વર્લ્ડકપ : ધોનીએ મારેલો એ છગ્ગો જેને કરોડો ભારતીયો આજે પણ યાદ કરે છે, શું થયું હતું એ મૅચમાં?

જ્યારે ભારત 2011ના વિશ્વકપની સેમિફાઇનલમાં પહોંચ્યું અને મોહાલીમાં તેનો પાકિસ્તાન સાથે મુકાબલો થશે એ નક્કી થઈ ગયું ત્યારે તત્કાલીન વડા પ્રધાન મનમોહનસિંહે એ મૅચ જોવા માટે પાકિસ્તાનના વડા પ્રધાન યુસુફ રઝા ગિલાનીને મોહાલી આમંત્રિત કર્યા હતા.

મૅચના દિવસે એટલે કે 30 માર્ચના રોજ ભારત અને પાકિસ્તાનનાં ઘણાં રાજ્યોએ રજા જાહેર કરી દીધી હતી જેથી વધુને વધુ લોકો ટીવી પર મૅચ જોઈ શકે. ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતે 50 ઓવરમાં 9 વિકેટે 260 રન બનાવ્યા હતા.

સચિન તેંડુલકરે 85 રન બનાવ્યા હતા, પરંતુ તેમને થર્ડ અમ્પાયર અને પાકિસ્તાની ફિલ્ડરોએ તેમાં ઘણી મદદ કરી હતી. જ્યારે તેઓ 23 રન પર હતા ત્યારે અમ્પાયર ગોલ્ડે તેને એલબીડબલ્યુ આઉટ જાહેર કર્યા હતા પરંતુ થર્ડ અમ્પાયરે કહ્યું કે બૉલ લેગ સ્ટમ્પથી બહાર જઈ રહ્યો હતો.

આ પછી પાકિસ્તાની ફિલ્ડરોએ ચાર વખત તેમનો કૅચ છોડ્યો હતો. જવાબમાં પાકિસ્તાની ટીમે બે વિકેટ ગુમાવીને 103 રન બનાવી લીધા હતા. 42મી ઑવરમાં તેમનો સ્કોર હતો 7 વિકેટ ગુમાવીને 184 રન. પરંતુ ત્યારે જ પાકિસ્તાની ટીમના કૅપ્ટન શાહિદ આફ્રિદીએ હરભજનસિંહના બૉલને ફટકારવાના પ્રયાસમાં કૅચ આપી દીધો. ત્યારપછી ભારત આ મૅચ 29 રને જીતી ગયું હતું.

જ્યારે ધોનીને આવ્યો વિનોદ કાંબલીનો ફૉન

સચીન તેંડુલકર જ્યારે શ્રીલંકા સામેની ફાઈનલ મૅચ રમવા મુંબઈ પહોંચ્યા ત્યારે તેમના કાનમાં રવિ શાસ્ત્રીના શબ્દો ગૂંજતા હતા કે આ મૅચમાં ધોની કરતાં તમારા પર વધુ દબાણ હશે , કારણ કે મુંબઈ અને ભારતના દર્શકો માત્ર જીતવા ઈચ્છતા નથી. તેઓ વર્લ્ડકપ ઉપરાંત ઇચ્છશે કે તમે તમારા હોમગ્રાઉન્ડમાં સદી પણ ફટકારો.

મૅચના એક દિવસ પહેલાં જ મહેન્દ્રસિંહ ધોનીને એક વ્યક્તિનો ફૉન આવ્યો જેને તે ઓળખતા હતા પરંતુ તેઓ ફોન પર તેમનો અવાજ ઓળખી શક્યા ન હતા. એ વ્યક્તિનું નામ હતું વિનોદ કાંબલી. કાંબલી ફૉન પર રડી રહ્યા હતા.

તેમણે ધોનીને કહ્યું, “કાલની રાત એ તારી હશે, કરવી પડશે, તું જ જીતીશ.” તેમણે યાદ કર્યું કે કેવી રીતે ભારતીય ચાહકોએ તેને 1996માં શ્રીલંકા સામે સેમિફાઇનલ હારવા બદલ ક્યારેય માફ ના કર્યા. ફોન મૂકતાં પહેલાં તેમણે કહ્યું, "આ વખતે તારે જીતવું જ પડશે."

મહેલા જયવર્ધનેની શાનદાર ઇનિંગ

જ્યારે મૅચ રેફરી જૅફ ક્રોએ ટૉસ માટે સિક્કો ઉછાળ્યો તો શ્રીલંકાના કૅપ્ટને ‘હેડ્સ’ કહ્યું પરંતુ પ્રેક્ષકોના ડરને કારણે તેઓ સંગાકારાનો અવાજ ન સાંભળી શક્યા. એટલે ટૉસ ફરીથી ઉછાળવામાં આવ્યો. શ્રીલંકા ટોસ જીત્યું અને સંગાકારાએ બેટિંગ પસંદ કરવામાં જરાય મોડું ન કર્યું.

શ્રીલંકાની ઇનિંગ દરમિયાન મોટા ભાગના સમયમાં ભારત નિયંત્રણમાં હતું. શ્રીલંકાની ટીમે 5 વિકેટે 182 રન બનાવી લીધા હતા. પરંતુ મહેલા જયવર્ધનેએ 103 રનની અણનમ ઇનિંગ્ઝ રમતાં સ્કોર 274 સુધી પહોંચાડી દીધો હતો.

સચીન તેંડુલકર તેમની આત્મકથા ‘પ્લેઇંગ ઇટ્સ માય વે’માં લખે છે, “અમે યુવરાજસિંહના કારણે મૅચમાં કમબેક કર્યું હતું કારણ કે તેણે સંગાકારાને 48 રને આઉટ કર્યાં. ઝહીર ખાન એક પછી એક ત્રણ મેડન ઑવર ફેંકી, પરંતુ મહેલા જયવર્ધનેની સદી પછી શ્રીલંકાએ જે લક્ષ્ય આપ્યું તે ભારત માટે સહેલું ન હતું.”

ભારતની બે વિકેટો જલદી જ પડી ગઈ

ભારતની શરૂઆત અતિશય ખરાબ રહી હતી. વીરેન્દ્ર સહેવાગ બીજા જ બૉલે ખાતું ખોલ્યા વગર જ આઉટ થઈ ગયા હતા. તેંડુલકર 14 બૉલ રમીને 18 રને જ આઉટ થઈ ગયા હતા. મલિંગાની બૉલિંગમાં તેઓ આઉટ થયા હતા.

સચીન તેંડુલકર લખે છે કે, “આઉટફીલ્ડ પર ઝાકળ પડી રહી હતી. મને લાગ્યું કે અમારે માટે ત્રીસ યાર્ડની બહાર બૉલને ફટકારવાનો પ્રયાસ કરવો એ જ મહત્ત્વપૂર્ણ છે જેથી તે ભીનો થઈ જાય. ભીનો હોવાને કારણે બૉલ સ્વિંગ થવાનું બંધ થઈ જશે. પરંતુ આ યોજના લાગુ થાય તે પહેલાં જ સહેવાગ શૂન્ય પર આઉટ થઈ ગયો હતો. મેં બે ચોગ્ગા માર્યા. હું બૉલને સારી રીતે ટાઇમ કરતો હતો. મને લાગ્યું કે બૉલ સ્વિંગ થવાનું બંધ થઈ ગયું છે. હું મલિંગા દ્વારા ઑફ સ્ટમ્પની બહાર ફેંકવામાં આવેલા બૉલને ફટકારવા ઇચ્છતો હતો પરંતુ બૉલ સ્વિંગ થયો અને હું વિકેટકીપરને કૅચ આપી બેઠો.”

આ પછી વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરે શાનદાર શૉટ્સ અને શાનદાર રનિંગ દ્વારા ભારતીય ઇનિંગ્સને સંભાળવાનો પ્રયાસ કર્યો હતો. બંનેએ સ્કોર 114 સુધી પહોંચાડ્યો હતો પરંતુ ત્યારબાદ વિરાટ કોહલી 35 રનના સ્કોરે દિલશાનના હાથે કૉટ ઍન્ડ બૉલ્ડ થયો હતો.”

નંબર ચાર પર ધોનીની બૅટિંગ

આ સમયે ધોનીએ એવો નિર્ણય કર્યો જેનાથી મૅચની દિશા જ બદલાઈ ગઈ. તેમણે પોતાને પ્રમોટ કર્યા અને યુવરાજસિંહની જગ્યાએ પોતે બૅટિંગ કરવા આવ્યા. આની પહેલાં પણ તેઓ કેટલાક બૉલ્ડ નિર્ણયો લઈ ચૂક્યા હતા. તેમણે આશીષ નહેરા અને પીયૂષ ચાવલાને ટીમમાં પસંદ કરવા પર ભાર મૂક્યો હતો જ્યારે આર અશ્વિન ટીમમાં હતા અને ચેન્નઈ સુપર કિંગ્સમાં તેમની ટીમમાં રમતા હતા. તો પણ તેમણે તેમને એક પણ મૅચ ન રમાડી.

ફાઇનલ મૅચમાં નહેરાની આંગળી તૂટી ગઈ તો તેઓ તેમની જગ્યાએ શ્રીસંતની ટીમમાં લાવ્યા. જોકે તેમણે બાંગ્લાદેશ સામે માત્ર એક જ મૅચ રમી હતી. તેમાં પણ તેમણે પાંચ ઓવરમાં 55 રન આપ્યા હતા.

પોતાને પ્રમોટ કરવા પાછળ તેમણે વિચાર્યું હતું કે શ્રીલંકા પાસે બે ઑફ સ્પિનર મુરલીધરન અને સુરજ રણદીવ હતા. રણદીવને તેઓ ચેન્નઈ સુપરકિંગ્સના દિવસોથી ઓળખતા હતા. તેમનું માનવું હતું કે આ બંને સામે રમવામાં બાકી ભારતીય ક્રિકેટરો કરતાં તેમને ઓછી મુશ્કેલી પડશે.

ધોની પણ જાણતા હતા કે જેમ-જેમ સમય જશે તેમ મેદાન પર ઝાકળ પડવા લાગશે અને જો તેઓ શ્રીલંકાના સ્પિનર્સ પર હાવી થઈ ગયા તો તેઓ મૅચને નવી દિશા આપી દેશે.

તેમણે કૉચ ગૅરી કર્સ્ટનથી આ વિશે સલાહ માગી અને કર્સ્ટને કહ્યું કે યુવરાજની જગ્યાએ તેઓ બેટિંગ કરવા જાય. ત્યાં સુધી ધોનીએ ટુર્નામેન્ટમાં 150 રન બનાવ્યા હતા, સર્વોચ્ચ સ્કોર 34 હતો, જે તેમણે આયર્લૅન્ડ સામે કર્યો હતો.

ધોનીનો વિજયી શૉટ

પ્રથમ બૉલથી જ ધોની એ સાબિત કરવામાં લાગી ગયા હતા કે કેમ તેમને ક્રિકેટજગતમાં બેસ્ટ ફિનિશર કહેવામાં આવે છે. ગંભીર અને ધોનીએ ચોથી વિકેટ માટે 109 રન કર્યા પરંતુ ત્યારે ગંભીર 97 રનોના પોતાના અંગત સ્કોર પર સદી માટે ચોગ્ગો ફટકારવાના પ્રયાસમાં બૉલ્ડ થઈ ગયા. ત્યારે ભારતને 52 બૉલ પર 52 રનની જરૂરિયાત હતી.

એ વખતે ધોનીનો સાથ આપવા માટે યુવરાજસિંહ આવ્યા. બંને ભારતને જીત નજીક લઈ ગયા. મિહિર બૉઝ પોતાના પુસ્તક 'ધ નાઇન વેવ્સ'માં લખે છે, "આખરે ભારતને 11 રન પર માત્ર ચાર રનની જરૂર હતી. આ પરિસ્થિતિમાં મોટા ભાગના બૅટ્સમૅન એક-એક રન લઈને ટાર્ગેટ સુધી પહોંચવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. પરંતુ રાંચીના આ યુવાને ક્લાસિક અંદાજમાં ભારતને જીતાડવાનો ભાર ઉપાડ્યો."

આ દરમિયાન કુલાસેકરાએ પોતાની આઠમી ઓવરનો બીજો બૉલ ફેંક્યો, ધોનીએ પોતાનો જમણો ગોઠણ વાળ્યો અને બૉલને લૉન્ગ ઑન પર સિક્સ માટે ફટકાર્યો. તે સમયે 10 વાગ્યાને 49 મિનિટ થઈ હતી અને ધોની સૌની નજરો વાનખેડે સ્ટેડિયમના નૉર્થ સ્ટૅન્ડ તરફ લઈ ગયા હતા જ્યાં તેમણે તે શૉટ રમ્યો.

નૉર્ટ સ્ટ્રાઇકર ઍન્ડ પર ઊભા યુવરાજસિંહે બૉલને બાઉન્ડ્રી સુધી પહોંચતા પહેલાં જ પોતાનો હાથ હવામાં ઉઠાવ્યો હતો. આ શૉટ ક્રિકેટજગતનો સૌથી લોકપ્રિય શૉટ બની ગયો. તેના પર સુનીલ ગાવસ્કરે કહ્યું હતું, 'હું મરતાં પહેલાં ધોનીનો એ શૉટ જોવા માગું છું જે ફટકારીને તેમણે 2011નો વિશ્વકપ જિતાડ્યો હતો.'

અમ્પાયરે છગ્ગાનો ઇશારો કર્યો યુવરાજ ઊછળી પડ્યા અને ધોની તરફ દોડ્યા. તેમણે ધોનીને ગળે લગાવ્યા.

તે દિવસે પ્રેસ કૉન્ફરન્સમાં બંને એક બીજાનો હાથ પકડી રહ્યા. યુવરાજે કહ્યું, "ધોનીના હાથમાં જાદુ છે. તેઓ જેને અડે છે તે સોનું બની જાય છે."

ધોનીનો જવાબ હતો કે યુવરાજ કિંગ છે. જ્યારે તેઓ રમે છે, અમે જીતી જઈએ છીએ.

કોહલી અને યુસુફ પઠાણે સચીન તેંડુલકરને ખભા પર ઉપાડ્યા

1983માં જ્યારે ભારતે વિશ્વકપ જીત્યો ત્યારે કપિલદેવ સેન્ટર સ્ટેજ પર હતા. તેની ઊલટ 2011ની જીતમાં ધોની સંપૂર્ણ રીતે બૅકગ્રાઉન્ડમાં હતા. થોડી વાર માટે તેઓ ભાવુક જરૂર થયા પરંતુ તેમણે આંસુ છુપાવી લીધા.

તેંડુલકરે ભલે સદી ન ફટકારી હોય અથવા વિજયી રન સ્કોર ન કર્યો હોય પરંતુ ધોનીએ સુનિશ્ચિત કર્યું કે એ સાંજ હંમેશાં યાદગાર બની રહે. ધોની જોઈ શકતા હતા કે તેંડુલકરની આંખોમાં આંસુ હતાં. તેમણે તેમના હાથમાં ભારતનો ઝંડો પડકાવી દીધો.

વિરાટ કોહલી અને યુસુફ પઠાણે તે સમયે સચીનને પોતાના ખભે ઉપાડી લીધા. પછી તેમણે કહ્યું કે, "જો અમે અત્યારે ખભા પર નહીં ઉઠાવીએ તો ક્યારે ઉપાડીશું. તેમણે 21 વર્ષ સુધી દેશની આશાઓનો ભાર પોતાના ખભા પર ઉપાડ્યો. હવે સમય આવી ગયો છે કે અમે તેમને ખભા પર ઉપાડીને વાનખેડે સ્ટેડિયમનું ચક્કર લગાવીએ."

સચીન લખે છે, ''મને યાદ છે કે મેં યુસુફ પઠાણને કહ્યું ભાઈ મને નીચે ન પડવા દેતો. તેના પર પઠાણ બોલ્યો હતો, અમે પડી જઈશું પણ તમને નહીં પડવા દઈએ. મેં જાણે કે ક્રિકેટના ઍવરેસ્ટને સર કરી લીધો હતો. મારી સાથે દરેક ભારતવાસી રસ્તા પર આવીને ભારતની જીતની ઊજવણી કરી રહ્યો હતો.''

બીજા દિવસે સમગ્ર વિશ્વનાં સમાચારપત્રો પર આ તસવીર છપાઈ જેમાં વિરાટના ખભા પર સવાર સચીન તેંડુલકર આકાશ તરફ જોઈ રહ્યા છે અને તેમના હાથમાં ભારતનો ઝંડો છે. તેમની બાજુમાં હરભજનસિંહની આંખોમાં આંસુ છે. તેમના હાથમાં પણ ભારતનો ઝંડો છે. ધોનીએ બાંયો વગરનું ટીશર્ટ પહેર્યું

હતું, લોકોની આંખો એટલી ભાવુક હતી કે તેમને ઓળખવામાં પણ મુશ્કેલી થાય. તેમને જોઈને જરાય એવું નથી લાગતું કે આ એ જ વ્યક્તિ છે જેની કપ્તાનીમાં ટીમે વિશ્વકપ જીત્યો છે અને તેમના ફટકારેલા છગ્ગાથી જ 28 વર્ષ ભારત વિશ્વકપ ભારતમાં પરત આવ્યો છે.