You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
"ઘર ચલાવવા માટે...માતા બીજાનાં ઘરે જઈને વાસણ ધોતાં" જ્યારે પીએમ મોદીએ કરી હતી હીરાબાની વાત
વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં માતા હીરાબાનું નિધન થયું છે. તેમને અમદાવાદની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં.
વર્ષ 2022માં 18 જૂને હીરાબાએ 100મા વર્ષમાં પ્રવેશ કર્યો હતો. માતાના 100મા જન્મદિવસ નિમિત્તે વડા પ્રધાન મોદીએ ગાંધીનગરસ્થિત નિવાસસ્થાને તેમની મુલાકાત લીધી હતી.
આ મુલાકાત બાદ તેમણે એક ભાવુક બ્લૉગ લખ્યો હતો. જેમાં માતા હીરાબા સાથે સંકળાયેલી કેટલીક યાદો શૅર કરી હતી.
વડા પ્રધાને બ્લૉગમાં શું લખ્યું હતું?
વડા પ્રધાને પોતાના બ્લૉગમાં લખ્યું કે, "મા, આ માત્ર એક શબ્દ જ નથી. જીવનની આ એવી ભાવના છે જેમાં સ્નેહ, ધૈર્ય, વિશ્વાસ, અન્ય પણ ઘણું બધું સમાયેલું હોય છે. આજે હું પોતાની ખુશી, પોતાના સૌભાગ્ય વિશે આપ સૌને વાત કરવા માગું છું. મારાં મા, હીરાબા આજે 18 જૂનના રોજ પોતાના સોમા વર્ષમાં પ્રવેશી રહ્યાં છે, એટલે કે તેમના જન્મશતાબ્દી વર્ષનો પ્રારંભ થઈ રહ્યો છે."
પીએમ મોદીએ કદાચ પ્રથમ વાર સાર્વજનિકપણે પોતાના પિતાનો ઉલ્લેખ કર્યો હતો.
તેમણે લખ્યું હતું કે, "જો પિતાજી આજે હોત, તો ગત અઠવાડિયે તેઓ પણ 100 વર્ષનાં થઈ ગયા હોત. એટલે કે વર્ષ 2022 એક એવું વર્ષ છે જ્યારે માતાના જન્મશતાબ્દી વર્ષનો પ્રારંભ થયો છે, તેમજ આ જ વર્ષે મારા પિતાનું જન્મશતાબ્દી વર્ષ પૂર્ણ થયું છે."
વડા પ્રધાન મોદીએ લખ્યું હતું કે, "આમ તો અમારા ત્યાં જન્મદિવસ ઊજવવાની કોઈ પરંપરા નથી રહી. પરંતુ પરિવારના નવી પેઢીનાં બાળકોએ પિતાજીના જન્મશતાબ્દી વર્ષમાં આ વખત 100 છોડ વાવ્યા છે."
પીએમ મોદીએ પોતાના જીવ માટે માતાપિતાને ધન્યવાદ કરતાં લખ્યું કે, "આજે મારા જીવનમાં જે પણ કાંઈ સારું છે, મારા વ્યક્તિત્વમાં જે કાંઈ પણ સારું છે, તે માતા અને પિતાજીની દેણ છે. આજે જ્યારે હું અહીં દિલ્હીમાં બેઠો છું, ત્યારે ઘણું બધું જૂનું યાદ આવી રહ્યું છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હીરાબાનું બાળપણ
પીએમ મોદીએ જણાવ્યું હતું કે તેમનાં માતાનો જન્મ મહેસાણા જિલ્લાના વીસનગરમાં થયો હતો.
હીરાબહેનના જન્મના અમુક દિવસ બાદ જ તેમનાં માતા એટલે કે પીએમનાં નાનીનું મૃત્યુ થયું હતું.
પીએમ મોદી લખે છે કે, "મારી માતાનું બાળપણ માતાવિહોણું જ વીત્યું, તેઓ પોતાનાં માતા સામે ક્યારેય હઠ ન કરી શક્યાં, માતાને અક્ષરજ્ઞાન પણ ન મળી શક્યું, તેમને સ્કૂલનો દરવાજો પણ નથી જોવા મળ્યો. તેમણે જોઈ તો માત્ર ગરીબી અને ચારે બાજુ અભાવ."
વડા પ્રધાન લખે છે કે તેમનાં માતા પરિવારમાં સૌથી મોટાં હતાં અને જ્યારે લગ્ન થયાં ત્યારે પણ સૌથી મોટાં વહુ બન્યાં.
વડા પ્રધાન મોદી પોતાના બાળપણનો ઉલ્લેખ કરતાં લખ્યું હતું કે "વડનગરના જે ઘરમાં અમે લોકો રહેતાં હતાં તે ખૂબ નાનું હતું. તેમાં કોઈ બારી નહોતી. કોઈ બાથરૂમ નહોતું, અમે તમામ ભાઈબહેન ત્યાં રહેતાં હતાં."
"એ નાનકડા ઘરમાં માને ભોજન રાંધવામાં સરળતા રહે તે માટે પિતાજીએ વાંસ અને લાકડાંના પાટિયાની મદદથી સ્ટેન્ડ બનાવી દીધું હતું. તે જ માતાનું રસોડું હતું. માતા તેના પર જ ચઢીને રસોઈ કરતાં. અને અમે એના પર જ બેસીને ખાતાં."
હીરાબાના સંઘર્ષનો ઉલ્લેખ કરતાં પીએમ મોદીએ લખ્યું, "ઘર ચલાવવા માટે બે-ચાર પૈસા વધુ મળી જાય, તે માટે માતા બીજાનાં ઘરે જઈને વાસણ ધોતાં, સમય કાઢીને ચરખો પણ ચલાવતાં, જેનાથી અમુક પૈસા મળવાની આશા રહેતી. કપાસમાંથી રૂ કાઢવાનું કામ, રૂમાંથી દોરા બનાવવાનું કામ, આ સઘળું મા જાતે જ કરતાં, તેમને ડર રહેતો કે ક્યાંક કપાસના કાંટા અમને ન વાગી જાય."
પીએમ મોદીએ પોતાનાં માતાની રહેણી-કહેણીનો ઉલ્લેખ કરતાં લખ્યું કે તેમનાં માતા શરૂથી જ સાફ-સફાઈને મહત્ત્વ આપતાં હતાં. ઘર સાફ રહે એટલે પોતે જ ઘરને લીપતાં હતાં, ઘરની દીવાલો પર કાચના ટુકડા ચીપકાવીને આકૃતિઓ બનાવતાં હતાં.
મોદી લખ્યું કે તેમનાં માતા આજે પણ પરફેક્શન પર ધ્યાન આપે છે.
તેઓ લખે છે કે, "દર કામમાં પરફેક્શનની તેમની ભાવના આ ઉંમરમાં પણ તેવી જ છે અને ગાંધીનગરમાં હવે તો ભાઈનો પરિવાર છે, ભત્રીજાનો પરિવાર છે, પરંતુ તેઓ પ્રયત્ન કરે છે કે પોતાનું બધું કામ હાથે જ કરે."
પીએમ મોદીએ લખ્યું કે જેમ કોઈ માતા જમાડ્યાં પછી પોતાના બાળકનું મોઢું સાફ કરે છે તેવી જ રીતે માતા હજી પણ આવું જ કરે છે.
તેઓ લખે છે કે, "હું જ્યારે પણ તેમને મળવા પહોંચતો ત્યારે તેઓ મને પોતાના હાથથી મીઠાઈ ખવડાવે છે. મારાં માતા આજે પણ મને કંઈક ખવડાવે તો રૂમાલથી મારું મોઢું સાફ કરે છે. તેઓ પોતાની સાડીમાં હંમેશાં એક રૂમાલ અથવા નાનો ટુવાલ રાખે છે."
પીએમ મોદીએ લખ્યું છે, "તમે પણ જોયું હશે, મારાં માતા ક્યારેય કોઈ પણ સરકારી કે જાહેર કાર્યક્રમમાં મારી સાથે નથી જતાં. અત્યાર સુધી માત્ર બે કાર્યક્રમોમાં જ તેઓ મારી સાથે આવ્યાં હતાં."