You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બનાસકાંઠા : હિંદુ યુવતી સાથે લગ્ન કરી જ્યારે મુસ્લિમ યુવકે પત્નીને ત્રિપલ તલાક આપ્યા
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
"મારા પતિના અન્ય યુવતીઓ સાથેના અફેરની મને જાણ થઈ તો તેમણે મને ઘરમાંથી કાઢી મૂકી."
"હું મારી દીકરી સાથે રહેતી હતી એવામાં એમણે હિંદુ યુવતી સાથે ગુપ્ત રીતે લગ્ન કરી લીધાં. એ યુવતીની કૂખે દીકરાનો જન્મ થયો એટલે મને ત્રણવાર તલાક...તલાક...તલાક... કહીને ડાઇવોર્સ આપી દીધા. આજે એમને સજા થઈ અને મારી દીકરીના ભરણપોષણની વ્યવસ્થા થઈ તેથી મને ન્યાય મળ્યાનો સંતોષ છે"
આ શબ્દો છે પાલનપુરનાં શહનાઝ બાનોના.
2019માં અમલી બનેલા નવા કાયદા હેઠળ ગેરકાયદે રીતે ટ્રિપલ તલાક આપનાર પાલનપુરના સરકારી ઇજનેરને એક વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે. ટ્રિપલ તલાકના ગુનામાં ગુજરાતમાં સંભળાવવામાં આવેલી આ પહેલી સજા છે.
પાલનપુર જિલ્લા કોર્ટમાં આ કેસ બે વર્ષ અને પાંચ મહિના ચાલ્યો હતો.
ફરિયાદી શહનાઝ બાનો બીબીસી સાથે કેસ અંગે વાત કરતાં કહે છે, "અમારાં લગ્ન મુસ્લિમ શરિયત પ્રમાણે જૂન 2012માં થયા હતા. અમારી આર્થિક સ્થિતિ નબળી હતી."
"મારા પતિ સરફરાઝ સીપુ ડૅમમાં વર્ગ-2માં સરકારી ઇજનેર હતા."
"શરૂઆતમાં અમારું લગ્નજીવન સારું ચાલ્યું. 2014માં હું દીકરી મન્નતની માતા બની. દીકરીના જન્મ પછી મારા પતિ મારાથી ઊખડેલા રહેવા લાગ્યા."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"હું કારણ જાણતી નહોતી. મને અમારા સંબંધીઓએ જાણ કરી કે મારા પતિનું તેમની ઑફિસમાં કામ કરતી હિંદુ યુવતી સાથે અફેર છે."
"મને વાત માનવામાં નહોતી આવતી. મેં પૂછ્યું તો મને ધમકાવીને ચૂપ કરી દીધી. પરંતુ 2017માં સરફરાઝ એમની ઑફિસમાં કામ કરતી યુવતી સાથે ભાગી ગયા."
કેસ દાખલ કરીને પાછો ખેંચ્યો
શહનાઝ બાનોના કહેવા પ્રમાણે, "પતિ અન્ય યુવતીને લઈને ભાગી જતા તેઓ તેમના પિયર ગયાં. તેમના ભાઈ અને કાકાને વાત કરી અને તેમણે 2017માં અદાલતમાં ભરણપોષણનો કેસ દાખલ કર્યો."
અહીં મામલો ગૂંચવાયો. સમાજના દબાણમાં આવીને શહનાઝના પરિવારે સમાધાન કર્યું, કેસ પાછો ખેંચ્યો અને શહેનાઝ ફરી પતિના ઘરે રહેવાં ગયાં.
શહનાઝ કહે છે, "કેમકે જો હું પિયર રહું તો મારે ' ઇદ્દત' (ઇદ્દત એટલે કે ઇસ્લામના કાયદા મુજબ ત્રણ મહિના સુધી પતિથી અલગ રહે તો છૂટાછેડા મંજૂર ગણાય)માં રહેવું પડે. તો સમાધાનની શક્યતા ન રહે. એ વખતે મારી દીકરી ત્રણ વર્ષની હતી એટલે ફરી સાથે રહેવાનું નક્કી કર્યું."
શહનાઝ બાનો આગળ કહે છે, "મેં કોર્ટ સમક્ષ પણ આ કહ્યું હતું કે એ સમયે મારાં સાસુ મહેરુન્નિસા અને નણંદ સુલતાનાએ મને ખાતરી આપી હતી કે મારા પતિ સરફરાઝ હવે એ યુવતી સાથે સંબંધ નહીં રાખે."
પતિની છેતરપિંડીની વિશે વાત કરતાં શહનાઝ કહે છે, "એમના વચન પર હું પરત આવી એ વખતે મારા પતિ સરફરાઝ 'દીકરીને પાલનપુરની સારી શાળામાં દાખલ કરાવીએ' એમ કહીને અમને પાલનપુર લઈ આવ્યાં."
"અમને પાલનપુરના જામપુરામાં ભાડે મકાન અપાવ્યું અને દીકરીને અંગ્રેજી માધ્યમની શાળામાં દાખલ કરાવી."
"આ પહેલાં હું મારાં સાસુ મેહરુન્નિસા અને નણંદ સુલતાના બહેન સાથે સંયુક્ત પરિવારમાં હેબતપુર રહેતી હતી."
શહનાઝ બાનો કહે છે કે, "મારા પતિ ઘરે ન આવે ત્યારે ઑફિસના કામનું બહાનું બતાવે અથવા હેબતપુર હોવાનું કહી દે."
છેતરપિંડીના એ નાટકીય ઘટનાક્રમનો અંજામ જણાવતા કહે છે, "અચાનક 17 સપ્ટેમ્બર 2019ના રોજ અચાનક મારાં સાસુ અને નણંદ મારા ઘરે આવ્યા અને મને પેંડાનું બૉક્સ આપતા કહ્યું કે સરફરાઝની બીજી પત્નીએ દીકરાને જન્મ આપ્યો છે એની વધામણીના આ પેંડા છે."
"મેં સવાલ કર્યો કે સરફરાઝના એ યુવતી સાથે સંબંધ નથી રહ્યા તો તેમની કૂખે દીકરો કેવી રીતે જનમ્યો અને તમે મને એના પેંડા કેમ આપો છો?"
"જવાબમાં મને માર મારતાં મારાં નણંદ સુલતાનાએ કહ્યું કે મારો ભાઈ સરકારી નોકરી કરે છે અને તે યુવતી પણ સરકારી નોકરી કરે છે. તેં અમને શું આપ્યું? "
"મને માર મારીને ઘરની બહાર કાઢી મૂકવાની વાત કરી. એટલી વારમાં પતિ સરફરાઝ ત્રણ વાર તલાક... તલાક... તલાક બોલી ગયા અને મને પહેરેલાં કપડે ઘરની બહાર કાઢી મૂકી."
શહનાઝ બાનો એ કોર્ટમાં કહ્યું છે કે તેમને 17 તારીખે પતિએ તલાક આપ્યા તેની ફરિયાદ છેક 20મી તારીખે એટલા માટે નોંધાવી કેમકે દરમિયાન સમાજના લોકો સમાધાન કરાવવાના પ્રયત્નો કરતા હતા જેથી તેમને 'ઇદ્દત'માં ન જવું પડે.
દિકરાનો જન્મ થયો એટલે ઇસ્લામિક કાયદાનો ઉપયોગ કરીને પહેલી પત્નીને છોડી દીધી
શહનાઝના વકીલ જી.ડી. મકવાણાએ બીબીસી સાથે વાત કરતા કહ્યું, "વ્યવસાયે એન્જિનિયર સરફરાઝ આયોજનબદ્ધ રીતે આગળ વધ્યા હતા. તેમણે પહેલા હિંદુ યુવતી સાથે લગ્ન કરી લીધાં. યુવતીએ દિકરાને જન્મ આપ્યો એટલે ઇસ્લામિક કાયદાનો ઉપયોગ કરીને પહેલી પત્નીને છોડી દીધી."
"તેમણે તલાક-એ-અહસાન અને તલાક-એ-હસનના નામે તલાક આપ્યા હોવાનું કહ્યું હતું."
"આ બંને પદ્ધતિ કુરાન અને હદીસ દ્વારા માન્ય ગણાય છે. જોકે તેમણે શહનાઝ બાનોને તલ્લાક-એ-બિદ્દતથી છૂટાછેડા આપ્યા હતા, જે કુરાન કે હદીસમાં માન્ય નથી."
"તલાક પત્નીને મંજૂર ન હોય ત્યારે પતિની જવાબદારી બને છે કે તેમણે આપેલા તલાક ઇસ્લામિક કાયદાને અનુરૂપ હોવા જોઈએ."
ઍડવોકેટ મકવાણાના કહેવા પ્રમાણે, "સરફરાઝ એ સાબિત કરવામાં નિષ્ફળ ગયા એટલે જજ જી.એસ. દરજીએ ક્રિમિનલ પ્રોસિજર કોડની કલામ 248(2) અને મુસ્લિમ વુમન પ્રોટેક્શન રાઇટ ઑન ડિવૉર્સની કલમ 3 અને 4 મુજબ સરફરાઝને ગુનેગાર ઠેરવીને તેમને એક વર્ષની કેદ અને 5000 રૂપિયાના દંડનો ચુકાદો આપ્યો છે."
તેઓ કહે છે, "આ ગુજરાતમાં ટ્રિપલ તલાકના ગુનામાં થયેલી પહેલી સજા છે."
કોર્ટના ચુકાદા બાદ બીબીસીએ સરફરાઝના કાકા ઇમરાન ડાલીગરા દ્વારા એમનાં માતા મહેરુન્નિસા અને સુલતાનાનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમણે કોઈ પ્રતિક્રિયા આપવાનો ઇનકાર કર્યો હતો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો