You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'એ આગમાં મારી બહેન પણ ફસાઈ હતી', દિલ્હીમાં લાગેલી આગમાં 27 લોકોનાં મૃત્યુ
"4.45 વાગ્યાની આસપાસ મારી બહેનનો કૉલ આવ્યો હતો. તેણે કહ્યું કે અહીં ઑફિસમાં આગ લાગી ગઈ છે. મેં પૂછ્યું ફાયર બ્રિગેડ આવી ગઈ છે? તો તેણે કહ્યું ના ગાડી નથી આવી, તમે જલદી આવી જાવ."
"હું 15 મિનિટમાં અહીં પહોંચી ગયો. મેં આવીને કૉલ કર્યો તો એ સામે મને જોવા મળી. બિલ્ડિંગમાં ઉપર. મેં એને કહ્યું કે તું પાછળના ભાગેથી કૂદી જા. "
"હવે મારી બહેન મને મળતી નથી, એ બાદ મારો ફોન પણ એને લાગ્યો નથી. ફોન સ્વીચ ઑફ આવે છે"
આ શબ્દો છે શુક્રવારે દિલ્હીની એક બિલ્ડિંગમાં લાગેલી આગ બાદ પોતાની બહેનને શોધનારા ઇસ્માઇલ ખાનના.
દિલ્હીના મુંડકા વિસ્તારમાં એક બિલ્ડિંગમાં લાગેલી આગમાં ઓછામાં ઓછા 27 લોકોનાં મોત થયાં છે. દિલ્હીના આઉટર ડિસ્ટ્રિક્ટના ડીસીપી સમીર શર્માએ આ ઘટનાની પુષ્ટી કરી છે.
બીબીસી સંવાદદાતા દિલનવાઝ પાશાને જિલ્લાના એડિશનલ ડીસીપીએ જણાવ્યું કે બિલ્ડિંગમાં લાગેલી આગને હવે બુઝાવી દેવામાં આવી છે અને ઘાયલોની સંજય ગાંધી અને દીન દયાળ ઉપાધ્યાય હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
બીબીસી સંવાદદાતા અભિનવ ગોયલે જાણકારી આપી છે કે સંજય ગાંધી હૉસ્પિટલની અંદર નાગરિક સુરક્ષા વિભાગે પોતાનું એક હેલ્પ ડૅસ્ક બનાવ્યું છે.
જેના પ્રમાણે અત્યાર સુધી 19 લોકો લાપત્તા હોવાની જાણકારી મળી છે. જેમાંથી ચાર પુરુષ અને 19 મહિલાઓ છે. આ લોકો આ જ બિલ્ડિંગમાં કામ કરતા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ફાયર બ્રિગેડના સ્ટાફે બીબીસીને જણાવ્યું, "મોટા ભાગના મૃતદેહો બિલ્ડિંગના બીજા માળેથી મળ્યા છે. પૂરી બિલ્ડિંગ પર તેમની ટીમનું નિયંત્રણ થઈ ગયું છે. પ્રથમ માળે લાગેલી આગ બુઝાવી દેવામાં આવી છે."
દિલ્હીના મુખ્ય મંત્રીએ મુંડકાની લીધી મુલાકાત, મૃતકોને 10 લાખ વળતરની જાહેરાત
દિલ્હીના મુંડકામાં સર્જાયેલા ભીષણ અગ્નિકાંડના બીજા દિવસે મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ અને ઉપમુખ્ય મંત્રી મનીષ સિસોદિયાએ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી.
આ દરમિયાન તેમણે અધિકારીઓ પાસેથી ઘટના સંદર્ભે તમામ માહિતી મેળવી હતી.
મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે આ ઘટનાને લઈને એક હેલ્પ ડેસ્ક બનાવવામાં આવ્યું છે. જેથી જે પરિવારના લોકો ગુમ છે, તેમના વિશે જાણકારી મળી શકે. આ સિવાય પરિવારજનો સાથે સંપર્ક પણ કરાવવામાં આવી રહ્યો છે.
આ સિવાય તેમણે કહ્યું હતું કે મૅજિસ્ટ્રેટ સ્તરની તપાસના આદેશ આપવામાં આવ્યા છે. મૃતકોના પરિવારજનો માટે દસ-દસ લાખ રુપિયા વળતરની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે ઈજાગ્રસ્તોને 50-50 હજાર રુપિયા વળતર આપવામાં આવશે.
અરવિંદ કેજરીવાલે ખાતરી આપી હતી કે તપાસ પૂર્ણ થયા બાદ કડક કાર્યવાહી કરવામાં આવશે.
આ પહેલાં મોડી રાત્રે તેમણે ટ્વીટ કરીને ઘટના અંગે શોક વ્યક્ત કર્યો હતો.
તેમણે ટ્વિટર પર લખ્યું, "આ દુઃખદ ઘટના વિશે જાણીને દુખી છું. હું સીનિયર અધિકારીઓના સતત સંપર્કમાં છું. આપણા બહાદુર ફાયરબ્રિગેડના જવાનો આગ પર કાબૂ મેળવવા અને લોકોનો જીવ બચાવવા સતત પ્રયત્નો કરી રહ્યા છે. ભગવાન સૌનું ભલું કરે."
વડા પ્રધાન અને રાષ્ટ્રપતિએ શું કહ્યું?
દિલ્હીની આ આગ મામલે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દુખ વ્યક્ત કર્યું છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટર પર લખ્યું, "દિલ્હીમાં લાગેલી ભીષણ આગમાં લોકોનાં મોતથી ખૂબ જ દુખી છું."
શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદના છે. ઘાયલો જલદી જ સાજા થાય તેવી કામના કરું છું."
વડા પ્રધાન મોદીએ બીજી ટ્વિટમાં એલાન કર્યું કે કે દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોના પરિવારોને પીએમ નેશનલ રિલિફ ફંડમાંથી બે-બે લાખ જ્યારે ઘાયલોને 50 હજાર રૂપિયા આપવામાં આવશે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વિટર પર લખ્યું, "હું દિલ્હીમાં મુંડકા સ્ટેશન પાસે આગની આ ભયાનક ઘટનાથી ખૂબ જ દુખી છું."
"દુખી પરિવારો સાથે મારી સંવેદના છે. હું ઘાયલોને ઝડપથી સ્વસ્થ થાય તેવી કામના કરું છું."
બીબીસી સંવાદદાતા દિલનવાઝ પાસા સાથે વાત કરતાં એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે આ આગમાં તેમનાં બહેન પણ ફસાયાં હતાં, હવે તેની કોઈ જાણકારી મળી રહી નથી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો