ટાઇગર પટૌડીઃ જેમણે 21 વર્ષની ઉંમરે ભારતની ટીમને જીતવાનો ચસકો લગાડ્યો

    • લેેખક, રેહાન ફઝલ
    • પદ, બીબીસી સંવાદદાતા

ભારતમાં મજાકમાં એવું કહેવાય છે કે 7, લોકકલ્યાણ માર્ગ પર રહેનારી વ્યક્તિ (વડા પ્રધાન) પછી ભારતીય ક્રિકેટ ટીમની કૅપ્ટનશિપ સંભાળવી એ દેશનું સૌથી મુશ્કેલ કામ હોય છે. કમસે કમ સાઠના દાયકામાં તો આ વાત સાવ સાચી હતી.

તે જમાનામાં ભારતીય ટીમમાં એક-બે સારા ખેલાડીઓ જરૂર હતા, પરંતુ ભારતને વિજયનો સ્વાદ ચાખવાની આદત પડી ન હતી. ફાસ્ટ બૉલિંગની હાલત તો એવી હતી કે વિકેટકીપર રહી ચૂકેલા બુધી કુંદરન પહેલી ઓવર ફેંકતા હતા.

આવું કોઈ રણનીતિના કારણે ન હતું. હકીકતમાં આખી ભારતીય ટીમમાં કોઈ ફાસ્ટ બૉલર હતો જ નહીં.

નરી કોન્ટ્રાક્ટરનું માથું ફાટ્યા પછી કૅપ્ટન બન્યા

“ડૅમોક્રેસીઝ ઇલેવનઃ ધ ગ્રેટ ઇન્ડિયન ક્રિકેટ સ્ટોરી”ના લેખક રાજદીપ સરદેસાઈ જણાવે છે કે પટૌડી જ્યારે ભારતીય ટીમના કૅપ્ટન બન્યા ત્યારે તેમની ઉંમર હતી માત્ર 21 વર્ષ અને 70 દિવસ.

અત્યંત પડકારજનક સ્થિતિમાં તેમણે આ જવાબદારી સંભાળી હતી.

1 માર્ચ, 1962ના રોજ બાર્બાડોસ સામેની મૅચમાં વિશ્વના સૌથી ફાસ્ટ બૉલર ચાર્લી ગ્રિફિથનો ગોફણની જેમ છૂટેલો દડો ભારતીય કૅપ્ટન નરી કૉન્ટ્રેક્ટરના માથા પર વાગ્યો અને તેઓ ત્યાં જ ધરાશયી થઈ ગયા.

ઈજા એટલી જોરદાર હતી કે કૉન્ટ્રેક્ટરના નાક અને કાનમાંથી લોહી નીકળવા લાગ્યું. ટીમના મૅનેજર ગુલામ અહમદે ઉપકૅપ્ટન પટૌડીને જણાવ્યું કે આગામી ટેસ્ટમાં તેઓ ભારતીય ટીમના કૅપ્ટન રહેશે.

આ રીતે પટૌડી યુગની શરૂઆત થઈ જેણે ભારતીય ક્રિકેટને એક નવી પરિભાષા આપી.

કૅપ્ટનશિપના કારણે ટીમમાં સામેલ થતા હતા પટૌડી

પટૌડી ભારત વતી 47 ટેસ્ટ રમ્યા જેમાંથી 40 ટેસ્ટ મૅચમાં તેઓ ભારતીય ટીમના કૅપ્ટન હતા. જાણે કેમ કૅપ્ટનશિપ એ તેમનો જન્મસિદ્ધ અધિકાર હોય. તેમાંથી માત્ર નવ ટેસ્ટ મૅચમાં તેમણે વિજય મેળવ્યો અને 19 ટેસ્ટમાં ટીમનો પરાજય થયો.

આ કોઈ બહુ સારો રેકૉર્ડ ન કહી શકાય. પરંતુ ભારત માટે પટૌડીની કૅપ્ટનશિપનું શું મહત્ત્વ હતું તે માત્ર આંકડા પરથી સમજી ન શકાય.

બિશન સિંહ બેદીનું માનવું છે કે, “ભારતીય ક્રિકેટમાં પટૌડી બીજા કરતાં ઓછામાં ઓછા નવ વર્ષ આગળ હતા.”

પટૌડીની ટીમના સભ્ય રહી ચૂકેલા પ્રસન્ના કહે છે કે, “ક્લાસ અને લીડરશિપ કોને કહેવાય તેનો અંદાજ પટૌડીના મેદાનમાં ઊતરવાના ઢંગ પરથી આવી જતો હતો. દુનિયામાં કદાચ બે જ એવા ખેલાડી હતા જેમને તેમની કૅપ્ટન તરીકેની આવડતના કારણે ટીમમાં સામેલ કરવામાં આવતા હતા. એક હતા ઇંગ્લેન્ડના કેપ્ટન માઇક બ્રેયરલી અને બીજા મન્સૂર અલી ખાન પટૌડી.”

પોતે ન રમવાની દરખાસ્ત કરી

પટૌડીના ભાણેજ અને સાઉથ ઝોન તરફથી વેસ્ટઇન્ડિઝ સામે સદી ફટકારી ચૂકેલા સાદ બિન જંગ કહે છે કે, “1975માં વેસ્ટઇન્ડિઝના પ્રવાસ દરમિયાન હું દિલ્હીમાં મારા ઘરની પાછળ સિમેન્ટની પિચ પર પટૌડીને પ્રૅક્ટિસ કરાવી રહ્યો હતો.“

“તેમણે મને 15 ગજના અંતરથી પ્લાસ્ટિકના બૉલથી શક્ય એટલી ઝડપે બૉલિંગ કરવા કહ્યું. તેઓ બે-ત્રણ બૉલ તો રમી ગયા. પરંતુ ચોથા બૉલ પર આઉટ થઈ ગયા. બે બૉલ પછી સાદે તેમને ફરી બોલ્ડ કરી દીધા. પટૌડી બહુ પરેશાન થઈ ગયા અને કહ્યું કે તેમને બૉલ દેખાયો જ ન હતો.”

સાદે જણાવ્યા પ્રમાણે “પટૌડીએ તરત પસંદગી સમિતિના વડા રાજસિંહ ડુંગરપુરને ફોન કર્યો અને કહ્યું કે વેસ્ટઇન્ડિઝ સામેની ટીમમાં તેમને પસંદ કરવામાં ન આવે કારણ કે તેમને બૉલ બરાબર દેખાતો નથી.“

આ સાંભળતા જ રાજસિંહ હસ્યા અને કહ્યું કે ‘પેટ, અમે તમને બૅટિંગ માટે નહીં પરંતુ કૅપ્ટનશિપ માટે ભારતીય ટીમમાં પસંદ કરી રહ્યા છીએ.”

ધોલાઈ થવા છતાં ચંદ્રશેખરને બૉલિંગમાંથી દૂર ન કર્યા

પટૌડીએ રાજસિંહ ડુંગરપુરને નિરાશ ન કર્યા. ભારતીય ટીમ એક તબક્કે 0-2થી પાછળ હતી, પરંતુ કોલકાતા અને મદ્રાસ ટેસ્ટમા જીત અપાવીને ટીમને 2-2ની બરાબરી પર લાવી દીધી.

તે ટીમના સભ્ય રહેલા પ્રસન્ના યાદ કરતા કહે છે, “કલકત્તા ટેસ્ટના ચોથા દિવસની રાતે પટૌડીએ મારા રૂમનો દરવાજો ખટખટાવ્યો. તેમણે કહ્યું, વિકેટ ટર્ન કરી રહી છે. રનની ચિંતા ન કરો. મારી ઇચ્છા છે કે તમે અને ચંદ્રશેખર વેસ્ટઇન્ડિઝના ખેલાડીઓને આઉટ કરો.”

બીજા દિવસે આમ જ થયું. ક્લાઇવ લોય્ડે ચંદ્રશેખરના બે બૉલમાં ઉપરાઉપરી બે બાઉન્ડરી ફટકારી પરંતુ પટૌડીએ તેમને બૉલિંગમાંથી દૂર ન કર્યા.

બીજી જ ઓવરમાં ચંદ્રશેખરે લોય્ડને વિશ્વનાથના હાથમાં કૅચ આઉટ કરાવી દીધા. આ સાથે જ ભારત માટે વિજયનો માર્ગ ખૂલી ગયો.

કાર દુર્ઘટનામાં આંખ ગુમાવી

પટૌડી 20 વર્ષના હતા ત્યારે તેઓ એક અકસ્માતનો ભોગ બન્યા ન હોત તો તેમની ક્રિકેટ કારકિર્દી કદાચ વધારે જ્વલંત હોત.

1 જુલાઈ 1961ના રોજ બ્રાઇટનમાં સસેક્સ સામેની મેચ પૂરી થયા પછી ઑક્સફર્ડ યુનિવર્સિટીના બધા ખેલાડીઓ તો મિની વાનમાં બેસીને જતા રહ્યા. પરંતુ પટૌડીએ વિકેટકીપર રોબિન વોલ્ટર્સ સાથે મોરિસ 1000 કારમાં જવાનો નિર્ણય લીધો.

તેઓ થોડે દૂર ગયા હશે ત્યાં જ સામેથી આવતી કાર સાથે તેમની કાર ટકરાઈ ગઈ.

ઑક્સફર્ડ ટીમના એક ભારતીય સભ્ય અને ભારત વતી 10 ટેસ્ટ મૅચ રમનાર અબ્બાસ અલી બેગે કહ્યું કે “અમે જૌયું કે પટૌડી જમણી આંખને દબાવીને કારમાંથી બહાર નીકળ્યા. તેમની આંખમાંથી લોહી વહી રહ્યું હતું. તે સમયે મને નહોતું લાગ્યું કે તે મોટો એક્સિડન્ટ હશે. અમને લાગ્યું કે હૉસ્પિટલમાં પાટાપિંડી પછી તેઓ બરાબર થઈ જશે. પરંતુ તેમ થયું નહીં.”

તેમણે કહ્યું, “કારના કાચનો એક ટુકડો તેમની આંખમાં ઘૂસી ગયો હતો. તેમના પર સર્જરી થઈ, પરંતુ આંખ બરાબર ન થઈ. તેમણે થોડા દિવસો પછી ક્રિકેટ રમવાની કોશિશ કરી તો તેમને પોતાની તરફ આવતા બે બૉલ દેખાતા હતા, અને તે પણ છ ઇંચના અંતરે.”

ત્યાર બાદ પટૌડીએ પોતાની આત્મકથા “ટાઇગર્સ ટેલ”માં લખ્યું હતું, “હું જ્યારે લાઇટરથી મારી સિગારેટ સળગાવવા પ્રયાસ કરતો ત્યારે હું લગભગ એક ચતુર્થાંશ ઇંચથી ચૂકી જતો હતો. હું જ્યારે જગમાંથી ગ્લાસમાં પાણી રેડવાનો પ્રયાસ કરતો ત્યારે પાણી ગ્લાસમાં પડવાના બદલે સીધું ટેબલ પર ઢોળાઈ જતું હતું.”

એક આંખ અને પગની મદદથી રમાયેલી તે ઇનિંગ

કલાકો સુધી નેટ પ્રૅક્ટિસ કર્યા પછી પટૌડીએ પોતાની આ અક્ષમતા પર લગભગ કાબૂ મેળવી લીધો હતો.

તેમણે દિલ્હી ટેસ્ટમાં ઇંગ્લેન્ડ સામે અણનમ 203 રન બનાવ્યા. પરંતુ તેમને લાગતું હતું કે તેમની સર્વશ્રેષ્ઠ ઇનિંગ 1967માં મેલબર્નની ઘાસવાળી પીચ પર બનાવેલા 75 રનની હતી.

તે સમયે ભારતે 25 રનમાં પાંચ વિકેટ ગુમાવી હતી. પટૌડીના ઘુંટણની પાછળની નસ (હોમસ્ટ્રીંગ) ખેંચાઈ ગઈ હતી. અને તેઓ એક રનર (અજિત વાડેકર)ની સાથે મેદાનમાં રમવા ઊતર્યા હતા.

તેઓ આગળની તરફ નમી શકતા ન હતા. તેથી તેમણે માત્ર હૂક, કટ અને ગ્લાન્સની મદદથી 75 રન બનાવ્યા.

ત્યાર પછી ઇયાન ચેપલે લખ્યું, “તે દાવના બે શોટ મને હજુ પણ યાદ છે. પહેલો શોટ જ્યારે તેમણે રેનબર્ગને ઑફ ધ ટોઝ મિડ વિકેટ બાઉન્ડરી ફટકારી હતી. બીજો, જ્યારે તેમણે તે સમયે વિશ્વના સૌથી ફાસ્ટ બોલર ગ્રેમ મેકેન્ઝીના માથા પરથી વન બાઉન્સ ચોગ્ગો ફટકાર્યો હતો. રસપ્રદ વાત એ હતી કે તેમણે આ ઇનિંગ દરમિયાન જુદા જુદા પાંચ બૅટનો ઉપયોગ કર્યો હતો.”

ચેપલ લખે છે, “સાંજે મેં તેમને પૂછ્યું કે આજે તમે વારંવાર બૅટ શા માટે બદલો છો? પટૌડીનો જવાબ હતો કે હું ક્યારેય મારા બૅટ લઈને કોઈ પ્રવાસે નથી જતો. મારી કિટમાં માત્ર જૂતાં, મોજાં, ક્રીમ અને શર્ટ્સ હોય છે. મને પેવેલિયનના દરવાજા પાસે જે બૅટ દેખાય તે ઉઠાવી લઉં છું.”

આ દાવ વિશે મિહિર બોઝે પોતાના પુસ્તક “હિસ્ટ્રી ઑફ ક્રિકેટ”માં લખ્યું હતું, “એક આંખ અને એક પગની મદદથી રમવામાં આવેલો દાવ.”

ગજબના ફિલ્ડર

પડૌડી એક સારા બૅટ્સમૅન હોવા ઉપરાંત ઉત્તમ ફિલ્ડર પણ હતા.

સુરેશ મેનન પોતાના પુસ્તક “પટૌડીઃ નવાબ ઓફ ક્રિકેટ”માં લખે છે કે, “1992માં હું ભારતીય ટીમનો પ્રવાસ કવર કરવા માટે દક્ષિણ આફ્રિકા ગયો ત્યારે પોતાના જમાનાના શ્રેષ્ઠ ફિલ્ડર રહેલા કોલિન બ્લેન્ડે મને જણાવ્યું કે તેમના માનવા પ્રમાણે કવર પૉઇન્ટ પર પટૌડી એ જોન્ટી રોડ્સ કરતાં પણ વધુ સારા ફિલ્ડર હતા. તેમનો અંદાજ એટલો સચોટ રહેતો કે તેઓ ક્યારેય ડાઇવ લગાવીને પોતાની પેન્ટ ગંદી કરતા ન હતા.”

રાજદીપ સરદેસાઈ પટૌડીની ફિલ્ડિંગનું એક અલગ રીતે વિશ્લેષણ કરે છે.

તેઓ કહે છે, “ભારતના જેટલા રાજકુમારો ક્રિકેટ રમ્યા, તેઓ બધા પોતાની બૅટિંગના કારણે જાણીતા હતા, ફિલ્ડિંગ માટે નહીં. તેમાં રણજી રમનારા રાજકુમારો પણ સામેલ છે. આમેય ભારતમાં બ્રાહ્મણપ્રધાન સમાજમાં ફિલ્ડિંગને નીચી જાતિનું કામ ગણવામાં આવતું હતું.”

તેઓ કહે છે, “40 અને 50ના દાયકામાં વિજય મર્ચન્ટથી લઈને વિજય હજારે સુધીના તમામ મહાન ભારતીય બૅટ્સમૅન કલાકો સુધી બૅટિંગ કરી શકતા હતા. પરંતુ ફિલ્ડિંગમાં તેઓ નબળા પડતા હતા.”

”પટૌડીએ પોતાની આક્રમક બૅટિંગની સાથે સાથે ફિલ્ડિંગને પણ ફેશનમાં લાવી દીધી. તેઓ જ્યારે કવર પર ઊભા રહીને જે રીતે દડાને પકડવા છલાંગ લગાવતા ત્યારે એવું લાગતું જાણે કોઈ ચિત્તો પોતાના શિકારની પાછળ પડ્યો છે. કદાચ આ કારણથી જ તેમનું નામ ટાઇગર પડ્યું હતું.”

ટ્રેનમાં સફર કરવાનું ગમતું

પટૌડીને આજીવન વિમાનમાં સફર કરવાનો ફોબિયા રહ્યો. તેઓ શક્ય હોય ત્યાં સુધી ટ્રેનમાં જ મુસાફરી કરવાનું પસંદ કરતા હતા.

એક ટેસ્ટમાં સૌથી વધુ કૅચનો રેકૉર્ડ બનાવનારા યજુર્વેન્દ્ર સિંહ જણાવે છે કે, “નિવૃત્તિ પછી પણ પટૌડીની સ્ટાઇલમાં કોઈ ઘટાડો થયો ન હતો. કોઈ સ્ટેશને ટ્રેન ઊભી રહેતી ત્યારે તેમના વેલે કિશન તેમના ટિફિનને રેલ્વે સ્ટેશનના રસોડામાં લઈ જઈને ગરમ કરતા હતા.”

”પટૌડીનું ભોજન ગરમ થઈને આવી જાય ત્યાં સુધી સ્ટેશન માસ્ટર ટ્રેનને રોકી રાખતા હતા. તેમના કૂપેની ચારે બાજુ લોકોની ભીડ જામતી હતી. આ બધાથી બેફિકર પટૌડીના હાથમાં વ્હિસ્કીનો એક ગ્લાસ રહેતો અને તેઓ કોઈ ગઝલ ગણગણતા રહેતા હતા.”

હાર્મોનિયમ, તબલાં અને હરણ ડાન્સ

પટૌડીને સંગીતનો બહુ શોખ હતો. તેઓ શોખ ખાતર હાર્મોનિયમ અને તબલાં વગાડતાં હતા. તેઓ જ્યારે મૂડમાં હોય ત્યારે ‘હવા મેં ઊડતા જાયે, મેરા લાલ દુપટ્ટા મલમલકા, ગીત ગાયા કરતા હતા.

એક વખત તેમને રોડ્સ સ્કૉલરની પસંદગી કરવા માટે ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવ્યા હતા.

એક સ્પર્ધકે પોતાના સીવીમાં લખ્યું હતું કે, તેમને સંગીતનો શોખ છે. પટૌડીએ મેજ પર પોતાના હાથથી ત્રણ તાલ વગાડીને તેમને પૂછ્યું કે આ કયો તાલ છે?

શર્મિલા ટાગોર જણાવે છે કે, “પટૌડીને તબલાનો એટલો શોખ હતો કે ક્યારેક ક્યારેક તેઓ મહાન સરોદવાદક અમઝદ અલી ખાન સાથે જુગલબંદી કરતા હતા.”

”એક વખત અમજદ ખાન ભોપાલના ખુલ્લા મેદાનમાં સરોદવાદન કરતા હતા. ત્યારે વરસાદ શરૂ થઈ ગયો. બધા લોકો દોડીને અંદર આવી ગયા. ત્યારે અમજદ અને પટૌડીએ મોડી રાત સુધી સંગીતથી અમારું મનોરંજન કર્યું.”

સરદેસાઈ જણાવે છે કે પટૌડીને ગીત ગાવા ઉપરાંત “હરણ ડાન્સ” કરવાનો પણ શોખ હતો.

શર્મિલા ટાગોર જણાવે છે કે ”એક વખત તેમણે અને બગી (અબ્બાસ અલી બેગ)એ વિખ્યાત નૃત્યાંગના સોનલ માનસિંહની સામે તે નૃત્ય કર્યું હતું. તેઓ ઘણી વખત “દિલ જલતા હૈ તો જલને દે” ગીત ગણગણતા હતા. આ ગીત ગાઈને જ એક જમાનામાં તેમણે મને મોહિત કરી હતી.”

ભૂતપૂર્વ ક્રિકેટર જયંતિલાલ કહે છે, ”પટૌડીને હાથેથી ખાવાનું નહોતું આવડતું. તેમણે જ પટૌડીને હાથથી ખાવાનું શીખવ્યું હતું.”

વિશ્વનાથના રૂમમાં જ્યારે ડાકુ ઘૂસી ગયા

પટૌડીને પોતાના સાથીઓની સાથે મળીને પ્રૅક્ટિકલ જોક કરવામાં બહુ મજા આવતી હતી.

એક વખત તેમના મહેલમાં રોકાયેલા ગુંડપ્પા વિશ્વનાથ અને ઇરાપલ્લી પ્રસન્નાને કેટલાક ડાકુઓએ બંધક બનાવી લીધા હતા.

રાજદીપ સરદેસાઈ જણાવે છે, “વિશ્વનાથે મને જણાવ્યું કે અચાનક રાતે અમને ગોળીઓનો અવાજ સંભળાયો. કેટલાક ડાકુ અમારા રૂમમાં ઘૂસી આવ્યા. તેમણે મને જણાવ્યું કે તેમણે પ્રસન્નાને ગોળીથી ઉડાવી દીધા છે અને હવે મારો વારો છે. મને એક ઝાડ સાથે બાંધી દીધો. હું જોર જોરથી રડવા લાગ્યો.”

”પછી પટૌડી હસતાં હસતાં ઓરડામાં પ્રવેશ્યા. અમને ખબર પડી કે ડાકુ બીજા કોઈ નહીં પરંતુ પટૌડીના મહેલમાં કામ કરતા કર્મચારી જ છે. તેમણે પટૌડીના કહેવાથી જ અમને ડરાવવા માટે આમ કર્યું હતું.”

ઇંગ્લૅન્ડમાં સીવડાવેલો સૂટ જ પહેરતા હતા

પટૌડીને રંગીન કેશ્મિયર મોજાં પહેરવાનો શોખ હતો. આમ તો તેઓ સૂટ બહુ ઓછો પહેરતા હતા. પરંતુ જ્યારે સૂટ પહેરતા ત્યારે તે ઇંગ્લૅન્ડના વિખ્યાત ટેલર ‘સિવિલ રો’ પાસે સીવડાવેલો હતો.

તેઓ જ્યારે બ્રિટન જતા ત્યારે હંમેશાં 'બ્રિટિશ ઍરવેઝ’માં સફર કરવાનું પસંદ કરતા હતા, કારણ કે તેમને વિમાનના પાઇલટ અને ઍરહોસ્ટેસ સાથે બ્રિટિશ લહેકામાં વાત કરવાનું ગમતું હતું.

પટૌડીને પુસ્તકો વાંચવાનો પણ બહુ શોખ હતો. યજુર્વેન્દ્ર સિંહ જણાવે છે કે, “તેમણે પટૌડીને ઘણી વખત પુસ્તક હાથમાં હોય અને ઊંઘી ગયેલા જોયા છે. તેઓ સવારે ઊઠતા ત્યારે તેમની પડખે પુસ્તક જોવા મળતાં હતાં.”

પટૌડી મિનિટોની અંદર નાસ્તો બનાવી શકતા હતા

નિવૃત્તિ પછી પટૌડી વિખ્યાત સ્પોર્ટ્સ મૅગેઝિન “સ્પોર્ટ્સવર્લ્ડ”નું સંપાદન કરવા લાગ્યા જેનું પ્રકાશન કોલકાતામાં થતું હતું.

તે જમાનામાં ‘સ્પોર્ટ્સવર્લ્ડ’માં કામ કરનારા મુદર પાથરેયા જણાવે છે કે “તેઓ જ્યારે દિલ્હીથી કલકત્તા ટ્રેનથી આવતા ત્યારે ‘સ્પોર્ટ્સવર્લ્ડ’ના સ્ટાફ માટે ‘હાઇનેકેન’ બિયરનો કેસ પણ લાવતા હતા. પાછા જતી વખતે તેઓ બકરાનું માંસ બરફમાં પેક કરાવીને દિલ્હી લઈ જતા હતા. તેઓ માનતા હતા કે દિલ્હી કરતાં કલકત્તામાં બકરાનું વધારે સારું માંસ મળે છે.”

પટૌડીને સરસ મજાનું ભોજન બનાવવાની પણ સારી આવડત હતી. તેઓ ઘણી વખત રસોડામાં જઈને તંદૂરી ચિકન બનાવવામાં મદદ કરતા હતા.

તેમનાં પુત્રી અભિનેત્રી સોહા અલી ખાન જણાવે છે કે જ્યારે તેઓ મુંબઈમાં તેમની સાથે રોકાતા ત્યારે મિનિટોની અંદર જ ‘સ્ક્રેમ્બલ્ડ એગ્સ’નો નાસ્તો બનાવી લાવતા હતા.

ટીમમાં આત્મસન્માનની ભાવના જગાવી

સાઠના દાયકામાં પટૌડીએ ભારતીય ટીમનું નેતૃત્ત્વ સંભાળ્યું ત્યારે આજે જે હાલત ઝિમ્બાબ્વેની છે, તેવી જ સ્થિતિ તે સમયે ભારતીય ક્રિકેટ ટીમની હતી.

પટૌડીના કારણે જ ભારતીય ટીમમાં એવો વિશ્વાસ જાગ્યો કે તે મૅચ જીતી શકે છે.

રાજદીપ સરદેસાઈ કહે છે, “તે સમયે ભારતીય ટીમ મૅચ રમતી હતી, પરંતુ તેમાં જીત મેળવવાનો જુસ્સો બિલ્કુલ ન હતો. તેનામાં એવો વિશ્વાસ જ ન હતો કે તેઓ આંતરરાષ્ટ્રીય મૅચ જીતી શકે છે. પટૌડીએ આ માન્યતા બદલવાનું કામ કર્યું અને ભારતીય ક્રિકેટમાં ‘આત્મસન્માનની ચળવળ’ શરૂ કરી.”

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો