You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમદાવાદ : પત્નીનું જીવન બચાવવા પતિએ ખેડી 2740 કિમીની સફર
- લેેખક, અર્જુન પરમાર
- પદ, બીબીસી ગુજરાતી
9 મે, 2020. આ તારીખે અમદાવાદના જમાલપુરના રહેવાસી ફૈઝલ અને તેમનાં પત્ની મિસ્બાહનું આખું જીવન પલટાઈ ગયું.
મિસ્બાહના પતિ ફૈઝલના શબ્દોમાં કહીએ તો, 'તેમણે ક્યારેય એવું નહોતું ધાર્યું કે રમજાનના દિવસોમાં જ તેમના પર મુસીબતોનો પહાડ તૂટી પડશે.'
તેઓ કહે છે કે કોરોનાની મહામારીને કારણે આ વખતે દર વર્ષ જેવી રોનક તો નહોતી, પરંતુ ઉત્સાહમાં કોઈ ઘટાડો નહોતો થયો.
એ સાંજે મિસ્બા પરિવાર માટે રસોડામાં ચા બનાવી રહ્યાં હતાં. એ વખતે અકસ્માત થયો અને તેમનાં કપડાં એ આગ પકડી લીધી જેથી તેઓ ગંભીરપણે દાઝી ગયાં.
અકસ્માત એટલો ગંભીર હતો કે મિસ્બાહની ચીસો સાંભળી ઘરના તમામ સભ્યો સહિત આડોશ-પાડોશના લોકો પણ તેની વહારે દોડી આવ્યા.
ફૈઝલ જણાવે છે, "માત્ર 25-30 સેકંડ સુધી ચાલેલી એ આગને કારણે મારા જીવનમાં જાણે અંધકાર પથરાઈ ગયું."
આ અકસ્માત બાદ શરૂ થઈ જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહેલાં પત્ની મિસ્બાહને બચાવવા માટેની પતિ ફૈઝલની સફર.
આશ્ચર્યની વાત તો એ છે કે પોતાની પત્નીને કોઈ પણ ભોગે સ્વસ્થ કરવાના મક્કમ નિર્ધાર સાથે ફૈઝલે કોરોનાની મહામારી દરમિયાન મિસ્બાહની સારવાર માટેની વ્યવસ્થા કરવા માટે માત્ર 36 કલાકમાં 2,740 કિમિનું અંતર 'બાય-રોડ' કાપી લીધું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
માંડ-માંડ મળ્યું ઍડમિશન
આગની ઘટના બાદ પોતાની પત્નીને કોરોનાકાળમાં જરૂરી સારવાર અપાવવા માટે વેઠવી પડેલી મુશ્કેલી અંગે વાત કરતાં ફૈઝલ જણાવે છે, "અમે બળતરાની કારણે સિસકારા કરી રહેલી મિસ્બાહને લઈને પાંચ શહેરની જુદી-જુદી પાંચ હૉસ્પિટલોમાં ફર્યા પરંતુ કારણ કે અમે જમાલપુરથી આવતા હતા અને એ સમયે લૉકડાઉનના ત્રીજા તબક્કામાં અમારો વિસ્તાર કન્ટેઇન્મેન્ટ ઝોનમાં હોવાથી અમને કોઈ હૉસ્પિટલમાં પ્રવેશ ન મળ્યો. "
"અંતે અમારા વિસ્તારના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાની ભલામણને પગલે L.G. હૉસ્પિટલમાં મારી પત્નીનું ઍડમિશન થઈ ગયું અને સારવાર ચાલુ થઈ ગઈ."
એ સમયના ચિંતાજનક અનુભવો ફરી યાદ કરતાં તેઓ જણાવે છે કે, "ઍડમિશન મળ્યા બાદ બીજા દિવસે મિસ્બાહનો કોરોના ટેસ્ટ થયો અને એના બીજા દિવસે તેનો ટેસ્ટ પૉઝિટિવ આવતાં અમારે L.G. હૉસ્પિટલમાંથી S.V.P. હૉસ્પિટલમાં જવું પડ્યું. આમ, અચાનક જ અમારી મુસીબતો જાણે બમણી થઈ ગઈ."
પત્નીને બચાવવા 2740 કિમીનો પ્રવાસ
મિસ્બાહનો કોરોના ટેસ્ટ પૉઝિટિવ આવ્યા બાદ પણ પતિ ફૈઝલ અને તેમના પરિવારે હિંમત નહોતી હારી.
એ સમય પોતે અને પરિવારે કરેલા સંઘર્ષ વિશે વાત કરતાં ફૈઝલ જણાવે છે કે, "S.V.P. હૉસ્પિટલમાં મિસ્બાહની કોરોના માટેની સારવાર ચાલી. થોડા દિવસ બાદ જ્યારે તેનો કોરોના ટેસ્ટ નૅગેટિવ આવ્યો અને શરીરના ઘા પર રૂઝ આવી ત્યાર બાદ બર્ન્સ માટેની તેની સારવાર શરૂ થઈ."
બર્ન્સની સારવાર દરમિયાન સામે આવેલા પડકારો વિશે વાત કરતાં ફૈઝલ કહે છે કે, "કોરોનાથી ઠીક થયા બાદ જ્યારે અમને લાગ્યું કે બધું ઠીક થઈ જશે અને હવે બર્ન્સની સારવાર ચાલુ થશે ત્યારે જ ડૉક્ટરોએ કહ્યું કે મિસ્બાહની સર્જરી કરવા માટે તેમને સ્કિનબૅંકમાંથી ચામડીની જરૂર પડશે. તેમણે બે-ત્રણ જગ્યાએ ફોન કરીને તપાસ પણ કરી, પરંતુ એ સમયે ક્યાંય સ્કિનની વ્યવસ્થા ન થઈ શકી."
"અંતે ડૉક્ટરોના પ્રયાસથી કર્ણાટકના બેલગામમાં એક સ્કિનબૅંકમાં સ્કીન હોવાનું માલૂમ પડ્યું. પરંતુ તે સમયે કુરિયર સેવા બંધ હતી."
"આ મુશ્કેલી અંગે ડૉક્ટરે અમને વાત કરતાં અમે તરત જ જાતે જઈને મિસ્બાહની સારવાર માટે સ્કિન લાવવાનું નક્કી કર્યું."
તેઓ આગળ વાત કરતાં જણાવે છે કે, "અમને બેલગામ પહોંચવાનો સૌથી સરળ રસ્તો બાય-રોડ લાગ્યો, કારણ કે અન્ય કોઈ પણ માધ્યમથી જવામાં બિનજરૂરી મોડું થવાની બીક હતી."
"તેથી અમે તરત જ એક સંબંધીની કારની વ્યવસ્થા કરી અને હું, મારા પિતા, મારા પિતરાઈ ભાઈ અને મારા પિતાના મિત્ર 15 જૂનના રોજ સાંજે 7.30 વાગ્યે અમદાવાદથી બેલગામ જવા માટે રવાના થયા.
"અમદાવાદથી નીકળ્યા બાદ અમે નોન-સ્ટૉપ ગાડી ચલાવવાનું શરૂ કર્યું, વચ્ચે માત્ર એક વખત ભોજન કરવા જ ઊભા રહ્યા. આમ, આખી રાત કાર ચલાવ્યા બાદ અમે બીજા દિવસે બપોરે બરાબર 12.30 સ્કિનબૅંક પહોંચી ગયા."
"ત્યાં એક કલાક સુધી દસ્તાવેજી પ્રક્રિયા પતાવ્યા બાદ અમને થોડા સમયમાં જ સ્કિનકિટ આપી દેવાઈ અને એ જ દિવસે બપોરે સવા બે વાગ્યાની આસપાસ અમે ત્યાંથી અમદાવાદ પરત ફરવા માટે નીકળી ગયા."
બેલગામથી પાછી ફરતી વેળા તેમના મનમાં રહેલી બેચેની વિશે વાત કરતાં તેઓ જણાવે છે કે, "ત્યાંથી પાછા આવતી વખતે અમે સાથે નાસ્તો લઈ લીધો જેથી વચ્ચે જમવા ન રોકાવું પડે. એ સમયે મનમાં બસ એક જ વાત ચાલી રહી હતી કે બને એટલું જલદી અમદાવાદ પહોંચવાનું છે જેથી મિસ્બાહને તાત્કાલિક સારવાર મળી શકે. બીજા દિવસે વહેલી સવારે એટલે કે 17 તારીખે સવારે સાત વાગ્યે અમે S.V.P. હૉસ્પિટલ પહોંચી ગયા. અમે આખા રસ્તામાં ડૉક્ટરની ટીમ સાથે સંપર્કમાં હતા. તેથી તેઓ પણ સવારે સ્કિનકિટ આવી અને તરત જ ઑપરેશન કરવા માટે બિલકુલ તૈયાર હતા.ઠ
ડૉક્ટરના હાથમાં સ્કિનકિટ આપી એ વખતનો અનુભવ યાદ કરતાં તેઓ જણાવે છે કે, "જ્યારે અમે ગાડીમાંથી ઊતરીને હૉસ્પિટલની અંદર પહોંચ્યા અને ડૉક્ટરના હાથમાં સ્કિનકિટ આપી ત્યારે અમે રાહતનો શ્વાસ લીધો."
"એ સમયે મને લાગ્યું કે મેં આ આપત્તિ દરમિયાન મારાથી બનતા તમામ પ્રયત્નો કર્યા છે. હું એ વાતનો સંતોષ અનુભવી શકતો હતો."
આ સફર માટે જરૂરી તમામ દસ્તાવેજો અને પરવાનગીઓ અપાવી મનોબળ પૂરું પાડવા અને સહાય કરવા માટે ફૈઝલ મિસ્બાહની સારવારમાં લાગેલા ડૉક્ટરોની ટીમ અને ઇમરાન ખેડાવાળાનો આભાર વ્યક્ત કરતાં જણાવે છે કે, "અમારી સફરમાં અમને કોઈ મુશ્કેલી ન પડે, પોલીસ કે અન્ય સુરક્ષા એજન્સીઓ ન રોકે તે હેતુસર ડૉક્ટરોની ટીમ અને ઇમરાન ખેડાવાળાએ જરૂરી તમામ પરમિશન અપાવી દીધી હતી જેથી અમને આ સંપૂર્ણ સફરમાં કોઈ મોટી મુશ્કેલી નડી નહોતી."
70 દિવસ પછી ડિસ્ચાર્જ
મિસ્બાહની સફળ પ્લાસ્ટિક સર્જરી કરનાર ડૉ. વિજય ભાટીયા મિસ્બાહના કેસની મુશ્કેલીઓ વિશે વાત કરતાં જણાવે છે કે, "મિસ્બાહનું શરીર 71 ટકા દાઝી ગયું હતું. સાથે જ બે દિવસ બાદ તેમને કોરોના પૉઝિટિવ આવતાં પરિસ્થિતિ વધુ ગંભીર બની હતી."
બર્ન્સ અને કોરોના સાથે મળીને કેટલા ઘાતક નીવડી શકે છે એ મુદ્દે વાત કરતાં તેઓ જણાવે છે, "કોરોના એ કાંઈ જૂનો વાઇરસ નથી. તેથી તેની સારવાર અંગે કોઈ પ્રમાણિત પ્રક્રિયા હજુ ઘડાઈ નથી."
"તેમજ બર્ન્સમાં માત્ર સ્કિનની તકલીફ નથી હોતી, શરીરમાંથી પાણી નીકળી જવાને કારણે કિડની, હૃદય, ફેફસાં અને શરીરની અન્ય ઘણી પ્રક્રિયાઓ પર પણ અસર થાય છે."
"તેથી બર્ન્સના લીધે શરીર પર થયેલી અસરો અને કોરોનાને લીધે થયેલી અસરોને એકસાથે મૅનેજ કરવું એ એક પડકાર હતો."
આ સિવાય મિસ્બાહના કેસ સાથે જોડાયેલી અન્ય એક મુશ્કેલી વિશે વાત કરતાં તેઓ જણાવે છે કે, "આ કેસમાં દર્દીની સારવારને લગતા પડકારની સાથે બીજો પડકાર હતો એ સુનિશ્ચિત કરવાનો કે આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન અમારા સ્ટાફ અને ડૉક્ટરોની ટીમને કોરોનાનો ચેપ ન લાગે."
મિસ્બાહની સારવારની સમગ્ર પ્રક્રિયામાં કોઈ પણ ડૉક્ટર કે સ્ટાફને કોરોનાનો ચેપ ન લાગ્યો હોવાની વાતને સૌભાગ્ય ગણાવતાં તેઓ જણાવે છે કે, "21 દિવસ બાદ મિસ્બાહનો કોરોના ટેસ્ટ નૅગેટિવ આવ્યો. ત્યાર બાદ અમારા માટે સૌથી મોટો પડકાર એ હતો કે મિસ્બાહનું શરીર જે 71 ટકા દાઝી ગયું હતું, તેની પર રૂઝ આવે ત્યાર બાદ દર્દી માટે ચામડીની વ્યવસ્થા કરવાની હતી."
મિસ્બાહ માટે ચામડીની શોધ અંગેની પ્રક્રિયા વિશે વાત કરતાં તેઓ કહે છે કે, "મિસ્બા માટે ચામડી મેળવવા અમે મુંબઈ નેશનલ બર્ન સેન્ટરનો સંપર્ક સાધ્યો, પરંતુ ત્યાં ચામડીની વ્યવસ્થા ન થઈ શકી ત્યાર બાદ અમે ઇંદૌરથી સ્કિન મેળવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ કોરોનાની મહામારીને લીધે તે પણ કોવિડ હૉસ્પિટલ તરીકે જાહેર કરી દેવાઈ હતી."
"અંતે બેલગામમાં સ્કિન હાજર હોવાનું મળ્યું, પરંતુ તે સમયે કુરિયર સર્વિસ બંધ હતી, તેમજ સ્કિન મોકલવા માટે સામાન્ય કુરિયર ચાલે પણ નહીં તેના માટે ખાસ કુરિયર સર્વિસનો ઉપયોગ કરવો પડે."
"આ મુશ્કેલી અંગે અમે દર્દીનાં સગાંને વાત કરી તો તેઓ બેલગામ જઈને સ્કીન લાવવા માટે રાજી થઈ ગયા."
"સદ્નસીબે મિસબાહના પરિવારજનો સમયસર સ્કિનકિટ લઈ પણ આવ્યા."
'નસીબદાર છું કે આવો પરિવાર અને પતિ મળ્યા'
કોરોનામાંથી બેઠાં થઈ અને આગથી દાઝ્યા બાદ સારવાર મેળવી 70 દિવસ બાદ હૉસ્પિટલથી ડિસ્ચાર્જ થયેલાં મિસબાહ ખારાવાલા પોતાની ખુશી વ્યક્ત કરતાં જણાવે છે, "મારી માટે મારા પતિ અને મારા પરિવારજનોએ રાત-દિવસ એક કરી દીધા હતા. અત્યારે મને ખૂબ જ સારું લાગી રહ્યું છે, મારા પતિ અને પરિવાર માટે હાલ હું ગર્વની લાગણી અનુભવી રહી છું."
"પરિવારજનોની સાથે હું અમારા મતવિસ્તારના ધારાસભ્ય ઇમરાન ખેડાવાળા અને ડૉ. વિજય ભાટીયાનો પણ આભાર વ્યક્ત કરું છું."
"આ બધા લોકોની મહેનતને કારણે આજે હું 70 દિવસ બાદ હૉસ્પિટલમાંથી બહાર આવી છું અને ખૂબ જ સારું મહેસૂસ કરી રહી છું."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો