You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વર્લ્ડકપ: પાકિસ્તાની ટીમને હૈદરાબાદમાં એવું શું પીરસાઈ રહ્યું છે જેની ચારે કોર ચર્ચા છે
- લેેખક, મિર્ઝા એબી બેગ
- પદ, બીબીસી ઉર્દૂ, દિલ્લી
પાકિસ્તાનની ક્રિકેટ ટીમ સાત વર્ષ પછી જ્યારે 27 સપ્ટેમ્બરની સાંજે ભારત પહોંચી ત્યારે તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
પરંતુ ન્યૂઝીલૅન્ડ સામેની પ્રથમ પ્રૅક્ટિસ મૅચમાં પાકિસ્તાન તેની આશા અનુરૂપ પ્રદર્શન કરી શક્યું નહીં.
પાકિસ્તાને 50 ઓવરમાં પાંચ વિકેટે 345 રન બનાવ્યા હતા જેમાં રિઝવાન અહમદે સદી કરી હતી જ્યારે બાબર આઝમ અને સઉદ શકીલે અડધી સદીઓ ફટકારી હતી.
ન્યૂઝીલૅન્ડે 44મી ઓવરમાં જ આસાનીથી આ લક્ષ્ય હાંસલ કરી દીધું હતું. ન્યૂઝીલૅન્ડ તરફથી રોચન રવીન્દ્ર, કૅન વિલિયમસન, ડૅરેલ મિશેલ અને માર્ક ચેપમેને અડધી સદીઓ ફટકારી હતી.
જોકે, સોશિયલ મીડિયા પર ન્યૂઝીલૅન્ડ અને પાકિસ્તાનની પ્રૅક્ટિસ મૅચની ચર્ચા સાથે જ પાકિસ્તાનની ટીમના સ્વાગત અને ભોજનની ખૂબ ચર્ચા થઈ રહી છે.
પાકિસ્તાની ક્રિકેટ ટીમે પણ તેના ટ્વિટર હૅન્ડલ પરથી તેના વિશે ટ્વીટ કર્યું હતું અને તેમાં જણાવ્યું હતું કે પાકિસ્તાની ટીમને ભારતમાં કેવું ભોજન પીરસાશે.
પાકિસ્તાનની ટીમના મૅનુમાં શું છે?
વર્લ્ડકપ માટે ભારત આવનારી કોઈ પણ ટીમને બીફ એટલે કે કોઈ પણ મોટા પ્રાણીના માંસની કોઈ વસ્તુ પીરસવામાં આવી રહી નથી.
ન્યૂઝ એજન્સી પ્રેસ ટ્રસ્ટ ઑફ ઇન્ડિયા (પીટીઆઈ) અનુસાર, બીફ મૅનુમાં નથી પરંતુ તમામ ટીમો માટે વિવિધ પ્રકારનાં મૅનુ તૈયાર કરવામાં આવ્યાં છે જેમાં અલગ-અલગ આઇટમ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
'પાકિસ્તાનની ટીમ તેની દૈનિક પ્રોટીનની જરૂરિયાત ચિકન, મટન અને માછલીથી પૂરી કરશે અને આ ચીજોનો સમાવેશ કરીને ટીમ માટે એક વૈવિધ્યસભર મૅનુ તૈયાર કરવામાં આવ્યું છે.'
આ મૅનુમાં ખેલાડીઓ માટે ઘણી સ્વાદિષ્ટ વાનગીનો વિકલ્પ ઉપલબ્ધ છે.
આમાં રસદાર ગ્રિલ્ડ લૅમ્બ, તેલયુક્ત અને સ્વાદિષ્ટ મટન કરી, આવશ્યક પ્રોટીન મેળવવા લોકોનું પ્રિય બટર ચિકન અને ગ્રિલ્ડ ફિશનો સમાવેશ થાય છે.
પીટીઆઈના અહેવાલમાં જણાવાયું કે પાકિસ્તાની ટીમના મૅનુમાં બાસમતી ચોખાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જે ખેલાડીઓને હળવું ભોજન જોઈએ છે તેમના માટે સ્પગેટી અને વેજીટેબલ પુલાવ પણ ઉપલબ્ધ રહેશે.
આ ઉપરાંત હૈદરાબાદની પ્રખ્યાત બિરયાની પણ ખેલાડીઓને સમયાંતરે મળતી રહેશે.
લોકો શું કહી રહ્યા છે?
એ વાત પર ધ્યાન આપવું જોઈએ કે ગાયને ભારતમાં પવિત્ર માનવામાં આવે છે. એટલે દેશના ઘણા ભાગમાં ગાયની હત્યા પ્રતિબંધિત છે. જોકે, ભારતના ઘણા વિસ્તારોમાં ગાયનું માંસ ભોજનમાં પણ સ્થાન પામે છે અને તે બજારમાં પણ ઉપલબ્ધ છે.
હૈદરાબાદમાં પાકિસ્તાની ટીમના મૅનુ પર ટિપ્પણી કરતા માસ્ટર વીજેએન નામના એક યૂઝરે લખ્યું, "પાકિસ્તાની સંસ્કૃતિનો મોટો હિસ્સો હજુ પણ બીફ ખાય છે. તે હજુ પણ ભારતમાંથી સૌથી વધુ નિકાસ થાય છે અને ભારતમાં તેને ખાવામાં પણ આવે છે. તેને મૅનુમાંથી હઠાવવું એ તો અસુરક્ષાની પરાકાષ્ઠા છે.”
તેના જવાબમાં એક યૂઝરે લખ્યું કે, "આ તર્ક મુજબ, જ્યારે તમે કેરળ જાઓ ત્યારે ત્યાંની સંસ્કૃતિ અને પરંપરા મુજબ પરાઠા બીફ ખાવું જોઈએ."
તેના જવાબમાં અન્ય એક યૂઝરે લખ્યું કે આ માત્ર કેરળ માટે જ નહીં પરંતુ સમગ્ર દક્ષિણ ભારત માટે સાચી વાત લાગે છે.
પરંતુ પત્રકાર ફરીદ ખાને લખ્યું કે, "ભારતમાં વર્લ્ડકપ દરમિયાન બીફ પીરસવામાં ન આવે તો તેમાં કોઈ મજાક નથી. આ માત્ર પાકિસ્તાનની ટીમ માટે નહીં પણ તમામ ટીમો માટે છે."
અંશુમાનસિંહ નામના એક ભારતીય યૂઝરે લખ્યું કે, "મને ખાતરી છે કે પાકિસ્તાની ટીમ પાસે પોતાના ન્યુટ્રિશનિસ્ટ હશે જે ફૂડ મૅનુ તૈયાર કરવામાં મોટી ભૂમિકા ભજવે છે. મને ખાતરી છે કે હોટલના માલિકો મહેમાનોની માગને પૂરી કરવાનો ચોક્ક્સ પ્રયાસ કરશે."
અહીં એ વાત નોંધવી જોઈએ કે પાકિસ્તાનની ક્રિકેટ ટીમ 2016ના ટી-20 વર્લ્ડકપ બાદ પ્રથમ વખત ભારત આવી છે અને ટીમના બે ખેલાડીને બાદ કરતા તમામ ખેલાડીઓ પ્રથમ વખત ભારત આવ્યા છે.
પાકિસ્તાન હવે તેની આગામી પ્રૅક્ટિસ મૅચ 3 ઑક્ટોબરે ઑસ્ટ્રેલિયા સામે રમશે, જ્યારે 6 ઑક્ટોબરે તે નેધરલૅન્ડ સામે વર્લ્ડકપની તેની પ્રથમ મૅચ રમશે. તેની બીજી મૅચ પણ હૈદરાબાદમાં જ છે, જે 10 ઑક્ટોબરે શ્રીલંકા સામે છે.
પાકિસ્તાનની ટીમ 14 ઑક્ટોબરે ભારત સામેની મૅચ માટે હૈદરાબાદથી અમદાવાદ માટે રવાના થશે. આ રીતે પાકિસ્તાની ટીમ હૈદરાબાદમાં બે અઠવાડિયાં રોકાશે, જે શહેર તેની સંસ્કૃતિની સાથે-સાથે ખાણીપીણી માટે પણ પ્રખ્યાત છે.