અમિત શાહ મારા ઘરે જમ્યા પણ વાત સુદ્ધાં ન કરી : ગૃહમંત્રીને જમાડનાર બંગાળી

    • લેેખક, પ્રભાકરમણી તિવારી
    • પદ, બીબીસી માટે, કોલકાતાથી

પશ્ચિમ બંગાળમાં આવતા વર્ષે યોજાનાર વિધાનસભાની ચૂંટણીમાં 200થી વધુ બેઠકો મેળવીને સત્તા મેળવવાનો દાવો કરનાર ભાજપ માટે મુશ્કેલી ઓછી થવાનું નામ નથી લઈ રહી.

અમિત શાહ પશ્ચિમ બંગાળના પ્રવાસથી પરત આવ્યા, એ સાથે જ બિષ્ણુપુરથી ભાજપના સાંસદ સૌમિત્રા ખાંનાં પત્ની સુજાતા મંડલ ખાં પોતાના લગ્નજીવનને જોખમમાં મૂકી ટીએમસીમાં જોડાઈ ગયાં છે.

આ પહેલાં આસનસોલ મહાનગર પાલિકાના પ્રમુખ અને જિલ્લા ટીએમસી પ્રમુખ જિતેન્દ્ર તિવારીએ ભાજપમાં જોડાવવાની જાહેરાત કરી પણ પછી અચાનક ફેરવી તોળ્યું હતું અને ટીએમસીમાં પાછા આવી ગયા હતા.

હવે ભાજપને નવો ઝાટકો બીરભૂમ જિલ્લાના શાંતિનિકેતનના બાઉલ કલાકાર બાસુદેબદાસ બાઉલે આપ્યો છે.

ગયા રવિવારે બીરભૂમના પ્રવાસ દરમિયાન અમિત શાહ અને ભાજપના બીજા નેતાઓને પોતાના ઘરે જમાડીને બાઉલ ગીત સંભળાવીને બાસુદેબ સમગ્ર દેશના સમાચાર માધ્યમોમાં છવાઈ ગયા હતા.

જેવા અમિત શાહ બંગાળથી પાછા ફર્યા, બાઉલે ભાજપની ટીકા કરતાં જાહેરાત કરી કે તેઓ 29 ડિસેમ્બરના રોજ ટીએમસી પ્રમુખ મમતા બેનરજીની રેલીમાં સામેલ થશે. ટીએમસી અને ભાજપ હવે આ મુદ્દે એક-બીજા પર વધુ આક્રમક રીતે આક્ષેપ અને પ્રતિ-આક્ષેપ કરી રહ્યાં છે.

બાસુદેબે અચાનક પોતાનો સૂર બદલી લેતાં ભાજપના નેતા ભીંસમાં મુકાયા છે અને કંઈ પણ બોલવા અસમર્થ છે. પક્ષના નેતાઓ ટીએમસી પર બાઉલ પર દબાણ કરવાનો આક્ષેપ કરી રહ્યા છે.

અમિત શાહ માટે મોંઘા ચોખા લાવ્યા

રાશનથી મળતા ચોખા ખાનારા બાસુદેબ અમિત શાહ અને બીજા નેતાઓ માટે બંગાળમાં પાકતાં ઉત્તમ પ્રકારના મનકટી ચોખા લાવ્યા હતા. પરંતુ સૌથી મોટી વાત એ છે કે અમિત શાહને ભોજન કરાવ્યા છતાં બાસુદેબ તેમની સાથે વાત નહોતા કરી શક્યા. સમસ્યા સાંભળવાની વાત તો બાજુએ રહી.

બીરભૂમ જિલ્લા ટીએમસી પ્રમખ અનુબ્રત મંડલની હાજરીમાં બાસુદેબે પત્રકારોને જણાવ્યું કે "મારે ગૃહમંત્રીને બાઉલ કલાકારોની સ્થિતિ વિશે જણાવીને તેમની સુખાકારી માટે કંઈક કરવા અપીલ કરવી હતી."

"મેં વિચાર્યું હતું કે એમ.એ. પાસ દીકરીના ભણતર માટે મદદ મળે, એ માટે વિનંતી કરીશ. મને હતું એ આટલા મોટા ગજાના નેતા છે, મારી મદદ જરૂર કરશે. પણ તેમને કોઈ વાત ન કરી. તેમના પ્રવાસ બાદ ભાજપના કોઈ નેતાએ મારો સંપર્ક કર્યો નથી."

તેઓ કહે છે, "દીદી અહીં આવી રહ્યાં છે અને તેમને મને આંમત્રણ આપ્યું છે. અમારા જેવા કલાકાર કોઈ પણ પક્ષના હોતા નથી. કોઈ પણ વ્યક્તિ સન્માન સાથે બોલાવશે, અમે ત્યાં જઈશું."

તમને કેવી રીતે ખબર પડી કે કેન્દ્રીય ગૃહમંત્રી તમારા ઘરે જમવાના છે? બાસુદેબ જવાબમાં કહે છે, "થોડા યુવાનો મોટરસાઇકલમાં આવ્યા હતા. તેમને જણાવ્યું કે ગૃહમંત્રી અમિત શાહને જમાડવા પડશે. હું પહેલાં ગભરાઈ ગયો. પરંતુ વિચાર આવ્યો કે મહેમાનની સ્વાગતા કરવી એ આપણી પરંપરા છે અને એટલા માટે મેં હા પાડી."

"મેં મારા ખિસ્સાના પૈસાથી બધી વસ્તુઓ ખરીદી પણ અમિત શાહ જમીને એક પણ શબ્દ બોલ્યા વગર બાજુના દરવાજાથી નીકળી ગયા. જે બાદ મેં મમતા દીદીને પત્ર લખીને જણાવ્યું કે હું તેમની પદયાત્રા દરમિયાન બાઉલ ગીત ગાવાની ઇચ્છા ધરાવું છું."

શું અમિત શાહના ભોજન માટે ભાજપે તમારી કોઈ પણ પ્રકારની મદદ કરી હતી?

આ સવાલના જવાબમાં બાસુદેબ કહે છે કે પક્ષે તેમની કોઈ મદદ કરી નથી અને ખાવા-પીવાની બધી વસ્તુઓ તેમણે પોતાના પૈસાથી ખરીદી હતી.

મદદ માટે TMC આગળ આવી, ભાજપે કહ્યું ઢોંગ

TMCના જિલ્લા અધ્યક્ષ અણુબ્રત મંડલે દાસને આશ્વાસન આપ્યું છે કે રાજ્ય સરકાર તરફથી તેમને નાણાકીય સહાય મળે, એ માટે મદદ કરશે. દાસની દીકરી આગળ ભણી શકે તે માટે પ્રયાસ કરવાની પણ ખાતરી આપી છે.

મંડલ કહે છે, "બાસુદેબના ઘરે શાહનું ભોજન કરવું એક નાટક હતું. ભાજપ આવા નાટક કરવામાં માહેર છે. અમે નક્કી કર્યું છે કે દાસની દીકરીના ભણતરનો ખર્ચ ઉપાડીશું. તે દિવસ બાદ ભાજપ ભલે બાસુદેબને ભૂલી ગયો હોય. પણ અમે 365 દિવસ તેમની સાથે છીએ."

હવે જ્યારે બાસુદેબના મુદ્દા પર વિવાદ વધી રહ્યો છે ત્યારે ભાજપે ટીએમસી પર કટાક્ષ કરતાં પ્રશ્ન કર્યો છે કે 10 વર્ષ સુધી પક્ષને બાસુદેબના પરિવારની યાદ કેમ ન આવી?

ભાજપના નેતા અનુપમ હાઝરા કહે છે, "અમિત શાહે તેમના ઘરે ભોજન કરતાં જ ટીએમસીએ તેમની મદદ કરવાનું નક્કી કર્યું છે. ભાજપના કારણે કોઈનું તો ભલું થયું. ભાજપ સત્તામાં આવ્યા બાદ લોકો સમક્ષ હકીકત રજૂ કરશે."

'TMCની ભાષા બોલી રહ્યા છે બાસુદેબ'

બીરભૂમ જિલ્લા ભાજપ પ્રમુખ શ્યામાપદ મંડલ કહે છે, "આ આરોપ એકદમ પાયાવિહોણો અને રાજકીય રીતે પ્રેરિત છે. મેં સોમવારે બાસુદેબ સાથે વાત કરી હતી, પણ તેમને કોઈ રોષ વ્યક્ત કર્યો નહોતો."

"અત્યારે જે વાત તેઓ કરી રહ્યા છે, તેમાં જીભ તેમની છે પણ શબ્દો ટીએમસીના છે. આ કહેવા માટે તેમના પર દબાણ કરવામાં આવી રહ્યું છે. આ ટીએમસીના ગંદા રાજકરણનો એક દાખલો છે."

વિવાદ વધતાં પ્રદેશ ભાજપ પ્રમુખ દિલીપ ઘોષે પણ આ મુદ્દે નિવેદન આપ્યું છે.

ઘોષ કહે છે, "આ લાંબા સમયથી ચાલી રહ્યું છે. મદદ કરવાના નામે ટીએસસી લોકોને ધમકાવી રહી છે. ઝાડગ્રામમાં લોધા અને શબર સમુદાયના લોકો ભૂખથી ટળવળી રહ્યા છે. પણ આજ સુધી ત્યાં એક પણ વ્યક્તિ મુઠ્ઠી ચોખા લઈને ગઈ નથી."

તેઓ કહે છે, "મદદ માગનાર લોકો પર લાઠી વરસાવવામાં આવી રહી છે, પણ આવાં નાટકોથી લાંબા સમય સુધી લોકોને ગભરાવી નહીં શકે."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો