'મારે બૉલથી મરવું નથી, નવજાત દીકરાને હજી જોવાનો છે', એ મૅચ જેમાં ફાસ્ટ બૉલરો સામે ગાવસ્કરે બૅટ પછાડ્યું હતું

    • લેેખક, રેહાન ફઝલ
    • પદ, બીબીસી સંવાદદાતા

ક્રિકેટ વર્લ્ડકપ શરૂ થવા જઈ રહ્યો છે ત્યારે વાત ‘જેન્ટલમૅન ગેમ’ કહેવાતી ક્રિકેટની રમતમાં એવા કિસ્સાની જેણે આ વિશેષણથી એકદમ ઊલટું જ સાબિત કરી બતાવ્યું

તેમાંથી એક છે 1932ની ઇંગ્લૅન્ડ અને ઑસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ‘બૉડીલાઇન સિરીઝ’.

ત્યારે ઇંગ્લૅન્ડના કપ્તાન ડગલસ જૉર્ડિને ડૉન બ્રૅડમેનને નિયંત્રિત કરવા માટે ખતરનાક બૉલિંગનો સહારો લીધો હતો. જૉર્ડિને એ સમયના વિશ્વના સૌથી ફાસ્ટ બૉલર હૅરલ્ડ લારવુડનો પ્રયોગ કર્યો હતો.

આ સિરીઝ પછી ઑસ્ટ્રેલિયાના કપ્તાન બિલ વુડફુલે ટિપ્પણી કરી હતી કે, ‘આ ક્રિકેટ નહીં યુદ્ધ હતું.’

આ સિરીઝના 44 વર્ષો બાદ ભારતની ક્રિકેટ ટીમને પણ ક્લાઇવ લૉઇડની વેસ્ટ ઇન્ડીઝની ટીમ વિરુદ્ધ આ રીતની ખતરનાક બોલિંગનો સમાનો કરવો પડ્યો હતો.

પોર્ટ ઑફ સ્પેન ટેસ્ટમાં ભારત વિરુદ્ધ ચોથી ઇનિંગમાં 403 રનનું લક્ષ્ય મૂકવા છતાં વેસ્ટ ઇન્ડીઝની ટીમ એ ટેસ્ટ મૅચ હારી ગઈ હતી.

મૅચ બાદ ક્લાઇવ લૉઇડે પોતાના સ્પિનરોને એક વાત કહી હતી જે ઘણી પ્રખ્યાત થઈ હતી. તેમણે કહ્યું હતું, "મેં તમને ભારતને આઉટ કરવા માટે 400 રનથી વધુ આપ્યા પરંતુ તમે તેમને આઉટ નહીં કરી શક્યા. ભવિષ્યમાં હું તમે હજુ કેટલા રન કરી આપું કે તમે વિપક્ષી ટીમને આઉટ કરી શકશો?"

પિચ સિમેન્ટની સપાટી જેવી હતી

જ્યારે જમૈકાની રાજધાની કિંગ્સ્ટનના સબાઇના પાર્કમાં ચોથી ટેસ્ટ શરૂ થઈ તો ઘણું બધું દાવ પર હતું. તેમાંથી એક હતું લૉઇડની કપ્તાની. અફવાઓ હતી કે તેમને વેસ્ટ ઇન્ડીઝની કપ્તાનીથી હઠાવવામાં આવશે.

પોર્ટ ઑફ સ્પેન ટેસ્ટમાં વેસ્ટ ઇન્ડીઝે જે ત્રણ સ્પિનર રમાડ્યા હતા તેમાંથી માત્ર એક રફીક જુમાદીનને કિંગ્સ્ટન ટેસ્ટની ટીમમાં સામેલ કરવામાં આવ્યા હતા. એલ્બર્ટ પૅડમોર અને ઇમ્તિયાઝ અલીને ડ્રૉપ કરી દેવાયા હતા.

ફાસ્ટ બોલર વૅનબર્ન હોલ્ડરની ટીમમાં વાપસી થઈ અને વૅન ડૅનિયલને પહેલી વાર વેસ્ટ ઇન્ડીઝની ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યા. આ રીતે વેસ્ટ ઇન્ડીઝની ટીમ ચાર ફાસ્ટ બૉલરો માઇકલ હોલ્ડિંગ, વૅન ડેનિયલ, હોલ્ડર અને બર્નાર્ડ જૂલિયન સાથે મેદાને ઊતરી હતી.

લૉઇડે ટૉસ જીતીને ભારતને પહેલા બેટિંગ આપી હતી. પિચ પર એટલી તિરાડો હતી કે એક સિક્કો આસાનીથી એ તિરાડમાં અંદર જઈ શકતો હતો.

પૂર્વ ભારતીય ક્રિકેટર અંશુમાન ગાયકવાડની જીવનકથા ‘ગટ્સ અમિડસ્ટ બ્લડબાથ’માં આદિત્ય ભૂષણ લખે છે. "સબાઇના પાર્કની પિચ એટલી કડક હતી કે તેની પર સ્પાઇકવાળા બૂટ પહેરીને ચાલવાથી લાગતું હતું કે સિમેન્ટની સપાટી પર ચાલી રહ્યા છીએ. તેમ છતાં ભારતીય ઑપનર સુનિલ ગાવસ્કર અને અંશુમાન ગાયકવાડ લંચ બ્રેક સુધી અણનમ રહીને ટીમને 60ના સ્કોર સુધી લઈ ગયા."

બાઉન્સર્સ અને બીમર્સની વર્ષા

લંચ પછી રમત ત્યારે શરૂ થઈ જ્યારે માઇક હોલ્ડિંગે રાઉન્ડ ધ વિકેટ બોલિંગ શરૂ કરી. બીમર બૉલની પણ વર્ષા કરી. વૅન ડેનિયલ એવું બતાવતા રહ્યા કે બૉલ તેમના હાથમાંથી લપસી ગયો છે. ફીલ્ડિંગ સેટ થઈ હતી એના પરથી સ્પષ્ટ જણાતું હતું કે ફાસ્ટ બૉલરો જ બોલિંગ કરવાના છે જેથી રન બનાવવું ઘણું મુશ્કેલ થઈ જશે.

જોકે હજુ સુધી સિરિઝમાં રાઉન્ડ ધ વિકેટ બોલિંગ કરીને બૅટ્સમૅનના શરીરને નિશાન બનાવવાની રણનીતિ વેસ્ટ ઇન્ડીઝના બોલરોએ અજમાવી નહોતી.

સુનિલ ગાવસ્કરે પોતાની આત્મકથા ‘સની ડેઝ’માં લખ્યું, "એ ડરથી કે તેમને કપ્તાનીમાંથી હટાવી દેવાશે લૉઇડે અમારા પર ફાસ્ટ બૉલરોનું ત્રાટક અજમાવ્યું પરંતુ અમે વગર વિકેટ ગુમાવ્યે 98 રનો સુધી સ્કોર લઈ ગયા."

"લૉઇડ ઘણા નિરાશ લાગી રહ્યા હતા આથી તેમણે હોલ્ડિંને બાઉન્સર્સ નાખવા કહ્યું. બની શકે કે તેમણે જ હોલ્ડિંગને કહ્યું હોય કે અમારા પર એક ઑવરમાં 4 બાઉન્સર અને એક બીમર નાખવામાં આવે."

"એવું લાગી રહ્યું હતું કે તેમણે જાણે વિચારીને જ રાખ્યું હતું કે જો તમે આઉટ ન કરી શકો તો ઘાયલ કરીને મેદાનથી બહાર કરી દો."

અમ્પાયરોએ ગાવસ્કરની ફરિયાદને અવગણી

હોલ્ડિંગ એક ઑવરમાં કેટલાય બાઉન્સરો નાખ્યા બાદ ગાવસ્કરે અમ્પાયર રાલ્ફ ગોસાઇ અને ડગલસ સૅન્ગ હ્યૂને બોલિંગ વિશે ફરિયાદ કરી. પરંતુ તેમને માત્ર સ્મિતરૂપે જવાબ મળ્યો. એ સમયે વૈશ્વિક સ્તરના બૅટ્સમૅન બની ચૂકેલા ગાવસ્કર એટલા નિરાશ થઈ ગયા હતા કે તેમણે ગુસ્સામાં પોતાનું બેટ જમીન પર પછાડી દીધું હતું.

ગાયકવાડ તેમને શાંત કરાવવા તેમની પાસે પહોંચ્યા. ગાવસ્કરે કહ્યું, "હું બોલિંગથી મરવા નથી માગતો. હું પોતાના ઘરે સુરક્ષિત પહોંચવા માગું છું જેથી મારા નવજાત પુત્ર રોહનને જોઈ શકું."

આ હેલ્મેટ પહેલાંનો જમાનો હતો. ત્યારે શરીરને બૉલ સામે રક્ષણ માટે ન તો પૂરતા સાધનો ઉપલબ્ધ હતા ન એક ઑવરમાં બાઉન્સરની સંખ્યા મર્યાદિત હતી. તે દિવસોમાં વપરાતા પૅડ્સ અને ગ્લવ્ઝની ગુણવત્તા પણ આજ જેવી નહોતી.

ડ્રેસિંગ રૂમમાં રાખવામાં આવતા નૅપ્કિનને થાઈ ગાર્ડ તરીકે વાપરવામાં આતા. બૅટ્સમૅન પાસે માત્ર એક બૅટ અને તેનું જીવટ રહેતું હતું. આવી સ્થિતિમાં બૅટ્સમૅને ન માત્ર પોતાની વિકેટ પરંતુ જિંદગી પણ બચાવવાની હોય છે.

ગાયકવાડે આ વિશે બાદમાં ટિપ્પણી કરી હતી. જો તમે ખોટા સમયે પલકારો મારો તો તમે ઇતિહાસ બની જાવમાં એમાં વાર ન લાગે.

બોલરોને પ્રેક્ષકોનું સમર્થન

હોલ્ડિંગ એટલી ઝડપી બોલિંગ કરી રહ્યા હતા કે અનુભવી વિકેટકીપર ડૅરેક મરે પણ બૉલ પકડવામાં કેટલીક વાર નિષ્ફળ જઈ રહ્યા હતા. કેટલીક વાર તો બોલ સાઇટસ્ક્રીનથી અથડાઈને વિકેટકીપર પાસે પરત આવી જતી હતી. જેમ જેમ હોલ્ડિંગ અને ડેનિયલની બોલિંગ ફાસ્ટ થતી ગઈ, ત્યાં હાજર દર્શકોનું સમર્થન પણ તેમના માટે વધતું ગયું.

બધા જ દર્શક પોર્ટ ઑફ સ્પેનમાં થયેલી હારનો બદલો લેવા માગતા હતા. સુનીલ ગાવસ્કર પોતાની આત્મકથા ‘સની ડેઝ’માં લખે છે, "જમૈકાના દર્શકોને પ્રેક્ષકોની જગ્યાએ ટોળું કહીએ તે યોગ્ય રહેશે. તેઓ બૂમો પાડી રહ્યા હતા, ‘એને મારી નાખો’, ‘એને ઘાયલ કરી દો’, ‘માઇક એનું માથું ફોડી નાખો’."

ગાવસ્કર લખે છે, "તેમણે અમારા એક પણ શૉટ પર તાળી ન વગાડી. એક વાર જ્યારે મેં ડેનિયલની ઓવરમાં ચોગ્ગો માર્યો તો જમૈકાના દર્શકો પાસે તાળીઓની અપેક્ષા હતી. મેં માગ કરી કે તેઓ તાળીઓ વગાડે."

"પણ તેમણે એ વાતને હસી કાઢી. પછી બીજા દિવસે ટોની કોઝિયરે મારી સાથે મજાક કર્યો કે, ‘તો શું તમે દર્શકો પાસેથી તાળીઓની આશા રાખી રહ્યા હતા?’"

ભારતના બંને ઓપનર બૅટ્સમૅન વધુ એક્રાગતા કેળવવાની કોશિશ કરી જેમાં તેઓ મહદઅંશે સફળ રહ્યા. દરેક ઑવરના અંતમાં તેઓ એકબીજા સાથે જતા અને કહેતા કે ‘વિકેટ સાચવી રાખો.’

પહેલા દિવસની રમત સમાપ્ત થતા ભારતે એક વિકેટના નુકસાને 178 રન કર્યા હતા. ગાયકવાડ 58 અને મહેન્દ્ર અમરનાથ 25 રન બનાવીને અણનમ હતા. એ દિવસે વેસ્ટ ઇન્ડીઝે આખા દિવસમાં માત્ર 65 ઓવરો નાખી હતી.

તેમના ફાસ્ટ બોલરોનું રનઅપ એટલું લાંબું હતું કે એક દિવસમાં નિર્ધારિત 90 ઓવરો નાખવાની હોય પણ ન થઈ શકી. બાદમાં એ દિવસે પાંસળીઓ, છાતી, આંગળીઓ અને સાથળમાં પહોંચેલી ઈજાને યાદ કરતા ગાયકવાડે હસતા હસતા કહ્યું હતું, "મારી છાતીમાં હોલ્ડિંગે પોતાનો સિક્કો મારી દીધો. મારા ઘા પર બરફ રાખવામાં આવ્યો હતો જેથી દુખાવો અને સોજો ઓછો થઈ શકે અને હું બીજા દિવસે બેટિંગ કરી શકું."

વિશ્વનાથની આંગળી તૂટી ગઈ

બીજા દિવસે જ્યારે રમત શરૂ થઈ તો હોલ્ડરના એક બૉલ ઘૂંટણના સાંધા પર વાગ્યો. આ કેવી બોલિંગ થવાની છે એનું ટ્રેલર હતું.

બાદમાં ગાયકવાદ યાદ કરે છે, "હોલ્ડર પણ લગભગ એટલી જ ઝડપથી બોલિંગ કરી રહ્યા હતા જેટલી ઝડપથી હોલ્ડિંગ કરી રહ્યા હતા. અમરનાથ પોતાના સ્કોરમાં માત્ર 14 રન કરી શક્યા. તેઓ એક એવી બૉલનો બચાવ કરતા આઉટ થયા જેને જો તેમણે રમવાની કોશિશ ન કરી હોત તો તેમનું માથું ફૂટી ગયું હોત."

બાદમાં અમરનાથ પણ યાદ કરતા કહે છે, "મેં આ પહેલાં આટલી ફાસ્ટ બોલિંગનો સામનો ક્યારે નથી કર્યો. બૉલ દરેક બાજુ ફંગોળાઈ રહ્યો હતો અને મારા માટે એનો સમાનો કરવો સરળ નહોતો."

અમરનાથ આઉટ થયા બાદ વિશ્વનાથ ક્રીઝ પર આવ્યા. તેમને પણ લાગ્યું કે તેઓ પોતાના જીવનની સૌથી ફાસ્ટ બોલિંગ રમી રહ્યા છે. થોડા સમય પછી તેમને પણ એક બોલ વાગ્યો. હોલ્ડિંગના એક શોર્ટ બોલથી બચવાના ચક્કરમાં તેમની ન માત્ર આંગળી તૂટી ગઈ પરંતુ તેમણે કૅચ પણ આપી દીધો.

અહીં આ બધું થઈ રહ્યું હતું અને બીજી બાજુ ગાયકવાડ પહાડની જેમ ટકી રહેતા હતા. આગલા દિવસની ઇજાની લીધે દુખાવો હતો. ખાસ કરીને શરીરના ડાબા ભાગે ખૂબ દુખાવો હતો જેના કારણે તેમને ક્રીઝ પર આઘાપાછા થવામાં ઘણી તકલીફ પડી રહી હતી. એ સમયે બેટ પકડવું તો ઠીક પણ પીચ પર શ્વાસ લેવાનું પણ મુશ્કેલ થઈ રહ્યું હતું.

આદિત્ય ભૂષણ લખે છે, “પાંસળીઓમાં દુખાવાના કારણે ગાયકવાડ માટે જરાય પણ પગ હલાવવો મુશ્કેલ થઈ રહ્યું હતું. એક બહાદુર બૉક્સરની જેમ જેટલી તીવ્રતાથી તેમને બોલ વાગતો એટલી દ દૃઢતાથી તેઓ બીજો બોલ રમવા તૈયાર રહેતા. શારીરિક તકલીફ છતાં તેઓ પોતાનો સ્કૉર 81 રન સુધી લઈ ગયા. તેઓ ક્રીઝ પર ટકેલા હતા પરંતુ તેમને ખબર હતી કે વેસ્ટ ઇન્ડિઝના બોલરો જે રીતે બોલિંગ કરી રહ્યા હતા તેમને પણ એક બોલ એવી ફેંકવામાં આવશે જે તેમને ઘાયલ કરી દેશે.”

આવું જ કંઈક થયું. લંચ બ્રેકના થોડા જ સમય પહેલાં હોલ્ડિંગની ઓઑવરમાં બોલ તેમને સીધો જ છાતીમાં એ જ જગ્યા પર વાગ્યો જ્યાં એક દિવસ પહેલા બોલ વાગ્યો હતો. તેમને ઘણો દુખાવો થયો પણ તેમણે બતાવ્યું નહીં કે દુખાવો થયો.

એની શીખ તેમને સાથી ખેલાડી એકનાથ સોલકરે આપી હતી. એક વાર જ્યારે તેમને બોલ વાગ્યો હતો અને તેઓ દર્દમાં કણસી ઉઠ્યા તો ફોરવર્ડ શોટ લેગ પર ફિલ્ડીંગ કરી રહેલા સોલકરે તેમની પાસે આવીને કહ્યું હતું, “શું તું છોકરી છે? તું બતાવી રહ્યો છે કે તને વાગ્યું છે. ભાવનાઓનું પ્રદર્શન ન કર. આનાથી સામાવાળાનું મનોબળ વધે છે.”

એ ઑવરની પછીનો બોલ ગાયકવાડને ગ્વલ્ઝમાં લાગ્યો. તેમને કંઈ ખાસ અનુભવાયું નહીં પણ થોડી વાર પછી જોયું તો એમાંથી લોહી વહી રહ્યું હતું અને પૅડ્સ પર નીચે પડી રહ્યું હતું. જ્યારે ગ્લવ્ઝમાં જોયું તે વચ્ચેની આંગળીનો નખ તૂટી ગયો હતો અને એમાંથી લોહી નીકળી રહ્યું હતું. વિવ રિચર્ડ્સ અને ડેરેક મરે તેમના હાલચાલ પૂછવા આયા પરંતુ ગાયકવાડે ગુસ્સામાં તેમને દૂર જવા કહ્યું.

ગાયકવાડના કાન પર હોલ્ડિંગનો બોલ વાગ્યો

દુખાવો છતા ગાયકવાડ પોતાનું સાહસ કરીને હોલ્ડિંગની ઑવરના વધુ બૉલ રમવા માટે તૈયાર થયા. જોકે તેઓ કંઈ સમજી શકે એ પહેલાં તો તેઓ જમીન પર પડી ગયા.

બાદમાં ગાયકવાડને યાદ આવ્યું, "મારા ચશ્મા ક્યાં ઊડી ગયા. મને લાગ્યું કે માથામાં ઝટકો આવ્યો છે. એમાં ઘંટી વાગવા લાગી હતી. તુંરત જ લૉઇડ, રિચર્ડ્સ અને મરે તેમની તરફ દોડીને આવી ગયા."

ત્યાર સુધી ગાયકવાડ જમીન પર બેઠા થઈ ગયા હતા. લૉઇડે તેમને ફરી સૂવડાવવાની કોશિશ કરી પરંતુ અંશુમાન તેમની મદદ નહોતા ઇચ્છતા. તેમણે તેમને કહ્યું કે તે તેમને સ્પર્શ ન કરે. આ રીતે વિરપિત પરિસ્થિતિમાં પણ રમવામાં આવેલી એ ઇનિંગનો અંત થયો. અંશુમાન ગાયકવાડે 450 મિનિટ સુધી સબાઇના પાર્કની એ ખતરનાક પિચ પર બેટિંગ કરી.

વેસ્ટ ઇન્ડીઝના પ્રખ્યાત કૉમેન્ટેટર ટોની કોઝિયરે આ ઇનિંગની તુલના 1960માં એ જ મેદાન પર રમાયેલી કૉલિન કાઉડ્રેની ઇનિંગ સાથે કરી હતી જેમાં એ સમયના સૌથી ફાસ્ટ બૉલર વૅસ હૉલનો તેમણે સામનો કર્યો હતો.

આ બૉલ પછી અમ્પાયરે લંચબ્રેકના થોડા સમય પહેલાં જ લંચ પાડી દીધો. રિઝર્વ ખેલાડી પોચૈય્યા કૃષ્ણમૂર્તિ ગાયકવાડને ડ્રેસિંગરૂમ સુધી પહોંચવામાં મદદ કરવા પિચ પર પહોંચ્યા.પરંતુ તેમણે કહ્યું કે તેઓ ખુદ ચાલીને ડ્રેસિંગ રૂમમાં જશે.

આદિત્ય ભૂષણ લખે છે, " પિચથી ડ્રેસિંગરૂમના રસ્તામાં કૃષ્ણમૂર્તિએ એ જોવાની કોશિશ કરી કે ગાયકવાડ ભાનમાં છે કે નથી. તેમણે કહ્યું કે હું જેટલી આંગળી બતાવું એ તમે ગણી શકો છો?"

"આના લીધે ગાયકવાડ નારાજ થઈ ગયા. ત્યારે લોહી તેમના કાનમાંથી નીકળીને જર્સી પર ફેલાઈ ચૂક્યું હતું. ડ્રેસિંગરૂમમાં તેઓ એક પૅડને માથા નીચે મૂકીને લાકડાની એક બૅન્ચ પર બેસી ગયા. એ સમયે ગાયકવાડની સારવાર માટે ત્યાં કોઈ ડૉક્ટર પણ ઉપલબ્ધ નહોતા."

એક પછી એક એમ 3 ભારતીય ખેલાડી હૉસ્પિટલ પહોંચી ગયા

ભારતીય ખેલાડીઓ અને આયોજકો વચ્ચે લાંબો સમય પછી એ નક્કી થયું કે ગાયકવાડને હૉસ્પિટલ લઈ જવામાં આવે. ગાયકવાડ સાથે સુનીલ ગાવસ્કર અને ટીમના ટ્રેઝરર બાલૂ અલગનન હૉસ્પિટલ ગયા.

જ્યારે તે લોકો હૉસ્પિટલ પહોંચ્યા તો ત્યાં ટીમના મૅનેજર પૉલી ઉમરીગર પહેલાંથી જ હાજર હતા જેઓ વિશ્વનાથના હાથ પર પ્લાસ્ટર લગાવડાવવા ત્યાં આવ્યા હતા. ઉમરીગરને ગાયકવાડ વિશે ઘણી ચિંતા હતી.

14 વર્ષ પહેલાં આ જ રીતે તેમની ટીમના સભ્ય નરી કૉન્ટ્રાક્ટરને માથા પર ચાર્લી ગ્રીફિથનો બૉલ વાગ્યો હતો અને તેઓ છ દિવસ સુધી બેભાન રહ્યા હતા. ત્યાર પછી તેઓ ક્યારેય પણ ક્રિકેટ ન રમી શક્યા હતા.

ત્યારે ગાયકવાડને હૉસ્પિટલના ડૉક્ટરોનો હસવાનો અવાજ સંભળાયો. તેઓ કહી રહ્યા હતા કે ‘વન મોર કમિંગ’...આ દરમિયાન સબાઈના પાર્કમાં એક અન્ય ભારતીય ખેલાડી બ્રજેશ પટેલ પણ ઘાયલ થઈ ગયા. તેમના ઉપરના હોઠ પર વેનબર્ન હોલ્ડરનો બૉલ વાગ્યો હતો.

બેદીએ છ વિકેટ ગુમાવ્યા પછી ઇનિંગ સમાપ્ત જાહેર કરી કેમ કે ચાર ખેલાડીઓ ઘાયલ થઈને બહાર થઈ ગયા હતા.

ગાયકવાડનો દુખાવો ઓછો કરવા માટે તબીબોએ તેમને પેઇનકિલરના ઇંજેક્શન આપ્યા. લગભગ 24 કલાક બાદ ગાયકવાડની હાલતમાં થોડો સુધાર થયો. જ્યારે મૅનેજર ઉમરીગર તેમને જોવા પહોંચ્યા તો ગાયકવાડે તેમને કહ્યું, "પૉલી કાકા, મને પિચ પર જઈને બેટિંગ કરવા દો. ઉમરીગરે એની મંજૂરી ન આપી."

સત્તાવાર રીતે ભારતની ઇનિંગ છ વિકેટ પર 306 રન પર સમાપ્ત થઈ કેમ કે ભારત પાસે રમનાર કોઈ બૅટ્સમૅન બચ્યા જ નહોતા. કપ્તાન બેદીએ આ જ સ્કોર ઇનિંગ સમાપ્ત જાહેર કરી દીધી.

ભારતીય ખેલાડીઓની સ્થિતિએ વાત પરથી સમજી શકાય છે કે આઠમા નંબર પર બેટિંગ કરવા આવેલા વેંકટરાઘવને ત્યાં હાજર એક પોલીસવાળા પાસે બેટિંગ માટે હેલ્મેટ માગ્યું. તેમણે ઘણો આગ્રહ કર્યો પણ તેણે હેલ્મેટ આપવાનો ઇન્કાર કરી દીધો.

લૉઇડ અને અમ્પાયરોની ટીકા

ભારતના 306 રનના જવાબમાં વેસ્ટ ઇન્ડિઝે 391 રન કરીને 85 રનની લીડ મેળવી લીધી. બીજી ઇનિંગ શરૂ થતાં પહેલાં ભારતના 3 ઘાયલ બેટ્સમેન ગાયકવાડ, વિશ્વનાથ અને બ્રજેશ પટેલ બેટિંગ કરવાની સ્થિતિમાં નહોતા.

આ ઇનિંગમાં ગાવસ્કર 2 રન બનાવીને આઉટ થઈ ગયા, કપ્તાન બિશન સિંહ બેદીએ ભારતની બીજી ઇનિંગ પણ પાંચ વિકેટ પર 97 રન પર સમાપ્ત કરી દીધી. વેસ્ટ ઇન્ડીઝ ઘણી સરળતાથી 13 રન બનાવી એ મૅચ જીતી ગયું.

મૅચ બાદ જ્યારે લૉઇડનો સામનો સંવાદદાતાઓ સાથે થયો તે તેમણે કહ્યું, "શું ભારતીય ખેલાડીઓ અમે હાફ વૉલી ફેંકીએ એવી આશા કરી રહ્યા હતા?" કૉમેન્ટેટર ટોની કૉઝિયરને લૉઇડની આ દલીલ પસંદ ન આવી.

તેમણે લખ્યું, "અમ્પાયર ગોસાંઇએ ખતરનાક બોલિંગ સંબંધિત ક્રિકેટ નિયમ 46 લાગુ કરવો જોઈતો હતો. તેમની પાસે બૉલરને ચેતવણી આપવાના ઘણા કારણો હતા પરંતુ તેમણે આવું ન કરવાનો નિર્ણય કર્યો."

હોલ્ડિંગ અને કાલીચરણે ખતરનાક બોલિંગ કરવાની વાત કબૂલી હતી.

તેના કેટલાક દાયકાઓ પછી માઇકલ હોલ્ડિંગે પોતાની આત્મકથા ‘નો હોલ્ડિંગ બેક’માં લખ્યું, ‘ઘણા લોકોએ કહ્યું હતું કે ભારતીય ખેલાડીઓ ઘાયલ થયા એનું કારણ પીચ હતી પરંતુ સત્ય એ પણ હતું કે અમે જરૂર કરતા વધુ શૉર્ટ બોલિંગ કરી હતી. જેવી બોલિંગ કરવા અમને કહેવાયું હતું, હું તેની સાથે સહજ નહોતો. પરંતુ જો તમારો કપ્તાન આવું કરવા કહે તો તમે કંઈ ન કહી શકો.’

વેસ્ટ ઇન્ડીઝની ટીમના એક અન્ય ખેલાડી એલ્વિન કાલીચરણે બાદમાં લખ્યું, "આ શરમની વાત છે. એ વખતે શું શું થયું હતું હું તમને ન કહી શકું. ગાયકવાડે જે રીતે બોલિંગનો સામનો કર્યો અને 81 રન કર્યા તે જબરજસ્ત ઉદાહરણ છે."

"મને યાદ છે કે મોટાભાગે દરેક બૉલ તેમના કાન પાસેથી જ જતો નીકળતો હતો. સ્લિપમાં ઊભેલા અમે લોકો એક બીજા બાજુ જોયું અને પોતાના ખભા ઊછાળી લીધા. અમે આનાથી વધુ શું કરી શકતા હતા?"

ગાયકવાડનો ડાબો કાન નકામો થઈ ગયો

ભારત પરત ફર્યા બાદ ઘણા દિવસો સુધી ગાયકવાડને કાનમાં વિચિત્ર અવાજો સાંભળવા મળતા. તેમના ડાબા કાનનો પડદો સંપૂર્ણરીતે ફાટી ગયો હતો.તેમના કાનનું બે વખત ઑપરેશન કરવામાં આવ્યું.

હજુ પણ તેમને ડાબા કાનથી સાંભળવામાં મુશ્કેલી આવે છે. સબાઇના પાર્કની એ ફાસ્ટ પિચ પર તેમણે વિતાવેલા સાઢા સાત કલાક ક્રિકેટ ઇતિહાસની સૌથી સાહસિક ઇનિંગમાં ગણવામાં આવે છે.

વિવિયન રિચર્ડ્સે સાચું જ કહ્યું હતું, "કોઈ ખેલાડીનું આકલન કરતી વખતે લોકો એ જોવે છે કે તેણે કેટલી સેન્ચૂરી ફટકારી. પરંતુ એ દિવસે ગાયકવાડે કરેલા 81 રન કેટલીક સદી પર ભારે હતી. તેઓ આખરી દમ સુધી લડતા રહ્યા અને અમને બતાવ્યું કે બહાદુરી કોને કહેવાય."