હિંદુ હોય કે મુસલમાન, ભારતમાં લોકો ઓછાં બાળકોને જન્મ આપી રહ્યા છે?

    • લેેખક, સુશીલાસિંહ અને શાદાબ નઝમી
    • પદ, બીબીસી સંવાદદાતા

"મેં માત્ર એક જ બાળક રાખવાનું નક્કી કર્યું, કારણ કે અમારી આર્થિક સ્થિતિ એવી નથી કે હું બીજું બાળક પેદા કરી શકું."

ઉત્તર પ્રદેશના કાનપુરનાં રહેવાસી સલમા (નામ બદલ્યું છે) કહે છે કે તેમને સાસરિયાઓ ઉપરાંત માતા તરફથી પણ બીજા બાળકનું દબાણ હતું.

તેઓ કહે છે, "મારી એક દીકરી છે અને મારી ઉંમર 40 વર્ષની છે, પરંતુ હવે મારા પર બીજા બાળકનું દબાણ છે. હું તેમને એટલું જ કહું છું કે તમે મારા બીજા બાળકનો ખર્ચ ઉપાડશો? મેં અને મારા પતિએ નક્કી કર્યું છે કે અમારે અમારી દીકરીને સારું શિક્ષણ આપવું છે, બસ."

સલમા જેવી જ વાત જયપુરમાં રહેતાં રાખીની છે, રાખીએ પણ પરિવારને એક પુત્ર સુધી જ મર્યાદિત રાખવાનો નિર્ણય લીધો છે.

સલમા અને રાખીએ પરિવારને એક કે બે બાળકો સુધી સીમિત રાખવાનો નિર્ણય લીધો, જ્યારે એનએફએચએસ-5ના આંકડા પર નજર કરીએ તો, મહદઅંશે ભારતમાં આવું જ ચિત્ર જોવા મળે છે, જ્યાં છેલ્લાં થોડાં વર્ષોમાં કુલ પ્રજનન દરમાં ઘટાડો થયો છે.

નેશનલ ફેમિલી હેલ્થ સર્વે અથવા એનએફએચએસ-5ની નવીનતમ માહિતી વિશે વાત કરીએ તો ભારતમાં તમામ ધર્મો અને વંશીય જૂથોમાં કુલ પ્રજનનદરમાં ઘટાડો થયો છે.

આ સર્વે અનુસાર, એનએફએચએસ -4 (2015-2016)માં પ્રજનનદર 2.2 હતો, તે એનએફએચએસ -5 (2019-2021)માં ઘટીને 2.0 થઈ ગયો છે.

વિશ્લેષકોના મતે કુલ પ્રજનનદરમાં ઘટાડો થવાનો અર્થ એ છે કે યુગલ સરેરાશ બે બાળકોને જન્મ આપે છે. પરિવારો કદમાં નાના થઈ ગયા છે, જોકે આ પરિવારને નાનો રાખવા પાછળ એનાં સામાજિક અને આર્થિક કારણો છે.

સામાન્ય રીતે સંયુક્ત પરિવારનું માળખું હવે સમાપ્ત થઈ રહ્યું છે અને કામ કરતા દંપતીઓ માટે નાણાકીય દબાણ તેમજ બાળકોની સંભાળ પણ નાનું કુટુંબ રાખવા પાછળનું મુખ્ય કારણ છે.

જોકે, વિશ્લેષકો એમ પણ કહે છે કે સમાજમાં એક એવો વર્ગ છે જે પુત્રની ઈચ્છામાં પોતાને બે બાળકો સુધી મર્યાદિત રાખતો નથી.

'ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફૉર પૉપ્યુલેશન સાયન્સ'ના પ્રોફેસર એસ.કે. સિંહ અને રિપોર્ટના એક લેખકે આ દરમાં ઘટાડા માટે ઘણાં કારણો દર્શાવ્યાં છે.

તેમના મતે, "છોકરીઓની લગ્નની ઉંમરમાં વધારો થયો છે અને તેમના શાળામાં જવાનાં વર્ષોમાં વધારો થયો છે, ઉપરાંત ગર્ભનિરોધકનો ઉપયોગ વધ્યો છે અને બાળમૃત્યુદરમાં પણ ઘટાડો થયો છે."

સાથે જ, તેઓ કહે છે કે જે ધર્મો અથવા સામાજિક જૂથોમાં ગરીબી વધુ છે અને શિક્ષણનું સ્તર નબળું છે, ત્યાં કુલ પ્રજનનદર વધારે હોવાનું જાણવા મળ્યું છે.

ગ્રામીણ અને શહેરી તફાવત

શહેરોમાં પ્રજનનદર 1.6 છે, જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં પ્રજનનદર 2.1 છે. આ સર્વેને લઈને એવી પણ ઘણી ચર્ચા થઈ રહી છે કે મુસ્લિમોમાં પ્રજનનદર નોંધપાત્ર રીતે નીચે આવ્યો છે.

'પૉપ્યુલેશન ફાઉન્ડેશન ઑફ ઈન્ડિયા'નાં ઍક્ઝિક્યુટિવ ડિરેક્ટર પૂનમ મુટરેજા કહે છે કે 50ના દાયકા (1951)માં ભારતનો કુલ પ્રજનનદર અથવા ટીઆરએફ લગભગ 6 હતો, તેથી વર્તમાન આંકડો એક સિદ્ધિ છે. આંકડા સ્પષ્ટપણે દર્શાવે છે કે જ્યાં મહિલાઓ શિક્ષિત છે ત્યાં તેમનાં બાળકો ઓછાં છે. આ સાથે સરકારની મિશન પરિવાર યોજનાએ પણ આમાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે.

સાથે જ પૂનમ મુટરેજાએ પ્રજનનદરમાં કોઈ ચોક્કસ ધર્મ ઉમેરવા સામે વાંધો ઉઠાવતાં કહે છે, "ભારતના સૌથી વધુ વસ્તી ધરાવતા રાજ્ય ઉત્તર પ્રદેશમાં હિન્દુ પરિવારોમાં ટીઆરએફ 2.29 છે, તો તામિલનાડુમાં મુસ્લિમ મહિલાઓમાં ટીઆરએફ 1.93 છે."

"આવી સ્થિતિમાં ધર્મને બદલે તેને શિક્ષણ અને આર્થિક કારણો સાથે જોડવું યોગ્ય રહેશે, કારણ કે જ્યાં મહિલાઓ શિક્ષિત છે ત્યાં એ ઓછાં બાળકો પેદા કરી રહી છે."

ભારતના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે વર્ષ 2016માં 'મિશન પરિવાર વિકાસ'ની શરૂઆત કરી હતી.

આ યોજના જ્યાં પ્રજનનદર ઊંચો છે તેવા ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ અને આસામ જેવાં સાત રાજ્યોના 145 જિલ્લાઓમાં શરૂ કરવામાં આવી હતી. આ મિશનનું ધ્યેય વર્ષ 2025 સુધીમાં પ્રજનનદરને 2.1થી ઓછો કરવાનું છે.

જ્યારે ટીઆરએફ 2.1 સુધી પહોંચે છે, ત્યારે તેને 'રિપ્લેસમેન્ટ લેવલ ફર્ટિલિટી' કહેવામાં આવે છે. આ આંકડા સુધી પહોંચવાનો અર્થ એ છે કે આગામી ત્રણથી ચાર દાયકામાં દેશની વસ્તી સ્થિર થશે.

ગર્ભનિરોધકનો મુદ્દો

જો આપણે સ્ત્રી અને પુરૂષો વચ્ચેના ગર્ભનિરોધક વિશે વાત કરીએ, તો તેમાં મોટો તફાવત છે.

15-49 વર્ષની વયની સ્ત્રીઓમાં નસબંધીનો દર 37.9 ટકા છે, જ્યારે પુરુષોની નસબંધીનો દર ઘણો ઓછો એટલે કે 0.3 ટકા છે. પરંતુ પુરુષોમાં કૉન્ડોમનો ઉપયોગ વધીને 9.5% થયો છે, જે અગાઉના એનએફએચએસ-4માં 5.6 હતો.

આ સર્વેક્ષણમાં એ વાત પણ બહાર આવી છે કે 35 કે તેથી વધુ વયની મહિલાઓમાંથી 27% મહિલા એક કરતાં વધુ બાળક ઇચ્છે છે અને માત્ર 7% મહિલા બે કરતાં વધુ બાળકો ઇચ્છે છે.

મુંબઈમાં આઈઆઈપીએસના સિનિયર રિસર્ચ ફેલો નંદલાલ બીબીસીને કહે છે કે કુટુંબ નિયોજનમાં પુરુષોની સમાન ભાગીદારીનો અભાવ એ ચિંતાનો વિષય છે.

તેઓ કહે છે, "વર્ષ 1994માં વસ્તી અને વિકાસ પર આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાઈ હતી, જેમાં કુટુંબ નિયોજનને મૂળભૂત માનવઅધિકાર બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો, પરંતુ 25 વર્ષ પછી પણ પરિસ્થિતિમાં બહુ બદલાવ આવ્યો નથી અને જ્યાં મહિલાઓ કુટુંબ નિયોજન અંગે નિર્ણય લઈ શકતી નથી, ત્યાં પરિસ્થિતિ ખરાબ છે."

પ્રાચી ગર્ગને જાહેર આરોગ્યસેવાઓમાં કામ કરવાનો 18 વર્ષનો અનુભવ છે અને તેઓ આર્ગનૉન ઇન્ડિયા ખાતે દક્ષિણ એશિયાનાં પ્રમુખ પણ છે. આર્ગનૉન ઇન્ડિયા સમગ્ર વિશ્વમાં મહિલાઓના સ્વાસ્થ્ય પર કામ કરે છે.

આની શું અસર થશે?

પ્રાચી માને છે કે ભારતમાં ગર્ભનિરોધકનો બોજ મહિલાઓ પર વધુ છે, તેથી તેઓ તેમના સ્વાસ્થ્ય પર ભાર મૂકવાનું કહે છે.

પ્રાચી ગર્ગ અનુસાર, "ભારતની લગભગ 65 વસ્તી યુવા છે, જેનો દેશને ફાયદો પણ થઈ રહ્યો છે. પરંતુ ભવિષ્યમાં આ યુવાઓની સંખ્યા ઘટશે અને વૃદ્ધોની વસ્તી વધી જશે, તેનાથી સામાજિક સંતુલનને પણ અસર થશે."

"જો જાપાન, ચીન અને તાઈવાન જેવા એશિયાના દેશો સાથે સરખામણી કરવામાં આવે તો તેઓ આર્થિક રીતે વધુ સક્રિય થયા પરંતુ તેમના પરિવારના કદ પર વિપરીત અસર પડી હતી, તેમના માટે હવે સંતુલન જાળવવાનો મોટો પડકાર બની ગયો છે."

ચીનની વાત કરીએ તો, તેની 'એક બાળક નીતિ' વિશ્વના સૌથી મોટા કુટુંબ નિયોજન કાર્યક્રમો પૈકીની એક છે. આ પૉલિસી વર્ષ 1979માં શરૂ કરવામાં આવી હતી અને તે લગભગ 30 વર્ષ સુધી ચાલી હતી.

વિશ્વ બૅન્ક અનુસાર, ચીનનો પ્રજનનદર 2000માં 2.81થી ઘટીને 1.51 થયો હતો અને તેની ચીનના શ્રમબજાર પર મોટી અસર પડી હતી.

પરંતુ પ્રાચી ગર્ગ એ વાતને લઈને આશાવાદી છે કે પ્રજનનદર ઘટવાથી મહિલાઓને સ્વાસ્થ્ય અને શિક્ષણ ક્ષેત્રે ફાયદો થશે અને શ્રમબજારમાં મહિલાઓની ભાગીદારી પણ વધશે, જેનાથી દેશના આર્થિક વિકાસમાં પણ વધારો થશે.

પ્રોફેસર એસ.કે. સિંહ કહે છે કે "વર્તમાનમાં ભારત માટે વસ્તી સ્થિરતા ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. જોકે પ્રજનનદર હવે નીચે આવ્યો છે, વસ્તીને સ્થિર થવામાં લગભગ 40 વર્ષ લાગશે, એટલે કે 2060ની આસપાસ વસ્તી સ્થિર થશે."

"ભારત હાલમાં તેની યુવા વસ્તીનો ફાયદો ઉઠાવી રહ્યું છે અને તે પછી આ વૃદ્ધિ દર દરેક ઉંમરે સ્થિર રહેશે અને સંતુલન પણ જળવાઈ રહેશે, તેથી એશિયાના અન્ય દેશો સાથે સરખામણી કરવી ખોટી ઠરશે."

"વિશ્લેષકો પ્રજનનદર અંગે આશાવાદી હોવા છતાં, તેઓ એવા સવાલો પણ ઉઠાવી રહ્યા છે કે ભારત જેવા સામાજિક વાતાવરણમાં એક સંતુલન જાળવવાની પણ જરૂર છે, એ કે જ્યાં નાના પરિવારો ક્યાંક કાકા, કાકી, મામા જેવા સંબંધોનો અંત ન લાવી દે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો