંત્રી મંડળે 2022ના અંતે એક ટિપ્પણી પ્રકાશિત કરી હતી.

તેમાં જણાવવામાં આવ્યું હતું કે રશિયાના યુક્રેન પરના હુમલાએ શીત યુદ્ધ પછી રશિયા તથા અમેરિકા વચ્ચે સમાધાનની શક્યતા પર પૂર્ણવિરામ મૂકી દીધું છે.

ચીન અને અમેરિકા વચ્ચેની દુશ્મનાવટ પણ વધી છે. બીજી તરફ ચીને તાઇવાન પર સૈન્ય દબાણ વધારવાનું શરૂ કર્યું છે.

અમેરિકાએ પણ ચીનમાંથી ટેકનૉલૉજીની આયાતસંબંધી નિયમો આકરા બનાવ્યા છે. મહાશક્તિઓ વચ્ચે ટક્કરનો તબક્કો ફરી શરૂ થયો છે.

ફાઇનાન્શિયલ ટાઇમ્સે લખ્યું હતું કે, “જે દેશો યુક્રેનને લશ્કરી સહાય નથી કરતા કે રશિયા તથા ચીન સાથેનો પોતાનો કારોબાર મર્યાદિત કરી રહ્યા છે તેમણે પણ ચિંતા કરવી જરૂરી છે. રશિયાએ સંકેત આપ્યો છે તેમ તે અણુશસ્ત્રોનો ઉપયોગ કરી શકે છે. એવું થશે તો સમગ્ર વિશ્વ ખતરનાક તબક્કામાં સપડાઈ શકે છે. મહાશક્તિઓ વચ્ચે વધતી દુશ્મનાવટને લીધે આર્થિક પ્રતિબંધોનો પ્રસાર થશે. તેનો માઠો પ્રભાવ વ્યાપાર તથા રોકાણની ગતિ પર પડશે. આ પરિસ્થિતિમાં ગ્લોબલ સાઉથના દેશોને પણ માઠી અસર થશે, કારણ કે આંતરરાષ્ટ્રીય નાણાકીય વ્યવસ્થામાં ડૉલરનું પ્રભુત્વ છે.”

ગ્લોબલ સાઉથમાં આફ્રિકા, લેટિન અમેરિકા, કૅરેબિયન પેસિફિક આઇલૅન્ડ્સ અને એશિયાના દેશોનો સમાવેશ થાય છે.

અમેરિકાના નેતૃત્વ હેઠળના પશ્ચિમના દેશો જૂથ સાથેની રશિયા-ચીનની વધતી દુશ્મનાવટમાં મધ્યમ શક્તિવાળા દેશો માટે તક તથા જોખમ બન્ને છે, એવું કહેવામાં આવી રહ્યું છે.

ફાઇનાન્શિયલ ટાઇમ્સના જણાવ્યા મુજબ, “અમેરિકા, યુરોપિયન યુનિયન અને રશિયા વિશ્વને પોતાની તરફ ઝુકાવાના પ્રયાસ કરશે. તેથી તુર્કી, સાઉદી અરેબિયા, ભારત, ઇન્ડોનેશિયા અને આફ્રિકાનું વલણ બહુ મહત્ત્વપૂર્ણ બની રહેશે. તુર્કીના રાષ્ટ્રપતિ રેચેપ તૈય્યપ અર્દોઆન પોતે પોતાના દેશમાં અનેક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, પરંતુ આંતરરાષ્ટ્રીય મંચ પર બહુ ચાલાકીથી પોતાની ચાલ ચાલી રહ્યા છે.”

“તટસ્થ દેશોના સંગઠને નાટોનું સભ્યપદ હોવા છતાં તુર્કી રશિયા સામેના પશ્ચિમના પ્રતિબંધમાં સામેલ થયું નથી. અર્દોઆને તો ફિનલૅન્ડ તથા સ્વીડન પણ નાટોમાં સામેલ ન થાય તે સુનિશ્ચિત કર્યું છે. તુર્કી આ તકનો લાભ લેવા ઇચ્છે છે. તે પોતાની ચાલ ચાલી શકે છે, કારણ કે યુક્રેન સંકટથી તેને ફાયદો થયો છે. તુર્કીએ બ્લૅક સી મારફત અનાજના વેપાર બાબતે સમજૂતી કરાવી હતી. ભવિષ્યની કોઈ પણ શાંતિમંત્રણામાં તુર્કી મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે.”

યુક્રેનના સંકટને કારણે ક્રૂડની કિંમતમાં જોરદાર વધારો થયો છે અને તેનો લાભ સાઉદી અરેબિયાને થઈ રહ્યો છે.

એક સમય એવો હતો, જ્યારે અમેરિકાના પ્રમુખ બાઇડન સાઉદી અરેબિયાને પાઠ ભણાવવાની વાતો કરતા હતા, પરંતુ આ વર્ષે જુલાઈમાં તેઓ ખુદ રિયાધ ગયા હતા. આ મહિનાની શરૂઆતમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પણ સાઉદી અરેબિયાના પ્રવાસે ગયા હતા.

ફાઇનાન્શિયલ ટાઇમ્સના જણાવ્યા મુજબ, “ભારત આ સદીમાં ખુદને મહાશક્તિ બનાવવા ઇચ્છે છે અને એ માટે તેણે મધ્યમ માર્ગ અપનાવ્યો છે. રશિયા પાસેથી સસ્તું ક્રૂડ ખરીદવાને લીધે પશ્ચિમના ઘણા દેશ ભારતથી નારાજ છે, પણ ભારત જાણે છે કે ચીનને રોકવા માટે તે એક મહત્ત્વનો દેશ છે.”

ભારતે પોતાનું ધાર્યું કરાવ્યું?

મનોહર પર્રિકર ઇન્સ્ટિટ્યૂટ ફૉર ડિફેન્સ સ્ટડીઝ ઍન્ડ ઍનેલિસિસમાં યુરોપ તથા યુરેશિયા સેન્ટરનાં ઍસોસિએટ ફેલો ડૉ. સ્વાસ્તિ રાવે કહ્યું હતું કે, “તુર્કી, ભારત, સાઉદી અરેબિયા, બ્રાઝિલ, ઇન્ડોનેશિયા અને દક્ષિણ આફ્રિકા મિડલ પાવર છે. યુક્રેન સંકટમાં રશિયા તથા પશ્ચિમ વચ્ચે શાંતિ સ્થાપવી હશે તો મિડલ પાવરને ધ્યાનમાં લેવો જ પડશે. જે દેશોને મધ્યમ શક્તિની શ્રેણીમાં રાખવામાં આવ્યા છે, તેમાં ભારતની વિશ્વસનીયતા સૌથી વધારે છે. તુર્કી ભલે રશિયા વિરુદ્ધના પશ્ચિમના પ્રતિબંધની વ્યવસ્થામાં સામેલ ન થયું હોય, પરંતુ તે નાટોનો સભ્ય દેશ છે. ફિનલૅન્ડ તથા સ્વીડનના સંદર્ભમાં તેણે અમેરિકાની વાત સાંભળવી પડશે. સાઉદી અરેબિયા પાસે ક્રૂડ સિવાયનું કશું જ નથી, પરંતુ ભારત પર રશિયા તથા અમેરિકા બન્નેને ભરોસો છે.”

ડૉ. સ્વાસ્તિ રાવે ઉમેર્યું હતું કે, “વડા પ્રધાન મોદીએ ભલે કહ્યું કે આ યુદ્ધનો સમય નથી, પરંતુ મહાશક્તિઓ એકમેકની સામે ટકરાવા તૈયાર છે અને ભારત આ સંકટ સામે બહુ સમજદારીથી કામ લઈ રહ્યું છે. ભારતે રશિયા પાસેથી એસ-400ની ખરીદી કરી. અમેરિકા તેના કાયદા મુજબ ભારત પર પ્રતિબંધ લાદી શકતું હતું, પરંતુ તેણે એવું ન કર્યું. ભારત પશ્ચિમના દેશોને એ સમજાવામાં સફળ રહ્યું છે કે તે મજબૂત બનશે તો અમેરિકા કે યુરોપ માટે કોઈ જોખમ નહીં, પણ ફાયદો છે. બીજી તરફ તુર્કીએ પણ રશિયા પાસેથી એસ-400 ખરીદ્યું હતું, પરંતુ અમેરિકાએ તેના પર પ્રતિબંધ લાદ્યો હતો.”

ડૉ. સ્વાસ્તિ રાવે એમ પણ કહ્યું હતું કે, “હું જયશંકરના વખાણ કરીશ, કારણ કે તેમણે ભારતની બાજુ સક્ષમપણે રજૂ કરી છે અને પશ્ચિમે તે સમજવું પડ્યું છે. શીત યુદ્ધ પછી વર્લ્ડ ઑર્ડર ફરી બદલાતો જોવા મળી રહ્યો છે. ભારત માટે આ સંકટ અને તક બન્ને છે. તેથી ભારતે બહુ સતર્ક થઈને ડિપ્લોમસી આગળ વધારવી પડશે અને મને લાગે છે કે જયશંકર એવું જ કરી રહ્યા છે.”

ફાઇનાન્શિયલ ટાઇમ્સના જણાવ્યા મુજબ, “પોતાના આર્થિક હિતનું રક્ષણ અને પશ્ચિમી દેશોના બેવડા માપદંડ વિશે સવાલ કરવો યોગ્ય છે, પરંતુ રશિયા તથા ચીનના અનિયંત્રિત આક્રમકતા આખરે તો મધ્યમ શક્તિવાળાં તુર્કી, ઇન્ડોનેશિયા, ભારત તથા અખાતના દેશો માટે જ જોખમી બનશે.”

જયશંકરનું વલણ

આ બધા પડકારોની વચ્ચે વિદેશનીતિ ભારતના હિતમાં રાખવાનું કામ બહુ મુશ્કેલ છે અને તે જવાબદારી જયશંકર પર છે. આ મુશ્કેલ સમયમાં જયશંકરે પશ્ચિમ પ્રત્યે આક્રમક વલણ અપનાવ્યું છે.

યુક્રેન-રશિયા જંગમાં ભારત માટે બન્નેમાંથી કોઈને પણ પસંદ કરવાનું મુશ્કેલ છે. એક તરફ પશ્ચિમના દેશો તથા યુરોપ સાથે ભારતના વ્યૂહાત્મક ભાગીદારી છે તો બીજી તરફ રશિયા સાથે પરંપરાગત સંબંધ છે.

આ જટિલ પરિસ્થિતિમાં જયશંકરે સ્પષ્ટ વલણ અપનાવતાં જણાવ્યું હતું કે રશિયામાંથી આયાત સામેનો પશ્ચિમના દેશો તથા યુરોપનો વાંધો પાખંડ સિવાય બીજું કશું નથી.

ભારતમાં જયશંકરના આ વલણને બહુ વખાણવામાં આવ્યું છે, જોકે, એલએસી પર ચીનની આક્રમકતાના મુદ્દે મોદી સરકારની વિદેશનીતિની ટીકા પણ થઈ રહી છે.

યુક્રેન કટોકટી દરમિયાન ભારત તેની તટસ્થ નીતિ (નોન-અલાઇન્મેન્ટ પૉલિસી)ને કારણે બેમાંથી એકેય છાવણીમાં જોડાયું નથી.

તટસ્થતાને ભારતની વિદેશનીતિનો પાયો માનવામાં આવે છે અને તેનો પ્રારંભ દેશના સૌપ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરુએ કર્યો હતો.

એ વખતે દુનિયા બે ધ્રુવમાં વહેંચાયેલી હતી. એક મહાશક્તિ અમેરિકા હતું અને બીજી સોવિયેટ સંઘ.

આ વખતે રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો ત્યારે ભારત પર દબાણ હતું. યુક્રેન પરના હુમલા બાદ વિશ્વનું ધ્રુવીકરણ થયું. તેમાં એક જૂથ અમેરિકા તથા યુરોપિયન સંઘનું બન્યું, જ્યારે બીજું રશિયા તથા ચીનનું.

ઘણા જાણકારો કહે છે કે ભારત તટસ્થ રહેવાની નીતિને બદલે હવે બહુપક્ષીય (મલ્ટી-એલાઇન્મેન્ટ) નીતિ તરફ આગળ વધી રહ્યું છે. દાખલા તરીકે, ભારત ચીન તથા રશિયાના વડપણ હેઠળના બ્રિક્સ, એસસીઓ તથા આરઆઈસીનું સભ્ય પણ છે અને અમેરિકા, ઑસ્ટ્રેલિયા, જાપાનના જૂથ ક્વોડનું સભ્ય પણ છે, પરંતુ જે બધાં જૂથમાં હોય છે તે એકેય જૂથમાં નથી હોતું એવું કહેવાય છે.

મલ્ટી-એલાઇન્મેન્ટ શબ્દનો પ્રયોગ સૌપ્રથમ 2012માં શશી થરૂરે કર્યો હતો. એ વખતે તેઓ માનવ સંસાધન વિકાસ ખાતાના મંત્રી હતા.

શશી થરૂરે કહ્યું હતું કે, “નોન-અલાઇન્મેન્ટ નીતિ તેનો પ્રભાવ ગુમાવી ચૂકી છે. એકવીસમી સદી મલ્ટી-એલાઇન્મેન્ટની સદી છે. ભારત સહિતનો વિશ્વનો કોઈ પણ દેશ બીજા દેશના સહયોગ વિના આગળ વધી શકે તેમ નથી. આપણે એક એવી દુનિયામાં રહીએ છીએ, જ્યાં અલગ રહી શકાય નહીં. ભારત તો વધુ વૈશ્વિક થયું છે.”

જયશંકરે આ શબ્દ માટે શશી થરૂરને શ્રેય આપ્યું હતું અને જયશંકરે શ્રેય આપ્યું પછી શશી થરૂરે તેમનો આભાર પણ માન્યો હતો.

રશિયા તથા અમેરિકા બન્નેનો સાથ

યુક્રેનમાં છેલ્લા દસ મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે. તેમાં હજારો લોકો મૃત્યુ પામ્યા છે અને 80 લાખથી વધુ લોકોએ યુક્રેન છોડ્યું છે.

પશ્ચિમના તથા યુરોપના દેશોએ રશિયા પર આકરા આર્થિક પ્રતિબંધ લાદ્યા છે. પશ્ચિમનું લક્ષ્ય રશિયાના અર્થતંત્રને ફટકો મારવાનું છે, પરંતુ તેની સીધી અસર ખાદ્ય સામગ્રી તથા ઊર્જાની કિંમત પર થઈ છે.

ભારત માટે તે બહુ નિરાશાજનક સાબિત થયું છે. મોદી સરકાર માટે આ આખું વર્ષ વિદેશનીતિના સંદર્ભમાં બહુ મુશ્કેલ રહ્યું છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનની હાજરીમાં કહ્યું હતું કે આ યુદ્ધનો સમય નથી. પશ્ચિમી દેશોએ નરેન્દ્ર મોદીના આ નિવેદનને જોશભેર વધાવી લીધું હતું, પરંતુ ભારતે રશિયા સામેના પશ્ચિમી દેશોના પ્રતિબંધોને ટેકો આપ્યો નથી અને આ બધાથી અલગ રહ્યું છે.

બીજી તરફ ભારતનો રશિયા સાથેનો ક્રૂડની આયાત તથા સૈન્ય સહયોગ વધતો રહ્યો છે. બન્ને દેશ પોતપોતાના ચલણમાં દ્વિપક્ષી વેપાર વધારવા સહમત થયા છે.

સૌથી મહત્ત્વની વાત એ છે કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ, સંયુક્ત રાષ્ટ્ર મહાસભા, ઇન્ટરનેશનલ ઍટમિક એનર્જી એજન્સી, માનવાધિકાર પંચ અને અન્ય આંતરરાષ્ટ્રીય મંચ પર રશિયા વિરુદ્ધ એક ડઝનથી વધારે પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યા હતા, પરંતુ ભારતે તેમાં મતદાનથી અળગું રહ્યું છે.

જયશંકરે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે ભારતનું વલણ રાષ્ટ્રહિતના આધારે નક્કી થશે. તેમણે કહ્યું હતું કે, “ભારત તમારો પક્ષ લેશે એવી જેમને આશા છે તેમને હું એવું કહીશ કે અમે તમારી અપેક્ષા સંતોષવામાં ઊણા ઉતર્યા છીએ તો તે દુર્ભાગ્યપૂર્ણ છે.”

ભારત માટે 2023 બહુ મહત્ત્વનું વર્ષ

2023નું વર્ષ ભારતીય ડિપ્લોમસીના સંદર્ભમાં બહુ મહત્ત્વનું હશે. વિશ્વના 20 મોટાં અર્થતંત્રોના સમૂહ જી-20નું અધ્યક્ષપદ 2023માં ભારત સંભાળવાનું છે.

એ ઉપરાંત શાંઘાઈ કો-ઑપરેશન ઑર્ગેનાઇઝેશનનું અધ્યક્ષપદ પણ ભારત પાસે છે.

તેનો અર્થ એ થયો કે 2023માં વિશ્વના તમામ મોટા નેતાઓ નવી દિલ્હી આવશે.

2022માં મોદી સરકારે અનેક ફ્રી-ટ્રેડ ઍગ્રીમેન્ટ (એફટીએ) પર સહી-સિક્કા કર્યાં છે. ભારતે સંયુક્ત આરબ અમિરાત અને ઑસ્ટ્રેલિયા સાથે આવા કરાર કર્યા છે. બ્રિટન, ગલ્ફ કો-ઑપરેશન કાઉન્સિલ તથા કૅનેડા સાથે પણ એફટીએ માટે વાતચીત ચાલી રહી છે.

અમેરિકાના નેતૃત્વ હેઠળના ઇન્ડો-પૅસિફિક ફોરમમાં પણ ભારત સામેલ થયું છે.

નવેમ્બરમાં ઇન્ડોનેશિયાના બાલીમાં યોજાયેલી જી-20ની શિખર પરિષદમાં યુક્રેન પર રશિયાના હુમલાના મુદ્દે જે પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો, તેમાં સહમતી સાધવામાં ભારતે મોટી ભૂમિકા ભજવી હતી.

જી-20ની શિખર પરિષદ બાદ અમેરિકાના નાયબ રાષ્ટ્રીય સલામતી સલાહકાર જોન ફિનરે ભારતે વિશે કહ્યું હતું કે, “અમેરિકાના ભાગીદારોની યાદીમાં ભારતનું સ્થાન બહુ મહત્ત્વનું છે. અમારા વૈશ્વિક એજન્ડામાં ભારત પહેલી હરોળમાં છે.”

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સમર્થકો તથા ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ભારપૂર્વક કહેતા રહ્યા છે કે ભારત વૈશ્વિક મંચ પર મજબૂતીથી આગળ વધ્યું છે. ભાજપના લોકો એવું પણ કહે છે કે ભારત વિશ્વગુરુ બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે.

એસ. જયશંકરે 2019માં ચોથા રામનાથ ગોયેન્કા મેમોરિયલ લેક્ચરમાં ભારતની વિદેશનીતિમાં પરિવર્તનને રેખાંકિત કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, “ભારતનો રાષ્ટ્રવાદ વ્યાપક આંતરરાષ્ટ્રીયવાદને આગળ વધારી રહ્યો છે.”

અમેરિકા સાથે ગાઢ સંબંધ

ભારત અને અમેરિકા વચ્ચેનો સંબંધ 1990ના દાયકાથી ગાઢ બની રહ્યો છે. ભારતના અમેરિકા સાથેના ગાઢ બનતા સંબંધને ચીનને નિયંત્રણમાં રાખવાનું પગલું ગણવામાં આવે છે.

ભારતના અમેરિકા સાથેના ગાઢ સંબંધનો એક અર્થ એવો પણ કરવામાં આવે છે કે ભારતે તટસ્થતાની નીતિને હવે છોડી દીધી છે.

ભારતે વ્યૂહાત્મક સ્વાયત્તતાના નવા સિદ્ધાંતની નીતિનો 2013માં સત્તાવાર રીતે સ્વીકાર કર્યો હતો, પરંતુ તેમાં શું બદલાશે તેની ચોખવટ કરવામાં આવી ન હતી.

1979 પછી 2016માં નરેન્દ્ર મોદી એવા પહેલા વડા પ્રધાન હતા, જે 120 દેશના નોન-એલાઇન્મેન્ટ મૂવમેન્ટની વાર્ષિક બેઠકમાં સામેલ થયા ન હતા.

નોન-એલાઇન્મેન્ટ મૂવમેન્ટની સ્થાપનામાં જવાહરલાલ નેહરુએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

મોદી સરકારના કાર્યકાળમાં અમેરિકા સાથેનો સંબંધ વધુ ગાઢ બન્યો છે. ભારતે અમેરિકા સાથેના સંરક્ષણ સહયોગને વિસ્તાર્યો છે. મોદીએ અમેરિકાને ભારતનો સ્વાભાવિક સહયોગી દેશ ગણાવ્યો હતો, જે નોન-એલાઇન્મેન્ટની પરંપરાથી વિરુદ્ધ હતું.

ઘણા લોકો માને છે કે ભારત અને અમેરિકા વચ્ચે ગાઢ થતો સંબંધ તકવાદી છે અને તે સોવિયેટ યુનિયન સાથેનો સંબંધ જેટલો ભરોસાપાત્ર હતો તેટલો નથી.

ભારતના વિદેશસચિવ વિજય ગોખલેએ 2019માં જણાવ્યું હતું કે ભારત અને અમેરિકા સહયોગી જરૂર છે, પરંતુ તે સહયોગ મુદ્દા પર આધારિત છે.

કહેવાય છે કે બન્ને દેશ વચ્ચે વૈચારિક સહયોગ નથી. ઘણા વિશ્લેષકો એવું પણ માને છે કે અમેરિકાની બાદશાહીને ચીન પડકારી રહ્યું છે. તેથી તે ભારત પ્રત્યે સહાનુભૂતિ રાખે છે.

ડૉ. સ્વાસ્તિ રાવે જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય ડિપ્લોમસીમાં વૈચારિક સમાનતા જેવી કોઈ ચીજ હોતી નથી. તેમણે કહ્યું હતું કે, “ઇન્ડો-પેસિફિકમાં ભારતને પશ્ચિમની જરૂર છે અને મધ્ય એશિયામાં રશિયાની. તેથી ભારત બન્ને તરફથી પોતાનાં હિતનું રક્ષણ કરતું રહેશે.”

પાડોશી દેશોના સંદર્ભમાં પણ 2022 બહુ મહત્ત્વનું રહ્યું હતું. શ્રીલંકા આર્થિક રીતે દેવાળિયું થયું ત્યારે ભારતે તેને ઘણી વખત મદદ કરી હતી.

આ વર્ષે ભારતે ભૂતાન, બાંગ્લાદેશ અને નેપાળ સાથે પણ વેપાર તથા ઊર્જા કરાર કર્યા છે.

ભારતે મધ્ય એશિયાના દેશોમાં પોતાની હાજરી વધારવાનો પ્રયાસ કર્યો છે. ભારતે અફઘાનિસ્તાનમાં તાલિબાન સાથે સંપર્કના દરવાજા ઉઘાડ્યા અને પોતાના પ્રતિનિધિમંડળને પણ ત્યાં મોકલ્યું હતું.

મ્યાનમારમાં લશ્કરી શાસન સાથે પણ વાતચીતનો દરવાજો ખુલ્લો રાખવામાં આવ્યો છે અને સંયુક્ત રાષ્ટ્રસંઘમાં તેની વિરુદ્ધ મતદાન કરવાનું ભારતે ટાળ્યું છે.

જોકે, ચીન સાથેની સરહદના મુદ્દે ભારત હજુ સુધી કોઈ નિરાકરણ શોધી શક્યું નથી. પૂર્વ લદ્દાખમાં એલઓસી પર તણાવની વચ્ચે અરુણાચલ પ્રદેશના તવાંગમાં ભારત તથા ચીનના સૈનિકો વચ્ચે અથડામણ થઈ છે.

આગામી વર્ષમાં પણ ચીન સાથે આવી અથડામણ થવાની આશંકા છે. ભારત સરકાર આ મુદ્દે સંસદમાં મોકળી ચર્ચા માટે તૈયાર નથી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઇન્ડોનેશિયાના બાલીમાં ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે હાથ મિલાવ્યો હતો.

2023માં બધું ઠીકઠાક રહેશે તો શી જિનપિંગ ભારતની મુલાકાતે બે વખત આવી શકે છે. પહેલીવાર જી-20ની બેઠકમાં અને બીજી વખત એસસીઓની બેઠકમાં.