પાકિસ્તાનમાં બેનઝીર ભુટ્ટોની હત્યા પહેલાંના 18 કલાકમાં શું થયું?

    • લેેખક, રેહાન ફઝલ
    • પદ, બીબીસી સંવાદદાતા

26 ડિસેમ્બર, 2007ના રોજ બેનઝીર ભુટ્ટો પેશાવરથી લાંબી ડ્રાઇવ કરીને ઇસ્લામાબાદસ્થિત પોતાના ઘર ઝરદારી હાઉસ પહોંચ્યાં ત્યારે તેઓ ખૂબ થાકી ગયાં હતાં. પરંતુ આઈએસઆઈના વડા મેજર જનરલ નદીમ તાજનો સંદેશ તેમના સુધી પહોંચી ગયો હતો કે તેઓ એક જરૂરી કામથી તેમને મળવા માગે છે.

ભૂતપૂર્વ વડા પ્રધાન બેનઝીર ભુટ્ટોએ નક્કી કર્યું કે તેઓ બે કલાક સૂઈ જશે અને મોડી રાતે નદીમ તાજને મળશે.

આ મુલાકાત રાતે દોઢ વાગ્યે થઈ અને તેમાં બેનઝીર ઉપરાંત તેમના સુરક્ષા સલાહકાર રહેમાન મલિક પણ સામેલ હતા.

નદીમ તાજે તેમને જણાવ્યું કે તે દિવસે કોઈ તેમની હત્યા કરવાનો પ્રયાસ કરશે.

આઈએસઆઈના પ્રમુખ મેજર જનરલ નદીમ તાજને પોતાના સ્રોત પર એટલો બધો ભરોસો હતો કે તેઓ મોડી રાતે આ માહિતી આપવા બેનઝીરના ઇસ્લામાબાદસ્થિત નિવાસસ્થાને રૂબરૂ પહોંચ્યા હતા.

બીબીસીના ઇસ્લામાબાદસ્થિત ભૂતપૂર્વ સંવાદદાતા ઓવેન બેનેજ જોન્સે પોતાના પુસ્તક 'ધ ભુટ્ટો ડાઇનેસ્ટી : ધ સ્ટ્રગલ ફૉર પાવર ઇન પાકિસ્તાન'માં લખે છે, "આ સાંભળીને બેનઝીરને શંકા ગઈ કે નદીમ તાજ ક્યાંક તેમનો કાર્યક્રમ રદ કરવા માટે તેમના પર દબાણ તો નથી કરી રહ્યા ને? તેમણે તાજને પૂછ્યું કે તમે આત્મઘાતી હુમલાખોરો વિશે જાણો છો તો પછી તમે તેમની ધરપકડ કેમ નથી કરતા?"

"તાજનો જવાબ હતો કે 'આ અશક્ય છે, કારણ કે તેનાથી તેમના સોર્સનું રહસ્ય ખૂલી જશે.' આ વિશે બેનઝીરે જણાવ્યું કે તમે મારી સુરક્ષા વધારી દો. તમે એ સુનિશ્ચિત કરો કે મને સુરક્ષિત રાખવામાં આવે. એટલું જ નહીં મારા લોકોને પણ સુરક્ષિત રાખવામાં આવે. આઈએસઆઈના પ્રમુખે વચન આપ્યું કે તેઓ તેના માટે પોતાની સંપૂર્ણ તાકાત લગાવી દેશે."

બેનઝીરની હત્યાની તૈયારી

બેનઝીર જ્યારે જનરલ તાજ સાથે મુલાકાત કરી રહ્યા હતા ત્યારે તેમના હત્યારા તેમની હત્યા માટે અંતિમ તૈયારી કરી રહ્યા હતા.

બેનેટ જોન્સ લખે છે, "મધરાત પછી તાલિબાનના એક હૅન્ડલર નસરુલ્લા પોતાની સાથે પંદર વર્ષનાં બે બાળકો બિલાલ અને ઇકરામઉલ્લાને લઈને રાવલપિંડી પહોંચી ગયા હતા. આ દરમિયાન તાલિબાનના વધુ બે સભ્યો હસનૈન ગુલ અને રફાકત હુસૈન રાવલપિંડીના લિયાકત હુસૈન પાર્કની ચકાસણી (રેકી) કરીને આવ્યા હતા, જ્યાં બેનઝીર ભુટ્ટો સાંજે ભાષણ આપવાના હતાં."

"તે સમયે પોલીસ પાર્કના ત્રણેય ગેટ પર મેટલ ડિટેક્ટર લગાવી રહી હતી. પરંતુ તેનાથી કોઈ ફરક પડવાનો ન હતો, કારણ કે યોજના એવી હતી કે બેનઝીર રેલીમાંથી પરત આવી રહ્યાં હોય ત્યારે તેમના પર હુમલો કરવામાં આવે. આ બંને વ્યક્તિ ત્યાંથી સંપૂર્ણ સંતુષ્ટ થઈને પાછા ફર્યા અને બિલાલને કેટલાક કારતૂસ સાથે એક પિસ્તોલ આપી."

"ઇકરામુલ્લાને એક હૅન્ડ ગ્રૅનેડ આપ્યો. હસનૈને બિલાલને સલાહ આપી કે તે પોતાના પગમાં ટ્રેનર શૂઝના બદલે બીજું કંઈક પહેરે, કારણ કે સુરક્ષાદળોને શીખવવામાં આવે છે કે જેહાદીઓ ટ્રેનર શૂઝ પહેરે છે અને તેમને શંકાના આધારે પકડી શકે છે."

બિલાલે સલાહ માની અને ટ્રેનર શૂઝ ઉતારીને ચંપલ પહેરી લીધી.

નમાજ પઢ્યા પછી હસનૈન બિલાલને તે ગેટ પર લઈ ગયા. તેમના માનવા પ્રમાણે બેનઝીર તે ગેટનો ઉપયોગ કરવાના હતાં.

લિયાકત બાગ જતાં પહેલાં હમીદ કરઝાઈ સાથે મુલાકાત

બેનઝીર ભુટ્ટોની હત્યાની તપાસ માટે રચાયેલા સંયુક્ત રાષ્ટ્ર તપાસ પંચના પ્રમુખ અને ત્યારપછી તેના પર પુસ્તક 'ગેટિંગ અવે વિથ મર્ડર' લખનારા હેરાલ્ડો મુન્યોઝ લખે છે, "27 ડિસેમ્બરની સવારે બેનઝીર ભુટ્ટો સાડા આઠ વાગ્યે ઊઠ્યાં. 9 વાગ્યે તેમણે નાસ્તો કર્યો. અઢી કલાક પછી તેઓ અમીન ફહીમ અને પીપલ્સ પાર્ટીના એક ભૂતપૂર્વ સૅનેટરની સાથે અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ હમીદ કરઝાઈને મળવા ગયા."

"કરઝાઈ ઇસ્લામાબાદની સેરિના હોટલના ચોથા માળે રોકાયા હતા. તેમને મળીને તેઓ એક વાગ્યે ઝરદારી હાઉસ પાછા આવ્યા. તેમણે ભોજન લીધું અને પોતાના સાથીઓની સાથે સાંજે લિયાકત બાગમાં આપવાના ભાષણને અંતિમ રૂપ આપ્યું."

બપોર પછી બેનઝીર વાહનોના એક કાફલામાં લિયાકત બાગ જવા માટે રવાના થયાં.

કાફલામાં સૌથી આગળ ટોયોટા લૅન્ડ ક્રૂઝરમાં પીપીપીના સુરક્ષા પ્રમુખ તૌકિર કેરા બેઠા હતા.

તેમની બરાબર પાછળ બેનઝીરની સફેદ રંગની લૅન્ડ ક્રૂઝર ચાલી રહી હતી. તેમની બંને બાજુએ બીજાં બે વાહન દોડી રહ્યાં હતાં.

આ વાહનોની પાછળ ઝરદારી હાઉસના બે ટોયોટા વિગો પિકઅપ ટ્રક ચાલી રહ્યા હતા. તેનાથી પાછળ ઝરદારી હાઉસની કાળા રંગની મર્સિડિઝ બૅન્ઝ હતી જે બૂલેટપ્રૂફ હતી. જરૂર પડે તો બેનઝીર તેનો ઉપયોગ બેકઅપ વાહન તરીકે કરી શકે તેમ હતાં.

બેનઝીરની કારમાં આગળની સીટ પર ડાબી બાજુએ તેમના ડ્રાઇવર જાવેદુર રહમાન અને જમણી બાજુ વરિષ્ઠ પોલીસ અધીક્ષક મેજર ઇમ્તિયાઝ હુસૈન બેઠા હતા.

વચ્ચેની સીટ પર ડાબી તરફ પીપીપીના વરિષ્ઠ નેતા મકદુમ અમીન ફહીમ, વચ્ચે બેનઝીર ભુટ્ટો અને જમણી બાજુ બેનઝીરના રાજકીય સચિવ નાહીદ ખાન બેઠાં હતાં.

સુરક્ષાના નિયમોની અવગણના

બે વાગ્યા ને 15 મિનિટે બેનઝીરનો કાફલો ફૈઝાબાદ જંક્શન પહોંચ્યો.

ત્યાંથી તેમની સુરક્ષાની જવાબદારી રાવલપિંડી જિલ્લા પોલીસ પાસે આવી ગઈ.

2 વાગ્યા ને 56 મિનિટે બેનઝીરની ગાડીઓનો કાફલો જમણી બાજુ વળીને મરી રોડ-લિયાકત જંક્શન પર આવી ગયો અને લિયાકત બાગના વીઆઈપી પાર્કિંગ ક્ષેત્ર તરફ આગળ વધવા લગ્યો.

આ દરમિયાન બેનઝીર ઊભાં થઈ ગયાં અને તેમના લૅન્ડ ક્રૂઝરની છતના એસ્કેપ હેચ પરથી તેમનો ચહેરો દેખાતો હતો.

તેઓ લોકો તરફ હાથ હલાવીને તેમનું અભિવાદન ઝીલી રહ્યાં હતાં અને તેમનું વાહન ધીમેધીમે લિયાકત રોડ પર આગળ વધી રહ્યું હતું.

બેનઝીરની સુરક્ષા કરતા લોકોએ તેમને એક પણ વખત ન રોક્યાં કે આ રીતે ઊભા રહેવું જોખમી છે.

હેરાલ્ડો મુન્યોઝ તેમના પુસ્તક 'ગેટિંગ અવે વીથ મર્ડર'માં લખે છેઃ "3 વાગ્યા ને 16 મિનિટે બેનઝીરના કાફલાને 5થી 6 મિનિટ સુધી પાર્કિંગ ક્ષેત્રના આંતરિક ગેટ પર ઊભું રહેવું પડ્યું, કારણ કે પોલીસ પાસે ગેટ ખોલવાની ચાવી ન હતી. આ દરમિયાન બેનઝીર સંપૂર્ણ રીતે સુરક્ષિત પોતાના વાહન પર ઊભાં રહ્યાં અને એસ્કેપ હેચમાંથી તેમનો ચહેરો દેખાતો રહ્યો."

એક સેકન્ડમાં ત્રણ ગોળી છૂટી

ત્યારપછી બેનઝીરે 10 હજાર લોકો સમક્ષ લગભગ અડધા કલાક સુધી ભાષણ આપ્યું. આ દરમિયાન તેમણે 17 વખત પોતાના પિતાનું નામ લીધું.

ભાષણ સમાપ્ત થતા જ 'બેનઝીર ઝિંદાબાદ' અને 'બેનઝીર વઝીરે આઝમ'ના નારાથી આખો વિસ્તાર ગૂંજતો રહ્યો.

ભાષણ પછી બેનઝીર પોતાની ગાડીમાં બેઠાં. તેમની ગાડી ઘણા સમય સુધી ઊભી રહી, કારણ કે તેમના સમર્થકોએ તેમને ચારે બાજુથી ઘેરી લીધાં હતાં.

ભીડ જોઈને બેનઝીર ઊભાં થઈ ગયાં અને હેચમાંથી તેમનું માથું અને ખભા બહાર દેખાવા લાગ્યા. તે સમયે સાંજના 5 વાગ્યા ને 10 મિનિટ થઈ હતી.

ઓવેન બેનેટ જોન્સ લખે છે, "સવારથી રાહ જોઈ રહેલા બિલાલને લાગ્યું કે હુમલાનો સમય આવી ગયો છે. તે સૌથી પહેલા બેનઝીરના વાહન સામે ગયા અને પછી તેમની નજીક ગયા જ્યાં બહુ ઓછા લોકો હાજર હતા. તેમણે પોતાની પિસ્તોલ કાઢી અને બેનઝીરના માથાનું નિશાન લીધું."

"એક સુરક્ષા ગાર્ડે બિલાલને રોકવાની કોશિશ કરી. ગાર્ડ થોડો દૂર હતો તેથી તે તેના હાથને માત્ર સ્પર્શ કરી શક્યો. બિલાલે એક સેકન્ડથી પણ ઓછા સમયમાં ત્રણ ફાયર કર્યા. ત્રીજી ગોળી છૂટતા જ બેનઝીર એક પથ્થરની જેમ એસ્કેપ હેચની નીચે પોતાના વાહનની સીટ પર પડ્યાં. તેઓ નીચે પડ્યાં તેની સાથે જ બિલાલે પોતાના આત્મઘાતી બૉમ્બનો વિસ્ફોટ કર્યો."

'ગેટિંગ અવે વિથ મર્ડર'ના લેખક હેરાલ્ડો મુન્યોઝ લખે છે, "બેનઝીરની જમણી બાજુ બેસેલા નાહીદ ખાને મને જણાવ્યું કે, તેમને ત્રણ ગોળીનો અવાજ સંભળાયો કે તરત બેનઝીર નીચે પડ્યાં અને તેમના માથાનો જમણો ભાગ તેમના ખોળામાં આવી ગયો."

"તેમના માથા અને કાનમાંથી પુષ્કળ લોહી વહી રહ્યું હતું. તેમનાં કપડાં સંપૂર્ણપણે લોહીથી લથબથ હતાં. બેનઝીરની ડાબી બાજુ બેસેલા મકદુમ અમીન ફહીમે જણાવ્યું કે બેનઝીર પડ્યાં ત્યારે તેમના શરીરમાં જીવનાં કોઈ ચિહ્ન ન હતાં. તેમના વાહનમાં બીજા કોઈને ગંભીર ઈજા થઈ ન હતી."

કારનાં ચારેય ટાયર ફાટ્યાં

ત્યાં એક પણ એમ્બ્યુલન્સ હાજર ન હતી. બૉમ્બ ફાટવાના કારણે બેનઝીરની કારનાં ચારેય ટાયર ફાટી ગયાં હતાં.

ડ્રાઇવર લોખંડની રિમ પર કાર ચલાવીને તેને રાવલપિંડીની જનરલ હૉસ્પિટલ તરફ લઈ ગયો.

લિયાકત રોડ પર 300 મીટર ચાલ્યા પછી તેમણે કારને તે જ સ્થિતિમાં ડાબી બાજુ ઘુમાવી. કાર તે હાલતમાં થોડા કિલોમીટર સુધી દોડી.

એક જગ્યાએ જ્યારે લૅન્ડ ક્રૂઝર કારે યૂ ટર્ન લેવાનો પ્રયાસ કર્યો તો તે અટકી ગઈ અને ત્યાંથી આગળ વધી ન શકી.

ઘટનાસ્થળ પર હાજર બે કમાન્ડો વાહનોએ બેનઝીરના વાહનની પાછળ જવાનો પ્રયાસ કર્યો. પરંતુ તેમની સામે મૃતદેહો અને ઈજાગ્રસ્ત લોકો પડ્યા હોવાથી વાહન આગળ વધી ન શક્યાં.

નાહિદ ખાને ઓવેન બેનેટ જોન્સને જણાવ્યું, "અમારી પાસે બેનઝીરને ટેક્સીથી હૉસ્પિટલે લઈ જવા સિવાય બીજો કોઈ વિકલ્પ ન હતો. પોલીસનો ક્યાંય પતો ન હતો. અમે ટેક્સીની રાહ જોઈ રહ્યા હતા તેવામાં બે-ત્રણ મિનિટમાં ત્યાં એક પિક-અપ જીપ આવીને ઊભી રહી."

"અમે તે જીપમાં બેનઝીરને હૉસ્પિટલે લઈ ગયાં. તે જીપ બેનઝીરના પ્રવક્તા શેરી રહેમાનની હતી."

રેકૉર્ડ મુજબ તેઓ હુમલાની 45 મિનિટ પછી હૉસ્પિટલે પહોંચ્યા હતા.

બેનઝીરના ગળામાં ટ્યૂબ ઉતારવામાં આવી

હૉસ્પિટલે પહોંચ્યા બાદ તરત બેનઝીરને પાર્કિંગ એરિયામાં જ સ્ટ્રેચરમાં સૂવડાવીને અંદર લઈ જવામાં આવ્યાં.

તેમની નાડીના ધબકારા બંધ થઈ ગયા હતા અને શ્વાસ પણ થંભી ગયો હતો.

તેમની આંખની કીકીઓ એક જગ્યાએ સ્થિર હતી અને ટૉર્ચનો પ્રકાશ ફેંકવા છતાં આંખમાં કોઈ હરકત દેખાતી ન હતી.

માથાના ઘાવમાંથી લોહી સતત વહેતું હતું અને તેમાંથી એક સફેદ પદાર્થ બહાર આવી ગયો હતો.

તેમનામાં હવે જીવ રહ્યો નથી તે વાત નિશ્ચિત હોવા છતાં ડૉક્ટર સઇદા યાસ્મીને તેમને જીવિત કરવાના તમામ પ્રયાસ કર્યા.

થોડા સમયમાં ડૉક્ટર ઔરંગઝેબ ખાન પણ તેમની મદદ માટે આવી ગયા. એક મિનિટની અંદર તેમના ગળામાં કાપો મૂકીને તેમાં એક ટ્યૂબ ઉતારવામાં આવી.

5 વાગ્યા ને 50 મિનિટે હૉસ્પિટલના સિનિયર ફિઝિશિયન પ્રોફેસર મોસદ્દિક ખાને ત્યાં પહોંચીને ચાર્જ સંભાળ્યો. બેનઝીરનાં નાક અને કાનમાંથી સતત લોહી વહી રહ્યું હતું. હુમલાની 50 મિનિટ પછી 6 વાગવામાં થોડી મિનિટ અગાઉ ડૉક્ટર તેમને ઑપરેશન થિયેટરમાં લઈ ગયા.

પ્રોફેસર મુસદ્દિક ખાને તેમની છાતીમાં કાપો મૂક્યો અને હાથથી તેમના હૃદયને મસાજ કરવા લાગ્યા. પરંતુ તેમનું શરીર શાંત પડી રહ્યું. 6 વાગ્યા ને 16 મિનિટે બેનઝીર ભુટ્ટોને મૃત જાહેર કરવામાં આવ્યાં.

બેનઝીરના દુપટ્ટાનો હજુ સુધી પતો નથી

તમામ પુરુષોને ઑપરેશન થિયેટરમાંથી બહાર જતા રહેવા જણાવાયું. ડૉક્ટર કુદસિયા અંજુમ કુરૈશી અને નર્સોએ તેમના પાર્થિવ દેહને સાફ કર્યો અને માથાના ઘાવ પર પાટો બાંધ્યો.

તેમનાં લોહીથી લથબથ કપડાં ઉતારીને તેમને હૉસ્પિટલનાં કપડાં પહેરાવવામાં આવ્યાં.

ડૉક્ટરોએ જણાવ્યું કે બેનઝીર હૉસ્પિટલે પહોંચ્યાં ત્યારે તેમના શરીર પર દુપટ્ટો ન હતો.

તે દુપટ્ટો આખરે ક્યાં ગયો તે હજુ સુધી જાણી શકાયું નથી. તેમના મૃત્યુ પ્રમાણપત્ર નંબર 202877માં મૃત્યુના કારણની કૉલમમાં લખવામાં આવ્યું, 'પોસ્ટમૉર્ટમ પછી જાણી શકાશે.'

ડૉક્ટર મુસદ્દીક ખાને ત્રણ વખત પોલીસવડા સઉદ અઝીઝ પાસે પોસ્ટમૉર્ટમની મંજૂરી માગી, પરંતુ ત્રણેય વખત તેમણે મંજૂરી આપવાનો ઇન્કાર કર્યો.

ત્યારપછી તેમણે એમ કહીને પોતાના નિર્ણયનો બચાવ કર્યો કે બેનઝીરના પરિવારે તેમને પોસ્ટમૉર્ટમની મંજૂરી આપી ન હતી. હૉસ્પિટલની બહાર જ્યારે બેનઝીરના મોતની જાહેરાત કરવામાં આવી ત્યારે ત્યાં હાજર રહેલાં ટોળાંમાંથી અફસોસના ઉદગાર નીકળ્યા.

લોકોને આશ્ચર્ય થયું હતું અને તેઓ દુખી પણ હતા, કારણ કે વધુ એક ભુટ્ટોએ હિંસક મૃત્યુને ગળે લગાવ્યું હતું.

બેનઝીરના પિતા ઝુલ્ફીકાર અલી ભુટ્ટોને સૈન્ય સરકારે ફાંસી પર ચઢાવી દીધા હતા. તેમના એક ભાઈ શાહનવાઝનું મૃત્યુ ઝેરથી અને બીજા ભાઈ મુર્તઝાનું મૃત્યુ ગોળી વાગવાથી થયું હતું.

ઝરદારીએ પોસ્ટમૉર્ટમ કરાવવાનો ઇન્કાર કર્યો

રાતે 10 વાગ્યા ને 35 મિનિટે બેનઝીરના પાર્થિવ શરીરને પર લાકડાના કૉફિનમાં રાખીને નજીકના ચકલાતા ઍરબેઝ લઈ જવામાં આવ્યું.

28 ડિસેમ્બરની રાતે એક વાગ્યે તેમનો મૃતદેહ તેમના પતિ આસિફ અલી ઝરદારીને સોંપી દેવાયો, જેઓ થોડી મિનિટ પહેલાં જ દુબઈથી ત્યાં પહોંચ્યા હતા.

ઝરદારી જ્યારે પાકિસ્તાન પહોંચ્યા ત્યારે બેનઝીરના મૃતદેહનું પોસ્ટમૉર્ટમ કરવા માટે તેમની મંજૂરી માગવામાં આવી, પરંતુ તેમણે મંજૂરી ન આપી.

28 ડિસેમ્બર, 2007ના રોજ બેનઝીર ભુટ્ટોને લરકાનામાં ગઢી ખુદાબક્ષ ખાતે સુપુર્દે-ખાક કરવામાં આવ્યાં.

શું બેનઝીરને પોતાના મૃત્યુનો પહેલેથી અંદાજ આવી ગયો હતો? પાકિસ્તાન પરત જતા પહેલાં તેઓ અમેરિકામાં કોલોરાડોના શહેર આસ્પેન જઈ રહ્યાં હતાં.

આ વિમાનમાં તેમની સાથે અમેરિકન રાજદૂત જાલમે ખલીલઝાદ અને તેમનાં પત્ની પણ હતાં.

જહાજનાં ઍરહૉસ્ટેસે બેનઝીરને ઑવનમાંથી તાજેતાજી નીકળેલી કૂકીઝ ખાવા ઑફર કરી.

બેનઝીરે નમ્રતાપૂર્વક જણાવ્યું કે આજકાલ તેઓ પોતાનું વજન ઘટાડી રહ્યાં છે. પરંતુ એક સેકન્ડમાં જ તેમણે ઍરહૉસ્ટેસને પાછાં બોલાવીને કહ્યું કે, 'લાવો આપો, શું ફરક પડે છે? થોડા મહિનામાં મારે મરી જ જવાનું છે.'

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો