You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રનિલ વિક્રમસિંઘે : સંસદમાં માત્ર એક જ સીટ મેળવનાર છઠ્ઠી વાર શ્રીલંકાના વડા પ્રધાન કેવી રીતે બન્યા?
- લેેખક, રંજન અરુણ પ્રસાદ
- પદ, બીબીસી તમિલ માટે
શ્રીલંકામાં રાજકીય સંકટ બાદ હવે નવા વડા પ્રધાનની જાહેરાત કરવામાં આવી છે. રનિલ વિક્રમસિંઘે શ્રીલંકાના નવા વડા પ્રધાન બન્યા છે.
રનિલ વિક્રમસિંઘે શ્રીલંકાના રાજકારણનું એક પ્રભાવી વ્યક્તિત્વ છે.
ગત સંસદીય ચૂંટણીમાં તેમની યુનાઈટેડ નેશનલ પાર્ટીને ભારે હારનો સામનો કરવો પડ્યો હતો. તેમની પાર્ટીને ચૂંટણીમાં એક પણ સંસદીય બેઠક મળી નહોતી. જોકે, તેમની પાર્ટીને શ્રીલંકાની રાષ્ટ્રીય સંસદીય સૂચિના સભ્યપદ થકી એક બેઠક મળી હતી.
આ એક સંસદીય બેઠકનો ઉપયોગ કરીને રનિલ વિક્રમસિંઘે 225 અન્ય સભ્યો પૈકીના એક તરીકે તેમની સંસદીય બાબતોનું સંચાલન કરી રહ્યા છે.
બીબીસી રનિલના રાજકીય જીવન પર એક નજર નાખે છે.
જન્મ અને શિક્ષણ
રનિલનો જન્મ 24 માર્ચ, 1949ના રોજ એસ્મન્ડ વિક્રમસિંઘે અને નલિની વિક્રમસિંઘેને ત્યાં થયો હતો. તેમણે કોલંબોની રૉયલ કૉલેજમાં સ્નાતક અને કોલંબો યુનિવર્સિટીમાં અનુસ્નાતક સુધીનો અભ્યાસ કર્યો હતો.
તેમણે પોતાની કારકિર્દી વકીલ તરીકે શરૂ કરી અને પછી રાજકારણમાં પ્રવેશ કર્યો હતો.
રાજકીય જીવન
રનિલ વિક્રમસિંઘેએ પોતાના રાજકીય જીવનની શરૂઆત ગમ્પાહા જિલ્લામાંથી કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
1970માં તેમને યુનાઈટેડ નેશનલ પાર્ટીના કેલાનિયા મતવિસ્તારના મુખ્ય આયોજક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા અને તેમને બિયાગામા મતવિસ્તારના મુખ્ય આયોજક બનાવવામાં આવ્યા હતા.
તેમને બિયાગામાથી સંસદીય બેઠક મળી અને જેઆર જયવર્દનેની સરકારમાં યુવામંત્રી બનાવવામાં આવ્યા હતા. તેમનો પ્રથમ પોર્ટફોલિયો યુવા બાબતો અને રોજગારનો હતો.
પછી તેઓ યુનાઈટેડ નેશનલ પાર્ટીના અગ્રણી નેતા તરીકે પ્રગતિ કરતા ગયા.
1 મે, 1993ના રોજ શ્રીલંકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રણસિંઘે પ્રેમદાસાનું એલટીટીઈના એક આત્મઘાતી બૉમ્બહુમલામાં મૃત્યુ થયું હતું. ત્યાર બાદ ડીબી વિજેતુંગાની વચગાળાની સરકાર બની હતી, જેમાં રનિલને વડા પ્રધાન બનાવવામાં આવ્યા.
ત્યાર બાદ 2001માં તેઓ બીજી વખત વડા પ્રધાન બન્યા હતા.
જાન્યુઆરી 2015માં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં રનિલ-મૈત્રીપાલ ગઠબંધનની સફળતા બાદ રનિલ ત્રીજી વાર વડા પ્રધાન બન્યા હતા.
તે જ વર્ષે સંસદ ભંગ કરવામાં આવી હતી અને ફરી ચૂંટણી યોજાઈ હતી, ત્યારે પણ રનિલ જીતી ગયા અને ફરીથી વડા પ્રધાન બન્યા હતા.
'ગૂડ ગવર્નન્સ' તરીકે ઓળખાતા 2015-2019ના સમયગાળા દરમિયાન રાજકીય અસમંજસની પરિસ્થિતિને પગલે તત્કાલીન રાષ્ટ્રપતિ મૈત્રીપાલ સિરિસેનાએ પોતાની સત્તાનો ઉપયોગ કરીને રનિલ વિક્રમસિંઘેને બદલીને મહિંદા રાજપક્ષેને વડા પ્રધાન બનાવ્યા હતા.
જોકે હાઈકોર્ટના ચુકાદાના આધારે તેમને ફરીથી પાંચમી વખત વડા પ્રધાન બનાવવામાં આવ્યા હતા.
2019માં જ્યારે ગોટાબાયા રાજપક્ષે રાષ્ટ્રપતિની ચૂંટણી જીત્યા ત્યારે રનિલ વડા પ્રધાનપદ પરથી હટી ગયા હતા. ગોટાબાયાની સરકારમાં યોજાયેલી ચૂંટણીમાં તેમને અભૂતપૂર્વ હારનો સામનો કરવો પડ્યો હતો.
જોકે તેમની પાર્ટીને રાષ્ટ્રીય યાદી દ્વારા એક સંસદીય બેઠક મળી હતી. એ બેઠક પરથી રનિલ સંસદમાં ગયા હતા.
છેલ્લા કેટલાક મહિનાઓથી શ્રીલંકાની અર્થવ્યવસ્થા સતત કથળતી ગઈ અને હવે જ્યારે સામાજિક-રાજકીય કટોકટીનો માહોલ સર્જાયો છે, ત્યારે રનિલને ફરીથી છઠ્ઠી વખત વડા પ્રધાન બનાવવામાં આવ્યા છે.
ખૂબીઓ અને ખામીઓ
બીબીસીએ શ્રીલંકાના વરિષ્ઠ પત્રકાર આર શિવરાજા સાથે રનિલ વિક્રમસિંઘેની ખામી, ખૂબીઓ અને કુશળતા પર વાત કરી.
તેઓ કહે છે કે રનિલની સૌથી મોટી તાકાત છે ટીકાનો સામનો કરવો અને શાંત રહેવું.
તેમણે કહ્યું, "જ્યારે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ મૈત્રીપાલ સિરિસેનાએ રનિલની આકરી ટીકા કરી હતી, ત્યારે પણ તેમણે તેમને કોઈ પ્રતિભાવ નહોતો આપ્યો. તેમણે કહ્યું કે મૈત્રીપાલને યોગ્ય લાગ્યું તેમ તેમણે કર્યું અને તેઓ ખસી ગયા. તેમની આ ખાસિયતથી તેમને સૌને સાથે રાખીને ચાલવામાં મદદ મળશે."
આ સિવાય શિવરાજા કહે છે, રનિલ ધૈર્યવાન પણ છે, તેઓ રાજદ્વારીઓ સાથે સારા સંબંધો જાળવી રાખે છે. તે ઉતાવળા નિર્ણયો પણ લેતા નથી, જે તેમની શક્તિમાં વધારો કરે છે.
શિવરાજાને પણ લાગે છે કે રનિલના રાજકીય અનુભવને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે તેમણે એક જ સમયે ભારત અને ચીન સાથે સૌહાર્દપૂર્ણ સંબંધો જાળવી રાખ્યા હતા.
શિવરાજા કહે છે, "તેઓ શ્રીલંકાના અન્ય રાજકારણીઓ જેવા આંતરરાષ્ટ્રીય સંપર્કો પણ ધરાવે છે, જે પણ એક તાકાત છે."
તેમણે ઉમેર્યું હતું કે રનિલના કાર્યકાળમાં જ શ્રીલંકાના યુવા બાબતો અને સ્પૉર્ટ્સ વધુ સારી સ્થિતિમાં પહોંચ્યું હતું.
શિવરાજા કહે છે, "રનિલની એક નબળાઈ એ છે કે તેમને સમાજનો નીચલાવર્ગ પસંદ નથી કરતો."
કારણ જણાવતા તેઓ કહે છે, "તેમનો ઉછેર રાજકીય પરિવેશમાં થયો હતો. તેને છુપાવવા માટે તેઓ મહોરું પહેરી શક્યા હોત. પરંતુ તેમણે તેમ ન કર્યું. તેઓ પોતાની આ નબળાઈ જાણે છે અને હવે તેને સુધારી શકે છે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો