You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
જીવતે જીવ સેંકડો લોકોની જિંદગી બચાવી, મૃત્યુ બાદ આઠને નવજીવન આપ્યું
- લેેખક, ઇમરાન કુરૈશી
- પદ, બીબીસી ગુજરાતી માટે
કેટલાક લોકો જીવન દરમિયાન તો યાદગાર કામોને અંજામ આપે જ છે, પરંતુ મૃત્યુ બાદ પણ તેઓ યાદગાર કામ કરી જાય છે.
અનુજિત (માત્ર તેમનું નામ જ જણાવવામાં આવ્યું છે.) ગત અઠવાડિયે અકસ્માતનો ભોગ બન્યા હતા, જેમાં તેમને બ્રેઇન-ડેડ જાહેર કરવામાં આવ્યા હતા.
કોરોનાકાળમાં અનુજિતે તેમની નોકરી ગુમાવી હતી અને સૅલ્સમૅન તરીકેની નોકરી માટે કેરળ જઈ રહ્યા હતા, ત્યારે તેમનું આ દુર્ઘટના ઘટી હતી.
ગુરુવારે અનુજિતનો પરિવાર તેમની અંગદાનની ઇચ્છા પૂર્ણ કરશે.
અનુજિતની બે કૉર્નિયા (આંખોનો એક ભાગ), હૃદય બે કિડની, નાનું આંતરડું તથા હાથનું દાન કરવામાં આવશે, જેના કારણે આઠ લોકોના જીવનમાં નવો પ્રકાશ રેલાશે.
જે લોકોને અનુજિતના અંગનું દાન આપવામાં આવ્યું છે, તેમાંથી ત્રણ કોચીનના છે.
બચાવ્યા હતા સેંકડો જીવ
10 વર્ષ અગાઉ અનુજિત 17 વર્ષના હતા, ત્યારે તેમના કારણે એક રેલવે અકસ્માત થતો અટકી ગયો હતો અને સેંકોડો લોકોના જીવ બચવા પામ્યા હતા.
પહેલી સપ્ટેમ્બર 2010ના દિવસે અનુજિત અકસ્માત રોકવા રેલવે ટ્રૅક ઉપર હાથમાં પુસ્તક તથા લાલ બૅગ હલાવતા પોતાના જીવની ચિંતા કર્યા વગર ધસમસતી આવતી ટ્રેન તરફ દોડી ગયા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એ સમયે અનુજિત એક ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટમાં ભણતા હતા. અનુજિત તથા તેમના અમુક મિત્રોએ કોટ્ટારક્કરા (કેરળ) પાસે રેલવે ટ્રૅકમાં તિરાડ જોઈ હતી.
કેરળનાં આરોગ્યપ્રધાન કે. કે. શૈલજાએ પોતાના નિવેદનમાં કહ્યું, "હું જ્યારે પણ અનુજિતને યાદ કરું છું, ત્યારે મને હયાતીમાં હજારો લોકોનું જીવન બચાવનારનો ચહેરો યાદ આવે છે અને મૃત્યુ બાદ તે આઠ વ્યક્તિમાં જીવિત રહેશે."
અનુજિતના હાથ, નાનું આંતરડું તથા હૃદય હેલિકૉપ્ટર મારફત કોચ્ચીની એક હૉસ્પિટલમાં પ્રત્યારોપણ માટે મોકલવામાં આવ્યા. બાકીના અંગ કેરળ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સીઝના દરદીઓ માટે ઉપયોગમાં લેવાશે.
મંગળવારે કેરળના મુખ્ય પ્રધાન પિનારઈ વિજયને દાનમાં અપાયેલા અંગોને વહેલાસર મોકલી શકાય તે માટે હેલિકૉપ્ટનો ઉપયોગ કરવાના આદેશ આપ્યા હતા.
કેલ્વિન જૉય...વધુ એક 'નાયક'
અનુજિત ઉપરાંત અર્નાકુલમના 39 વર્ષીય કેલ્વિન જૉયે પણ મૃત્યુ બાદ આઠ લોકોનાં જીવનમાં ઉજાસ પાથર્યો છે.
શનિવારે તેમને બ્રેઇન-હૅમરેજ થયું, જે બાદ તેમનું નિધન થયું. એ પછી પરિવારે તેમના બે કૉર્નિયા, હૃદય, બે કિડની, નાના આંતરડા, બે હાથ તથા લિવર દાનમાં આપવાનો નિર્ણય લીધો.
કેરળ સરકારની અંગદાનની યોજના 'સંજિવની'ના નોડલ ઓફિસર નોબેલ ગ્રેસિયસે બી. બી. સી.ને જણાવ્યું :
"કેરળમાં જ નહીં ભારતમાં પણ પ્રથમ વખત બે બ્રેઇન ડેડ વ્યક્તિના અંગ દ્વારા આઠ-આઠ મળીને કુલ 16 લોકોને જીવવાની તક મળશે."
"આ પહેલાં એક બ્રેઇન ડેડ વ્યક્તિની મદદથી પાંચ લોકોને મદદ મળી હતી. એક બ્રેઇન ડેડ વ્યક્તિની મદદથી વધુમાં વધુ છ લોકોને મદદ કરી શકાય છે."
અંગ મેળવનારા લોકોના નામ ગુપ્ત રાખવામાં આવ્યા છે. પરિવારજનોની મંજૂરી બાદ તેમના નામ જાહેર કરવામાં આવશે.
ડૉ. ગ્રેસિયસે કહ્યું, "આપણે એ જોવું રહ્યું કે બેસાડવામાં આવેલા અંગ નવા શરીરમાં કેવી રીતે વર્તે છે, તે માટે આઠથી 10 દિવસની રાહ જોવી રહી."
ભારતમાં અંગદાન પ્રત્યે સામાન્ય રીતે ઉદાસીનતા જોવા મળે છે. આથી, વર્ષ 2018 સુધીના આંકડા મુજબ, દેશમાં અંગદાનની ટકાવારી ખૂબ જ ઓછી છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો