You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઠંડીમાં દારૂ પીવો જીવલેણ સાબિત થઈ શકે?
- લેેખક, અનંત પ્રકાશ
- પદ, બીબીસી સંવાદદાતા
ગુજરાતના વિવિધ શહેરો-જિલ્લાઓમાં તાપમાનનો પારો ગગળ્યો છે અને ભારતીય હવામાનવિભાગે દિલ્હી સહિત ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં બુધવારથી આગામી કેટલાક દિવસો સુધી શીત લહેરના કારણે તાપમાનનો પારો નીચે ઊતરવાની આગાહી કરી છે.
આ વચ્ચે હવમાનવિભાગે ઠંડીમાં શરાબ ન પીવાની ચેતવણી આપી છે.
આ વિસ્તારોમાં દિલ્હી એનસીઆર, હરિયાણા, પંજાબ અને ચંડિગઢ સામેલ છે. અહીં છેલ્લા કેટલાક દિવસોથી તાપમાન શૂન્ય ડિગ્રી સેલ્સિયસથી નજીક નોંધાયું છે.
હવામાનવિભાગે લોકોને સવારના સમયે ખુલ્લી જગ્યાઓ પર ન જવાની પણ સલાહ આપી છે.
સાથે-સાથે તેણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે ખુલ્લી જગ્યાઓ પર જવાથી હાઇપોથર્મિયા અને ફ્રોસ્ટબાઈટ જેવી ગંભીર તકલીફો પડી શકે છે.
હાઇપોર્થમિયા થાય ત્યારે તમારું શરીર એક ચોક્કસ નીચા તાપમાને પહોંચ્યા પછી કામ કરવાનું બંધ કરી દે છે.
બીજી તરફ ફ્રોસ્ટબાઈટ થાય તો શરીરના કેટલાક ભાગ, જેમ કે હાથ અને પગની આંગળીઓ, ચહેરો અને પાંપણ સુન્ન પડી જાય છે.
હવામાનવિભાગની ખાસ ચેતવણી
હવામાનવિભાગે નિર્દેશિકામાં શરાબ ન પીવાની પણ સલાહ આપી છે. કારણકે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે શરાબ પીવાથી શરીરનું તાપમાન ઘટે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બીબીસીએ આ વિશે ભારતીય હવામાનવિભાગના પ્રાદેશિક પૂર્વાનુમાન કેન્દ્રના વડા કુલદીપ શ્રીવાસ્તવ સાથે વાત કરી અને આવી ચેતવણી પાછળનું કારણ પૂછ્યું હતું.
શ્રીવાસ્તવ જણાવે છે, "દિલ્હી એનસીઆર ક્ષેત્રમાં હજી શીતલહેરની સમસ્યા છે. આવામાં ચાર ડિગ્રી અથવા તેનાથી નીચું તાપમાન નોંધાઈ શકે છે."
"આવી સ્થિતિમાં તમારે સવારના સમયે ઘરમાંથી બહાર નીકળવાનું ટાળવું જોઈએ. મુસાફરી કરતાં હોવ તો સવારના સમયે ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઓછી હશે. આવી સ્થિતિમાં ફોગ લાઇટનો ઉપયોગ કરો અને વાહનો ધીમે ચલાવો."
"આ દરમિયાન શરાબનું સેવન ન કરશો કારણકે તેનાથી શરીરનું તાપમાન ઘટી જાય છે."
શરાબ ન પીવાની ચેતવણી કેમ?
હવામાનવિભાગે આ અગાઉ 25 તારીખે પણ માર્ગદર્શિકા જાહેર કરી, જેમાં શરાબ ન પીવાની સલાહ આપી હતી.
આવામાં સવાલ પેદા થાય કે આખરે હવામાનવિભાગ આવી ચેતવણી શા માટે આપે છે.
બીબીસીએ આ વિશે પ્રશ્ન કર્યો ત્યારે કુલદીપ શ્રીવાસ્તવે જણાવ્યું કે "આ અંગે મેડિકલ ક્ષેત્રના નિષ્ણાતોએ સંશોધન કર્યું છે. તેના આધારે જ આઈએમડીએ આ ચેતવણી આપી છે."
દુનિયામાં ઘણા એવા દેશ છે જ્યાં તાપમાન ઘણું નીચું હોય છે.
એટલે કે તાપમાન દસ ડિગ્રીથી લઈને માઇનસ 20 કે 30 ડિગ્રી સુધી પહોંચે છે. પરંતુ ત્યાં શરાબનો ઉપયોગ ઘણો વધારે થાય છે.
તેમાં રશિયા, બેલારુસ અને લિથુઆનિયા જેવા દેશો સામેલ છે જ્યાં તાપમાન ઘણું નીચું હોય છે. આ દેશો શરાબનું સેવન કરવાના મામલે દુનિયામાં સૌથી આગળ છે.
આ ઉપરાંત એક સામાન્ય માન્યતા એવી છે કે શરાબ પીવાથી શરીરમાં ગરમાવો આવે છે.
તેથી સવાલ એ પેદા થાય કે શિયાળામાં શરાબ પીવું ન જોઈએ તેવી આઈએમડીની ચેતવણી કેટલી હદે યોગ્ય છે.
બીબીસીએ આ મુદ્દે મેડિકલ ક્ષેત્રના કેટલાક નિષ્ણાતો સાથે વાત કરી જેથી શિયાળામાં શરાબ પીવાથી તમારા શરીરમાં શું થાય છે તે જાણી શકાય.
વિજ્ઞાન શું કહે છે?
માનવીના શરીરનું મૂળ તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ હોય છે. પરંતુ જ્યારે તમારી આસપાસનું તાપમાન ઘટવા લાગે ત્યારે શરીર ઊર્જાનો ઉપયોગ કરીને મૂળ તાપમાનને જાળવી રાખવાની કોશિશ કરે છે.
જ્યારે શરીરનું તાપમાન નિર્ધારિત સીમાથી નીચે ઊતરી જાય ત્યારે તમે હાઇપોથર્મિયાનો ભોગ બની શકો છો.
હવામાન વિભાગની ચેતવણી પ્રમાણે દિલ્હી એનસીઆર, પંજાબ અને હરિયાણામાં અત્યારે જે તાપમાન છે. તેમાં વધારે સમય રહેવાથી હાઇપોથર્મિયાનો શિકાર બની શકાય છે.
સરળ શબ્દોમાં કહીએ તો શરીરનું તાપમાન જ્યારે એક મર્યાદાથી વધારે ઘટવા લાગે ત્યારે તમે હાઇપોથર્મિયાનો ભોગ બનવા લાગો છો.
હવે આપણે એ વાત કરીએ કે નીચા તાપમાનવાળા વિસ્તારોમાં શરાબ પીવાથી શરીર પર કેવી અસર થાય છે.
દિલ્હીના એલએનજેપી હૉસ્પિટલના સીએમઓ ડો. ઋતુ સક્સેના શરાબ અને ઠંડી વચ્ચેના સંબંધને આ રીતે સમજાવે છે:
"તમે જ્યારે શરાબ પીવો છો ત્યારે શરાબ તમારા શરીરમાં ગયા પછી વેજો ડાયલેશન થાય છે. તેથી તમારા હાથ અને પગની રક્તવાહિનીઓ વિસ્તરે છે."
"તેમાં અગાઉ કરતાં વધારે લોહી વહેવા લાગે છે. તેથી તમને ગરમીનો અનુભવ થાય છે. તેથી લોકો માને છે કે પશ્ચિમી દેશોમાં લોકો એટલા માટે વધારે શરાબ પીવે છે કારણકે ત્યાં વધુ ઠંડી પડે છે."
તેઓ કહે છે, "હકીકતમાં શરાબના કારણે હાથ પગમાં લોહીનું પરિભ્રમણ વધવાથી ગરમીનો અનુભવ થતો હોય છે. તેના આધારે લોકો શિયાળાનાં કપડાં જેવા કે મફલર, જૅકેટ, હેટ, સ્વેટર વગેરે ઉતારી દે છે."
"આવું કરે ત્યારે તેમના શરીરનું કોર (કેન્દ્રીય) તાપમાન ઘટતું હોય છે. આપણને આ વાત સમજાતી નથી હોતી. તેથી આપણા શરીર માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે."
શરાબ પીવાથી ગરમી પેદા નથી થતી, તો પછી ગરમાવો શા માટે અનુભવાય છે?
મેક્સ હેલ્થકૅર ખાતે ઇન્ટર્નલ મેડિસિન વિભાગના સહનિર્દેશક ડો. રોમેલ ટિક્કુ આ કોયડાનો ઉકેલ આપતાં જણાવે છે કે "ઘણી વખત તમે જોયું હશે કે જે લોકો વધારે શરાબ પીવે છે તેમનો ચહેરો રાતા રંગનો દેખાય છે. કારણ કે શરાબના કારણે તેમનાં બાહ્ય અંગો જેમ કે ચહેરા, હાથ, પગની ધમનીઓમાં લોહીનો પ્રવાહ વધી જાય છે."
"તેમાં ગરમી અનુભવાય છે કારણકે શરીરના આંતરિક અવયવોમાંથી બહારની તરફ થાય છે. તેથી કોર બોડી તાપમાન ઘટી રહ્યું હોય છે."
તેઓ કહે છે, "શિયાળાની ઋતુમાં તમે શરાબ પીવો અને વધારે શરાબ પીવો ત્યારે તમારા શરીરનું કોર બોડી તાપમાન ઘટતું જાય છે. લોહીનું પરિભ્રમણ વધવાથી શરીર પર પરસેવો ઊતરે છે. તેનાથી શરીરનું તાપમાન વધારે ઘટે છે. પરિણામે ઠંડીમાં તમે શરાબ પીવો તો તમને તકલીફ પડી શકે છે."
હવે સવાલ એ છે કે શું શિયાળાની ઋતુમાં શરાબ પીવો જીવલેણ સાબિત થઈ શકે છે?
શરાબ જીવલેણ સાબિત થઈ શકે?
ડૉ. ઋતુ સક્સેનાની વાત માનીએ તો શિયાળામાં શરાબ પીવાથી અને અત્યંત વધારે શરાબ પીવાથી તમારો જીવ પણ જઈ શકે છે.
તેઓ કહે છે, "શિયાળામાં વધારે પડતો શરાબ પીશો તો સૌથી પહેલાં તો તમે યોગ્ય રીતે ગરમ કપડાં નહીં પહેરી શકો. શરાબના કારણે તમારા મગજને જે અસર થશે તેના કારણે તમે કેવી હાલતમાં છો તેની તમને ખબર નહીં પડે."
તેઓ ઉમેરે છે, "આવી સ્થિતિમાં તમારા શરીરનું તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસથી નીચે ઊતરી જશે તો ધીમે-ધીમે હાઇપોથર્મિયાની અસર દેખાવા લાગશે. હાઇપોથર્મિયાથી વ્યક્તિ કોમામાં સરી શકે છે અને તેનો જીવ પણ જઈ શકે છે."
બીજી તરફ ઠંડું હવામાન ધરાવતા દેશોની વાત કરીએ જ્યાં શરાબ વધારે પીવાતો હોય, તો રશિયા આવો એક દેશ છે.
ઑક્સફર્ડ યુનિવર્સિટીના એક સંશોધન પ્રમાણે રશિયામાં વોડકાનું સેવન બહુ સામાન્ય છે. ત્યાં વધારે પડતો શરાબ પીવાના કારણે સરેરાશ આયુષ્યમાં ઘટાડો થયો છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો