ગુજરાતમાં ઓવૈસી અને છોટુ વસાવાના સાથે આવવાથી ભાજપને કેટલું નુકસાન?

    • લેેખક, જીગર ભટ્ટ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

હવે અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી ગુજરાતમાં ચૂંટણી લડવા માટે તૈયારી કરી રહી છે. એઆઈએમઆઈએમના સંસદસભ્ય ઇમ્તિયાઝ જલીલે બીબીસીને આપેલા ઇન્ટરવ્યૂમાં તેમની પાર્ટીના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીને ભારતીય મુસલમાનોના એક માત્ર નેતા ગણાવ્યા હતા.

છોટુ વસાવાની ભારતીય ટ્રાઇબલ પાર્ટી (બીટીપી)એ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઓવૈસીના પક્ષ સમક્ષ ગઠબંધનનો પ્રસ્તાવ મૂક્યો હતો. જેનો તેમણે સ્વીકાર કર્યો છે.

સમાચાર સંસ્થા એએનઆઈને આપેલા ઇન્ટરવ્યૂમાં પાર્ટીના સંસદસભ્ય ઇમ્તિયાઝ જલીલે કહ્યું હતું કે આખા દેશમાં પાર્ટીનું ફોકસ માત્ર ભાજપને હરાવવા પર છે અને 2022માં યોજાનારી ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં ભાગ લેશે.

સવાલ એ થાય કે ઓવૈસીની પાર્ટી શું ગુજરાતમાં ભાજપને હરાવી શકશે? પહેલાં તો જાણી લઈએ કે ઓવૈસીની પાર્ટીની શક્તિ દેશનાં અન્ય રાજ્યોમાં કેટલી છે.

ઓવૈસીની પાર્ટી એઆઈએમઆઈએમ મૂળ હૈદરાબાદની પાર્ટી છે. અસદુદ્દીન ઓવૈસીના પિતા હૈદરાબાદમાંથી છ વખત સંસદસભ્ય રહ્યા છે. ત્યારબાદ તેમણે પાર્ટીની જવાબદારી ઓવૈસીને સોંપી હતી.

અસદુદ્દીન 2004થી હાલ સુધી હૈદરાબાદથી સંસદસભ્ય છે. તેમના નાનાભાઈ અકબરુદ્દીન ઓવૈસી તેલંગણા વિધાનસભામાં પાર્ટીના ધારાસભા દળના નેતા છે. વિધાનસભામાં તેમના સાત ધારાસભ્ય છે.

ઓવૈસીની પાર્ટી મહારાષ્ટ્રમાં પણ છે. તેમની પાર્ટીના ઇમ્તિયાઝ જલીલ મહારાષ્ટ્રના ઔરંગાબાદની લોકસભા બેઠક પરથી જીત્યા હતા. આ ઉપરાંત ઔરંગાબાદ નગર નિગમની ચૂંટણીમાં પણ તેમની પાર્ટીએ સારું પ્રદર્શન કર્યું હતું.

હાલમાં બિહારમાં યોજાયેલી ચૂંટણીમાં તેમની પાર્ટીએ પાંચ સીટ પર જીત મેળવી હતી.

હવે તેઓ પશ્ચિમ બંગાળમાં ચૂંટણી લડવાની તૈયારીઓ કરી રહ્યા છે. તાજેતરમાં હૈદરાબાદમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ ભાજપે તેમને પડકાર ફેંક્યો હતો અને સારી બેઠકો પર જીત મેળવી હતી.

તેમણે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં બીટીપી સાથે ગઠબંધન કર્યું છે અને કહ્યું છે કે તેમનો હેતુ દેશમાં ભાજપને હરાવવાનો છે.

શું ભાજપને હરાવી શકશે ગુજરાતમાં?

વલ્લભ વિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટીના પોલિટિકલ સાયન્સ વિભાગના અધ્યાપક બલદેવ આગજા કહે છે કે ઓવૈસી ગુજરાતમાં એટલું મોટું રાજકીય પરિબળ નથી. તેમની અસર નહિવત્ રહેશે, તેમનું જોડાણ લઘુમતી સમુદાય સાથે છે અને તેનાથી માત્ર લઘુમતી સમાજના જ મત મળશે.

આગજા વધુમાં કહે છે, “સમાજને ધ્યાનમાં રાખીને વિચારીએ તો ઓવૈસીની પાર્ટીનો પાયો મુસ્લિમ સમુદાયનો છે. જ્યારે ભાજપ ગુજરાતની ઉચ્ચ જ્ઞાતિઓમાં પ્રભુત્વ ધરાવે છે."

"ઉચ્ચ જ્ઞાતિના મત તો ભાજપને મળવાના છે, તે ઓવૈસી તરફ તો જવાના નથી. બીજું કે મુસ્લિમ અને આદિવાસી લોકો એક સાથે આવી ઓવૈસીને મત આપે તો તેનું નુકસાન કૉંગ્રેસને થશે કેમકે કૉંગ્રેસની મતબૅન્ક છે.”

બીજી બાજુ રાજકીય વિશ્લેષકોનું એવું માનવુ છે કે ઓવૈસીની અસર ગુજરાતમાં નહિવત્ રહેશે અને મુસ્લિમો પણ તેમની સાથે નહીં જાય.

ગુજરાતના મુસ્લિમોનું ઓવૈસીને સમર્થન મળશે?

ઘનશ્યામ શાહ આ અંગે વિસ્તારથી કહે છે, “ગુજરાત અને હૈદરાબાદ અલગ છે. તેમની સંસ્કૃતિ અને ઇતિહાસ પણ અલગ છે, એથી મુસ્લિમો ઓવૈસી સાથે જાય તેવું ખાસ લાગતું નથી."

"ગુજરાતના રાજકારણમાં મુસ્લિમ લીગને મ્યુનિસિપાલિટીમાં અને રાજકારણમાં અલગ સ્થાન હતું, તેમાં ભણેલો વર્ગ હતો. ઉપરાંત જે મોટો ટૅક્સ ભરતો હતો એવો વર્ગ આ લોકોને ચૂંટતો હતો પરંતુ એ પછી મુસ્લિમોની એવી કોઈ મોટી લીડરશિપ તૈયાર થઈ નથી.”

“ગુજરાતના મુસ્લિમો ભાજપને મત નથી આપતા પરંતુ ખૂલીને વિરોધ પણ નથી કરતા. વેપારી હોવાના કારણે સાચવીને ચાલે છે. માટે તે લોકો ઓવૈસીને મત આપશે કે નહીં તે મોટો સવાલ છે.”

આવી જ વાત રાજકીય વિશ્લેષક જગદીશ આચાર્ય કરે છે, “તેઓ કહે છે કે ગુજરાત અને હૈદરાબાદ અલગ છે. ગુજરાતના મુસ્લિમો સીધી રીતે ઓવૈસી સાથે જવાનું પસંદ નહીં કરે.”

ઓવૈસી કેવી રીતે ભાજપને નુકસાન કરી શકે?

ઓવૈસીની પાર્ટી ભાજપને એક રીતે નુકસાન કરી શકે, જેના વિશે વાત કરતાં આગજા કહે છે, “જો ઓવૈસીની પાર્ટીમાં મસલપાવર અને મનીપાવરના આધારે જો નેતાઓ જોડાય, જેમનું પહેલાં પણ રાજકીય બૅકગ્રાઉન્ડ હોય તો તે મોટી અસર કરી શકે છે.”

તેઓ એમ પણ કહે છે કે કૉંગ્રેસના અસંતુષ્ટ નેતા આમની સાથે જોડાય એવું પણ બની શકે છે.

આગજા બીજું કારણ જણાવે છે કે ઓવૈસીની પાર્ટીની અમુક વાતો દલિત વર્ગને સ્પર્શે છે, જેનાથી દલિતો ઓવૈસીની પાર્ટીને સમર્થન કરે છે. એટલે દલિત અને મુસ્લિમ વસતી ધરાવતા વિસ્તારોમાં મત ઓવૈસીની પાર્ટીને મળે તો નુકસાન થાય.

દલિત-આદિવાસી અને મુસ્લિમ એક થઈ શકે?

આગજા કહે છે, “દલિત, આદિવાસી અને લઘુમતીના મતને એક કરવા માટે ઘણી બધી મહેનત કરવી પડે, જેના માટે ઘણો સમય જોઈએ અને સંગઠન ઊભું કરવું પડે.”

ઘનશ્યામ શાહ પણ આગજા જેવી જ વાત કરે છે, “હાલ ઓવૈસીનું મોટું સંગઠન ગુજરાતમાં ઊભું થયું નથી. બીજું કે દલિત-મુસ્લિમ કે આદિવાસી-મુસ્લિમ ભાઈ-ભાઈની જે વાત છે તે માત્રને માત્ર ઉપર ઉપરથી જ છે ગ્રાઉન્ડ લેવલ સુધી ગઈ નથી. જ્યાં સુધી તે ન થાય ત્યાં સુધી મોટો ફરક ન પડે”

આગજા કહે છે કે ગુજરાતમાં દલિતો વહેંચાયેલા છે માટે તેઓ એક સાથે મોટી અસર કરે તેવું જણાતું નથી.

ગુજરાતના રાજકારણમાં દલિત, આદિવાસી અને મુસ્લિમ સમુદાય કૉંગ્રેસની મતબૅન્ક રહ્યાના દાવા થતા આવ્યા છે. તો શું આનાથી કૉંગ્રેસને ફટકો પડશે?

ઓવૈસીની પાર્ટી અને બીટીપી સાથે આવવાની વાત પર કૉંગ્રેસે પણ ચિંતામાં હોય એમ લાગી રહ્યું છે.

કૉંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ કહ્યું કે હાલ તમામ મોરચે 'નિષ્ફળ' નિવડેલી ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા, હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલાં 'BTP+MIM=BJP' જેવી 'બી' ટીમોનું ગઠબંધન કરાવી અને કૉંગ્રેસ પાર્ટીને ડરાવવા તથા ગુજરાતી જનતાને હરાવવાના નિષ્ફળ પ્રયાસ શું કામ થઈ રહ્યા છે?

મોટા ભાગના રાજકીય વિશ્લેષકો માને છે કે ઓવૈસીની પાર્ટી ભાજપને નહીં પરંતુ કૉંગ્રેસને નુકસાન કરશે.

જગદીશ આચાર્ય કહે છે, “ભાજપને નુકસાન નહીં પરંતુ ફાયદો થશે કારણ કે આનાથી કૉંગ્રેસની મુસ્લિમ મતબૅન્ક તૂટશે અને ભાજપને તેનાથી ફાયદો જ છે.”

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બીટીપી અને ઓવૈસી સ્થાનિક સ્તર પર ભેગા થવાથી કૉંગ્રેસને ફટકો પડી શકે છે.

રાજ્યશાસ્ત્રના પ્રૉફેસર ડૉ. ગજેન્દ્ર શુક્લ કહે છે કે ઓવૈસીની પાર્ટી ગુજરાતમાં ચૂંટણી લડશે તો ગુજરાતના મુસ્લિમ મતોનું વિભાજન થશે, જેનો ફાયદો ભાજપને મળશે. જોકે હજી ચૂંટણીને વાર છે અને એટલે હાલથી કોઈ પણ વાત કરવી અઘરી છે.

ભાજપ શું કહે છે?

ગુજરાતના ભારતીય જનતા પક્ષના પ્રવક્તા ભરત પંડ્યાએ કહ્યું હતું કે ગુજરાતમાં કયારેય ત્રીજી રાજકીય પાર્ટી સફળ થઈ નથી. ગુજરાતમાં કોઈ પણ પાર્ટી આવે તો તેનો ગુજરાત કે ભાજપને કોઈ ફેર પડવાનો નથી.

તેઓ કહે છે ગુજરાતને વિકાસ સાથે સંબંધ છે, વિવાદ સાથે નહીં.

તેમણે વધુમાં કહ્યું કે ઓવૈસીનો પક્ષ વિચારો, નિવેદનો, કાર્યક્રમો દ્વારા વિવાદ, વેરઝેર અને વિભાજનની એટલે કે તોડવાની રાજનીતિ કરે છે. જ્યારે ગુજરાતની જનતા અને ભાજપ એકતા, શાંતિ, વિકાસની એટલે કે જોડવાની રાજનીતિમાં માને છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો