ખેતરમાં ઝાડ નીચે બેસીને આ યુવાનો બ્લોગિંગથી દર મહિને લાખો રૂપિયા કઈ રીતે કમાય છે?

    • લેેખક, શ્રીકાંત બંગાળે
    • પદ, બીબીસી સંવાદદાતા

“બ્લોગિંગને લીધે જીવનમાં ઘણું બદલાયું છે. બ્લોગિંગ શરૂ કર્યું એ પહેલાં નાનકડું, સાદું ઘર હતું. એ પછી ઘરનું કામ કર્યું. જમીન વગેરે ખરીદી, આઇફોન ખરીદ્યો, લૅપટૉપ લીધું.” – આદિત્ય પાટીલ

“પહેલાં કશું જ ન હતું. સારો મોબાઇલ ફોન ન હતો. બાઇક ન હતી. બ્લોગિંગ શરૂ કર્યા પછી મેં મારું ઘર બનાવ્યું. એક સ્પૉર્ટસ બાઇક ખરીદી, આઇફોન ખરીદ્યો, લૅપટૉપ ખરીદ્યું, ઔરંગાબાદમાં એક પ્લૉટ પણ ખરીદ્યો.” – સૌરભ લોંઢે

બ્લોગિંગને કારણે જીવન કેટલું બદલાયું એવા સવાલના જવાબમાં આદિત્ય અને સૌરભે ઉપર મુજબ જણાવ્યું હતું.

આ બંને બીડ જિલ્લાના ગેવરાઈ તાલુકાના કોળગાંવના રહેવાસી છે. કોળગાંવ હવે ‘બ્લોગર્સ વિલેજ’ નામે ઓળખાય છે.

19 વર્ષના આદિત્ય અને 20 વર્ષના સૌરભ બ્લોગર છે. તે પણ મહારાષ્ટ્રના મરાઠવાડા પ્રદેશના બીડ જિલ્લાના. આ બંને યુવાન એ વિસ્તારના છે, જે દુષ્કાળગ્રસ્ત પ્રદેશ તરીકે ઓળખાય છે.

તેનું કારણ એ છે કે આ ગામમાં લગભગ 250 લોકો બ્લોગિંગ કરે છે. બારમું પાસ તરુણોથી માંડીને ઇજનેરીના ગ્રૅજ્યુએટ યુવાનો સુધીના ઘણા લોકો અહીં બ્લોગિંગ કરતા જોવા મળે છે.

તેને લીધે ગામમાં દરરોજ કોણે, કેટલા ડૉલરની કમાણી કરી તેની ચર્ચા થાય છે, પરંતુ તમે વિચારતા હશો કે આ નાનકડા ગામમાં બ્લોગિંગની શરૂઆત કેવી રીતે થઈ હશે?

આ રીતે થઈ શરૂઆત

ખેડૂત પરિવારના પુત્ર અક્ષય રાસકરની પહેલથી ગામમાં બ્લોગિંગની શરૂઆત થઈ હતી.

અક્ષય પુણેમાં નોકરી કરતા હતા, પરંતુ ત્યાંથી કંટાળીને ગામ ભણી પરત ફર્યા હતા. એ પછી એક વાર નાસિક જવાનું થયું હતું. નાસિકમાં તેમણે એક ખેડૂતને ખેતરમાં છંટકાવ માટે ‘ભારતીય જુગાડ’નો ઉપયોગ કરતા જોયા હતા અને તેનો વીડિયો શૂટ કર્યો હતો. તેમાંથી તેમને સૌપ્રથમ પેમેન્ટ મળ્યું હતું.

અક્ષયના એ વીડિયોને લગભગ 58 લાખ લોકોએ જોયો હતો. યૂટ્યૂબમાંથી કમાણી કરી શકાય તેવું અક્ષયે ક્યારેય વિચાર્યું ન હતું, પરંતુ આ અનુભવ પછી તેમણે યૂટ્યૂબને ગંભીર ગણવાનું શરૂ કર્યું હતું.

અક્ષય કહે છે કે, “મને 222 ડૉલરનું પેમેન્ટ મળ્યું ત્યારે મેં બ્લોગિંગ વિશે માહિતી મેળવી હતી, કારણ કે તેમાંથી કશું થઈ શકે એવી મારી અપેક્ષા વધી હતી.”

“યૂટ્યૂબ પર જે વીડિયો હોય છે તેના વિશે મેં સર્ચ કર્યું અને ત્યાંથી મને બ્લોગિંગ વિશે માહિતી મળી હતી. મને કોઈએ કશું શીખવ્યું નથી. મેં મારું સંપૂર્ણ રિસર્ચ યૂટ્યૂબ અને ગૂગલ પરથી જ કર્યું છે.”

અક્ષયે યૂટ્યૂબ પર ‘ટેકનિકલ સપૉર્ટ’ નામથી તેનો પહેલો બ્લોગ શરૂ કર્યો હતો. એ પછી તેણે એક ડોમેઇન ખરીદ્યું હતું અને બ્લોગ લોકો સુધી પહોંચાડવા માટે ફેસબુક તથા વૉટ્સઍપનો ઉપયોગ કર્યો હતો.

બ્લોગ પર શું સામગ્રી હોવી જોઈએ તેનો નિર્ણય કેવી રીતે કર્યો, એવા સવાલના જવાબમાં અક્ષય કહે છે કે, “મારી આસપાસના લોકો સંપૂર્ણપણે ખેડૂત હતા અને સરકારી યોજનાઓની માહિતી ખેડૂતો સુધી પહોંચાડવાનું કોઈ માધ્યમ ન હતું. સરકારી ઠરાવ થાય ત્યારે સરકારી અધિકારીઓ ગામમાં આવીને માહિતી આપતા અને ગ્રામ પંચાયતને જણાવતા ત્યારે જ લોકોને એ વિશે ખબર પડતી હતી.”

“મેં તેનો લાભ લીધો અને એ માહિતી ગામલોકો સુધી પહોંચાડવાનું નક્કી કર્યું હતું. સરકારના નિર્ણયોની માહિતી ખેડૂતો સુધી પહોંચાડવાનું નક્કી કર્યું પછી બ્લોગિંગમાંથી મારી કમાણીમાં સારો એવો વધારો થયો હતો.”

હાલ અક્ષય કુલ આઠ બ્લોગ ચલાવે છે અને તેમાં 24 બ્લોગ સબ-ડોમેઇન્સ તરીકે ચલાવે છે. તેઓ કુલ 30 બ્લોગ ચલાવે છે.

એક વેબસાઇટમાંથી થતી કમાણી વિશે પૂછ્યું ત્યારે અક્ષયે તેનું ગૂગલ એડસેન્સનું એક ઍકાઉન્ટ ખોલીને આંકડા દેખાડ્યા હતા.

અક્ષયની એક વેબસાઇટ પર 2023ની 20 ફેબ્રુઆરીની બપોરના 12 વાગ્યા સુધીમાં 1.34 લાખ વિઝિટર્સ આવ્યા હતા અને બપોર સુધીમાં તેમણે 206 ડૉલરની કમાણી કરી હતી.

અક્ષયની એક જ વેબસાઇટની 20 ફેબ્રુઆરી સુધીની કમાણીનો આંકડો 9,360 ડૉલરનો હતો, જ્યારે જાન્યુઆરીમાં તેમણે 15,000 ડૉલર એટલે કે રૂ. 12 લાખની કમાણી કરી હતી.

સવાલ એ છે કે બ્લોગિંગ દ્વારા કમાણી કેવી રીતે કરવી? આ સવાલના જવાબ માટે અક્ષયે તેનો એક બ્લોગ ઓપન કરીને દેખાડ્યો હતો.

અક્ષય કહે છે કે, “આ પોસ્ટ અમારાં બાળકોએ બનાવી છે. આ પોસ્ટ ઓપન કર્યા પછી તમને જાહેરાતો જોવા મળે છે. આ જાહેરાતોમાંથી અમને આવક થાય છે. ગૂગલ તેની વિવિધ પોસ્ટ્સમાં જાતજાતની જાહેરાતો દેખાડે છે.”

અક્ષયની પોસ્ટમાં ફોર વ્હીલર્સ, હોમ પ્રોડક્ટ્સ વગેરેની લગભગ ચાર જાહેરાત હતી.

અક્ષય 2015થી 2019 સુધી એચટીએમએલ કોડિંગ, સાઇટ ડિઝાઇનિંગ શીખ્યા હતા. પછી તેમણે વર્ડપ્રેસ પર શિફ્ટ થવાનું નક્કી કર્યું હતું. તેનાથી ફાયદો થયો હોવાનું તેમણે જણાવ્યું હતું.

અક્ષય કહે છે કે, “અમે બ્લોગ પર હતા ત્યારે અમને ફક્ત ડાયરેક્ટ અને શેરેબલ ટ્રાફિક મળતો હતો. એટલે કે જે યૂઝર્સ અમારી સાઇટ વિઝિટ કરતા હતા, તેઓ વૉટ્સઍપ કે ફેસબુકના માધ્યમથી આવતા હતા, પરંતુ અમારે ગૂગલ પર રેન્ક મેળવવી હતી. તેમાં અમે પોસ્ટ શૅર ન કરીએ તો પણ ગૂગલ અમને વિઝિટર મોકલે છે.”

અક્ષય ઉમેરે છે કે, “વર્ડ પ્રેસ પર કામ શરૂ કર્યું પછી પોસ્ટનું એસઇઓ કેવી રીતે કરવું, વેબસાઇટનું એસઇઓ કેવી રીતે કરવું એ વિશે શીખ્યો હતો. એસઇઓ કરવામાં આવે તો ગૂગલ તમારી પોસ્ટ સારી રીતે રૅન્ક કરે છે.”

“તેમાં પ્લગ-ઇન્સ વગેરે જેવી બધી વસ્તુઓ મફતમાં મળે છે. તેમાંથી કી વર્ડ, ફોકસ કી વર્ડ વગેરે જેવી સુંદર ટ્રિક્સ જાણવા મળી હતી. તેનાથી મને બહુ લાભ થયો હતો. મારી સાઇટને સારા એવા પ્રમાણમાં ઑર્ગેનિક ટ્રાફિક મળવા લાગ્યો હતો.”

અક્ષયે ગામમાં જ ઑફિસ બનાવી છે. તેની વેબસાઇટ્સનું કામકાજ ગામના જ કેટલાક તરુણો સંભાળે છે. બ્લોગિંગમાંથી દર મહિને થતી આવકમાંથી 60 ટકા હિસ્સો અક્ષય પોતે રાખે છે અને બાકીના 40 ટકા એ છોકરાઓને આપવામાં આવે છે.

આ બધામાં કેટલા રૂપિયાનું રોકાણ કરવું પડે?

અક્ષય કહે છે કે, “હું હાલ મારા હોસ્ટિંગ અને ડોમેઇનમાં જ રોકાણ કરું છું. મારી પાસે બીજાં કોઈ ટૂલ્સ નથી. હાલ એક ડોમેઇન માટે હું દર મહિને રૂ. 10,000-12,000નું રોકાણ કરું છું.”

બ્લોગિંગમાંથી થયેલી કમાણી વડે અક્ષયે પોતાનું પાકું મકાન બનાવ્યું છે. કાર ખરીદી છે. જમીન પણ ખરીદી છે. તેની પ્રગતિ જોઈને ગામમાં લગભગ 250 લોકો બ્લોગિંગ કરી રહ્યા છે. તેમાં 19 વર્ષના આદિત્યનો પણ સમાવેશ થાય છે.

આદિત્યે બારમું ધોરણ પાસ કરીને બીએસસીમાં પ્રવેશ મેળવ્યો છે. તેઓ ભણતરની સાથે બ્લોગિંગ પણ કરી રહ્યા છે. સમય મળે છે ત્યારે ખેતરમાં ઝાડની નીચે બેસીને મોબાઇલ ઇન્ટરનેટના ઉપયોગ વડે તે બ્લોગિંગ કરે છે.

આદિત્ય કહે છે કે, “લૉકડાઉન શરૂ થયાનાં લગભગ દોઢ વર્ષથી હું બ્લોગિંગ કરી રહ્યો છું. હું તેમાં કન્ટેન્ટ લખીને પોસ્ટ કરું છું. એસઇઓ વગેરેનું કામ કરું છું. છેલ્લા 12 મહિનાની ગણતરી કરીએ તો માસિક ચુકવણી રૂ. બે લાખ થશે.”

બ્લોગિંગ માટેના રોકાણની વાત કરતાં આદિત્ય કહે છે કે, “રોકાણ કશું જ નહીં. માત્ર ઇન્ટરનેટનું મહિના હજાર-પાંચસો રૂપિયાના રિચાર્જનો ખર્ચ જરૂરી છે. માત્ર એટલું જ રોકાણ છે.”

વીસમા વર્ષે નવું મકાન અને પોતાનો પ્લૉટ પણ

આદિત્ય કહે છે કે, “હું હાલ તો માત્ર મોબાઇલ ઇન્ટરનેટ જ વાપરું છું. વાઈ-ફાઈ વગેરે નથી. એક મહિનો કામ કરું તો પણ સારી આવક થાય છે, પણ સરેરાશ પકડીએ તો તે રૂ. અઢી લાખ સુધી પહોંચી જાય છે.”

બ્લોગિંગની આવકમાંથી સૌરભે સ્પૉર્ટ્સ બાઇક ખરીદી છે, ઔરંગાબાદમાં ફ્લૅટ ખરીદ્યો છે. એ સિવાય આઇફોન અને લૅપટૉપ પણ ખરીદ્યાં છે.

ગામમાં જૂના મકાનની બાજુમાં નવા મકાનનું બાંધકામ ચાલી રહ્યું છે. એ ઘરની સામે અમારી મુલાકાત સૌરભના પિતા દત્તા લોંઢે સાથે થઈ હતી.

તેઓ કહે છે કે, “બ્લોગિંગ શું છે તેની મને ખબર નથી. હું માત્ર એટલું જ જાણું છું કે મારો પુત્ર કંઈક કરી રહ્યો છે અને તેમાંથી કમાણી પણ કરી રહ્યો છે.”

તેઓ ઉમેરે છે કે, “ખેતી પૂરતી નથી. ખેતી ઉપરાંત બ્લોગિંગથી કામ ચાલે છે. પાર્ટટાઇમ બ્લોગિંગ પણ પૂરતું હોય છે. ખેતી પૂરતી નથી, કારણ કે આજે ખેડૂત જેટલું ગરીબ કોઈ નથી. આજે મારે ઘઉંને પાણી આપવાનું હતું, પરંતુ મોટર ચાલુ કરી કે તરત પાણી બંધ થઈ ગયું. આવી હાલત ખેડૂતોની છે.”

ઇજનેરી પછી બ્લોગિંગ

અભિજિત રાસકરે પુણેમાં ઇજનેરીની ડિગ્રી મેળવી છે, પરંતુ હાલ તેઓ ગામમાં બ્લોગિંગ કરી રહ્યો છે.

અભિજિત કહે છે કે, “ઇજનેર તરીકે નોકરી કરતો હોત તો પણ મને વધુમાં વધુ રૂ. 15,000 પગાર મળ્યો હોત, પરંતુ તેના વડે હું આવડું ઘર બાંધી શક્યો ન હોત.”

ગામમાં અભિજિતના વિશાળ મકાનનું બાંધકામ હાલ ચાલી રહ્યું છે.

અભિજિત ઉમેરે છે કે, “કેટલાક લોકોને લૉકડાઉનમાં નુકસાન થયું, પરંતુ અમને ફાયદો થયો છે. હું ત્યારથી બ્લોગિંગ કરી રહ્યો છું. હું અક્ષય પાસેથી બ્લોગિંગ કરતા શીખ્યો હતો. હવે અમારા ગામને બ્લોગર્સ વિલેજ તરીકે નવી ઓળખ મળી છે.”

અક્ષયના કહેવા મુજબ, “હવે ગામમાં કોણે, કેટલા ડૉલરની કમાણી કરી તેની ચર્ચા થાય છે. પુણે-મુંબઈની માફક મરાઠવાડા પણ હવે યૂટ્યૂબ પર નભે છે. લોકો તેમાંથી મોટરકાર, ઘર પણ ખરીદે છે.”

બ્લોગિંગ સામેના પડકાર

અક્ષયના જણાવ્યા મુજબ, ગ્રામ્ય વિસ્તારના યુવાનોએ બ્લોગર તરીકે કામ કરવું હોય તો તેમની સામે બે મુખ્ય પડકાર છે. એક, માર્ગદર્શનનો અભાવ અને બીજો, અનિયમિત વીજ પુરવઠો.

અક્ષય કહે છે કે, “મેં બ્લોગિંગ શરૂ કર્યું ત્યારે મને માર્ગદર્શન આપનાર કોઈ ન હતું. આજે પણ ગ્રામ્ય વિસ્તારોમાં, માર્ગદર્શન આપી શકે તેવા માણસો નથી. તેથી બ્લોગર તરીકે કારકિર્દી બનાવવામાં સૌથી મોટો અવરોધ માર્ગદર્શનનો અભાવ છે.”

“બીજી મુશ્કેલી એ છે કે ગ્રામ્ય વિસ્તારોમાં વીજ પુરવઠો નિયમિત મળતો નથી. લોડ શેડિંગ કાયમ હોય છે. આવી સ્થિતિમાં બ્લોગિંગમાં અવરોધ સર્જાય છે.”

ઋષિકેશ રાસકરના જણાવ્યા અનુસાર, કોળગાંવમાં રોજ સવારે બે કલાક લાઇટ હોતી નથી.

બ્લોગિંગમાં સફળ થવાનો મંત્ર શું છે, તેની વાત કરતાં અક્ષય કહે છે કે, “તમે જે ક્ષેત્રમાં છો એ ક્ષેત્રના લોકોની તમારી પાસેથી શું અપેક્ષા છે તેના આધારે તમે બ્લોગ કરો તો તમે વધુ સારી રીતે લોકો સુધી પહોંચી શકો છો અને તેમાંથી સારી કમાણી પણ કરી શકો છો.”

દરમિયાન અક્ષય, માત્ર મરાઠી ભાષા પૂરતા મર્યાદિત રહેવાને બદલે આંતરરાષ્ટ્રીય ભાષાઓમાં પણ બ્લોગિંગ શરૂ કરવાની દિશામાં આગળ વધી રહ્યા છે.