ઇંદિરા ગાંધીનો અવાજ કાઢીને કેવી રીતે 60 લાખ રૂપિયાની ઠગાઈ કરી?

    • લેેખક, જયદીપ વસંત
    • પદ, બીબીસી ગુજરાતી માટે

1971માં દિલ્હીના બૅન્ક અધિકારી ઉપર વડાં પ્રધાનના અંગત વ્યક્તિનો ફોન આવે છે અને રૂ. 60 લાખની માગણી કરે છે, એટલું જ નહીં, તેને વડાં પ્રધાનના અવાજમાં જ ચૂકવણું કરવા માટેનો કૉડવર્ડ પણ જણાવવામાં આવે છે.

એ સમયે પૂર્વ પાકિસ્તાનમાં અશાંતિ ચાલી રહી હતી અને ભારત ત્યાંના બાંગ્લા પીડિતોને ન કેવળ આશરો આપીને પરંતુ સશસ્ત્ર તાલીમ આપીને પણ મદદ કરી રહ્યું હતું. એટલે કદાચ અનુભવી કૅશિયરને આ વાત અસામાન્ય ન લાગી હોય.

ગણતરીની કલાકોમાં સ્પષ્ટ થાય છે કે આ મામલો ઠગાઈનો હતો. પોલીસ તત્કાળ કાર્યવાહી કરે છે અને લગભગ તમામ રોકડ રકમ હાંસલ કરી લે છે. જોકે, એ પછી જે કંઈ થયું, તેણે 'કૉન્સપિરસી થિયરિસ્ટો'ને વ્યસ્ત રાખવા માટે પૂરતા સંજોગ પૂરા પાડ્યા.

'ઐતિહાસિક ઝડપ'થી સુનાવણી થઈ અને દોષિતને સજા થઈ, પરંતુ પાછળથી ખબર પડી કે શારીરિક મર્યાદાને કારણે દોષિત માટે ચોક્કસ કૃત્ય કરવું મુશ્કેલ હતું.

તપાસનીસ પોલીસ અધિકારીનું કારઅકસ્માતમાં મૃત્યુ થઈ ગયું. કાયદાકીય ક્રમ આગળ વધે તે પહેલાં જેલમાં દોષિતનું મૃત્યુ થઈ ગયું. આનો આધાર લઈને વિખ્યાત લેખક રૉહિંગ્ટન મિસ્ત્રીએ નવલકથા પણ લખી અને તેના ઉપરથી ફિલ્મ પણ બની.

ખુદ 'વડાં પ્રધાન'એ આપ્યો કૉડ

કેસની વિગત પ્રમાણે, 24 મે, 1971ના રોજ સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાની સંસદમાર્ગ શાખાના મુખ્ય કૅશિયર વેદપ્રકાશ મલ્હોત્રાના ફોનની ઘંટડી વાગી. સામે રહેલી વ્યક્તિએ પોતાની ઓળખ આપતાં વડાં પ્રધાન કાર્યાલયમાંથી તેમના મુખ્ય સચીવ પી.એન. હક્સર બોલી રહ્યા હોવાનો દાવો કર્યો અને કહ્યું:

"વડાં પ્રધાનને બાંગ્લાદેશમાં (તત્કાલીન પૂર્વ પાકિસ્તાન) ગુપ્ત અભિયાન માટે રૂ. 60 લાખની જરૂર છે. તમે બૅન્કમાંથી પૈસા ઉપાડો અને સંસદમાર્ગ પર બાઇબલભવન પાસે ઊભેલી વ્યક્તિને આ રકમ આપી દો. આ રકમ 100-100ની નોટોમાં હોવી જોઈએ."

આ સાંભળીને મલ્હોત્રા ખચકાયા અને શું કરવું તેના વિશે વિચારી રહ્યા હતા, ત્યાં ફોનના સામે છેડે રહેલી વ્યક્તિએ કહ્યું, 'લો વડાં પ્રધાન સાથે વાત કરી લો.'

અમુક સેકંડ પછી મલ્હોત્રાના સામે છેડેથી એક મહિલાનો અવાજ સંભળાયો અને તેમને સૂચના મળી, "તમે પોતે પૈસા લઈને બાઇબલભવન પહોંચજો. ત્યાં એક શખ્સ તમને મળશે અને કહેશે, 'બાંગ્લાદેશ કા બાબુ' જેના જવાબમાં તમારે કહેવાનું છે, 'બાર-એટ-લૉ' એ પછી તમે એમને પૈસા સોંપી દેજો અને સમગ્ર ઘટનાક્રમને ગુપ્ત રાખજો."

મલ્હોત્રાને ખાતરી આપવામાં આવી હતી કે તેમને વાઉચર અને રિસિટ મળી જશે, જેથી કરીને તેઓ હિસાબમાં દેખાડી શકે.

સાડા બાર વાગ્યા આસપાસ મલ્હોત્રાના સહાયક રામપ્રકાશ બત્રાએ સ્ટ્રૉંગ રૂમમાંથી પૈસા કઢાવ્યા. અન્ય એક ડેપ્યુટી હેડ કૅશિયર રુહેલસિંહના રજિસ્ટરમાં ઍન્ટ્રી થઈ અને પેમેન્ટ વાઉચર ઉપર મલ્હોત્રાએ સહી કરી.

કૉડવર્ડની આપલે અને અંધાધૂંધી

બે પટ્ટાવાળાએ બૅન્કની ગાડીમાં (ડીએલકે 760) લગભગ 65 કિલોગ્રામ વજનનો પટારો મૂક્યો અને ખુદ મલ્હોત્રા ગાડી ચલાવીને બાઇબલ હાઉસ પાસે લઈ ગયા. તેમણે કાર ત્યાં ઊભી રાખી, ત્યારે એક લાંબા અને ગોરા શખ્સ ત્યાં પહોંચ્યા અને તેમણે મલ્હોત્રાને કૉડ કહ્યો. મલ્હોત્રાએ પોતાનો કૉડ કહ્યો.

એ પછી આંગતુક મલ્હોત્રાની ગાડીમાં બેસી ગયા. અહીંથી ગાડીને ટૅક્સી-સ્ટેન્ડ ખાતે લઈ જવામાં આવી. જ્યાં આવનારી વ્યક્તિએ પટારાને ગાડીમાંથી ઉતાર્યો અને મલ્હોત્રાને વડાં પ્રધાનના નિવાસસ્થાનેથી વાઉચર મેળવી લેવા માટે સૂચના આપી.

બીજી બાજુ, મલ્હોત્રા વડાં પ્રધાનના નિવાસસ્થાને પહોંચ્યાં, જ્યાં તેમને માલૂમ પડ્યું કે વડાં પ્રધાન ઇંદિરા ગાંધી સંસદમાં છે. એટલે તેઓ સંસદ પહોંચ્યા. ત્યાં ઇંદિરા ગાંધી સાથે તો તેમની મુલાકાત ન થઈ, પરંતુ વડાં પ્રધાનના મુખ્ય સચિવ પરમેશ્વર નારાયણ હક્સર સાથે મુલાકાત થઈ.

જ્યારે મલ્હોત્રાએ તેમને તમામ વિગતો જણાવી ત્યારે ખુદ હક્સર પણ ચોંકી ગયા અને તેમણે મલ્હોત્રાને જણાવ્યું કે તેમની સાથે ઠગાઈ થઈ છે અને તેમણે આ અંગે પોલીસને જાણ કરવી જોઈએ.

મલ્હોત્રા બાઇબલહાઉસથી આમતેમ ભટકી રહ્યા હતા, ત્યારે બૅન્કમાં પણ તણાવભર્યો માહોલ હતો. સહાયક હેડ કૅશિયર રુહેલસિંહે તેમના સાથી બત્રા પાસેથી બે-ત્રણ વખત વાઉચરની માગ કરી. ત્યારે બત્રાએ જણાવ્યું કે જ્યારે મલ્હોત્રા આવશે, ત્યારે તેઓ આપી દેશે.

અમુક કલાકનો સમય પસાર થયા છતાં મલ્હોત્રા ન આવ્યા એટલે રુહેલસિંહે તેમના ઉચ્ચ અધિકારીઓને આના વિશે જાણ કરી દીધી. ઉચ્ચ અધિકારીઓ રુહેલસિંહને પોલીસ ફરિયાદ દાખલ કરાવવા માટે સલાહ આપી. જેના આધારે પોલીસને જાણ કરવામાં આવી.

પડદો હઠ્યો, ચહેરો ઓળખાયો

હાઇ-પ્રોફાઇલ કેસની ગંભીરતાને જોતાં દિલ્હી પોલીસ તત્કાળ હરકતમાં આવી અને તેમણે 'ઑપરેશન તુફાન' હાથ ધર્યું. તપાસમાં બહાર આવ્યું કે જે શખ્સે વડાં પ્રધાનના કુરિયર તરીકે ઓળખ આપીને રોકડ મેળવી હતી, તેમનું નામ કૅપ્ટન રુસ્તમ સોહરાબ નાગરવાલા છે.

તેમણે ભારતીય સેનામાં ફરજ બજાવી હતી અને છેલ્લા કેટલાક વખતથી તેઓ નવગઠિત ગુપ્તચર સંસ્થા રિસર્ચ ઍન્ડ ઍનાલિસિસ વિંગમાં (રૉ) સેવા આપી રહ્યા હતા.

રાત્રે લગભગ પોણા દસ વાગ્યા આસપાસ દિલ્હી ગેટ ખાતે પારસી ધર્મશાળા પાસેથી કૅપ્ટન નાગરવાલાની ધરપકડ કરવામાં આવી. તેમના સ્કૂટરના ટાયરમાંથી રૂ. 30 હજારની રોકડ પણ મળી આવી હતી. તેમના મિત્ર એન. બી. કૅપ્ટનના ઘરેથી (277-એ, ડિફેન્સ કૉલોની) રૂ. 59 લાખ 95 હજારની રોકડ મેળવી લેવામાં આવી. એન. બી. કૅપ્ટન એ સમયે દિલ્હીમાં એક અખબારમાં નાણાવિભાગમાં ફરજ બજાવતા હતા.

પાછળથી પોલીસ સમક્ષ એન.બી. કૅપ્ટને કેફિયત આપી કે જ્યારે કૅપ્ટન નાગરવાલા તેમના ઘરે સૂટકેસ મૂકવા આવ્યા, ત્યારે તેઓ ઘરે ન હતા અને મિત્ર હોવાના દાવે તેમનો સામાન ઘરમાં રાખવા દેવામાં આવ્યો હતો.

અડધી રાત્રે દિલ્હી પોલીસે પત્રકારપરિષદ ભરીને કેસને ઉકેલી લેવાનો દાવો કર્યો. પોલીસનું કહેવું હતું કે ટૅક્સી-સ્ટૅન્ડેથી નાગરવાલાએ પોતાના રાજેન્દ્રનગરસ્થિત ઘર સુધીની ટૅક્સી કરી હતી. ત્યાંથી એક સૂટકેસ લીધી અને જૂની દિલ્હીના નિકલસન રોડ તરફ ટૅક્સી લેવડાવી. અહીં તેમણે ડ્રાઇવરની સામે જ પટારામાંથી સૂટકેસમાં પૈસા ઠાલવ્યા. એટલું જ નહીં મૌન જાળવવા માટે તેણે ડ્રાઇવરને રૂ. 500ની ટિપ પણ આપી.

ત્રણ દિવસમાં ચાર વર્ષની સજા

હાલના સમયમાં પણ અસામાન્ય ગણી શકાય, એટલી ઝડપથી એ સમયે કેસ ચાલ્યો. ઘટનાના ત્રણ દિવસ બાદ તા. 27મી મેના રોજ કૅપ્ટન નાગરવાલાએ અદાલત સમક્ષ પોતાનો ગુનો કબૂલી લીધો અને કહ્યું કે બાંગ્લાદેશના બહાને તેમણે મલ્હોત્રાને મૂર્ખ બનાવ્યા હતા.તેમણે કહ્યું કે તેઓ બાંગ્લાદેશ મુદ્દે સરકારનું ધ્યાનાકર્ષિત કરવા માગતા હતા.

એ જ દિવસે દિલ્હીના જ્યુડિશિયલ મૅજિસ્ટ્રેટ કે. પી. ખન્નાની અદાલતમાં કૅપ્ટન રુસ્તમ સોહરાબ નાગરવાલાને ચાર વર્ષની સશ્રમ કેદની સજા ફટકારી.

આ સિવાય તેમને રૂ. એક હજારનો દંડ ફટકાર્યો. આઇપીસીની કલમ 419 અને 420 હેઠળ તેમને દોષિત ઠેરવવામાં આવ્યા હતા. સમગ્ર સુનાવણી માંડ દસ મિનિટ ચાલી હતી.

એ પછી કૅપ્ટન નાગરવાલાએ પોતાનું નિવેદન બદલ્યું અને ફરીથી સુનાવણી હાથ ધરવાની માગ કરી. તેમની દલીલ હતી કે તેમની સાથે જ વેદપ્રકાશ મલ્હોત્રાની પણ ધરપકડ કરવામાં આવી, છતાં તેમની સામે આરોપનામું દાખલ કરવામાં આવ્યું ન હતું. બંને એક જ કેસમાં સંડોવાયેલા હોવાથી બંનેનો કેસ અલગ-અલગ નહીં, પરંતુ એકસાથે ચાલવો જોઈતો હતો.

અદાલતે મલ્હોત્રા સામે કાર્યવાહી કરવાનું બૅન્કની ઉપર છોડ્યું અને તેમણે બદઇરાદાપૂર્વક કોઈ કામ ન કર્યું હોવાનું ઠેરવીને ફરીથી બંનેનો કેસ એકસાથે ચલાવવાની માગને ઑક્ટોબર-1971માં ફગાવી દીધી.

રિસર્ચ ઍન્ડ ઍનાલિસિસ વિંગના પૂર્વ અધિકારી આર.કે. યાદવે 'Mission R&AW' નામનું પુસ્તક લખ્યું છે. તેમણે આ અંગે રોના તત્કાલીન વડા રામનાથ કાવ તથા તેમના 'નંબર-ટુ' શંકરન નાયરને આના વિશે પૂછ્યું હતું, પરંતુ બંનેએ આ કેસ સાથે સંસ્થાને કોઈ લેવાદેવા હોવાની વાતનો ઇન્કાર કર્યો હતો.

આ સિવાય સંસદરોડ પરની એસબીઆઇની શાખામાં 'રૉ'નું કોઈ ગુપ્ત બૅન્ક ખાતું હોવાની વાતને પણ નકારી કાઢી હતી.

કૅપ્ટન નાગરવાલા અપરિણીત હતા અને બ્રિટિશ સમયે સેનામાં ઇન્ટેલિજન્સ ઑફિસર તરીકે સેવા આપતા હતા. તેમણે 1967 આસપાસ ઉત્તર અને દક્ષિણ વિયેતનામ યુદ્ધ સમયે ભારત દ્વારા ઉપયોગમાં લઈ શકાય તેવી માહિતી કાવને આપી હોવાની વાત પણ સાર્વજનિક છે.

અકસ્માત અને મૃત્યુનો ક્રમ

આ કેસને ઉકેલવાનો શ્રેય દિલ્હી પોલીસના યુવા અધિકારી એએસપી ડી. કે. કશ્યપને આપવામાં આવ્યો અને તેમની પદોન્નતી પણ થઈ.

પાકિસ્તાન સાથેની સરહદ પર ભારેલા અગ્નિ જેવી સ્થિતિ હતી. (હાલના) બાંગ્લાદેશમાંથી મોટી સંખ્યામાં શરણાર્થીઓ ભારતમાં ઠલવાઈ રહ્યા હતા. એવામાં તા. 20મી નવેમ્બર 1971ના રોજ ડી. કે. કશ્યપ હનીમૂન પર જઈ રહ્યા હતા, ત્યારે તેમની ગાડીને અકસ્માત નડ્યો અને તેમનું મૃત્યુ થયું.

દરમિયાનમાં કૅપ્ટન નાગરવાલાએ તત્કાલીન બૉમ્બેમાંથી પ્રકાશિત થતાં સાપ્તાહિક 'કરેન્ટ'ના તંત્રી ડી. એફ. કરાકાને પત્ર લખીને ઇન્ટરવ્યૂ આપવાની ઇચ્છા વ્યક્ત કરી. કૅપ્ટન નાગરવાલાની જેમ જ કરાકા પણ પારસી હતા. કરાકાની તબિયત લથડતાં તેમણે પોતાના સહાયકને ઇન્ટરવ્યૂ લેવા માટે મોકલ્યા, પરંતુ કૅપ્ટન નાગરવાલાએ તેમને ઇન્ટરવ્યૂ આપવાનો ઇન્કાર કરી દીધો.

50 વર્ષીય કૅપ્ટન નાગરવાલાએ હક્સર અને ઇંદિરાના અવાજમાં વાત કરી હોવાનો દાવો કરવામાં આવ્યો. વાસ્તવમાં કૅપ્ટન નાગરવાલાને પૅરાલિસિસ થયો હતો, જેના કારણે તેમના ચહેરાનો એકભાગ ખેંચાયેલો હતો, એટલે તેઓ આ રીતે સ્પષ્ટ અવાજમાં વાત કરી શકે તે વાત ગળે ઊતરે તેવી ન હતી.

એ પછી ભારત-પાકિસ્તાન યુદ્ધ થયું અને વિશ્વના નકશા ઉપર બાંગ્લાદેશ નામનો નવો દેશ અસ્તિત્વમાં આવ્યો. દેશમાં વિજયનો ઉન્માદ હતો. આ અરસામાં ફેબ્રુઆરી-1972ની શરૂઆતમાં કૅપ્ટન નાગરવાલાને તિહાર જેલની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.

તા. 21મી ફેબ્રુઆરીના રોજ તેમને દિલ્હીની જી.બી. પંત હૉસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા. તા. બીજી માર્ચ, 1972ના દિવસે કૅપ્ટન નાગરવાલાની તબિયત કથળી ગઈ અને બપોરે હૃદયરોગનો હુમલો આવવાથી તેમનું અવસાન થઈ ગયું. એ દિવસે તેમનો 51મો જન્મદિવસ હતો.

કૅપ્ટન નાગરવાલાએ વકીલ રોકવાનો ઇન્કાર કર્યો હતો એટલે તેમને સરકારી વકીલ આપવામાં આવ્યા હતા.

CIAનું પ્યાદું ?

ઇંદિરા ગાંધીના અવસાનનાં બે વર્ષ પછી એવા અહેવાલ આવ્યા હતા કે કૅપ્ટન નાગરવાલા ભારતીય નહીં, પરંતુ અમેરિકન ગુપ્તચર એજન્સી સીઆઇએ (સૅન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સી) માટે કામ કરતા હતા. (પાવર, પ્રેસ ઍન્ડ પૉલિટિક્સ, આલોક મહેતા) દિલ્હીસ્થિત અમેરિકન દૂતાવાસનાં મહિલા કર્મચારી સાથેની તેમની તસવીર પણ ફરતી થઈ હતી.

આ સિવાય કૅપ્ટન નાગરવાલાએ મૃત્યુ પછી અમેરિકામાં દફનવિધિ માટે જમીન બુક કરાવી હતી અને જાપાનમાં તેમનું ઍકાઉન્ટ હોવાના અહેવાલ પણ વહેતા થયા હતા.

રશિયા સાથે ભારતે રક્ષા કરાર કર્યા હતા અને અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપતિ રિચર્ડ નિક્સનને બાંગ્લાદેશ અંગે ઇંદિરા ગાંધીની નીતિ પસંદ ન હતી. તેઓ વ્યક્તિગત રીતે ઇંદિરાને નાપસંદ કરતા હતા.

ઇંદિરા ગાંધી અંગેની આત્મકથામાં સાગરિકા ઘોષ સવાલ ઉઠાવે છે કે "શું તાકતવર લોકોની મદદ વગર કૅપ્ટન નાગરવાલા એકલાહાથે આવું કરવાની હિંમત કરી શકે?"

સમગ્ર ઘટનાક્રમનો આધાર લઈને એનઆરઆઇ લેખક રૉહિંગ્ટન મિસ્ત્રીએ 'સચ અ લૉંગ જર્ની' નામની નવલકથા લખી હતી, જે કૅશિયરને કેન્દ્રમાં રાખીને લખવામાં આવી હતી અને તેના ઉપરથી ફિલ્મ પણ બની હતી. જેમાં રોશન શેઠ, નસિરુદ્દીન શાહ, ઓમ પૂરી અને સોની રાઝદાન વગેરેએ અભિનય આપ્યો હતો.

અનુત્તર સવાલ અને આશંકા

અપેક્ષા મુજબ, જ બાંગ્લાદેશ મુક્તિ અભિયાન પહેલાં જ્યારે આ ઘટના બહાર આવી, ત્યારે વિપક્ષે વડાં પ્રધાન ઇંદિરા ગાંધી ઉપર નિશાન સાધ્યું હતું. જે દિવસોમાં આ ઘટના ઘટી, ત્યારે સંસદનું સત્ર ચાલું હતું એટલે હોબાળો થવો સ્વાભાવિક પણ હતો.

ઇંદિરા ગાંધીની પાસે ગૃહમંત્રાલયનો હવાલો પણ હતો, એટલે દિલ્હી પોલીસ દ્વારા યોગ્ય તપાસ થાય, તે જોવાની ફરજ તેમની હતી. આ સિવાય કેસ સાથે મોટી રકમ પણ જોડાયેલી હતી. કેટલાક સવાલ આ મુજબ ઊભા થયા :

  • કોઈપણ જાતના લેખિત દસ્તાવેજ વગર કઈ રીતે એક કૅશિયરે આટલી મોટી રકમ કોઈ અજાણી વ્યક્તિને આપી દીધી? શું તેને આ પ્રકારના અધિકાર મળેલા હતા ?
  • જો આવા કોઈ વ્યવહાર શક્ય હતા તો કૉલ કરનારે બૅન્કના મૅનેજરને કૉલ કરવો જોઈતો હતો, એના બદલે સીધો જ કૅશિયરને કેમ કૉલ કરવામાં આવ્યો હતો ?
  • શું અગાઉ પણ આ પ્રકારના વ્યવહાર થયા હતા અને જો થયા હતા તો ક્યારે-ક્યારે?
  • શું પૅરાલિસિસપીડિત કૅપ્ટન નાગરવાલા અને ઇંદિરા ગાંધીનો અવાજ કાઢી શકે છે કે નહીં, તેની ટેપ અદાલત સમક્ષ રજૂ કરવામાં આવી હતી?
  • જો નહીં, તો શું આ કેસમાં કોઈ અન્ય પુરુષ કે મહિલાની સંડોવણીને નકારી શકાય?
  • કૅપ્ટન નાગરવાલાના કબૂલાતનામાને કેમ અંતિમ સત્ય માની લેવામાં આવ્યું? જેમના ઘરે પૈસા રાખવામાં આવ્યા હતા, તે એન. બી. કૅપ્ટન તથા તેમનાં પત્નીનાં નિવેદન કેમ ન લેવામાં આવ્યાં? કોઈ સાંયોગિક પુરાવા કેમ ચકાસવામાં ન આવ્યા?
  • ઇન્ટેલિજન્સ ઑફિસર હોવા છતાં કૅપ્ટન નાગરવાલાએ પોતાનું પગેરું ભૂંસવા માટે કેમ કોઈ પ્રયાસ ન કર્યા ?
  • જો નાગરવાલાએ ગુનો કબૂલી લીધો હતો તો સજા પછી તેમણે તેની સામે અપીલ કેમ દાખલ કરી ?

આગળ જતાં બાકી નીકળતી રૂ. પાંચ હજારની રકમ મલ્હોત્રાએ પોતાના ખિસ્સામાંથી ભરી હતી. તેમને ફરજ પરથી હઠાવી દેવામાં આવ્યા તથા અન્ય ચારને ચાર્જશીટ આપવામાં આવી. છેક સુધી મલ્હોત્રાએ 'સત્તાવાર સૂર' સાથે સૂર મીલાવ્યા હતા.

જ્યારે મારૂતિ ઉદ્યોગની સ્થાપના થઈ, ત્યારે વેદ પ્રકાશ મલ્હોત્રાને તેમાં ચીફ ઍકાઉન્ટ્સ ઑફિસર બનાવવામાં આવ્યા હતા. આ કંપનીમાં સંજય ગાંધી તેના પ્રથમ મૅનેજિંગ ડાયરેક્ટર હતા, અને સોનિયા ગાંધી પણ ડાયરેક્ટર બન્યાં હતાં. પાછળથી મલ્હોત્રાએ દિલ્હીના ટ્રાન્સપૉર્ટના વ્યવસાયમાં પણ નામ કાઢ્યું હતું.

ઇંદિરા ગાંધીની સરકારના પતન પછી જનતા પાર્ટીની સરકાર આવી. તેમણે જગનમોહન રેડ્ડી કમિશનની સ્થાપના કરી, પરંતુ તપાસમાં કશું નક્કર બહાર ન આવ્યું અને નાગરવાલાના મૃત્યુમાં કશું અસામાન્ય હોવાનું ન ઠેરવ્યું. એસબીઆઇની પાર્લમેન્ટ રોડ શાખામાં ઇંદિરા ગાંધીનું વ્યક્તિગત ખાતું ન હોવાનું બહાર આવ્યું.

કમિશને અવલોક્યું હતું કે તબીબી પરિસ્થિતિને કારણે કૅપ્ટન નાગરવાલા ઇંદિરા ગાંધી જ નહીં, પરંતુ કોઈ પણ મહિલાના અવાજની નકલ કરી શકે તેમ ન હતા.

કમિશને અવલોક્યું હતું કે વડા પ્રધાન કાર્યાલયના કેટલાક અધિકારીઓએ તપાસ ઝડપભેર પૂર્ણ થાય તે માટે પ્રયાસ કર્યા હતા.

એસબીઆઇના સ્ટ્રૉંગરૂમમાં કર્મચારીઓ દ્વારા વ્યક્તિગત સામાન રાખવાની વાત પણ જણાવવામાં આવી અને બિનહિસાબી નાણાંને એસબીઆઇના સ્ટ્રૉંગરૂમમાં રાખવામાં આવતી હોવાની શક્યતાને નકારી ન હતી.

કેટલાંક વર્ષો પહેલાં અમુક લોકો દ્વારા રાઇટ-ટુ-ઇન્ફર્મેશન હેઠળ કેન્દ્રીય ગૃહમંત્રાલયમાંથી કેટલીક ફાઇલો માંગવામાં આવી હતી, પરંતુ તેમાં સફળતા મળી ન હતી.