You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
83 કપિલ દેવ : વિશ્વકપના હીરોના એ વિક્રમો જે ધોની-કોહલી પણ નથી તોડી શક્યા
- લેેખક, પ્રદીપ કુમાર
- પદ, બીબીસી સંવાદદાતા
ભારતીય ક્રિકેટના પ્રથમ સુપરસ્ટાર એવા કપિલ દેવનું નામ પડતાં જ દિલો-દિમાગમાં અનેક છબિઓ તરી આવે છે. ફિલ્મ 83 આવી રહી છે, ત્યારે ફરી એક વખત કપિલ દેવ ચર્ચામાં છે.
કપિલની જે છબિઓ માનસ પર અંકિત છે એમાં લૉર્ડસની બાલ્કનીમાં વિશ્વકપ ઉંચકી રહેલા કપિલની, પોતાના આઉટ સ્વિંગ બૉલથી સામેની ટીમનો ચોંકાવી દેનારા કપિલની કે ઝિમ્બાબ્વે સામે અણનમ 175 રનની બાજી રમનારા કપિલની છે.
એમના સમયમાં એમણે વન-ડે અને ટેસ્ટ ક્રિકેટમાં ઑલરાઉન્ડર તરીકે એક પછી એક અનેક મુકામ હાંસલ કર્યા છે.
ટેસ્ટમાં 5000થી વધારે રન અને 400 વિકેટ્સ, વન-ડેમાં 3000થી વધારે રન અને 250 વિકેટ્સ.
આની સાથે કપિલ દેવનો એ ચહેરો પણ સામે આવે છે, જ્યારે તેઓ પાછળથી એક-એક વિકેટ માટે ટેસ્ટમૅચમાં સંઘર્ષ કરી રહ્યા હતા.
આ તમામ તસવીરો ઉપરાંત પણ કપિલ દેવની ઓળખ પૂરી થતી નથી અને એટલે જ અપને એવા કપિલ દેવનો પરિચય કરાવીએ, જેના વિશે દુનિયા ખાસ નથી જાણતી.
સૌથી શ્રેષ્ઠ સ્ટ્રાઇક રેટ
કપિલ દેવ ભારત તરફથી 225 વન-ડે મૅચ રમ્યા, જેમાં તેમણે કુલ 3783 રન બનાવ્યા છે. આ દરમિયાન કપિલ દેવની સ્ટ્રાઇક રેટ 95.07 રહી. મતલબ, પ્રત્યેક 100 બૉલ પર 95.07 રન.
આ આંકડો એટલા માટે પણ મહત્ત્વનો છે, કેમ કે કપિલ દેવ પોતાની છેલ્લી મેચ ઑક્ટોબર 1994માં રમ્યા હતા. ત્યાર સુધી ક્રિકેટની દુનિયામાં બૅટ્સમૅનનો તોફાની સમય શરૂ થયો નહોતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે તમને એ જાણીને અચરજ થશે કે વન-ડેમાં કપિલ દેવનો આ સ્ટ્રાઇક રેટ સચીન તેંડુલકર, મહેન્દ્રસિંહ ધોની, વિરાટ કોહલી, વિવિયન રિચાર્ડ્સ અને યુવરાજસિંહ કરતાં પણ વધારે છે.
કપિલની સામે આ મામલે માત્ર સહેવાગ અને ઍડમ ગિલક્રિસ્ટ જ આગળ છે.
કપિલ સાથે રમી ચૂકેલા સૈયદ કિરમાણી કહે છે, "કપિલની મોટી ખાસિયત એ હતી કે બેટિંગ હોય કે બૉલિંગ તેઓ નહોતા બોલતા, એમનું કામ બોલતું હતું."
સ્ટ્રાઇક ફરતી રાખવામાં અવ્વલ
કપિલ દેવ સ્ટ્રાઇક ફરતી રાખવામાં પણ અવ્વલ હતા. કપિલે વન-ડેમાં 3979 બૉલમાં 3783 રન બનાવ્યા, જેમાં 291 ચોગ્ગા અને 67 છગ્ગા હતા.
હવે, જો તેમાંથી કુલ 358 બાઉન્ડરી કાઢી નાખીએ, તો કપિલે 2621 બૉલમાં 2217 રન બનાવ્યા. મતલબ કે જે બૉલ પર તેઓ બાઉન્ડરી ન મારી શક્યા, એ બૉલ પર એક-બે રન લઈને સ્ટ્રાઇક ફરતી રાખી.
એ મુજબ એમની ઍવરેજ 61.2 રનની હતી. આ મામલે તેઓ સહેવાગ અને ગિલક્રિસ્ટથી પણ આગળ છે.
કપિલ સાથે રમી ચૂકેલા ક્રિકેટર કિરણ મોરે કહે છે, "કપિલ પાજી જેવા ક્રિકેટર મેં જોયા નથી."
"તેઓ મેદાન પર આવતાની સાથે જ રન ભેગા કરવા લાગતા. એમની પાસે સ્ટ્રાઇક બદલવાની અજોડ ક્ષમતા હતી."
રનિંગ બિટ્વિન ધ વિકેટ
કપિલ જે સમયમાં રમ્યા, એ સમયમાં ભારતીય ખેલાડીઓની ફિટનેસ સારી નહોતી મનાતી પણ કપિલ પર તેની કોઈ અસર નહોતી. તેઓ વિકેટ પર તેજ ભાગનારા બેમિસાલ બૅટ્સમૅન હતા.
આ વાતનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય કે ટેસ્ટમૅચમાં 184 દાવમાં બેટિંગ કરવા છતાં તેઓ કયારેય રનઆઉટ નથી થયા.
આ ઉપરાંત વન-ડેમાં જોઈએ તો 221 વન-ડે મૅચમાં બેટિંગ કરવા છતાં તેઓ ફકત 10 વખત રનઆઉટ થયા છે.
કિરણ મોરે કહે છે, "80-90ના દાયકાની ભારતની ટીમને જોઈએ, તો કપિલનો આ વિક્રમ એમને લાજવાબ બનાવે છે."
નો-બૉલ ફેંકવા સામે વાંધો
કપિલ દેવ પોતાની કૅરિયરમાં જેટલી બૉલિંગ કરી એટલો લાંબો મોકો ઝડપી બૉલર્સને નથી મળતો.
લાંબા સમય સુધી એમણે બૉલિંગ ડિપાર્ટમેન્ટની આગેવાની સંભાળી હતી, સાથે જ સમગ્ર કૅરિયર દરમિયાન ખૂબ જ શિસ્તબદ્ધ ખેલાડી રહ્યા.
પોતાની ટેસ્ટ કૅરિયરમાં તેમણે ફકત 20 નો-બૉલ ફેંક્યા છે.
ભારતના એક નંબરના બૉલર
ઝડપી બૉલર્સની દુનિયામાં ભારતનું નામ કપિલ દેવે જ સ્થાપિત કર્યું.
કપિલ પહેલાં કરસન ઘાવરીએ મધ્યમ ગતિના બૉલર તરીકે 39 ટેસ્ટમૅચમાં 109 વિકેટ લીધી હતી, પણ એમનામાં કપિલ જેટલી ઝડપ નહોતી.
એ અગાઉ મોહમ્મદ નિસાર અને અમરસિંહ જેવા ઝડપી બૉલર્સ આવ્યા, જેમણે 25 અને 28 વિકેટ લીધી.
કપિલને 434 ટેસ્ટ વિકેટ સુધી પહોંચ્યા, આ વિક્રમ લાંબા સમય સુધી અકબંધ રહ્યો અને એમના પછી જવાગલ શ્રીનાથ અને ઝહીર ખાન, આશિષ નહેરા જેવા ખેલાડીઓ પણ ત્યાં સુધી નથી પહોંચી શકયા.
લાજવાબ ફિલ્ડર
જો 1983ના વિશ્વકપમાં કપિલ દેવે વિવિયન રિચર્ડ્સનો કેચ પાછળ ભાગીને ન ઝડપી લીધો હોત તો કદાચ વિશ્વ કપ પર ભારતનું નામ ન હોત.
કેમકે 184 રનના લક્ષ્ય સામે રિચર્ડ્સ 27 બૉલમાં 33 રન કરીને સેટ થઈ ચૂક્યા હતા.
મદનલાલના બૉલને એમણે મિડ વિકેટ તરફ ઉછાળી દીધો હતો અને શૉટ મિડ વિકેટ પર ઊભેલા કપિલે પાછળની તરફ ભાગીને શાનદાર કૅચ ઝડપ્યો હતો.
2011ના વિશ્વકપ અગાઉ એક પ્રમોશનલ ઇવેન્ટમાં ભાગ લઈ રહેલા વિવયન રિચર્ડસે એ કૅચ વિશે કહ્યું હતું:
"જ્યારે કપિલે બૉલની પાછળ ભાગવાનું શરૂ કર્યું, ત્યારે જ હું સમજી ગયો હતો કે મારો સમય પૂરો થયો છે."
કિરણ મોરે કહે છે, "આઉટ ફિલ્ડમાં કપિલ જેવો બહેતરીન ખેલાડી કોઈ નથી જોયો."
ગજબની ફિટનેસ
અગાઉ ભારતની પસંદગી સમિતિના અધ્યક્ષ રહી ચૂકેલા કિરણ મોરે કહે છે કે કપિલ દેવને જોઈને ખ્યાલ આવે કે ક્રિકેટરે કેવી રીતે પોતાની ફિટનેસનું ધ્યાન રાખવું.
પોતાની 16 વર્ષ લાંબી કૅરિયરમાં કપિલ કયારેય પણ ફિટનેસને કારણે ડ્રૉપ નથી થયા.
1984માં ઇંગ્લૅન્ડની સામે કોલકાતા ટેસ્ટમાં જો ટીમ મૅનેજમૅન્ટે એમને ડ્રોપ ન કર્યા હોત, તો એ સળંગ 131 ટેસ્ટ રમવાનો વિક્રમ એમના નામે હોત.
સૈયદ કિરમાણી કહે છે, "કપિલ દેવની ખાસિયત એ હતી કે તે દરેક મુશ્કેલ પડકારનો સામનો કરવા માટે પોતાને તૈયાર રાખતા."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો