You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં વડા પ્રધાન મોદીએ 'બે વખત પીએમ' બનવાની વાત કેમ કરી?
- લેેખક, સરોજ સિંહ
- પદ, બીબીસી સંવાદદાતા
વડા પ્રધાન નરેન્દ્ર મોદી પોતાનાં ભાષણોમાં શબ્દોની પસંદગી અને કિસ્સાનો ઉલ્લેખ બહુ સમજીવિચારીને કરે છે. તેમના રાજકીય જીવનને નજીકથી જોનારા અને તેના વિશે લખનારા લોકો આ વાતની પુષ્ટિ પણ કરે છે.
આ કારણથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભરૂચમાં આપેલા ભાષણની ઘણી ચર્ચા થઈ રહી છે. ભરૂચમાં 'ઉત્કર્ષ સમારોહ' દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી વૅલફેર સ્કીમના લાભાર્થીઓને સંબોધિત કરી રહ્યા હતા. ત્યારે તેમણે એક કિસ્સાનો ઉલ્લેખ કર્યો હતો.
"મને એક દિવસ એક મોટા નેતા મળ્યા. વરિષ્ઠ નેતા છે, અમારો સતત વિરોધ કરતા આવ્યા છે. હું તેમનો આદર કરું છું. કેટલીક વાતોને લઈને તેમને નારાજગી હતી. એક દિવસ મળવા આવ્યા. તેમણે કહ્યું, મોદીજી, શું કરવું છે? બે-બે વખત દેશે તમને વડા પ્રધાન બનાવ્યા છે. હવે શું કરવાનું છે?"
"તેમને લાગતું હતું કે બે વખત વડા પ્રધાન બન્યા બાદ ઘણું બધું થઈ ગયું. તેમને ખબર નથી કે મોદી કઈ માટીનો છે. આ ગુજરાતની ધરતીએ તેને તૈયાર કર્યો છે અને તે માટે જે પણ થયું, સારું થયું, ચાલો હવે આરામ કરવાનો છે, તેમ નથી. મારું સપનું છે. સૅચ્યુરેશન. 100 ટકા લક્ષ્ય તરફ આગળ વધો."
સૅચ્યુરેશનથી વડા પ્રધાન મોદીનો અર્થ હતો કેન્દ્ર સરકારની વૅલફેર સ્કીમ તમામ લાભાર્થીઓ સુધી પહોંચાડવી.
ભાષણના આ ભાગને સમજવા માટે કેટલીક મહત્ત્વપૂર્ણ વાતને પરિપ્રેક્ષ્યમાં રાખવાની જરૂર છે.
- આ ભાષણ તેમણે ગુજરાતમાં આપ્યું, ગુજરાત તેમનું ગૃહ રાજ્ય છે અને 27 વર્ષથી અહીં ભાજપનું શાસન છે.
- ગુજરાતમાં આ વર્ષના અંતે વિધાનસભા ચૂંટણી યોજાનારી છે.
- ભરૂચ એવો વિસ્તાર છે, જ્યાં મુસ્લિમોની વસતી સારી એવી છે.
- 2024માં લોકસભાની ચૂંટણી પણ યોજાનારી છે.
એવામાં વડા પ્રધાન મોદીને પોતાના ગૃહ રાજ્યની જનતાને વર્ચ્યુઅલી સંબોધતી વખતે વિપક્ષના કોઈ વરિષ્ઠ નેતાની યાદ આવે તો તે કોઈ સંજોગ ન હોઈ શકે.
એ પણ ત્યારે, જ્યારે તેમને આ વિશે કોઈ પ્રશ્ન પુછાયો ન હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પ્રશ્ન પૂછાયા વગર જવાબ કેમ?
તેમના ભાષણના આ અંશ પર 'બીજેપી : કલ, આજ ઔર કલ' પુસ્તકના લેખક અને વરિષ્ઠ પત્રકાર વિજય ત્રિવેદી કહે છે, "તેનાથી એક મૅસેજ કાઢી શકાય- વડા પ્રધાનપદ હજુ ખાલી નથી. લોકો અત્યારથી સપનાં ન જુએ કે આગામી વડા પ્રધાન કોણ બનશે."
"વડા પ્રધાન 2024ને ટાર્ગેટ કરી રહ્યા છે. 'નો વૅકેન્સી'નો મૅસેજ ભાજપ અને વિપક્ષી પાર્ટી બન્ને માટે છે. ભાજપમાં જે લોકો વિચારી રહ્યા છે કે વડા પ્રધાનપદ માટે તેમની દાવેદારી છે તેમને પણ પોતાના વિચારોના ઘોડા દોડાવવા ન જોઈએ. સાથે જ આ સંદેશ વિપક્ષ માટે પણ છે."
વિજય ત્રિવેદી આગળ કહે છે, "આ નિવેદનને લઈને એક દૃષ્ટિકોણ એ પણ બની શકે છે કે મનમોહનસિંહ પણ બે વખત વડા પ્રધાન રહ્યા છે. બે વખત વડા પ્રધાન બનવું મોદીનો ઉદ્દેશ્ય ન હોઈ શકે. તેમણે એક ડગલું આગળ જવું પડે."
વરિષ્ઠ પત્રકાર અને લેખક કિંગશુક નાગ કહે છે, "મોદીએ આ ભાષણ ભલે નાનકડા સમારોહમાં કહ્યું હોય પણ તેઓ જાણે છે કે તેઓ જે બોલે છે તે ચોતરફ ફેલાઈ જાય છે. હું એમ નથી કહેતો કે તેમણે પ્લાનિંગ સાથે આ વાત કહી પરંતુ એક ઈશારો તો કર્યો કે તેઓ ત્રીજી વખત પણ વડા પ્રધાનપદની રેસમાં છે."
ઉંમરની સીમા
વડા પ્રધાન મોદીની હાલની ઉંમર 71 વર્ષ છે.
ભાજપમાં 75 વર્ષથી વધુ ઉંમર ધરાવતા નેતાઓ માટે માર્ગદર્શકમંડળની જોગાવાઈ તેમણે જ શરૂ કરી હતી. ભાજપમાં અઘોષિત નિયમાનુસાર 75 વર્ષની ઉંમર બાદ મંત્રીમંડળમાં રહેવાની પ્રથા નથી.
આ વાતને વડા પ્રધાન મોદીના ભાષણના અંશ સાથે સરખાવવામાં આવે તો 2024માં તેઓ 73 વર્ષના જ હશે. ત્રીજા કાર્યકાળ માટે જો તેઓ પોતાની દાવેદારી નોંધાવે તો પણ તેમની પાસે બે વર્ષનો સમય રહેશે.
'માર્ગદર્શકમંડળ'માં સામેલ થવા અને 'ઉંમરની સીમા' વાળી અઘોષિત જોગવાઈની મર્યાદામાં નરેન્દ્ર મોદી ભવિષ્યમાં આવે તો ભાજપમાં એવા ઘણા નેતા છે, જે વડા પ્રધાનપદની રેસમાં પોતાની જગ્યા શોધી રહ્યા છે.
2024ની તૈયારી
શું આ ભાષણનો અંશ ભાજપના નેતાઓ માટે પણ છે?
વરિષ્ઠ પત્રકાર રામબહાદુર રાય વડા પ્રધાનના ભાષણ આ અંશને વર્ષ 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણીની તૈયારીના ભાગરુપે પણ જોઈ રહ્યા છે.
તેઓ કહે છે, "વડા પ્રધાન મોદીના આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે 2024માં યોજાનારી ચૂંટણીમાં ભાજપ માટે નેતૃત્વપરિવર્તનનો પ્રશ્ન જ નથી. એ નક્કી છે કે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં જ ભાજપ ચૂંટણી લડશે. તેમનું સ્વાસ્થ્ય પણ એકંદરે સારું છે. તેઓ સમય પણ વધારે ફાળવી રહ્યા છે અને તેમની લોકપ્રિયતા પણ વધી છે. ભાજપને તેમણે એવી ઊંચાઈએ પહોંચાડી દીધો છે, જ્યાં કૉંગ્રેસ 1920થી 1947 સુધી હતી."
જોકે, તેઓ માને છે કે વડા પ્રધાનનો સંદેશ સત્તા પક્ષ અને વિપક્ષ બન્ને માટે છે.
પરંતુ તેઓ એ પણ કહે છે કે ભાજપમાં નરેન્દ્ર મોદીના રહેતાં અન્ય કોઈ નેતા વડા પ્રધાનપદની કલ્પના ન કરી શકે, જો તેઓ એમ વિચારતા પણ હશે તો તેઓ નરેન્દ્ર મોદીની બાદના સમય માટે વિચારતા હશે.
ગુજરાતમાં મુખ્ય મંત્રી તરીકે નરેન્દ્ર મોદી હતા, ત્યારે રિપોર્ટિંગ કરનારાં વરિષ્ઠ પત્રકાર દીપલ ત્રિવેદી કહે છે, "જનતાની સામે સાર્વજનિક રીતે આ વિઝનને શૅર કરવું એ મને નવાઈની વાત નથી લાગતી. તેઓ ક્યા રૉલમાં હશે, તેના વિશે હું કશું કહેવા માગતી નથી. 75 વર્ષની ઉંમરની સીમા ભલે તેમણે જ નિર્ધારિત કરી હોય પરંતુ રાજનીતિ તો પરિવર્તન માટે જ કરવામાં આવે છે."
તુષ્ટીકરણની રાજનીતિ પર બોલ્યા વડા પ્રધાન
ભરૂચમાં સંબોધન કરતી વખતે વડા પ્રધાન મોદીએ આગળ કહ્યું કે જનકલ્યાણ યોજનાના '100 ટકા સૅચ્યુરેશન'થી જનતામાં ઘણાં મનોવૈજ્ઞાનિક પરિવર્તન પણ થશે. તેના વિશે વિસ્તારમાં વાત કરતાં તેમણે તેના ત્રણ ફાયદા ગણાવ્યા:
- પહેલો - દેશના નાગરિકોમાં માગવાની ભાવના ખતમ થઈ જાય છે અને કર્તવ્યનાં બીજ રોપી દેવામાં આવે.
- બીજો - લાભાર્થીઓ અને આપનારા બન્નેમાં ભેદભાવનો ભાવ ખતમ થઈ જાય છે. લાભાર્થીને લાગે છે કે આજે નહીં તો કાલે, યોજનાઓનો લાભ તો મળશે જ અને આપનારા પણ એમ ન કહી શકે કે તમે મારા છો એટલે આપી રહ્યો છું.
ભાષણના આ અંશમાં 'તુષ્ટીકરણવાળા' ભાગની વાત ખૂબ થઈ રહી છે.
નીલાંજન મુખોપાધ્યાયે 'નરેન્દ્ર મોદી: ધ મૅન, ધ ટાઇમ્સ' નામે પુસ્તક લખ્યું છે.
બીબીસી સાથેની વાતચીતમાં તેઓ કહે છે, "આ કાર્યક્રમ ગુજરાત સરકારે આયોજિત કર્યો હતો. પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો આવ્યાં બાદથી વડા પ્રધાન મોદી ગુજરાતમાં આવનારી ચૂંટણીના કૅમ્પેઇનિંગ માટે લાગી ગયા છે. આ ભાષણને તે સંદર્ભમાં જોવાની જરૂર છે."
" આ ભાષણનો એક સંદેશ એ છે કે 2014માં મોદી દિલ્હી ગયા બાદ ગુજરાતમાં એક ખાલી જગ્યા હતી, મોદી એ જાણે છે પરંતુ જનતામાં મોદી તે સ્વીકારવા તૈયાર નથી. તેથી તેઓ કહે છે, "મૈં હૂં ના." જ્યારે એક સત્ય એ પણ છે કે આ આઠ વર્ષમાં ત્રણ-ત્રણ મુખ્ય મંત્રી બદલવા પડ્યા છે."
"બીજો સંદેશ એ છે કે વર્ષ 2024માં તેઓ મેદાનમાં છે અને ત્યાં સુધી છે, જ્યાં સુધી સરકારી યોજનાઓ '100 ટકા સૅચ્યુરેશન'ના સ્તર પર પહોંચી જતી નથી. તેઓ 100 ટકા લક્ષ્યની પ્રાપ્તિ માત્ર ભરૂચ કે ગુજરાતમાં નહીં પરંતુ સમગ્ર દેશમાં કરાવવા માગે છે. તેઓ મુખ્યત્વે ચાર યોજનાઓમાં સૅચ્યુરેશનની વાત કરે છે: શૌચાલય, વીજળી, બૅન્ક ઍકાઉન્ટ અને રસીકરણ."
" મોદી સરકારનાં છેલ્લાં આઠ વર્ષના કાર્યકાળની વાત કરીએ તો સૌથી વધુ આઘાત બંધારણીય અધિકારો અને સંસ્થાઓને લાગ્યો, ન્યાયાલય પર આંગળી ઊઠી છે. સરકાર પ્રયત્ન કરતી રહી છે કે 'ફ્રી રૅશન' જેવી વૅલફેર સ્કીમ દ્વારા આ અધિકારોના હનનની વાત ન થાય, જનતાનું મોં બંધ કરાવી દેવામાં આવે, પ્રદર્શન ન થાય, શાહીનબાગ ન બને."
" આ વચ્ચે વડા પ્રધાન મોદી 'તુષ્ટીકરણની રાજનીતિ'ની વાત કરી જાય છે. "
"આ શબ્દોનો ઉપયોગ ભાજપના એ 'સાંપ્રદાયિક શબ્દકોશ'નો ભાગ છે જેના દ્વારા તેઓ પોતાના સમર્થકોને સંદેશ આપવા માગે છે કે તેમના રહેતાં મુસલમાન માથું ઊંચકી શકશે નહીં."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો