ગુજરાત : એ વ્યક્તિ જેણે ગરીબ બાળકોને ભણાવવા માટે પોતાનું ઘર ગીરવી મૂક્યું

'મેં બાળકોને લૉપટૉપ આપ્યાં છે, જરૂરિયાતવાળાં બાળકોની મેં ફી ભરી છે, જે લોકોને જાણતો ન હતો તેમની ફી પણ ભરી છે, એ લોકોનાં બાળકોને મારી સાથે રાખીને ભણાવ્યાં છે.'

આ કહાણી એક એવી વ્યક્તિની જેમણે પોતાનું ઘર ગીરવી મૂક્યું છે, એટલા માટે કે તેઓ ભણવા માગતા ગરીબ બાળકોની ફી ભરી શકે.

એક એવી વ્યક્તિ જેમણે બાળપણમાં અનેક દુખ જોયાં, ગરીબીનો સામનો કર્યો પરંતુ બધી મુશ્કેલીઓ વટાવીને તેમણે સરકારી નોકરી મેળવી. હવે તેઓ તેમનાં જેવાં જ ગરીબ બાળકોને જીવનમાં આગળ આવવા મદદ કરી રહ્યા છે.

આપણે મળીશું અમદાવાદમાં રહેતા અને રેલવેમાં લોકો પાઇલટ એટલે કે રેલવે ડ્રાઇવરની નોકરી કરતા અમૃતભાઈ પટેલને જેઓ સમાજને પોતાના પર રહેલું ઋણ અદા કરવા માગે છે.

'મારા પિતા પાસે ફી ભરવા રૂપિયા ન હતા'

અમૃતભાઈ પટેલની આ સેવા પાછળ તેમના પિતાની તંગ આર્થિક સ્થિતિ અને અને ફી ભરવા માટેના પૈસા પણ ન હોવાની મુશ્કેલી છે.

બીબીસી સાથે વાત કરતા તેઓ કહે છે, "મારા પિતાની આર્થિક સ્થિતિ બહુ નાજૂક હતી."

"એ સમયે મારી વિદ્યાનગરની ફી મહિને આશરે 600 રૂપિયા સરેરાશ થતી હતી. જ્યારે મારા પિતાનો પગાર આશરે પોણા બસો રૂપિયા હતો."

"આટલા ઓછા પગારમાં તેમને ચિંતા હતી કે ઘર ચલાવવાની સાથે તેઓ મને કેવી રીતે ભણાવી શકશે."

અમૃતભાઈ કહે છે જે ગામના અને આજુબાજુના લોકોએ મળીને તેમની વિદ્યાનગરના અભ્યાસની ફી ભરી. આમ તેમના સહયોગ અને આર્થિક યોગદાનને કારણે તેઓ ત્રણ વર્ષનો કોષ પૂર્ણ કરી શક્યા.

તેઓ કહે છે, "જે બાદ મને રેલવેમાં નોકરી મળી અને આજે 33 વર્ષે હું હાઈ સ્પિડ લૉકો પાઇટલ તરીકે ફરજ બજાવું છું."

પોતાની ગરીબી હાલ બીજા લોકો માટે આર્શિવાદ બની

અમૃતભાઈએ પોતે જે નાજૂક આર્થિક સ્થિતમાં દિવસો પસાર કર્યા તે દિવસો જ હાલ અનેક લોકો માટે જિંદગીમાં નવો અવસર કે આગળ વધવા માટે મહત્ત્વના બની ગયા છે.

તેમનું કહેવું છે કે આજે પણ તેઓ સાદું જીવન જીવવા પ્રયત્નો કરી રહ્યા છે, જેથી વધારેમાં વધારે લોકોને મદદ કરી શકાય.

અમૃતભાઈ જણાવે છે કે ગરીબ બાળકોની ફી ભરવા માટે તેઓ પોતાના ગીરવે મુકાયેલા મકાનને પણ છોડાવતા નથી.

તેઓ ઇચ્છે છે કે વધારેમાં વધારે બાળકોને તેઓ આર્થિક મદદ કરી શકે જેથી તે જિંદગીમાં આગળ વધી શકે.

અમૃતભાઈ જણાવે છે, "ગરીબ બાળકોને જરૂર છે, મારા રૂપિયાની તેમને વધારે જરૂર છે. મારા રૂપિયાનો સદ્ઉપયોગ થાય પછી ભલે મારું મકાન હજી પણ ગીરવી રહે."

'મારું પણ કંઈક ઋણ છે, સમાજને કંઈક આપું'

બીબીસી ગુજરાતી સાથે પોતાના જીવનની કહાણી કહેતાં-કહેતાં અમૃતભાઈ ભાવુક થઈ જાય છે.

ભાવુક થતાંથતાં તેઓ કહે છે, "મારું પણ કંઈક ઋણ છે કે હું સમાજને કંઈક આપું. જો લોકોએ મને મદદ ના કરી હોત તો આજે હું ક્યાં હોત."

તેઓ કહે છે કે જેમ તેમના પિતાની આર્થિક સ્થિતિ ખરાબ હતી અને ગામના લોકોએ તેમને આવી મોટી નોકરી અપાવવામાં મદદ કરી તેમ તેઓ પણ બીજાં બાળકોને મદદ કરવા માગે છે.

અમૃતભાઈ પોતાના એક સાદા મકાનમાં નાના એવા હિંડોળે બેઠાબેઠા બીબીસીની ટીમ સાથે વાત કરતા કહે છે કે તેઓ કરકસર કરશે પરંતુ ગરીબ બાળકોને મદદ કરવાનું ચાલુ રાખશે.

અમૃતભાઈ કહે છે, "ગમે તેમ કરી, ઘરમાં કરકસર કરી હું ગરીબ બાળકોને તેમના મુકામે પહોંચાડીશ."

'હું કરકસર કરવા સાઇકલનો ઉપયોગ કરું છું'

અમદાવાદમાં રહેતા અને કાલુપુર સ્ટેશને નોકરી કરતા અમૃતભાઈ ઘરેથી નોકરી જવા માટે સાઇકલનો ઉપયોગ કરે છે.

સાઇકલનો ઉપયોગ કરવા પાછળનો તેમનો ઉદ્દેશ થોડી કરકસર કરવાનો છે. તેનાથી જે પૈસા બચે તે અન્ય લોકોની મદદમાં ઉપયોગમાં લઈ શકાય.

તેઓ કહે છે, "હું કરકસર કરવા માટે સાઇકલ લઈને નોકરી જાવ છું, મારાં પત્ની પણ થોડા પૈસા બચાવવા માટે ઘરમાં શિવણકામ કરે છે."

'તેમનો પણ મને સારો એવો સહયોગ મળે છે જેથી હું આ કામ કરી શકું છું. જો ઘરમાંથી સપોર્ટ ના હોય તો આપણે આવું કામ ના કરી શકીએ.'

પોતાની ગરીબીમાંથી નાસીપાસ થયા વિના અને સતત મહેનતના કારણે આગળ આવેલા અમૃતભાઈ હાલ અનેક બાળકો માટે એક આધાર બનીને ઊભા છે.

29 બાળકો પ્રાથમિક શિક્ષણથી આગળ વધી શકતાં નથી : યુનિસેફ

ભારતમાં લાખો બાળકો સ્કૂલનું પગથિયું પણ ચડી શકતાં નથી. ભારતના શિક્ષણના સંદર્ભમાં યુનિસેફના એક રિપોર્ટમાં અપાયેલા આંકડા પ્રમાણે 29 ટકા બાળકો પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કર્યા વિના જ તેને અધુરું છોડીને સ્કૂલે જવાનું બંધ કરી દે છે.

રિપોર્ટ પ્રમાણે ભારતે રાઇટ ટુ એજ્યુકેશનનો કાયદો બનાવ્યો હોવા છતાં પણ હજી પણ 60 લાખ બાળકો સ્કૂલે જઈ શકતાં નથી.

જોકે, આમાં માત્ર આર્થિક કારણ જ નથી, સ્કૂલે ન જઈ શકવા પાછળ બીજાં કારણો પણ છે. પરંતુ આવા સંજોગોમાં અમૃતભાઈ જેવા લોકોની સેવા મહત્ત્વની થઈ પડે છે.

ગરીબીને કારણે પણ અનેક બાળકો ઉચ્ચ શિક્ષણ મેળવી શકતાં નથી. આવા બાળકોને બીજાના આર્થિક સહયોગની જરૂર પડતી હોય છે.

એ સમયે અમૃતભાઈ જેવા લોકોના શબ્દો યાદ રાખવા જેવા કે 'મારે પણ સમાજને કંઈક આપવાનું છે.'

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો