શ્રીલંકાના રાષ્ટ્રપતિએ પોતાના ભાઈ મહિંદા રાજપક્ષેનું રાજીનામું સ્વીકાર્યું, હિંસામાં કેટલા લોકો મર્યાં?

શ્રીલંકામાં અત્યાર સુધીની સૌથી મોટી આર્થિક કટોકટીએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે. ત્યારે ગઈકાલે શ્રીલંકાના વડા પ્રધાન મહિંદા રાજપક્ષેએ રાજીનામું આપ્યું હતું. જે આજે સ્વીકારી લેવામાં આવ્યું છે.

આ અંગેની માહિતી શ્રીલંકન સરકાર દ્વારા એક પત્ર જાહેર કરીને માહિતી આપવામાં આવી છે.

આ ઉપરાંત હિંસક વિરોધપ્રદર્શનમાં અત્યાર સુધી સાત લોકોનાં મૃત્યુ થયાં છે, જ્યારે પાંચ લોકોની પરિસ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

અત્યાર સુધી હિંસામાં 231 લોકો ઈજાગ્રસ્ત થયા છે. જેમાંથી 218 લોકો કોલંબો નૅશનલ હૉસ્પિટલમાં સારવાર મેળવી રહ્યાં છે.

પ્રદર્શનકારીઓએ વડા પ્રધાન અને સાંસદોનાં ઘરો સળગાવી દીધાં

શ્રીલંકા આર્થિક સંકટ સામે મથી રહ્યું છે અને સરકારવિરોધી પ્રદર્શનો હિંસક થઈ ગયાં છે. પ્રદર્શનકારીઓએ વડા પ્રધાનના પૈતૃક ઘર અને સત્તાધારી પક્ષના 15 કરતાં વધારે સભ્યોનાં ઘરો અને ઑફિસોને આગ ચાપી દીધી છે.

રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેએ વધી રહેલી હિંસાને પગલે ગઈકાલે રાત્રે બે દિવસ માટે કર્ફ્યૂ લાદી દીધો છે.

આ સાથે સેના અને પોલીસ વડા પ્રધાનના સરકારી આવાસને ભીડથી બચાવવા માટે મથી રહી છે, ભીડને વિખેરવા માટે હવામાં ફાયરિંગ પણ કરાયાં છે.

સાંસદોનાં ઘરોને પણ આગ ચાંપી

દેશભરમાં હિંસા ફેલાયેલી છે, હિંસા દરમિયાન થયેલા ગોળીબારમાં વર્તમાન સાંસદ સહિત કુલ પાંચ લોકોએ જીવ ગુમાવ્યા છે. આ વચ્ચે શ્રીલંકાના વડા પ્રધાન મહિંદા રાજપક્ષે રાજીનામું આપી દીધું છે.

રાજધાની કોલંબોમાં વડા પ્રધાન અને રાષ્ટ્રપતિના ઘરની બહાર ફાટી નીકળેલી આ હિંસામાં અંદાજે 20 લોકો ઘાયલ થયા છે. સાથે જ સત્તાધારી પાર્ટીના એક નેતાઓ કથિત રીતે પ્રદર્શનકારીઓ પર ગોળીઓ ચલાવી હતી અને પછી આપઘાત કર્યો હતો.

પોલીસનું હવામાં ફાયરિંગ

સત્તાધારી પાર્ટીના સમર્થકોએ પોલીસના બૅરિકેડ તોડીને લાકડીઓથી પ્રદર્શનકારીઓ પર હુમલો કર્યો ત્યારે પોલીસે ટિયરગૅસના સેલ છોડ્યા હતા અને વૉટર-કેનનનો ઉપયોગ પણ કર્યો હતો.

માર્ચ મહિનાની શરૂઆતથી ભાવવધારા અને પાવરમાં કાપના કારણે લોકો વિરોધપ્રદર્શન કરી રહ્યાં છે.

સ્થાનિક હૉસ્પિટલના કહેવા પ્રમાણે અંદાજે 78 લોકો સોમવારે થયેલી હિંસામાં ઘાયલ થયા છે. શ્રીલંકાના અનેક લોકો રાષ્ટ્રપતિનું રાજીનામું પણ માગી રહ્યા છે.

રાજપક્ષેની તરફેણ અને વિરોધમાં પ્રદર્શનો

વર્ષ 1948માં બ્રિટનથી આઝાદ થયા બાદ શ્રીલંકા હાલ અત્યાર સુધીના સૌથી મોટા આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. ઈંધણની આયાત માટે જરૂરી વિદેશી હૂંડિયામણની કમીને આનું મુખ્ય કારણ માનવામાં આવે છે.

કોલંબોના ગૉલફેસમાં ગત એક મહિનાથી વડા પ્રધાન અને રાષ્ટ્રપતિના રાજીનામાની માગ સાથે વિરોધપ્રદર્શનો થઈ રહ્યાં હતાં.

સોમવારે મહિંદા રાજપક્ષેના સમર્થકો પણ કોલંબોમાં તેમના ઘર પાસે જમા થઈ ગયા અને તેમને રાજીનામું ન આપવા માટે કહ્યું હતું.

આમાંથી કેટલાંક લોકોએ મહિંદા રાજપક્ષે સાથે મુલાકાત કરી અને તેમની સાથે વાત પણ કરી. પછી તે ત્યાંથી નીકળીને ગૉલ ફેસ ખાતે પ્રદર્શનસ્થળ તરફ કૂચ કરવાની જાહેરાત કરી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો