શ્રીલંકાના સંકટમાંથી મોદી સરકારે શો બોધપાઠ લેવો જોઈએ?

    • લેેખક, સરોજસિંહ
    • પદ, બીબીસી સંવાદદાતા

ભારત અને શ્રીલંકા વચ્ચે આમ તો તુલના કરી શકાય તેવી નથી. અર્થવ્યવસ્થાની દૃષ્ટિએ શ્રીલંકા બહુ નાનો દેશ છે અને વસતિ પણ ભારતની સરખામણીમાં ખૂબ જ ઓછી છે.

તો પણ સોશિયલ મીડિયા પર હાલના દિવસોમાં અનેક એવી પોસ્ટ જોવા મળે છે કે 'કેટલાક દિવસ પહેલાં શ્રીલંકામાં જે કાંઈ થઈ રહ્યું હતું તે હાલ ભારતમાં થઈ રહ્યું છે. તો શું ભારત પણ શ્રીલંકાના રસ્તે છે?'

આ સવાલના જવાબમાં અનેક સ્ક્રીનશૉટ શૅર કરવામાં આવી રહ્યા છે જેમાં શ્રીલંકાની હેડલાઇનથી સમાચાર છપાયા છે, જેમાં હલાલ બહિષ્કાર, મુસ્લિમોની દુકાનો અને મસ્જિદો પર હુમલાઓ અને ખ્રિસ્તીઓ સાથે થયેલી હિંસાના સમાચાર છે.

જોકે આ સમાચારોનો શ્રીલંકાના સંકટમાં કેટલો હાથ છે, આના વિશે નિષ્ણાતોનો મત અલગઅલગ છે, પરંતુ એક વાત પર નિષ્ણાતોનો એકમત છે કે આ સંકટમાંથી બોધપાઠ લેવો જોઈએ.

શ્રીલંકામાં આજે જે કંઈ થઈ રહ્યું છે તેની કહાણી આર્થિક સંકટ તરીકે શરૂ થઈ હતી, પરંતુ આ આર્થિક સંકટની અસર રાજકીય સંકટના રૂપમાં દુનિયા સામે આવી છે.

ભારત શ્રીલંકામાંથી શું શીખી શકે છે?

ભારત શ્રીલંકામાંથી શું બોધપાઠ શકે છે, તેને બે ભાગમાં વહેંચી શકાય છે – આર્થિક બાબતો અને રાજકીય બાબતોનો બોધપાઠ.

સોનીપતની અશોકા યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રના પ્રોફેસર પૂલાપી બાલકૃષ્ણ કહે છે દુનિયાની તમામ અર્થવ્યવસ્થાઓ આમ તો અલગ હોય છે, પરંતુ કેટલીક ફૉર્મ્યૂલા એવી હોય છે જે તમામને લાગુ થાય છે.

દાખલા તરીકે જો ખોરાકનો જરૂરી સામાન કોઈ દેશમાં જરૂરી પ્રમાણમાં ઉત્પન્ન થતો નથી, તો તેણે બીજા દેશમાંથી તેની આયાત કરવી પડે છે. જેના માટે વિદેશી મુદ્રાની જરૂર હોય છે.

વિદેશી મુદ્રા મેળવવા માટે તે દેશે કેટલીક નિકાસ કરવી પડે છે, જેના માટે આંતરરાષ્ટ્રીય બજારમાં ચાલી રહેલી સ્પર્ધા માટે પણ તૈયાર રહેવું પડે છે.

પ્રોફેસર પૂલાપી બાલકૃષ્ણ કહે છે, "આર્થિક મોરચા પર જે સૌથી પહેલો બોધપાઠ ભારતે મેળવવાની જરૂર છે અને તે એ છે કે વિદેશી મુદ્રા ભંડોળ પર નજર રાખવાની જરૂર છે. ભારતનું વિદેશી મુદ્રા ભંડોણ છેલ્લા થોડા સમયમાં ઘટ્યું જરૂર છે, પરંતુ હાલ તે એક વર્ષની આયાતની ચુકવણી કરવા માટે ઘણું છે. આ રીતે ભારત માટે ચિંતાની કોઈ વાત નથી."

"પરંતુ લાંબા સમયે કેન્દ્ર સરકારે એ વાત પર ધ્યાન આપવાની જરૂર છે કે ભારત સરકાર પોતાના આયાત બિલમાં ઘટાડો કરે."

પારંપરિક રીતે માનવામાં આવે છે કે કોઈ દેશનું વિદેશી મુદ્રા ભંડોળ ઓછામાં ઓછા સાત મહિનાની આયાત માટે પૂરતું હોવું જોઈએ.

બીજો બોધપાઠ આમાં જ છુપાયેલો છે.

આયાત બિલમાં ઘટાડા તરફ પગલાં લેવાં

ભારત માટે જરૂરી છે કે આવનારા દિવસમાં વૈકલ્પિક ઊર્જાના સ્રોત, કોલસા માટે વિદેશ પરની નિર્ભરતામાં ઘટાડો સાથે જ ખાવાના તેલનું ઉત્પાદન ભારતમાં વધે તેના પર ધ્યાન આપવું. આ રીતે આયાત બિલમાં ઘટાડો કરવામાં અને આત્મનિર્ભર થવામાં મદદ મળશે.

આંકડાઓ પ્રમાણે ભારત પોતાની જરૂરિયાતનું કુલ 80-85 ટકા ક્રૂડ બહારના દેશોમાંથી આયાત કરે છે. ગત કેટલાક દિવસોથી રશિયા-યુક્રેન સંકટની વચ્ચે ક્રૂડના ભાવમાં વધારો નોંધાયો છે.

જો ભારત આ પ્રકારે ક્રૂડ માટે દુનિયાના વિવિધ દેશો પર નિર્ભર રહેશે અને ક્રૂડના ભાવ વધતા રહેશે તો વિદેશી મુદ્રાભંડાર ખાલી થતા સમય નહીં લાગે.

આ કારણે ભારતે ઝડપથી ઊર્જાના વૈકલ્પિક સ્ત્રોતો પર નિર્ભરતા વધારવી પડશે. આ રાતોરાત તો નહીં થઈ શકે, આના માટે લાંબું પ્લાનિંગ કરવું પડશે.

આ જ સ્થિતિ કોલસાના ક્ષેત્રની છે. વીજળી માટે ભારત આયાતી કોલસા પર નિર્ભર છે. હાલના દિવસોમાં કેટલાંક રાજ્યોએ વીજસંકટનો સામનો કર્યો છે.

ખાવાનું તેલ અને સોનું – આ બંનેની કહાણી કોલસા અને પેટ્રોલ-ડિઝલથી અલગ નથી. ભારતના આયાત બિલનો મોટો ભાગ આના પર જ ખર્ચ થાય છે.

આ નિર્ભરતાને ઘટાડવા માટે સરકારની સાથે સાથે જનતાએ પણ પહેલ કરવાની જરૂર છે.

શ્રીલંકા સંકટની બીજી બાજુ રાજકીય પણ છે. આ રીતે જોઈએ તો એવી ઘણી વસ્તુઓ જેમાંથી ભારત બોધપાઠ મેળવી શકે છે.

સત્તાનું કેન્દ્રીકરણ

પ્રોફેસર પૂલાપી કહે છે કે સત્તાનું કેન્દ્રીકરણ એટલે કે કેટલાક લોકોના હાથોમાં વર્ષો સુધી દેશની સત્તા હોવી એ દેશના હિતમાં નથી.

શ્રીલંકા વિશે તેઓ કહે છે કે જે પ્રકારે ત્યાં સત્તામાં રાજપક્ષે પરિવારનો વર્ષો સુધી દબદબો રહ્યો છે, તેવી સ્થિતિ કેટલાક અંશે ભારતમાં પણ છે. અહીં પણ આર્થિક અને રાજકીય નિર્ણયો લેવાનો અધિકાર સરકારના કેટલાક જ સલાહકારોના હાથમાં છે. આમ તો ભારતમાં તમામ સરકાર (કેરળની રાજ્ય સરકાર હોય કે મોદી સરકાર) પક્ષપાતી વલણ રાખીને કામ કરી રહી છે.

તેમના કહેવા પ્રમાણે શ્રીલંકા સંકટથી બોધપાઠ લેતા ભારત સરકારને આ નીતિમાં પરિવર્તન લાવવાની જરૂર છે.

બહુસંખ્યકવાદનું રાજકારણ

શ્રીલંકામાં સિંહલા વસતી બહુમતીમાં છે અને તમિલો લઘુમતીમાં. અહીં સરકાર પર હંમેશાં બહુમતવાદનું રાજકારણ કરવાનો આરોપ લાગતો રહે છે.

એવો જ આરોપ મૂકતા કૉંગ્રેસ નેતા જયરામ રમેશે એક ટ્વીટ પણ કર્યું છે.

તેમણે લખ્યું, "લાંબા સમય સુધી શ્રીલંકાના વિદ્યાર્થી રહેવાના કારણે હું કહી શકું છું કે આ સુંદર દેશના સંકટનાં મૂળિયાં ટૂંકા ગાળાની હાલની આર્થિક બાબતોથી પણ વધારે ગત એક દાયકાથી દેશમાં ભાષા, ધર્મ અને સાંસ્કૃતિક બહુમતીવાદમાં છે. આમાં ભારત માટે એક બોધપાઠ છે."

આજે ભારતમાં તમામ રાજ્યો પર હિંદી ભાષા થોપવાનો આરોપ અનેક બિનભાજપશાસિત રાજ્યો લગાવી રહ્યા છે. હિજાબ, લાઉડસ્પીકર, મંદિર-મસ્જિદ વિવાદ, મીટ પર વિવાદના સમાચાર હાલના દિવસોમાં દેશનાં અલગઅલગ રાજ્યોમાંથી આવી રહ્યા છે.

પ્રોફેસર પૂલાપી કહે છે, "બહુમતવાદી રાજકારણને હું સાંસ્કૃતિક એજન્ડા સાથે જોડીને જોઉં છું. આ પ્રકારના રાજકારણના કારણે દેશના એક તબક્કાને અહેસાસ થાય છે કે પોતે અલગ છે. આનું પરિણામ એ આવે છે કે સરકારનું ધ્યાન અસલી મુદ્દાઓ પરથી ભટકી જાય છે."

આવું જ કંઈક શ્રીલંકામાં થયું. ભારતમાં પણ અનેક દિવસોથી અલગઅલગ રાજ્યોમાં આવું થઈ રહ્યું છે.

જ્યારે કોઈ દેશમાં આવું થઈ રહ્યું હોય ત્યારે તેમાં સૌથી મોટી ભૂમિકા સિવિલ સોસાયટી અને બંધારણીય સંસ્થાઓની પણ હોય છે.

આ તરફ ઇશારો કરીને કોટક મહિન્દ્રા બૅન્કના સીઈઓ ઉદય કોટકે ટ્વીટ કર્યું, "રશિયા-યુક્રેન યુદ્ધ ચાલી રહ્યું છે અને તેમાં મુશ્કેલીઓ વધી રહી છે. દેશોની સાચી પરીક્ષા હવે છે. ન્યાયાલય, પોલીસ, સરકાર, સંસદ જેવી સંસ્થાઓની તાકાતનો અર્થ રહેશે. એ કરવું જે સાચું છે, લોકલાગણીવાળું નહીં, મહત્ત્વપૂર્ણ છે. એક 'સળગતું લંકા' આપણને સૌને કહે છે કે શું ના કરવું જોઈએ."

મનોહર પર્રિકર સુરક્ષા સંશોધન અને વિશ્લેષણ સંસ્થા (આઈડીએસએ)માં શ્રીલંકાની બાબતો પર નજર રાખનારા ઍસોસિયેટ ફેલો ડૉકટર ગુલબીન સુલતાના પણ ઉદય કોટકની વાત સાથે સહમત જણાય છે.

શ્રીલંકાની આજની સ્થિતિ માટે તેઓ અનેક બાબતોને કારણભૂત માને છે. તેમના કહેવા પ્રમાણે દેવાનો બોજ, સરકાર ચલાવવાની પદ્ધતિ, તેમની નીતિઓ તમામ વસ્તુઓ ક્યાંક ને ક્યાંક જવાબદાર છે.

આ કારણે તેઓ કહે છે કે ભારત સરકાર આટલો બોધપાઠ તો મેળવી શકે છે કે ગવર્નન્સને પણ નજરઅંદાજ ના કરવું જોઈએ અને માત્ર વોટના રાજકારણ માટે નિર્ણય ના કરવો જોઈએ, જેમ શ્રીલંકાની સરકારે કર્યો.

ઉદાહરણ આપતા તેઓ કહે છે, "2019માં રાષ્ટ્રપતિ ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગોટાબાયા રાજપક્ષેએ જનતાને ટૅક્સમાં છૂટ આપવાનો વાયદો કર્યો હતો. જ્યારે સત્તામાં આવ્યા તો તેમણે આને લાગુ કરી દીધો. આ ટૅક્સમાં છૂટના કારણે સરકારની કમાણી પર બહુ મોટી અસર પડી."

સ્પષ્ટ હતું કે વાયદો કરતી વખતે માત્ર ચૂંટણીમાં મળનારા ફાયદા વિશે વિચારવામાં આવ્યું.

નિષ્ણાતોના મતને અર્થવ્યવસ્થા પરની અસરને નજરઅંદાજ કરવામાં આવી. એવામાં જરૂર હતી કે સંસદ અને ન્યાયાલય અથવા સિવિલ સોસાયટીનો અવાજ બુલંદ થયો હોત.

ભારતમાં ચૂંટણીમાં આવા વાયદાઓ ખૂબ કરવામાં આવે છે. ક્યારેક મામલો કોર્ટમાં પણ પહોંચે છે. ક્યારેક સિવિલ સોસાયટી આનો વિરોધ કરે છે, તો ક્યારેક દેશની સંસદમાં હંગામો પણ થાય છે.

શ્રીલંકા સંકટમાંથી મળતો મોટો બોધપાઠ એ છે કે સંસ્થાઓએ વધારે સજાગ રહેવાની જરૂર છે.

ટૂંકાગાળાના ફાયદા માટે લાંબું નુકસાન

ડૉક્ટર સુલતાના શ્રીલંકા સરકારના એક બીજા મહત્ત્વના નિર્ણય તરફ ધ્યાન આપવા કહે છે.

શ્રીલંકાના આર્થિક સંકટની વચ્ચે સરકારને એવું લાગ્યું કે જો અન્ન પરની આયાતને રોકી દેવાશે તો વિદેશી મુદ્રા બચાવી શકાશે. એપ્રિલ 2021માં ગોટાબાયા રાજપક્ષેએ ખેતીમાં ઉપયોગમાં લેવાતાં તમામ રસાયણોની આયાત પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી હતી.

પરંતુ સરકાર આ નિર્ણયનાં દૂરગામી પરિણામ વિશે વિચારી ના શકી. પરિણામ એ આવ્યું કે ઉત્પાદન પર અસર પડી. ખાતર વિના કૃષિ ઉત્પાદન ખૂબ ઓછું થયું. નવેમ્બર આવતાં આવતાં સરકારે નિર્ણય બદલવો પડ્યો.

આ કારણે ડૉક્ટર સુલતાના કહે છે, "સરકાર દ્વારા લેવાયેલા નિર્ણયમાં અલગઅલગ નિષ્ણાતોનો મત લેવો જરૂરી છે. ભારત સરકારે આ પણ સમજવાની જરૂર છે. ટૂંકા ગાળાના ફાયદા માટે લેવાયેલા નિર્ણય લાંબા સમયમાં નુકસાનકર્તા હોઈ શકે છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો