નરેન્દ્ર મોદીએ પોતાનાં વિદેશી સંબોધનોમાં શું શું કહ્યું?

    • લેેખક, ટીમ બીબીસી હિન્દી
    • પદ, નવી દિલ્હી
  • તાજેતરમાં કૉંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી દ્વારા બ્રિટનમાં અપાયેલાં ભાષણો અંગે ભાજપ દ્વારા માફીની માગણી કરાઈ રહી છે
  • ભાજપના નેતાઓ અને મંત્રીઓ રાહુલ ગાંધીનાં ભાષણોને ટાંકીને તેમને ‘દેશવિરોધી’ ગણાવી રહ્યા છે
  • આ સમગ્ર ઘટના વચ્ચે હવે કૉંગ્રેસના નેતાઓ નરેન્દ્ર મોદીના એવા વીડિયો શૅર કરી રહ્યા છે જેમાં તેઓ ભૂતકાળની સરકારો વિશે કટુ નિવેદનો આપતા દેખાઈ રહ્યા છે
  • આ મુદ્દાને લઈને ચાલી રહેલા વિવાદને કારણે સંસદના હાલના સત્ર દરમિયાન કામકાજ નથી થઈ રહ્યું
  • કૉંગ્રેસ આ મુદ્દા અંગે સ્પષ્ટતા કરતાં જણાવે છે કે, “સરકારની ટીકા એ દેશની ટીકા નથી”

બ્રિટનની યાત્રા દરમિયાન કૉંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ‘કૅમ્બ્રિજ યુનિવર્સિટી’માં ‘ઇન્ડિયન જર્નાલિસ્ટ્સ ઍસોસિયેશન’ અને બ્રિટનની સંસદના ‘હાઉસ ઑફ કૉમન્સ’ના સભાગારમાં ગત પખવાડિયા દરમિયાન બે અલગ અલગ કાર્યક્રમોમાં વક્તવ્ય આપ્યું.

આ કાર્યક્રમોમાં તેમણે ભારતની હાલની રાજકીય સ્થિતિ અને ભારતની વિદેશનીતિ અંગે પોતાના વિચાર રજૂ કર્યા.

રાહુલ ગાંધીનાં આ નિવેદનો બાદ સત્તા કૉરિડૉરમાં ગરમાવો જોવા મળી રહ્યો છે.

સત્તા પક્ષના નેતા અને મંત્રી રાહુલ ગાંધીની ટીકા કરી રહ્યા છે. કર્ણાટકના હુબલીમાં ચાર દિવસ પહેલાં એક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાહુલ ગાંધીનું નામ ન લીધું, પરંતુ કહ્યું, “અમુક લોકો લંડનમાં ભારતીય લોકશાહીની ટીકા કરી રહ્યા છે.”

કૅમ્બ્રિજ યુનિવર્સિટીમાં રાહુલ ગાંધીએ ભારતને ‘યુનિયન ઑફ સ્ટેટ્સ’ એટલે કે ‘રાજ્યોનો સંઘ’ ગણાવ્યું, તેમણે કહ્યું કે ભારતનું બંધારણ સંઘીય વ્યવસ્થા પર આધારિત છે.

હાલ ભારતીય સંસદનું બજેટ સત્ર ચાલી રહ્યું છે. એક તરફ જ્યાં સંસદમાં વિપક્ષ અદાણી સમૂહની તપાસ માટે સંયુક્ત સંસદીય સમિતિ (જેપીસી)ની માગ કરી રહ્યો છે, ત્યાં સત્તા પક્ષના મંત્રી અને સાંસદ માગ કરી રહ્યા છે કે પોતાના નિવેદન માટે રાહુલ ગાંધી માફી માગે, આ ખેંચતાણ અને હંગામા વચ્ચે સંસદની કાર્યવાહી અટકી પડી છે.

સંસદની બહાર પણ બંને તરફથી કટુ નિવેદનો અપાઈ રહ્યાં છે.

રાહુલ ગાંધીએ ગુરુવારે એક સંક્ષિપ્ત પ્રેસ કૉન્ફરન્સ કરીને આરોપ લગાવ્યો છે કે તેમણે સંસદમાં પોતાની વાત રાખવાની તક નથી અપાઈ રહી.

ઉપરાષ્ટ્રપતિ ધનખડે પણ મેરઠના એક કાર્યક્રમમાં બોલતી વખતે રાહુલ ગાંધીના નિવેદનની ટીકા કરી જેમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે તેમણે સંસદમાં ‘બોલવા નથી દેવાતા’ અને જ્યારે પણ તેઓ બોલે છે ત્યારે ‘માઇક બંધ કરી દેવાય છે.’

રાહુલના આ નિવેદન પર ઉપરાષ્ટ્રપતિ ધનખડનું કહેવું હતું કે, “લોકશાહીના મંદિરનું અપમાન ન થવા દેવાય.”

રાહુલ ગાંધીનાં નિવેદનોને લઈને સ્પષ્ટતા કરતા કૉંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનું કહેવું હતું કે ‘સરકારની ટીકા એ દેશની ટીકા નથી.’

વડા પ્રધાન મોદીના ભારતની પૂર્વ સરકારોની ટીકા કરતા વીડિયો આવ્યા

તેમજ કૉંગ્રેસનાં સોશિયલ મીડિયા પ્રભારી સુપ્રિયા શ્રીનેત સહિત પાર્ટીના ઘણાં નેતાઓએ હવે એવા વીડિયો શૅર કરવાનું શરૂ કર્યું છે, જેમાં નરેન્દ્ર મોદી પોતાની વિદેશયાત્રાઓ થકી અગાઉની સરકારોની ટીકા કરતાં દેખાય-સંભળાય છે.

ગુજરાતના મુખ્ય મંત્રી તરકે નરેન્દ્ર મોદીએ વર્ષ 2013માં ભારતીય મૂળના અમેરિકનોનું સંબોધન કર્યું હતું અને તેમના પ્રશ્નોના જવાબ પણ આપ્યા હતા.

‘વીડિયો કૉન્ફરન્સિંગ’ થકી બોલતી વખતે તેમણે ભારતની વિદેશનીતિની ટીકા કરી હતી અને કહ્યું હતું કે ‘ભારતમાં કમજોર નેતાઓની સરકાર છે.’

તેમણે તત્કાલીન યુપીએની સરકાર પર ‘ભ્રષ્ટાચાર’નો આરોપ લગાવતા કહ્યું હતું કે ‘સરકાર પ્રત્યે લોકોનો વિશ્વાસ’ ખતમ થઈ ચૂક્યો છે.

વર્ષ 2015માં વડા પ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ કૅનેડાની પોતાની મુલાકાત વખતે ટોરંટોમાં જે ભાષણ આપ્યું હતું, તેને લઈને કૉંગ્રેસ પાર્ટીએ તેમની ટીકા કરી હતી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની વિદેશ યાત્રા દરમિયાન પાછલી સરકારની ટીકાને મામલે સંસદમાં હંગામો થયો હતો.

28 એપ્રિલ 2015ના રોજ રાજ્યસભામાં હંગામાની વચ્ચે તત્કાલીન નાણામંત્રી અરુણ જેટલીએ વડા પ્રધાનના બચાવમાં રાજ્યસભામાં કહ્યું હતું કે વડા પ્રધાનની ‘વિદેશ યાત્રા દરમિયાન તેમના બોલવા પર કોઈ પણ પ્રકારના પ્રતિબંધના કોઈ આદેશ નથી.’

એ દિવસે રાજ્યસભામાં કૉંગ્રેસના આનંદ શર્માએ ટોરંટોમાં ‘વડા પ્રધાન દ્વારા અપાયેલ ભાષણ’નો મુદ્દો ઉઠાવ્યો હતો.

આનંદ શર્માનો આરોપ હતો કે, “વડા પ્રધાને કહ્યું હતું કે ભારત ‘સ્કૅમ ઇન્ડિયા’ હતું હવે ‘સ્કિલ ઇન્ડિયા’ બની ગયું છે.”

આ મુદ્દે ભાજપના મુખ્તાર અબ્બાસ નકવી અને આનંદ શર્મા વચ્ચે શાબ્દિક ઘર્ષણ પણ થયું હતું.

આનંદ શર્માએ ગૃહને સંબોધિત કરતાં કહ્યું હતું કે, “ભૂલો થઈ શકે પરંતુ દેશને ‘સ્કૅમ’ન કહી શકાય.”

વર્ષ 2015ના જ મે માસમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ચીન અને દક્ષિણ કોરિયા પ્રવાસ દરમિયાન તેમણે આપેલાં ભાષણોની પણ ટીકા થઈ હતી.

16 મેના રોજ ભારતીય મૂળના લોકોને સંબોધિત કરતાં તેમણે કહ્યું હતું કે, “એક વર્ષ પહેલાં સુધી જેમને શરમ આવતી હતી, તેઓ હવે પોતાની જાતને ભારતીય કહેવામાં ગર્વ મહેસૂસ કરે છે.”

ગત વર્ષે મે માસમાં મોદી યુરોપિયન દેશોના પ્રવાસે હતા જે દરમિયાન તેમણે જર્મનીના બર્લિન ખાતે ભારતીય મૂળના લોકોને સંબોધિત કરતાં પાછલી સરકારોની ટીકા કરી હતી.

તેમણે કહ્યું હતું કે વર્ષ 2014 પહેલાં ભારત ‘વર્ક ઇન પ્રોગ્રેસ’ હતું પરંતુ ‘પાછલાં આઠ વર્ષોથી ભારતે વિકાસની લાંબી છલાંગ લગાવાનું શરૂ કરી દીધું છે.’

વર્ષ 2015ના જ સપ્ટેમ્બર માસમાં અમેરિકાના કૅલિફોર્નિયામાં એક સભામાં બોલતા વડા પ્રધાને કહ્યું હતું કે, “દેશમાં ભ્રષ્ટાચાર એક સંસ્કૃતિ” બની ગયું છે. તેમણે કહ્યું કે નેતાઓ પર આરોપ ખૂબ સરળતાપૂર્વક લાગવા માંડે છે.

સંસદ અને તેની બહાર સતત ચાલી રહેલા વિવાદ વચ્ચે કૉંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેએ 14 માર્ચે વડા પ્રધાન મોદીનાં વિદેશમાં આપેલાં નિવેદનોનો હવાલો આપતાં પ્રશ્ન પૂછ્યો, “શું વડા પ્રધાનનાં આવાં નિવેદન દેશનું અપમાન નથી?”