મનસુખ વસાવા : ભાજપના સાંસદે મોદી સરકાર પર 'દબાણ વધારવા' રાજીનામું ધર્યું હતું?

    • લેેખક, સુરેશ ગવાણિયા
    • પદ, બીબીસી ગુજરાતી

"ભારતીય જનતા પાર્ટીએ મને ક્ષમતા કરતાં વધુ આપ્યું છે. મનુષ્યના નાતે જાણેઅજાણે ભૂલ થતી હોય છે. મારી ભૂલને કારણે પક્ષને નુકસાન ન પહોંચે તે કારણસર હું પક્ષમાંથી રાજીનામું આપું છું, જે બદલ મને પક્ષ ક્ષમા કરે."

સોશિયલ મીડિયા અને ન્યૂઝમાં મનસુખ વસાવાના રાજીનામાની જાહેરાત કરતો આ પત્ર વહેતો થયો, એના બીજા દિવસે મનસુખ વસાવાએ રાજીનામું આપવાની જાહેરાત પરત ખેંચી લીધી.

તેમણે રાજીનામાના પત્રમાં લખ્યું હતું કે તેઓ બજેટસત્ર દરમિયાન લોકસભાના સ્પીકરને મળીને લોકસભાના સભ્યપદેથી પણ રાજીનામું આપશે. જોકે એ પહેલાં જ તેમણે વિચાર માંડી વાળ્યો છે.

ગુજરાત ભાજપના પ્રવક્તા ભરત પંડ્યાએ બીબીસી સંવાદદાતા રૉક્સી ગાગડેકર છારા સાથે વાત કરતા પુષ્ટિ કરી હતી.

ભરત પંડ્યાએ કહ્યું કે "મનસુખભાઈની લાગણી દુભાઈ હતી, જેથી તેમણે રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. તેમણે રાજીનામું આપવાની જાહેરાત કરી એ પછી પ્રદેશાધ્યક્ષ સી. આર. પાટીલે તેમની સાથે વાત કરી હતી. પછી મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ પણ વાત કરી હતી."

તો મીડિયા સાથેની વાતચીતમાં મનસુખ વસાવાએ કહ્યું હતું કે "મારી તબિયત સારી રહેતી ન હોવાથી મેં રાજીનામું આપ્યું હતું, પાર્ટી પ્રત્યે મને કોઈ નારાજગી નથી."

મનસુખ વસાવાના રાજીનામાની જાહેરાતની રાષ્ટ્રીયસ્તરે પણ નોંધ લેવાઈ હતી, કેમ કે તેઓ ગુજરાતની ભરૂચ બેઠકથી ભાજપના સાંસદ છે.

ગુજરાતમાં છેલ્લી બે ટર્મથી ભાજપે લોકસભાની 26માંથી 26 સીટો જીતી છે અને એમાંના એક સાંસદ રાજીનામું આપવાની વાત કરે એ સમાચાર રાષ્ટ્રીયસ્તરે પણ ચમકે એ સ્વાભાવિક હતું.

સ્થાનિક મુદ્દાઓ પર બોલતા મનુસખ વસાવા

મનસુખ વસાવા આદિવાસી વિસ્તારમાં છેલ્લી છ ટર્મથી સાંસદ તરીકે ચૂંટાતા આવ્યા છે.

તેઓ સમયાંતરે સ્થાનિક લોકોની સમસ્યાને મીડિયા સમક્ષ મૂકતા હોય છે, જરૂર પડ્યે સરકારને પણ સવાલ કરતા રહે છે.

રાજીનામાના પત્ર અગાઉ તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ઇકૉ-સેન્સિટિવ ઝોન મામલે પત્ર પણ લખ્યો હતો અને એ કારણે તેઓએ રાજીનામું આપ્યું હોવાનું પણ ચર્ચાયું હતું.

જોકે બાદમાં તેમણે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે "ઇકૉ-સેન્સિટિવ ઝોન સહિત અનેક મામલાઓમાં તેમને સરકાર તરફથી આશ્વાસન પણ મળ્યું છે."

ગુજરાતમાં કથિત લવજેહાદનો મુદ્દો પણ અગાઉ મનસુખ વસાવાએ ઉઠાવ્યો હતો.

આ અંગે તેમણે કહ્યું કે લવજેહાજ જેવી ઘટનાઓ ન બનવી જોઈએ અને એટલે જ મેં આના માટે કાયદો બનાવવા અંગે વાત કરી હતી.

મનસુખ વસાવાએ અગાઉ આદિવાસી વિસ્તારની સમસ્યાને લઈને પત્રો પણ લખ્યા હતા. તેઓ પત્રમાં સ્થાનિક અમલદારશાહીની ટીકા કરતા રહ્યા છે.

તેમના જણાવ્યા અનુસાર, MoEFCCના જાહેરનામાને નામે સરકારી અધિકારીઓ આદિવાસી લોકોની ખાનગી સંપત્તિમાં દખલ આપી રહ્યા છે. નર્મદાના આદિવાસી લોકોને વિશ્વાસમાં લેવામાં આવ્યા નથી અને તેમને જે તે મુદ્દાની સમજ આપવામાં આવી નથી. આથી તેમનામાં ડર અને અવિશ્વાસ પેદા થયો છે.

આ અગાઉ મનસુખ વસાવાએ સરદારની સૌથી ઊંચી પ્રતિમા 'સ્ટેચ્યૂ ઑફ યુનિટી' સંબંધિત મુદ્દાઓને લઈને પણ સવાલો કર્યા હતા.

તેમના અનુસાર, 'સ્ટેચ્યૂ ઑફ યુનિટી'ની આજુબાજુનો વિસ્તાર પર્યટન પ્રોજેક્ટને કારણે ઝડપથી વિકાસ પામી રહ્યો છે. તેમ છતાં મારી વિનંતી છે કે સ્થાનિક સમુદાયોના ડરને દૂર કરવા અને આદિવાસીઓનાં હિત અને હક માટે આ વિસ્તારને ઇકૉ-સેન્સિટિવ ઝોનના કાર્યક્ષેત્રમાંથી દૂર કરવો જોઈએ.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર

અગાઉ મનસુખ વસાવાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને નર્મદા જિલ્લાનાં 121 ગામોને ઇકૉ-સેન્સિટિવ ઝોનમાંથી હઠાવવાની માગ કરી હતી.

નર્મદા જિલ્લાના શૂલપાણેશ્વર અભ્યારણ્ય ફરતે 121 ગામોને ઇકૉ-સેન્સિટિવ ઝોનમાં સામેલ કરવાની ગતિવિધિ શરૂ થતા સ્થાનિક લોકોમાં રોષ ફેલાયો છે.

આ તમામ ગામો કેવડિયાના સ્ટેચ્યૂ ઑફ યુનિટી પાસે આવેલાં છે. 121 ગામોમાં મોટા વસતી આદિવાસી સમાજની છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીને લખેલા પત્રમાં વસાવાએ લખ્યું હતું કે "ભારતના રાજપત્રના માધ્યમથી નર્મદા જિલ્લાનાં 121 ગામોને ઇકૉ-સેન્સિટિવ ઝોનમાં સામેલ કરવામા આવ્યાં છે. ઝોન જાહેર થતાં સરકારી લોકો ગામના ખેડૂતોની જમીનમાં દખલગીરી કરવા લાગ્યા છે."

પત્રમાં મનસુખ વસાવાએ દાવો કર્યો હતો કે "121 ગામોના રહીશોને કોઈ પણ માહિતી આપ્યા વગર અને વિશ્વાસમાં લીધા વગર ઇકૉ-સેન્સિટિવ ઝોન માટેની કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેના કારણે લોકોમાં રોષ છે."

તેમણે વધુમાં લખ્યું છે કે "કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા ઘોર ઉપેક્ષા થવાના કારણે આદિવાસી સમાજના લોકો દેશની મુખ્ય ધારાથી વિખૂટા પડી ગયા છે."

વડા પ્રધાનને પત્ર લખ્યો એ વખતે બીબીસી ગુજરાતીએ મનસુખ વસાવા સાથે વાત પણ કરી હતી.

તેમના કહેવા અનુસાર, "2016માં જ્યારે 121 ગામોને ઇકૉ-સેન્સિટિવ ઝોન જાહેર કરવામાં આવ્યાં હતાં, ત્યારે અમે રજૂઆત કરી હતી અને નિર્ણય મોકૂફ રાખવામાં આવ્યો હતો. હવે કોઈને પણ જાણ કર્યા વગર ફરીથી આ નિર્ણયનો અમલ કરી રહ્યા છે, જે તદ્દન અયોગ્ય છે."

તેમણે રાજીનામું આપ્યું હતું તેની પાછળ આદિવાસીઓની સમસ્યાને કારણભૂત માનવામાં આવતી હતી.

જોકે મીડિયા સાથેની વાતચીતમાં મનસુખ વસાવાએ કહ્યું હતું કે "આ મામલાને મેં ઉપાડેલા પ્રશ્નો સાથે કોઈ લેવાદેવા નથી, સરકારે મારી તમામ રજૂઆતોનું નિવારણ કર્યું છે."

સરકાર પર દબાણ વધારવા 'રાજીનામું' ધર્યું?

રાજીનામાની જાહેરાત કરી એના બીજા દિવસે નિર્ણય પરત લઈ લેતા અનેક તર્કવિતર્ક પણ સર્જાયા હતા. મનસુખ વસાવાએ મીડિયાના કેટલાક સવાલોના જવાબો પણ આપ્યા હતા.

જેમાં તેઓ કહી રહ્યા હતા કે તેઓ પક્ષથી નારાજ નથી, તેમણે કોઈ રાજકીય સ્ટન્ટ નહોતો કર્યો.

જોકે રાજકીય વિશ્લેષકો અનુસાર મનસુખ વસાવા મીડિયામાં રહેવા માટે આવું કરતા રહે છે.

રાજકીય વિશ્લેષક હરિ દેસાઈ બીબીસી સાથે વાતચીત કરતાં કહે છે કે મનસુખ વસાવા અગાઉ પણ આવાં ઘણાં તરકટ કરી ચૂક્યાં છે. એમનો અસંતોષ એ પ્રગટ કરતા રહ્યા છે.

તેઓ વધુમાં કહે છે કે એમનું રાજીનામું વાંચીને મેં કહ્યું હતું કે તેઓ પાછા પાણીમાં બેસી જશે, કેમ કે રાજીનામામાં તેમણે લખ્યું હતું કે 'મારી ભૂલને કારણે પક્ષે સહન કરવું પડે.'

હરિ દેસાઈ સવાલ કરે છે કે "જો આદિવાસીઓનાં હિતોની વાત ઉઠાવવાની તેમનામાં નૈતિક હિંમત હોય તો એને ભૂલ કરી રીતે ગણી શકાય?"

"મનસુખ વસાવાને ખબર છે કે મને હવે ટિકિટ મળવાની નથી એટલે તેમણએ હાજરી પુરાવવા આ છમકલું કરી જોયું છે.

તો દક્ષિણ ગુજરાતના રાજકારણને નજીકથી સમજતા ફયસલ બકીલીના મતે પણ મનસુખ વસાવાનું આવું કરવું એ નવાઈ ઉપજાવે તેવું નથી.

બીબીસી સાથે વાત કરતા તેઓ કહે છે કે "અગાઉ પણ તેમણે આવાં નિવેદનો આપ્યાં છે અને પરત લઈ લીધાં છે. એટલે આ વાતની કોઈ નવાઈ નથી."

તો મનસુખ વસાવાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે "હું લોકોની સમસ્યાને સરકાર સામે મૂકું છું. મેં સરકાર પર કોઈ દબાણ ઊભું કરવા માટે રાજીનામું નહોતું આપ્યું."

"મારા સ્વાસ્થ્યને લઈને જ રાજીનામું હતું. મારે પાંચ-છ મહિના આરામ કરવાની જરૂર છે."

મનસુખ વસાવાની રાજકીય સફર

મનસુખભાઈ ધનજીભાઈ વસાવાનો જન્મ 1 જૂન, 1957માં નર્મદા જિલ્લાના જૂનારાજ ગામે થયો હતો. તેમણે બીએ, એમએસડબલ્યુનો અભ્યાસ કરેલો છે.

મનસુખ વસાવા છેલ્લી છ ટર્મથી ભરૂચથી ભાજપના સાંસદ તરીકે ચૂંટાતા આવ્યા છે.

ભાજપના સાંસદ ચંદુભાઈ દેશમુખનું અવસાન થતાં ભરૂચ લોકસભાની પેટાચૂંટણી યોજાઈ હતી અને મનસુખ વસાવાને ભાજપ તરફથી ટિકિટ આપવામાં આવી હતી અને તેઓ ભાજપની સીટ પરથી સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા હતા.

અને એ રીતે 1998માં ભરૂચ બેઠકથી સાંસદ બન્યા હતા અને ત્યારથી તેઓ સતત અહીંથી ચૂંટાતા આવ્યા છે.

તો અગાઉ 1995 રાજપીપળા (એસ.સી. અનામત) સીટ પરથી તેઓ ધારાસભ્ય બન્યા હતા.

2014માં નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા ત્યારે તેમને કેન્દ્રમાં મંત્રી બનાવાયા હતા. જોકે 2019માં ફરી વાર કેન્દ્રમાં ભાજપની સરકાર બની અને નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા ત્યારે તેમને કેન્દ્રમાં સ્થાન મળ્યું નહોતું.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો