આ ગુજરાતી મહિલા છેલ્લાં 20 વર્ષથી શેરીનાં કૂતરાંને નિયમિત ખવડાવે છે

ઈશ્વરનું દરેક સર્જન સુંદર હોય છે અને દરેક સર્જન પ્રેમ અને સારસંભાળને લાયક હોય છે. ઈશ્વરના સર્જનમાં કૂતરાંનો પણ સમાવેશ થાય છે. માણસ માટે સદાકાળ વફાદાર પૂરવાર થયેલાં કૂતરાં પણ માણસો જેવી લાગણી અને ભાવના અનુભવતાં હોય છે.

આ વાત જેટલી પાળેલા ડૉગી માટે સાચી છે એટલી જ શેરીમાં રખડતાં કૂતરાં માટે પણ ખરી છે.

ઘણા લોકો એવા હોય છે, જેઓ મોંઘાદાટ પપ્પીઝ અને કૂતરાં ખરીદીને તેમનાં લાલન-પાલનમાં ઢગલો પૈસા ખર્ચવાને બદલે શેરીમાં રખડતાં કૂતરાંની સારસંભાળ લેતા હોય છે.

શેરીમાંનાં કૂતરાંને મોંઘા ફૂડની ઝંખના ક્યારેય નથી હોતી. તેઓ માત્ર પ્રેમ અને થોડું ભોજન ઈચ્છતા હોય છે. શેરીનાં કૂતરાંનું પેટ ભરવા માટે ચાર રોટલી અને એક કપ દહીં પૂરતા હોય છે.

અમદાવાદના વાસણામાં રહેતાં ઝંખના શાહ પણ રખડતાં કૂતરાં માટે ભારોભાર અનુકંપા ધરાવે છે. તેઓ રખડતાં કૂતરાંની સેવા વર્ષોથી કરી રહ્યાં છે.

રખડતાં કૂતરાંની અનોખી સેવા

ઝંખના શાહ કહે છે, "હું સવારે નવ વાગ્યે ઘરે બધી સામગ્રી પૅક કરીને વાસણા કૅનાલ પાસે રખડતાં 300-350 કૂતરાંને ખવડાવવા પહોંચી જાઉં છું."

"એક બૂમ પાડીએ એટલે બધાં કૂતરાં એકઠાં થઈ જાય. પછી અહીં મૂકેલાં સિમેન્ટનાં પાત્રોમાં છાસ રેડી દઈએ અને બિસ્કીટ આપીએ. કૂતરાં તેમાંથી પેટ ભરીને ભોજન કરે."

છેલ્લાં 20 વર્ષથી રખડતાં કૂતરાંની સારસંભાળનું કામ કરતાં ઝંખના અત્યારે રોજ 135 કૂતરાંઓના ખાવાની વ્યવસ્થા કરે છે.

રખડતાં કૂતરાંની પીડાજનક હાલતની વાત કરતાં ઝંખના કહે છે, "આપણે મૉર્ડન થતા જઈએ છીએ. આપણે સૉસાયટીઓમાં ચારે તરફ વાડાબંધી કરી લીધી છે. શેરીનાં કૂતરાંને કાઢી મૂક્યાં છે. એ કૂતરાંને ખાવા-પીવાનું મેળવવાની બહુ તકલીફ થતી હોય છે."

શા માટે તેમણે આવું કામ શરૂ કર્યું?

અનેક રખડતાં કૂતરાંની દયાજનક હાલત જોયા બાદ ઝંખનાએ તેમની સેવાનું કામ શરૂ કર્યું હતું, જે અવિરત ચાલતું રહ્યું છે પણ ઝંખનાએ રખડતાં કૂતરાંના કલ્યાણ માટે બીજું ઘણું વિચારી રાખ્યું છે.

એ બાબતે વાત કરતાં ઝંખના કહે છે, "કરોડરજ્જૂની તકલીફવાળાં અને અંધ કૂતરાં માટે અમે એક છાપરાનું નિર્માણ કરવા ઈચ્છીએ છીએ."

"ઢસડીને ચાલતા હોય અને અંધ હોય તેવાં કૂતરાં આજીવન એ છાપરામાં રહે, તેમને ત્યાં ખાવા-પીવાનું અને સારવાર મળી રહે એવી વ્યવસ્થા કરવી છે."

ઝંખનાના જણાવ્યા મુજબ, અમદાવાદમાં રખડતાં કૂતરાં માટે ઘણી સંસ્થાઓ કામ કરે છે, પણ સાંજે છ-સાત વાગ્યા પછી ભાગ્યેજ એ પૈકીનું કોઈનું કામ ચાલુ રહેતું હોય છે."

"કૂતરાં સંબંધી ઍક્સિડેન્ટ મોટા ભાગે રાતે થતા હોય છે. તેથી એવાં પ્રાણીઓ માટે નાઇટ ઍમ્બુલન્સ સેવા શરૂ કરવાની ઝંખનાની ઇચ્છા છે.

ઝંખના કહે છે, "ગુજરાતમાં પ્રાણીઓ માટેનું એકેય સ્મશાન કે કબ્રસ્તાન અત્યારે નથી. તેથી પ્રાણીઓ માટે નાનું-મોટું સ્મશાન બનાવવાનું પણ અમારું સપનું છે, જેમાં પ્રાણીઓનાં દફન તથા દહનનું કામકાજ કરી શકાય."

લૉકડાઉનમાં પણ કરી આવી સેવા

લૉકડાઉન દરમિયાન રખડતાં કૂતરાંની હાલત વધારે ખરાબ થઈ હતી. એ દિવસોની વાત કરતાં ઝંખના કહે છે, "લૉકડાઉન દરમિયાન અમારું કામ વધી ગયું હતું, કારણ કે બીજી સંસ્થામાં મોટા ભાગના સ્વયંસેવકો કામ કરી શકતા ન હતા."

"એ પૈકીના ઘણાને કોરોનાનો ચેપ લાગવાનો ડર હતો અને ઘણાને તેમના ઘરના લોકો બહાર નીકળવા દેતા ન હતા. એ સંજોગોમાં અમારે અમદાવાદના ઘણા વિસ્તારો કવર કરવા પડતા હતા."

"અમે લૉકડાઉનના સમયગાળામાં અમદાવાદના વાસણા, ન્યૂ વાસણા, ધરણીધર અને નારોલ તથા ગ્યાસપૂર સુધી કૂતરાંઓનાં ખાવા-પીવાની વ્યવસ્થા કરી હતી."

કોઈકે કહ્યું છે ને કે "કૂતરો આ પૃથ્વી ઉપરનું એકમાત્ર એવું પ્રાણી છે, જે પોતાની જાત કરતાં પોતાના માલિકને, રખેવાળને પ્રેમ કરે છે." આ કથનમાંથી પ્રેરણા લઈને, રખડતાં કૂતરાંઓના કલ્યાણ માટે યોગદાન આપવામાં જરાય વાંધો નથી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો