World Cup 2023: કપિલ દેવની એ 'દરિયાદિલી', જેમાં એમણે ચોક્કાને સિક્સર ગણ્યો અને ભારત મૅચ હારી ગયું

    • લેેખક, અર્ણવ વસાવડા
    • પદ, બીબીસી ગુજરાતી

આ કિસ્સો છે ભારતીય ક્રિકેટ ટીમની દરિયાદિલીનો, આ કિસ્સો છે એ સમયે ભારતના કૅપ્ટન રહી ચૂકેલા ઑલરાઉન્ડર કપિલ દેવની સ્પૉટ્સમૅન સ્પિરિટનો. આ કિસ્સો છે 1987માં ક્રિકેટ વિશ્વકપનું આયોજન કરનાર ભારત દેશ પાસેથી આશા અપેક્ષાઓનો.

ભારતે 1983માં પ્રથમ વખત વિશ્વકપ જીતી ઇતિહાસ સર્જ્યો અને ત્યાર બાદ 1987માં યોજાનારા વિશ્વકપને લઈને પહેલી વાર એવું બની રહ્યું હતું કે આ પ્રકારની વૈશ્વિક રમતનું ઇંગ્લૅન્ડ બહાર કોઈ દેશમાં આયોજન થઈ રહ્યું હોય. એ વખતે 1987માં ક્રિકેટ વિશ્વકપનું આયોજન કરવાની તક ભારત અને પાકિસ્તાનને મળી હતી.

આ જ વિશ્વકપ દરમિયાન એ યાદગાર મૅચ યોજાઈ હતી. જેમાં ભારતે દરિયાદિલી દાખવી હતી, જે સમયના વર્લ્ડકપ ચૅમ્પિયન ભારત માટે હારનું નિમિત્ત બની હતી.

હાલ વન-ડે ક્રિકેટ વર્લ્ડકપ 2023 ચાલી રહ્યો છે. અને રવિવારે ભારત અને ઑસ્ટ્રેલિયા પોતાની પહેલી મૅચ રમવા જઈ રહ્યા છે. બન્ને ટીમ ઇચ્છશે કે તેઓ જીતથી આ વર્લ્ડકપમાં આગાઝ કરે. આ મૅચ ચેન્નાઈના એમ. એ. ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે યોજાવાની છે. ત્યારે આ મેદાન પર જ 36 વર્ષ પહેલાં જ્યારે ભારત પહેલી વખત વન-ડે ક્રિકેટ વર્લ્ડકપનું આયોજન કરી રહ્યું હતું ત્યારે પણ ઑસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે આ જ મેદાન પર યોજાયેલ એક મહત્ત્વપૂર્ણ મૅચની યાદો સ્મૃતિપટ પર આવી જાય એ સ્વાભાવિક છે અને એને જ અહીં વાગોળવામાં આવી રહી છે.

આ મૅચનો એક કિસ્સો ખૂબ જ યાદગાર રહ્યો હતો. જેને ક્રિકેટના ચાહકો ઘણી વાર યાદ કરે છે.

  • રવિવારે ભારત-ઑસ્ટ્રેલિયા વચ્ચે વન-ડે ક્રિકેટ વર્લ્ડકપ 2023ની પાંચમી મૅચ ચેન્નાઈના એમ. એ. ચિદમ્બરમ, (અગાઉના ચૅપોક સ્ટેડિયમ)માં રમાવા જઈ રહી છે
  • આ સ્ટેડિયમમાં સૌથી પહેલી વન-ડે મૅચ વર્ષ 1987માં રમાઈ હતી જે ભારત-ઑસ્ટ્રેલિયા વચ્ચે જ રમાઈ હતી
  • આ મૅચ એ સમયે રમાયેલ રિલાયન્સ વિશ્વકપના ગ્રૂપ સ્ટેજમાં ગ્રૂપ એની પહેલી મૅચ હતી જે ભારત માત્ર એક રને હારી ગયું
  • આ એક રને હારવા પાછળ એક ખૂબ જ રસપ્રદ કિસ્સો છે, આ યાદગાર મૅચનો આ મહત્ત્વપૂર્ણ કિસ્સો જાણવા માટે વાંચો બીબીસી ગુજરાતીની આ ખાસ રજૂઆત

એ વખતે ભારત ગ્રૂપ ‘એ’માં હતું અને એની સાથે ઑસ્ટ્રેલિયા પણ ગ્રૂપ ‘એ’નું જ સભ્ય હતું. અને આ સમય એવો હતો જ્યારે પહેલી વખત વન-ડે મૅચ 60 ઓવરની જગ્યાએ 50 ઓવરની રમાવાની હતી.

1987માં ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે ગ્રૂપ સ્ટેજની પ્રથમ વન-ડે મૅચનું આયોજન થયું હતું. આ મૅચ ચેન્નઈના એમ. એ. ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમાવાની હતી અને આ સ્ટેડિયમ એ સમયે ચૅપોક સ્ટેડિમના નામે ઓળખાતું હતું. જોગાનુજોગ આ મૅચ આ સ્ટેડિયમ પર રમાનારી પણ પ્રથમ વનડે મૅચ હતી.

તારીખ હતી 9મી ઑક્ટોબર અને વાર હતો શુક્રવાર, સ્ટેડિયમમાં યોજાનારી પહેલી વન-ડે જોવા માટે લોકોમાં ઉત્સાહ હતો અને ટૉસનો સમય થઈ ગયો હતો.

ભારતે ટૉસ જીત્યો અને કૅપ્ટન કપિલ દેવે પહેલાં ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો

ભારત એ સમયે 1983ના વિશ્વકપની વિજેતા ટીમ હતી અને 1987ના વિશ્વકપ જીતવા માટેની પ્રબળ દાવેદાર પણ. જ્યારે ઑસ્ટ્રેલિયાએ હજી સુધી વિશ્વકપની વિજેતા ટીમની યાદીમાં સામેલ નહોતું.

ઑસ્ટ્રેલિયા તરફથી ડેવિડ બૂન અને જીઓફ માર્શ ઓપનિંગ કરવા મેદાનમાં ઊતરે છે. તે બન્ને વચ્ચે શતકીય ભાગીદારી નોંધાય છે અને 110 રને ડેવિડ બૂન 49 રનના વ્યક્તિગત સ્કોરે આઉટ થઈ જાય છે.

ત્યાર બાદ મેદાનમાં ત્રીજા નંબરે ઑસ્ટ્રેલિયાના બૅટ્સમૅન ડીન જોન્સ મેદાને ઊતરે છે અને હવે ડીન જોન્સની બેટિંગ દરમિયાન જે ઘટના ઘટે છે એ ક્ષણ આ મૅચની હાર અને જીતનું કારણ બને છે.

ડીન જોન્સ 111ના સ્ટ્રાઇક રેટ સાથે બે ચોક્કા અને બે સિક્સર મારી 35 બૉલમાં 39 રન બનાવીને આઉટ થઈ જાય છે. અને એ સમયે ઑસ્ટ્રેલિયાનો સ્કોર બે વિકેટના નુકસાને 174 રનનો હોય છે.

ઑસ્ટ્રેલિયા તરફથી ઓપનર જીઓફ માર્શ સદી ફટકારે છે અને 141 બૉલમાં 110 રન નોંધાવી પ્રભાકરની ઓવરમાં પોતાની વિકેટ ગુમાવી દે છે. એ સમયે ઑસ્ટ્રેલિયાનો સ્કોર ચાર વિકેટના નુકસાને 237 રનનો હોય છે.

આખરે 50 ઓવર બાદ ઑસ્ટ્રેલિયા છ વિકેટના નુકસાને 270 રન બનાવી લે છે. અને ભારતને જીત માટે 271 રનનો પડકાર મળે છે.

મૅચમાં ભારત તરફથી મનોજ પ્રભાકરે દસ ઓવરમાં 47 રન આપી બે વિકેટ ઝડપી હતી. જ્યારે રૉજર બિન્ની, મનિંદર સિંહ અને રવિ શાસ્ત્રીએ એક એક વિકેટ ઝડપી હતી.

જ્યારે ભારતના કૅપ્ટન કપિલ દેવે આ મૅચમાં દસ ઓવરમાં 41 રન આપ્યા હતા, પરંતુ તેમને કોઈ વિકેટ મળી નહોતી.

ઇનિંગ બ્રેકમાં બનેલી એ ઘટના જેના લીધે ઑસ્ટ્રેલિયાના ખાતામાં બે રન ઉમેરાઈ ગયા

આ મૅચ સાથે સંકળાયેલા રસપ્રદ કિસ્સા અંગે વિગતવાર જાણવા માટે બીબીસી ગુજરાતીએ મૅચ નજરે જોઈ ચૂકેલા ક્રિકેટ નિષ્ણાત અને લેખક શુભમ પાલ સાથે વાત કરી હતી.

શુભમ પાલ જણાવે છે કે, “ઑસ્ટ્રલિયાના મૅનેજર એલન ક્રોમ્પ્ટન અને કૉચ બૉબ સિમ્પ્સન ઇનિંગ્સ બ્રેકમાં મૅચના અમ્પાયર અને ભારતના કૅપ્ટન કપિલ દેવને રજૂઆત કરે છે કે ડીન જોન્સે જે શોટ ફટકાર્યો હતો તે સિક્સર હતી પરંતુ ભૂલથી તેને ચોક્કો જાહેર કરી દેવાયો છે. આ રજૂઆત સાંભળી ભારતના કૅપ્ટન કપિલ દેવે સ્પૉટ્સમૅન સ્પિરિટનું ઉદાહરણ પૂરું પાડી, બે રન ઑસ્ટ્રેલિયાના સ્કોરમાં ઉમેરવાની બાબત માટે રાજી થઈ જાય છે.”

શુભમ પાલ આ પ્રસંગની યાદો જણાવતાં આગળ જણાવે છે કે, “ભારતે ઑસ્ટ્રેલિયાને બે રન ઉમેરવાની પરવાનગી આપી એ પહેલાં ઑસ્ટ્રેલિયાનો સ્કોર 268 હતો પરંતુ આ બે રન ઉમેરાયા અને ફાઇનલ સ્કોર 270 થયો, જ્યારે ભારતે આ મૅચમાં 269 રન કર્યા અને જે બે રન પાછળથી ઉમેરાયા એનાથી જ ભારત માત્ર એક રને આ મૅચ ઑસ્ટ્રેલિયા સામે હારી ગયું.”

અંતિમ ઓવરનો રોમાંચ

ચૅપોક સ્ટેડિયમમાં રમાઈ રહેલી 1987ની આ મૅચમાં છેલ્લી ઑવર ખૂબ જ રોમાંચક બની ગઈ હતી.

શુભમ પાલ જણાવે છે કે, “ભારત માત્ર બે વિકેટ ગુમાવી 207 રનનો સ્કોર કરી ચૂક્યું હતું. પરંતુ પછી અચાનક મૅકડેર્મોટની આક્રમક બૉલિંગ સામે ભારતના બૅટ્સમૅન એક પછી એક વિકેટ ગુમાવી બેઠા અને છેલ્લી ઓવર આવી સ્ટીવ વૉ પાસે અને ભારત તરફથી બેટિંગ માટે મનિંદરસિંહ મેદાને હતા. એ સમયે ખૂબ જ નિરાશાજનક પ્રદર્શન કરી રહેલા મનિંદરસિંહે ભારતને મૅચ જિતાડવાની હતી. આવી કટોકટીની સ્થિતિમાં સ્ટીવ વૉની ઑવરનો ચોથો બૉલ મનિંદરસિંહના પગ વચ્ચેથી નીકળીને સીધો સ્ટમ્પમાં ગયો અને તેઓ આઉટ થઈ ગયા અને ભારત માત્ર એક રનથી હારી ગયું.”

અહીં યોગાનુયોગ એવું બન્યું હતું કે ડીન જોન્સના ચોક્કાને સિક્સર તરીકેની માન્યતા મળી એ ઓવર નાખનારા બૉલર પણ મનિંદરસિંહ જ હતા.

શુભમ પાલ એ ઑવર યાદ કરતાં કહે છે કે, “ડીન જોન્સ જ્યારે બેટિંગ કરી રહ્યા હતા ત્યારે મનિંદરસિંહની ઑવરમાં તેમણે સિક્સર મારવાનો પ્રયાસ કર્યો અને લૉન્ગ ઑન પર ઊભેલા રવિ શાસ્ત્રીએ કૅચ પકડવાનો પ્રયાસ કર્યો પરંતું બૉલ રવિ શાસ્ત્રીના હાથને અડીને બાઉન્ડ્રી લાઇનની બહાર જતો રહ્યો, એ સમયે અમ્પાયરે પૂછ્યું તો ભારતીય વિકેટકીપરે ફોરનું સિગ્નલ આપ્યું અને અમ્પાયરે તેને બાઉન્ડ્રી જાહેર કરી.”

અને આ જ બાઉન્ડ્રીને સિક્સ ગણાવવા માટે ઑસ્ટ્રેલિયાનું મૅનેજમૅન્ટ બ્રેક દરમિયાન કપિલ દેવ પાસે ગયું હતું.

એ બે રન કરવાનો વારો અંતે મનિંદરસિંહના જ ભાગમાં આવ્યો, જે કરવામાં તેઓ નિષ્ફળ રહ્યા અને ભારત કે જે પાછલા વિશ્વકપનું વિજેતા હતું તેને હરાવી ઑસ્ટ્રેલિયાએ પોતાના માટે એક નવી જ આશા જન્માવી અને 1987ના જ વિશ્વકપમાં અંતે ઑસ્ટ્રેલિયા પહેલી વખત વિશ્વવિજેતા પણ બન્યું હતું.

હવે રવિવારે જોવાનું રહેશે કે ભારત-ઑસ્ટ્રેલિયા વચ્ચેની આ મૅચમાં શું કોઈ પણ પ્રકારનો રોમાંચ ચૅપોક સ્ટેડિયમમાં ફરી જોવા મળશે કે કેમ.