મનસુખ વસાવાએ રાજીનામું આપવાનો નિર્ણય પડતો કેમ મૂક્યો? મોદી સરકાર સામે પડવાનો મામલો શું છે?

    • લેેખક, ઋષિ બેનરજી
    • પદ, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ભાજપના ભરૂચથી સંસદસભ્ય મનસુખ વસાવાએ રાજીનામું આપવાની જાહેરાત કરી એ બાદ બુધવારે ભાજપના પ્રદેશ કક્ષાના નેતાઓનું નિવેદન આવ્યું છે કે 'મનસુખ વસાવા રાજીનામું નહીં આપે.'

ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ બીબીસી સંવાદદાતા રોક્સી ગાગડેકર છારા સાથે વાત કરતાં કહ્યું કે મનસુખભાઈની લાગણી દુભાઈ હતી, જેથી તેમણે રાજીનામું આપવાની જાહેરાત કરી હતી.

તેઓ કહે છે, "તેમણે રાજીનામું આપવાની જાહેરાત કરી એ પછી પ્રદેશાધ્યક્ષ સી. આર. પાટીલે તેમની સાથે વાત કરી હતી. જે પછી આજે મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ પણ વાત કરી હતી."

પંડ્યા ઉમેરે છે, "પક્ષના નેતૃત્વન તરફથી સમસ્યાઓનું સમાધાન કરી આપવાની તેમને ખાતરી આપવામાં આવી હતી."

"જે પછી મનસુખભાઈએ કહ્યું છે કે મારા મનનું સમાધાન થયું છે અને રાજીનામું આપવાનો વિચાર પરત લઉં છું."

મનસુખ વસાવાએ ટીવી ચેનલ ટીવી નાઇન સાથેની વાતચીતમાં કહ્યું કે છેલ્લા થોડા મહિનાથી મારી તબિયત સારી નથી.

તેમણે કહ્યું, "આ મામલાને મેં ઉપાડેલા પ્રશ્નો સાથે લેવાદેવા નથી, સરકારે મારી તમામ રજૂઆતોનું નિવારણ કર્યું છે."

મનસુખ વસાવાએ 29 ડિસેમ્બરે પત્ર ટ્વીટ કરીને રાજીનામું આપવાની જાહેરાત કરી છે.

આ પત્રમાં તેમણે રાજીનામા માટેનું કારણ આપતાં લખ્યું છે, "મારી ભૂલના કારણે પક્ષને નુકસાન ન થાય એ માટે હું પક્ષમાંથી રાજીનામું આપું છું."

આ અગાઉ વસાવા નર્મદા જિલ્લાના ખેડૂતોના મુદ્દે મોદી સરકાર સામે પડ્યા હતા, જે બાદ તેઓ પક્ષના નેતૃત્વથી નારાજ હોવાનું ચર્ચાતું હતું.

નર્મદા જિલ્લાના શૂલપાણેશ્વર અભ્યારણ્ય ફરતે 121 ગામોને ઇકૉ-સેન્સિટિવ ઝોનમાં સામેલ કરવાની ગતિવિધિ શરૂ થતા સ્થાનિક લોકોમાં રોષ છે. આ ગામો સ્ટેચ્યૂ ઑફ યુનિટી પાસે આવેલાં છે.

121 ગામોમાં મોટાભાગની વસતી આદિવાસી સમાજના લોકોની છે, જેઓ આ અંગે વિરોધ નોંધાવી રહ્યા છે. 121 ગામના ખેડૂતોની સાથે-સાથે ભાજપના જ સાંસદ અને પૂર્વ ધારાસભ્ય સરકાર સામે પડ્યા છે.

ભરુચથી ભાજપના સાંસદ મનસુખ વસાવાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને નર્મદા જિલ્લાનાં 121 ગામોને ઇકૉ-સેન્સિટિવ ઝોનમાંથી હઠાવવાની માગ કરી હતી.

ધ ઇન્ડિયન એક્સપ્રેસ અખબારની અમદાવાદ આવૃત્તિ પ્રમાણે મોતીલાલ વસાવાએ સરપંચોને આ પગલાનો વિરોધ કરવાની અપીલ કરી છે.

તેમણે સરપંચોને એવી પણ અપીલ કરી છે કે આગામી ગ્રામસભાઓમાં આ મુદ્દે સરકારની વિરુદ્ધ ઠરાવ પસાર કરે.

મોતીલાલ વસાવા ભાજપના પ્રદેશ આદિવાસી મોરચાનું નેતૃત્વ પણ કરી રહ્યા છે.

ગુરુવારે આ મામલે ભીલીસ્તાન ટાઇગર સેના અને બીજા સ્થાનિક પક્ષોએ ઇકૉ-સેન્સિટિવ ઝોનના વિરોધમાં આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી.

મનસુખ વસાવાએ નરેન્દ્ર મોદીને પત્રમાં શું લખ્યું છે?

વડા પ્રધાન નરેન્દ્ર મોદીને લખેલા પત્રમાં વસાવાએ લખ્યું છે કે ભારતના રાજપત્રના માધ્યમથી નર્મદા જિલ્લાના 121 ગામોને ઇકૉ-સેન્સિટિવ ઝોનમાં સામેલ કરવામા આવ્યાં છે. ઝોન જાહેર થતાં સરકારી લોકો ગામના ખેડૂતોની જમીનમાં દખલગીરી કરવા લાગ્યા છે.

પત્રમાં મનસુખ વસાવાએ દાવો કર્યો છે કે 121 ગામોના રહીશોને કોઈ પણ માહિતી આપ્યા વગર અને વિશ્વાસમાં લીધા વગર ઇકૉ-સેન્સિટિવ ઝોન માટેની કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેના કારણે લોકોમાં રોષ છે.

તેમણે વધુમાં લખ્યું છે કે કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા ઘોર ઉપેક્ષા થવાના કારણે આદિવાસી સમાજના લોકો દેશના મુખ્ય ધારાથી વિખૂટા પડી ગયા છે.

વસાવા માને છે કે ઇકૉ-સેન્સિટિવ ઝોનમાં સામેલ થવાથી આ ગામોમાં અંદર રહેતા લોકોને મોટી અસર થશે.

રાજસ્થાન અને અન્ય રાજ્યોના દાખલા આપીને તેમણે લખ્યું છે કે ખેડૂતોના હિત માટે આ રાજ્યોએ અભયારણ્યના કાયદાને રદ કરી દીધો છે.

બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં મનસુખ વસાવાએ જણાવ્યું કે "2016માં જ્યારે 121 ગામોને ઇકૉ-સેન્સિટિવ ઝોન જાહેર કરવામાં આવ્યાં હતાં, ત્યારે અમે રજૂઆત કરી હતી અને નિર્ણય મોકૂફ રાખવામાં આવ્યો હતો. હવે કોઈને પણ જાણ કર્યા વગર ફરીથી આ નિર્ણયનો અમલ કરી રહ્યા છે, જે તદ્દન અયોગ્ય છે."

"ગ્રામપંચાયત, ગામના આગેવાનો અથવા ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે કોઈ પણ પ્રકારની ચર્ચા કરવામાં આવી નથી અને સીધું જ આ નિર્ણયનો અમલ કરવામાં આવી રહ્યો છે."

"ઇકૉ-સેન્સિટિવ ઝોન જાહેર થાય ત્યારે સ્થાનિકોને ઘણા બધા પ્રતિબંધોનો સામનો કરવો પડે છે. ખેતી કરવી હોય તો પણ વિવિધ નિયમોનું પાલન કરવું પડે છે."

તેઓ વધુમાં જણાવે છે કે જો કોઈને મકાન પણ બાંધવું હોય તો મૉનિટરિંગ કમિટી પાસે પરવાનગી લેવાની હોય છે. રસ્તા બનાવવા માટે અથવા ઇલેકટ્રિક પોલ નાખવા માટે પણ પરવાનગી લેવાની હોય છે. જો આમ થશે તો આ ગામોમાં વિકાસ અટકી જશે.

શું આ રાજકીય મુદ્દો બની ગયો છે? તેના જવાબમાં મનસુખ વસાવા કહે છે, "બીટીપી આ મુદ્દાને ઊંચકી રહી છે અને પક્ષને લોકો તરફથી મોટું સમર્થન મળી રહ્યું છે. જો મુદ્દાનો યોગ્ય રીતે નિકાલ નહીં લાવવામાં આવે તો લોકો ભાજપથી વિમુખ થઈ શકે છે."

"કેન્દ્ર અને રાજય સરકારે આ મુદ્દાનો ત્વરિત નિકાલ લાવવો જોઈએ અને લોકોની સમસ્યા હલ કરવી જોઈએ."

121 ગામોના સરપંચોને પત્ર લખનાર મોતીભાઈ વસાવા કહે છે, "અમે ઇકૉ-સેન્સિટિવ ઝોનના વિરોધમાં નથી પણ 7-12માં જે સરકાર નોંધણી કરી રહી છે, અમે એનો વિરોધ કરીએ છીએ."

"અમે આ અંગે સરકાર સુધી અમારી રજૂઆત પહોંચાડી છે."

ગુજરાત સરકારના આદિવાસી વિકાસમંત્રી તથા વન અને પર્યાવરણ મામલાના મંત્રી ગણપત વસાવાએ બીબીસી ગુજરાતીના સંવાદદાતા સુરેશ ગવાણિયા સાથે આ અંગે વાત કરી હતી.

તેમણે કહ્યું, "મનસુખ વસાવા અને મોતીભાઈ વસાવા અમને મળ્યા છે અમને રજૂઆત કરી છે. આ મામલે અમે અધિકારીઓ સાથે બેઠક યોજી રહ્યા છીએ."

"ઇકૉ-સેન્સિટિવ ઝોન ઘણાં વર્ષ પહેલાં જાહેર કરવામાં આવ્યું છે. એમાં ઉદ્યોગ સિવાય બીજાં કોઈ કામો અટકાવી શકાતાં નથી."

"આ પ્રકારના ઝોનમાં કેટલાંક ઉદ્યોગો સ્થાપી ન શકાય, એ સિવાયની કામગીરી મંજૂરી સાથે કરી શકાય છે."

"એનાથી સ્થાનિકોને વિસ્થાપિત થવું પડશે કે એવો કોઈ પ્રશ્ન નથી. છતાં ખેડૂતોની રજૂઆત પ્રમાણે મદદ કઈ રીતે થઈ શકે એ મામલે અમે ચર્ચા કરીશું."

શું છે સમગ્ર મામલો?

05-05-2016ના રોજ કેન્દ્ર સરકારના વન, પર્યાવરણ અને જળવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા એક જાહેરનામું બહાર પાડીને શૂલપાણેશ્વર અભયારણ્યની ફરતે ઇકૉ-સેન્સિટિવ ઝોનની રચના કરવાની જાહેરાત કરાઈ હતી.

ઇકો-સેન્સિટિવ ઝોનમાં 121 ગામોને સામેલ કરવામાં આવ્યાં હતાં.

જેમાં ડેડિયાપાડા તાલુકાનાં 66 ગામ, સાગબારા તાલુકાનાં 14 ગામ, ગરુડેશ્વર તાલુકાનાં 14 ગામ અને નાંદોદ તાલુકાનાં ગામોને સામેલ કરવામાં આવ્યાં હતાં.

ડેડિયાપાડા તાલુકાના બોગદ ગામના ખેડૂત ચૈતરભાઈ વસાવા કહે છે, "દોઢ મહિના પહેલાં 121 ગામોની જમીનોની 7-12 નકલમાં 135 બી મુજબની નોંધ પાડવામાં આવી રહી છે, જે ઇકૉ-સેન્સિટિવ ઝોન માટેની છે."

"આ નોંધ કરતાં પહેલાં ખેડૂત અથવા સ્થાનિક લોકોને કોઈ પણ માહિતી આપવામાં આવી રહી નથી. આ આખી પ્રક્રિયાનો અમે વિરોધ કરીએ છીએ અને આની સામે લડીશું."

તેઓ કહે છે, "2016માં જ્યારે આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું ત્યારે બધાં ગામના લોકોએ તેનો વિરોધ કર્યો હતો અને દરેક જગ્યાએ રજૂઆત કરી હતી. રાષ્ટ્રપતિને પણ આવેદનપત્ર આપ્યું હતું, જે બાદ આ નિર્ણય મોકૂફ રાખવામાં આવ્યો હતો. આ વખતે પણ અમે આ રીતે વિરોધ કરીશું."

તેઓ કહે છે કે જંગલમાં પશુ ચરાવવા હોય અથવા ગામમાં બોર ખોદવો હોય અમારે મૉનિટરિંગ કમિટી પાસેથી પરવાનગી લેવી પડશે, જે ઘણી વખત લાંબી અને કંટાળાજનક પ્રક્રિયા બની જાય છે.

મોટી સિંગલોટી ગામના ખેડૂત દીપસિંહ વસાવા કહે છે, "સ્થાનિક લોકોને ડર છે કે જે રીતે સ્ટૅચ્યુ ઑફ યુનિટીનાં 14 ગામના લોકોને અન્યત્ર ખેસડવામાં આવ્યા છે, તે રીતે આ 121 ગામના લોકોને પણ બીજો ખસેડવામાં આવશે."

"રાજ્ય સરકારે આ વિસ્તારમાં પ્રવાસનવિકાસ કરવા માટે નકશો તૈયાર કર્યો છે, જેમાં સ્થાનિક લોકોને બહુ લાભ મળવાનો નથી. સ્થાનિક લોકો ગરીબ છે અને એટલા માટે તેઓ પ્રવાસનવિકાસ થાય તો પણ નાનાં-મોટાં કામ કરવા મજબૂર હશે."

ઇકૉ-સેન્સિટિવ ઝોનમાં સામેલ કરવામાં આવેલાં 121 ગામોના લોકો હવે પોતાના હક માટે લડાઈ લડવાના મૂડમાં છે. બધા ગામના લોકો ખેતી અને વન્યપેદાશ પર નભે છે.

ચૈતરભાઈ વસાવા કહે છે, "28 ડિસેમ્બર 2020થી 6 જાન્યુઆરી 2021 સુધીમાં દરેક ગામમાં ગ્રામસભાનું આયોજન કરવામાં આવશે અને ઇકૉ-સેન્સિટિવ ઝોન સામે લોકોને જાગૃત કરવામાં આવશે."

"અમે ઝોનની વિરુદ્ધમાં ઠરાવ પણ પસાર કરીશું. આ અમારા અસ્તિત્વનો પ્રશ્ન છે અને અમે છેલ્લા શ્વાસ સુધી લડીશું. અમને રાજકીય પક્ષો પણ ટેકો આપી રહ્યા છે."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો