You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
હીરાબા : સંઘર્ષપૂર્ણ જીવનથી પુત્રના વડા પ્રધાન બનવા સુધીની કહાણી
- લેેખક, જય શુક્લ
- પદ, બીબીસી ન્યૂઝ ગુજરાતી
વર્ષ 2022માં જ હીરાબાએ 100 વર્ષમાં પ્રવેશ કર્યો હતો. આ દિવસ પીએમ નરેન્દ્ર મોદી માટે ખાસ હતો. પીએમ મોદીએ હીરાબાના આશીર્વાદ લઈને દિવસની શરૂઆત કરી હતી.
આ પ્રસંગે તેમણે ખાસ બ્લૉગ પણ લખ્યો હતો. પીએમ મોદીએ તેમના માતા વિશે લખ્યું હતું કે, “કોઈ પણ માતાનું તપ એક સારા મનુષ્યનું સર્જન કરે છે. તેમની લાગણી બાળકમાં માનવીય મૂલ્યો અને સંવેદના જેવા ગુણો કેળવી શકે. એક માતા અલગ વ્યક્તિ કે જુદું વ્યક્તિત્વ નથી. માતૃત્વ એક ગુણ છે, એક ખાસિયત છે.”
હાલમાં જ ગુજરાત વિધાનસભાની ચૂંટણી વખતે પીએમ મોદી જ્યારે ગુજરાતની મુલાકાતે હતા. 4 ડિસેમ્બરે ગાંધીનગરમાં તેઓ તેમનાં માતા હીરાબાને મળ્યા હતા. તો ગુજરાત ચૂંટણી પહેલાં મોદી 18 જૂને હીરાબાના 100મા જન્મદિવસે મળ્યા હતા. તે વખતે પીએમ મોદીએ હીરાબાના ચરણ ધોઈને તેમના આશીર્વાદ લીધા હતા.
એ પહેલાં પીએમ મોદી જ્યારે 11 અને 12 માર્ચના દિવસે ગુજરાતની મુલાકાતે હતા ત્યારે પણ તેમણે હીરાબાની મુલાકાત લઈને તેમની સાથે ખીચડી ખાધી હતી.
હીરાબાનું જીવન
હીરાબાનો જન્મ 18 જૂન વર્ષ 1923ના રોજ ગુજરાતના મહેસાણા જિલ્લાના વીસનગરમાં 'દીપડા દરવાજા' પાસે આવેલા એક મકાનમાં થયો હતો.
વીસનગર પીએમ મોદીના વતન વડનગરની નજીક આવેલું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના બ્લૉગમાં જણાવ્યા અનુસાર 'હીરાબાને તેમનાં માતાનો પ્રેમ નહોતો મળી શક્યો કારણકે તેમનાં માતાં જ્યારે હીરાબા નાનાં હતાં ત્યારે જ મૃત્યુ પામ્યાં હતાં.
હીરાબા ક્યારેય શાળાનું પગથિયું ચડ્યાં નહોતાં. નાની ઉંમરમાં તેમનાં લગ્ન દામોદરદાસ મોદી સાથે થયાં હતાં. લગ્ન બાદ તેઓ વડનગરમાં સ્થાયી થયાં. તેમનું ઘર નાનું હતું. તેમાં એક બારી પણ નહોતી.'
બ્લૉગમાં કરાયેલા ઉલ્લેખ અનુસાર, 'એ ઘરમાં શૌચાલય કે બાથરૂમ જેવી સુખસુવિધા પણ નહોતાં.’ પીએમ મોદીના પિતા દામોદરદાસ મોદીએ બનાવેલા વાંસના માચડા પર ચડીને હીરાબા રસોઈ કરતાં. તેમને ગુજરાતના આદિકવિ નરસિંહ મહેતાનું પ્રભાતિયું પસંદ હતું. ‘જળકમળ છાંડી જાને બાળા’. આ ઉપરાંત હીરાબાને શિવાજીનું હાલરડું પણ પસંદ હતું. આ પંકતિઓ ગાઈને તેઓ કામ કરતાં હતાં.'
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જ્યારે પીએમ મોદી બન્યા ભાવુક
પીએમ મોદી ઘણીવાર મીડિયા સાથેની મુલાકાતમાં ઉલ્લેખ કરી ચૂક્યા છે કે ઘરનો ખર્ચ પૂરો કરવા માટે હીરાબા અન્ય ઘરોમાં વાસણો માંજવાનું કામ કરતાં હતાં. પીએમ મોદીના જણાવ્યા પ્રમાણે તેમના પિતા દામોદરદાસ મોદી વડનગર રેલવેસ્ટેશન પર ચાની દુકાન ચલાવતા હતા.
ફેસબુકના સંસ્થાપક માર્ક ઝકરબર્ગ સાથે પીએમ મોદીએ જ્યારે ટાઉનહોલ સેશન કર્યું હતું અને માતાનો સંઘર્ષ વર્ણવતી વેળા તેઓ ભાવુક પણ થયા હતા.
પીએમ મોદીના કહેવા પ્રમાણે હીરાબાને લાપસી બહુ ભાવતી. તેઓ મોટા ભાગે ઘરનું બનાવેલું જમવાનું પસંદ કરતાં. હીરાબાને સાદું ભોજન જ પસંદ હતું. જ્યારે પણ મોદી તેમનાં માતા સાથે ભોજન કરતા ત્યારે દાળ-ભાત-શાક અને રોટલી જેવો સાદો ખોરાક જ લેવાનું પસંદ કરતાં.
જ્યારે હીરાબા મોદી સાથે જાહેરમાં દેખાયાં
હીરાબાનાં છ સંતાનો પૈકી નરેન્દ્ર મોદી ત્રીજું સંતાન. પીએમ મોદીને એક બહેન પણ છે. બહેનનું નામ વસંતીબહેન છે. આમ તો હીરાબા નરેન્દ્ર મોદી સાથે કોઈ જાહેર કાર્યક્રમોમાં જોવા મળ્યાં હોય તેવા બહુ જૂજ પ્રસંગો છે. પીએમ મોદીના જણાવ્યા પ્રમાણે જ્યારે વર્ષ 2001માં તેમણે ગુજરાતના મુખ્ય મંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા ત્યારે હીરાબા હાજર હતાં.
તે પહેલાં શ્રીનગરમાં લાલચોકમાં ભાજપના ત્રીરંગો લહેરાવવાના કાર્યક્રમ બાદ જ્યારે તેઓ અમદાવાદમાં આવ્યા અને ભાજપે તેમનું અભિવાદન કર્યું ત્યારે તેઓ એ કાર્યક્રમમાં દેખાયાં હતાં. મોદીએ જ્યારે પહેલીવાર 2014માં વડા પ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા ત્યારે સમારોહમાં હીરાબા હાજર રહ્યાં નહોતાં. બીજીવાર જ્યારે પીએમ મોદીએ 2019માં શપથ ગ્રહણ કર્યા ત્યારે પણ હીરાબાએ સપથગ્રહણ સમારોહને ટીવી પર જ માણ્યો હતો.
નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા બાદ હીરાબા માત્ર એક જ વાર પીએમના સત્તાવાર નિવાસસ્થાને ગયાં હતાં. એ વેળા પીએમ મોદીએ તેમની સાથેની મુલાકાતની તસવીરો પણ શૅર કરી હતી. તેમણે સોશિયલ મીડિયા પર આ તસવીરો શૅર કરીને લખ્યું હતું કે, “લાંબા સમય પછી મારી માતા સાથે ક્વૉલિટી ટાઇમ વિતાવ્યો અને તે પણ તેમની 7-આરસીઆરની પહેલી મુલાકાતમાં.”
પીએમ મોદીની હીરાબા સાથેની મુલાકાત અને પરિવારજનોનો આરોપ
જોકે, આ દરમિયાન ખુદ પરિવારજનો પૈકીના કેટલાક સભ્યોનો આરોપ હતો કે નરેન્દ્ર મોદી પીએમ બન્યા બાદ જ્યારે પણ હીરાબાની મુલાકાતે આવતા ત્યારે કૅમેરાની ફ્રેમમાં પરિવારજનોનો અન્ય કોઈ સભ્ય ન દેખાય તેવી વ્યવસ્થા કરવામાં આવતી.
મોદીના ભાઈ પ્રહ્લાદ મોદીએ આ આરોપ લગાવ્યો હતો કે જ્યારે પીએમ મોદી હીરાબાની મુલાકાત લે ત્યારે તેમના અન્ય પરિવારજનોને દૂર રાખવામાં આવતા. પીએમ મોદી જ્યારે પણ હીરાબાની મુલાકાત લેતા અને તેમની સાથેની તસવીરો મીડિયામાં આવતી ત્યારે વિવાદ પણ થતો.
ટીકાકારો તેમના પર 'માનું માર્કેટિંગ કરવાનો' પણ આરોપ લગાવતા રહ્યા છે. જોકે વારતહેવારે તેઓ તેમના પર આ સંદર્ભે યોજાયેલી ટીકાનો જવાબ આપવાનું ચૂકતા નથી.
હીરાબાના 100માં જન્મદિવસે પીએમ મોદીનો બ્લૉગ
હીરાબાના 100માં જન્મદિવસે પીએમ મોદીએ જે બ્લૉગ લખ્યો હતો તેમાં મોદીએ એક વાત લખી હતી તેને લઈને પણ વિવાદ થયો હતો. પીએમ મોદીએ તેમના બ્લૉગમાં લખ્યું હતું કે તેમના પિતાના ઘણા મુસ્લિમ મિત્રો હતા. તે પૈકી એક મુસ્લિમ દોસ્તનો પુત્ર હતો અબ્બાસ.
દોસ્તના અપમૃત્યુ બાદ દામોદરદાસ અબ્બાસને ઘરે લઈને આવ્યા હતા.
મોદી તેમના બ્લૉગમાં લખે છે કે હીરાબા અબ્બાસનું ધ્યાન તેમના અન્ય પુત્રોની માફક જ રાખતા હતા. તેમને ઈદના તહેવારમાં તેમની મનપસંદ વાનગી બનાવીને પણ ખવડાવતા હતા.
પીએમ મોદીના આ બ્લૉગ બાદ અબ્બાસને લઈને વિવાદ થયો. બાદમાં પીએમ મોદીના ભાઈ સોમાભાઈ મોદીએ આ વાતની પુષ્ટિ કરી કે અબ્બાસ તેમના પુત્ર સાથે હાલ ઑસ્ટ્રેલિયામાં રહે છે, તે પહેલાં અબ્બાસ વડનગર પાસેના રસૂલપુર ગામે રહેતા હતા.
નોટબંધીવેળા હીરાબા કતારમાં ઊભા રહ્યાં
હીરાબાને લઈને સૌથી મોટો વિવાદ ત્યારે થયો હતો જ્યારે પીએમ મોદીએ નોટબંધી કરી. એ વખતે ખુદ હીરાબા નોટ બદલાવવા માટે કતારમાં ઊભાં હતાં. તે વખતે એક વૃદ્ધ માતાને કતારમાં ઊભા રાખવા બદલ ઘણા લોકોએ પીએમ મોદીની ટીકા કરી હતી.
કોરોનાકાળમાં જ્યારે 60 વર્ષની વધુની વયના લોકો માટે રસીકરણ શરૂ કરાયું ત્યારે હીરાબાએ કોરોનાની રસી મુકાવી. હીરાબાએ કોરોનાની રસી લીધી તે વખતે પીએમ મોદીએ આ વાત ટ્વીટર પર શૅર કરીને લોકોને રસી મુકાવવા અનુરોધ કર્યો હતો. એ વખતે હીરાબાને રસી કઈ રીતે મળી એને લઈને વિવાદ થયો હતો.
આ પહેલાં કોરાનાકાળ દરમિયાન જનતા કર્ફ્યુ વખતે હીરાબાએ પીએમ મોદીના અનુરોધ પર થાળી પણ વગાડી હતી અને દીવાઓ પણ કર્યા હતા.
ચૂંટણી વખતે હીરાબા મતદાન કરતાં હોય એવી તસવીરો સામે આવતી રહી છે. હાલમાં યોજાએલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પણ તેઓ મતદાન કરવા મતદાનમથકે ગયાં હતાં.
આ વખતે ચૂંટણીપંચે 80થી વધુ વયના મતદાતાઓ માટે ઘરે મતદાન કરવાની સુવિધા આપી હતી પણ 100 વર્ષનાં હોવાં છતાં હીરાબાએ ઘરે મતદાન કરવાની સુવિધાનો લાભ લેવાને બદલે મતદાનમથકે જવાનું પસંદ કર્યું ત્યારે પણ વિરોધીઓએ તેમની ભારે આલોચના કરી હતી.
હાલની ચૂંટણી વખતે આપના ગુજરાત પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ પીએમ મોદીના માતા પર કૉમેન્ટ કરી હોવાનો એક વીડિયો વાયરલ થયો હતો. જેને લઈને મોટો વિવાદ થયો હતો.
તાજેતરમાં જ ગાંધીનગર મહાનગરપાલિકાએ હીરાબાનાં શતાયુ પૂર્ણ થવાની વેળાએ રાયસણ 80 મીટર રોડને હીરાબા રોડ નામ આપવાની જાહેરાત કરી હતી અને વિવાદ સર્જાયો હતો. એ વખતે ગાંધીનગરના મેયર હિતેશ મકવાણાએ કહ્યું હતું કે 'ભવિષ્યની પેઢી હીરાબાના ત્યાગ, તપસ્યા, સેવા અને કર્તવ્યનિષ્ઠાના બોધપાઠ લઈ શકે તે માટે આ રોડનું નામ હીરાબા પરથી રાખવાનો નિર્ણય કર્યો છે.' જોકે, વિવાદ વકરતાં આ નામકરણ મુલતવી રખાયું હતું.
જ્યારે પણ મોદી હીરાબાની મુલાકાત લેતા તે વખતે અન્ય મીડિયાકર્મીઓને પ્રવેશ નહોતો. માત્ર સમાચાર સંસ્થા એએનઆઈના પત્રકારને જ પ્રવેશ હતો. તેમની તસવીરો પણ સરકારના માહિતીખાતા દ્વારા કે પછી એએનઆઇ દ્વારા જારી કરવામાં આવતી.