You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
જ્યારે નરેન્દ્ર મોદીએ ઘર છોડ્યું ત્યારે હીરાબાએ કહ્યું કે 'હું પાગલ જેવી થઈ ગઈ હતી'
- લેેખક, જયદીપ વસંત
- પદ, બીબીસી ગુજરાતી માટે
યહૂદીઓમાં એક કહેવત છે, 'બાળક જે નથી કહેતું, તે માતા સમજી જાય છે.'
આ બાબત કોઈ સામાન્ય બાળક માટે જેટલી સાચી છે, એટલી જ વડા પ્રધાન નરેન્દ્ર મોદી માટે પણ ખરી છે.
જાહેરજીવનમાં સક્રિય બન્યા બાદ પરિવારજનોમાંથી મોદી સાર્વજનિક રીતે માત્ર માતા સાથે જોડાયેલા જોવા મળતા હતા. 1967માં માતા-પુત્ર પ્રથમ વખત વિખૂટા પડ્યાં હતાં.
બુધવારે (28 ડિસેમ્બર) હીરાબાની તબિયત કથળતા તેમને અમદાવાદની યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઑફ કાર્ડિયૉલૉજી ઍન્ડ રિસર્ચ સેન્ટર ખાતે દાખલ કરવામાં આવ્યાં હતાં, આજે તેમનું નિધન થયું છે.
આ પહેલાં ડિસેમ્બર મહિનાના પ્રથમ અઠવાડિયામાં ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણી પૂર્વે મોદીએ માતા સાથે ગાંધીનગરમાં મુલાકાત કરી હતી. બીજા દિવસે વડા પ્રધાને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ માતા હીરાબાના 100મા જન્મદિવસે બ્લૉગ લખ્યો હતો, જેમાં કદાચ પ્રથમ વખત સાર્વજનિક રીતે વિસ્તારપૂર્વક તેમણે પોતાનાં માતા વિશેની લાગણીઓ વ્યક્ત કરી હતી.
જ્યારે હીરાબાને મોદીની ચિંતા થઈ
જમ્મુ-કાશ્મીરમાં ઉગ્રવાદીઓએ જાહેરાત કરી હતી કે તા. 26મી જાન્યુઆરી, 1992ના દિવસે શ્રીનગરના લાલચોકમાં તિરંગો ઝંડો ફરકાવવા દેવામાં નહીં આવે.
અડવાણીની રામ રથયાત્રાની સફળતાથી ઉત્સાહિત ભાજપે કન્યાકુમારીથી 'એકતાયાત્રા' કાઢવાની જાહેરાત કરી હતી, જેનું નેતૃત્વ મુરલી મનોહર જોશી કરી રહ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
લગભગ દોઢ મહિના સુધી ચાલેલી આ રથયાત્રા દરમિયાન નરેન્દ્ર મોદી સતત જોશીની સાથે રહ્યા હતા. ફગવારા ખાતે એકતાયાત્રા દરમિયાન હુમલો થયો હતો.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમના બ્લૉગમાં લખે છે, 'એ સમયે મારાં માતા ખૂબ જ ચિંતિત હતાં. બે જણે મારા ખબર જાણવા માટે ફોન કર્યો હતો. એક હતા અક્ષરધામના પ્રમુખ સ્વામી મહારાજ અને મારાં માતા. મારી સાથે વાત કરીને એમને રાહત થઈ હતી.'
ભારે સુરક્ષા વચ્ચે જોશીએ તિરંગો ફરકાવ્યો, ત્યારે નરેન્દ્ર મોદી તેમની પાસે હતા. જ્યારે મોદી તથા અન્ય કાર્યકરો ગુજરાતમાં પરત ફર્યા, ત્યારે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
મોદીનું કહેવું છે કે હીરાબાએ તેમના માત્ર બે સાર્વજનિક કાર્યક્રમોમાં ભાગ લીધો છે. એક વખત જ્યારે તેઓ એકતાયાત્રામાંથી પરત ફર્યા ત્યારે અને બીજું જ્યારે તેમણે પ્રથમ વખત મુખ્ય મંત્રી તરીકે શપથ લીધા ત્યારે.
વિદાયની વેળાએ...
વડનગરમાં લગભગ 17 વર્ષ વીતાવ્યા બાદ મોદીએ ગૃહત્યાગ કરવાનો નિર્ણય જાહેર કર્યો હતો. નરેન્દ્ર મોદીને આધ્યાત્મ અને સાધુસંતોની સંગતમાં સવિશેષ રુચિ હતી. મોદી વિશેનાં પુસ્તકો અને લેખોમાં આના વિશે ઘણું લખાયું છે.
નરેન્દ્ર મોદી ભારતના વડા પ્રધાન બન્યા તે પહેલાં ફ્રેન્ચ લેખિકા સોન્તલ દેલોબેલ-આર્દિનોએ તેમના વિશે 'Narendra Modi : A Life For India' નામનું પુસ્તક લખ્યું હતું, જેમાં હીરાબાને ટાંકતા માતા-પુત્ર વચ્ચેના સંવાદને (પેજ નંબર 65) નોંધ્યો છે.
"બા, આપણે ત્યાં પરંપરા છે કે પતિના ઘરે જવા માટે દીકરી માતા-પિતાનું ઘર છોડે છે. મારી વિદાયને પણ એવી જ રીતે જુઓ અને હું જે કંઈ કરીશ તે દેશને માટે કરીશ."
"ઘર છોડતાં પહેલાં બે દિવસ સુધી તેઓ મારી સાથે રહ્યા.... મેં તેમના માથે તિલક કર્યું અને થોડા રૂપિયા આપ્યા. તેઓ ઘર છોડી ગયા....એ પછીના મહિનાઓમાં વિષાદમાં હું પાગલ જેવી થઈ ગઈ હતી."
મોદીએ પોતાના બ્લૉગમાં લખ્યું છે કે જ્યારે તેમણે પિતાને ઘર છોડવા વિશે વાત કરી, ત્યારે તેમણે કહ્યું કે 'જેમ ઠીક લાગે તેમ કર.' જ્યારે મોદીએ કહ્યું કે તેઓ માતા-પિતાના આશીર્વાદ વગર ઘર નહીં છોડે ત્યારે એ ઇચ્છાનું સન્માન કર્યું અને કહ્યું, "મન કહે એમ કરજે." માતાએ દહીં-ગોળ ખવડાવીને અશ્રુભીની વિદાય આપી.
એ પછીના બે વર્ષ સુધી નરેન્દ્ર મોદીએ હિમાલયમાં ભ્રમણ કર્યું, રાજકોટમાં રામકૃષ્ણ આશ્રમમાં રહ્યા અને ત્યાંથી કલકત્તાના બેલ્લુરમઠ ગયા. તેમણે સાધુ-સંતોની નિશ્રામાં આધ્યાત્મિક, ધાર્મિક ઉન્નતિ સાધવાનો પ્રયાસ કર્યો.
માતા, મોદી અને પુનઃમુલાકાત
પરિવારજનો, પાડોશીઓ અને મિત્રો પાસે આ વિચરણ અંગે કોઈ વિસ્તૃત માહિતી નથી, પરંતુ જેવી અચાનક તેમની વિદાય હતી, એવું જ અણધાર્યું તેમનું આગમન હતું.
વરિષ્ઠ પત્રકાર એમવી કામથ તથા કાલિંદી રાંદેરી તેમનાં પુસ્તક 'નરેન્દ્ર મોદી : ધ આર્કિટેક્ટ ઑફ અ મૉર્ડન સ્ટેટ'માં (પેજ. 20) લખે છે :
'1969ના અંતભાગમાં કે 1970ની શરૂઆતમાં કોઈ પણ જાતની આગોતરી જાણ કર્યા વગર તેઓ વડનગરના ઘરે પરત ફર્યા હતા. તેમની દાઢી વધી ગઈ હતી અને ભ્રમણનો માર વર્તાતો હતો. બહેન વાસંતી હરખઘેલાં થઈ ગયાં અને બૂમો પાડીને માતાને અંદરથી બોલાવ્યાં. જ્યારે મોદી શાંત અને સ્થિર ઊભા હતા.'
તેઓ મોદીને વળગી પડ્યાં અને કોઈ વાલી પૂછે એવો સવાલ કર્યો, 'ક્યાં હતો?' ત્યારે મોદીએ જવાબ આપ્યો 'હિમાલયમાં'.
હીરાબાએ જમવામાં કોઈ મિષ્ઠાન બનાવવાનું કહ્યું, પરંતુ યુવા નરેન્દ્રે માત્ર રોટલો અને શાક બનાવવાનો આગ્રહ કર્યો.
દામોદરદાસ ઘરે ન હતા. મોદી ઘરેથી નીકળ્યા, પિતાને મળવા નહીં, પરંતુ આરએસએસની શાખાએ જવા માટે. તેઓ પોતાના ગુરુ વકીલસાહેબને મળવા માગતા હતા.
પાછળથી હીરાબાએ નરેન્દ્ર મોદીની નાનકડી બૅગને ફંફોસી તો તેમાં બદલવાનાં કપડાં, એક જોડી શૉર્ટસ, શાલ અને માતાનો ફોટોગ્રાફ હતા.
બીજા દિવસે મોદી અમદાવાદમાં મામાને મળવા નીકળી ગયા. તે પછી વડનગરના ઘરની જ્વલ્લે જ મુલાકાત લીધી હતી.
કુમારને 'તું' ન કહ્યું
નરેન્દ્ર મોદી નાના હતા, ત્યારે પરિવારમાં તેમનું નામ 'કુમાર' હતું.
પિતા દામોદરદાસને આ નામ વિશેષ પ્રિય હતું. માતાની 100મી જંયતી ઉપરના લેખમાં મોદીએ લખ્યું, "હું જ્યાં પણ હતો, જેવી પણ સ્થિતિમાં હતો, માતાના આશીર્વાદ હંમેશાં મારી સાથે હતા."
'મારાં માતા હંમેશાં મારી સાથે ગુજરાતીમાં વાત કરતાં હતાં. ગુજરાતમાં નાની ઉંમરના કે સરખી ઉંમરના લોકોને હંમેશાં 'તું' કહેવામાં આવે અને મોટી ઉંમરના વરિષ્ઠને 'તમે' કહીએ છીએ. હું નાનો હતો ત્યારે માતા હંમેશાં મને 'તું' કહીને બોલાવતાં. જોકે, એક વખત મેં ઘર છોડ્યું અને નવો પથ લીધો, એ પછી તેમણે મને 'તું' કહેવાનું બંધ કરી દીધું અને હંમેશાં 'આપ' કે 'તમે' કહીને જ બોલાવતાં.
'નરેન્દ્ર મોદી : ધ ગૅમચેન્જર'માં (પેજ નંબર.9) સુદેશ વર્મા વડા પ્રધાને તેમના મિત્રને કહેલી વાત ટાંકે છે, "માણસ જ્યારે મોટો થાયને ત્યારે તેને મા બહુ યાદ આવે. પરંતુ શું કરે, તે પોતાના પ્રણથી બંધાયેલો છે."
ઉંમરના કોઈક તબક્કે દરેકને કદાચ આ વિચાર આવે જ છે, એટલે ચર્ચિત શાયર મુનવ્વર રાણાએ લખ્યું હતું :
"મેરી ખ્વાહિશ હૈ કી મેં ફિર સે ફરિશ્તા હો જાઉં,
મા સે ઇસ તરહ લિપટ જાઉં કે બચ્ચાં હો જાઉં."