2021 : 1 જાન્યુઆરીથી આ સાત બાબતો બદલાશે, તમારા ખીસાને થશે અસર

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

2020નું વર્ષ કોરોના મહામારીને કારણે મુશ્કેલીગ્રસ્ત રહ્યું હતું. શુક્રવારે 1 જાન્યુઆરીથી કૅલેન્ડરમાં વર્ષ બદલાઈ રહ્યું છે અને તેની સાથે-સાથે કેટલાક ફેરફારો પણ થવાના છે, જેની આપણા રોજબરોજના જીવન પર અસર થશે.

1 જાન્યુઆરીથી પૈસાની લેવડદેવડ, વીમો, ચેટિંગ, કારની ખરીદી અને વેપાર-ધંધા સંબંધિત અમલી થનારા નિયમો પર એક નજર કરીએ.

તમામ વાહનો માટે ફાસ્ટટૅગ ફરજિયાત

1 જાન્યુઆરીથી તમામ વાહનો માટે ફાસ્ટટૅગ (FASTag) ફરજિયાત બનશે. નવાં વાહનોની સાથે-સાથે 1 ડિસેમ્બર 2017 પહેલાં વેચાયેલાં વાહનો માટે પણ ફાસ્ટટૅગ ફરજિયાત બનશે.

માર્ગપરિવહન અને હાઈવે મંત્રાલય પ્રમાણે વાહન પર ફાસ્ટટૅગ લાગ્યાં બાદ જ કોઈ ટ્રાન્સપૉર્ટ વાહનનું ફિટનેસ સર્ટિફિકેટ રિન્યુ કરવામાં આવશે. નવો થર્ડ પાર્ટી ઇન્સ્યૉરન્સ લેતા પહેલાં પણ ફાસ્ટટૅગ લેવું ફરજિયાત છે.

ચેક પેમેન્ટ

બૅન્ક સંલગ્ન છેતરપિંડી પર કાબૂ રાખવા માટે રીઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ પૉઝિટિવ પે સિસ્ટમ લાગુ કરવાનો નિર્ણય લીધો છે.

ફાઇનાન્સિયલ એક્સપ્રેસના અહેવાલ પ્રમાણે આ નિયમ અંતર્ગત રૂપિયા 50,000 કે તેનાથી વધુના પેમેન્ટ પર જરૂરી વિગતોને ફરીથી કન્ફર્મ કરવામાં આવશે.

જો કે આ સુવિધાનો લાભ લેવો કે નહીં તે ખાતાધારક પર આધાર રાખે છે. પૉઝિટિવ પે સિસ્ટમ અંતર્ગત કોઈ પણ વ્યક્તિ ચેક જારી કરે ત્યારે તેણે બૅન્કને તમામ વિગતો આપવાની રહેશે.

જેમાં ચેક આપનારે એસએમએસ, નેટ બૅન્કિંગ, એટીએમ કે મોબાઇલ બૅન્કિંગ દ્વારા ચેકની તારીખ, બેનિફિશિયરીનું નામ, ઍકાઉન્ટ નંબર, કુલ રકમ જેવી વિગતોનો સમાવેશ થાય છે.

આ ફોનમાં વૉટ્સઍપ નહીં ચાલે

કેટલાક સ્માર્ટ ફોનમાં પહેલી જાન્યુઆરીથી વૉટ્સઍપ કામ નહીં કરે. ઍન્ડ્રોઇડ 4.0.3 ઑપરેટિંગ સિસ્ટમ અને iOS 9 કે તેનાથી નવા પ્રોસેસર ધરાવતા ફોનમાં જ વૉટ્સઍપ સપૉર્ટ કરશે.

તમારા ફોનની ઑપરેટિંગ સિસ્ટમ કંઈ છે તે ચેક કરવા સેટિંગ્સમાં જઈને અબાઉટ ફોનમાં જોશો તો ફોન, મૉડલ અને પ્રોસેસર અંગેની માહિતી મળશે.

લૅન્ડલાઇનથી મોબાઇલ પર વાતચીત

15 જાન્યુઆરીથી લૅન્ડલાઇનથી મોબાઇલ પર વાત કરવી હશે તો મોબાઇલ નંબરની આગળ ઝીરો લગાવવો પડશે.

જોકે લૅન્ડલાઇનથી લૅન્ડલાઇન, મોબાઇલથી લૅન્ડલાઇન અને મોબાઇલથી મોબાઇલ પર કૉલ કરવા માટેના ડાયલિંગ પ્લાનમાં કોઇ ફેરફાર નહીં થાય.

કાર અને ટુવ્હિલર મોંઘા થશે

નવા વર્ષથી નવી કાર ખરીદવાનું આયોજન હોય તો વધારે પૈસા આપવા માટે તૈયાર રહેજો.

મારૂતિ સુઝુકી, નિસાન, રેનો, હોન્ડા, મહિન્દ્રા, ફોર્ડ, ઇસુઝુ, બીએમડબલ્યુ, ઓડી, ફોક્સવેગન જેવી કંપનીઓ જાહેરાત કરી ચૂકી છે કે તેઓ જાન્યુઆરીથી કારની કિંમતમાં વધારો કરશે.

ટુવ્હિલર કંપની હીરો મોટોકોર્પ પણ 1 જાન્યુઆરીથી તેની બાઇક-સ્કૂટરની કિંમતમાં વધારો કરવાની જાહેરાત કરી ચૂકી છે.

આ ઉપરાંત ગૂગલ પે પર 'યુઝર ટુ યુઝર' પૈસાના વ્યવહારો ચાર્જેબલ થઈ શકે છે.

ઇન્સ્ટન્ટ મની ટ્રાન્સફર માટે અમુક ફી ચૂકવવી પડશે. B2B ટ્રાન્ઝેક્શન્સ માટે રૂપિયા 100 કરોડથી વધુનું ટર્નઓવર થાય તો ઈ-ઇનવોઇસ ફરજિયાત થશે.

નવા વર્ષથી રૂપિયા પાંચ કરોડ સુધીનો વેપાર કરનારા નાના વેપારીઓએ વર્ષ દરમિયાન માત્ર ચાર રિટર્ન (GSTR-3B) ભરવાના રહેશે. હાલમાં તેમણે વર્ષમાં 12 રિટર્ન ભરવા પડે છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો