You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કોરોનાની રસી મુસ્લિમો માટે હલાલ કે હરામ? ચર્ચાનું સત્ય શું? - ફૅક્ટ ચેક
- લેેખક, મોહમ્મદ શાહિદ
- પદ, બીબીસી સંવાદદાતા
આખી દુનિયા કોરોના વાઇરસથી ગ્રસ્ત છે અને તેની રસી બહુ જલદી કેવી રીતે લોકો સુધી પહોંચે તેની દરેક ચિંતા કરી રહ્યા છે.
બ્રિટન અને અમેરિકામાં તો રસીકરણની શરૂઆત પણ થઈ ગઈ છે.
જોકે ધાર્મિક કારણોને લીધે મુસલમાનો માટે રસી હલાલ છે કે હરામ, એના પર કેટલાક દેશોમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે.
આ ચર્ચાની શરૂઆત દક્ષિણ-પૂર્વ એશિયાઈ અને મુસ્લિમ બહુમતી દેશો ઇન્ડોનેશિયા અને મલેશિયામાં થઈ છે.
દક્ષિણ-પૂર્વ એશિયામાં ઇન્ડોનેશિયા કોરોના વાઇરસનું હૉટસ્પૉટ બનેલું છે.
અહીં આ સમયે 6.71 લાખથી વધુ કોરોનાના કેસ છે અને તેના કારણે 20 હજારથી વધુ લોકોનાં મૃત્યુ થઈ ચૂક્યાં છે.
હલાલ સર્ટિફિકેટનો મુદ્દો
ઇન્ડોનેશિયા પણ અન્ય દેશોની જેમ રસી માટે વિભિન્ન કંપનીઓ સાથે કરાર કરી રહ્યો છે.
તેણે ચીનસ્થિત સિનોવૅક બાયૉટેક કંપની સાથે રસી માટે કરાર કર્યો છે. આ કંપનીની રસની ટ્રાયલ હજુ ચાલુ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રસીના હલાલ પર ચર્ચા ત્યારે શરૂ થઈ જ્યારે ઇન્ડોનેશિયાના મુસ્લિમ મૌલવીઓની એક શીર્ષ સંસ્થા ઇન્ડોનેશિયા ઉલેમા કાઇન્સિંગે આ રસી માટે હલાલ સર્ટિફિકેટ જાહેર કરવા માટે કહ્યું.
તો મલેશિયાએ પણ વૅક્સિન માટે ફાઇઝર અને સિનોવૅક કંપનીઓ સાથે કરાર કર્યો છે અને ત્યાં પણ મુસ્લિમ સમુદાયમાં રસીના હલાલ કે હરામ થવા પર ચર્ચા તેજ થઈ છે.
જોકે સોશિયલ મીડિયામાં પર એ રીતે પ્રચાર કરાઈ રહ્યો છે કે ઘણા મુસ્લિમ દેશોમાં તેના હરામ કે હલાલને લઈને પણ ચર્ચા ચાલુ છે.
પણ સાચું એ છે કે હજુ સુધી માત્ર ઇન્ડોનેશિયા અને મલેશિયામાં પણ હરામ અને હલાલને લઈને ચર્ચા થઈ છે.
સોશિયલ મીડિયામાં ઘણા યૂઝર્સ એ પણ અફવા ફેલાવી રહ્યા છે કે આ રસીને હરામ ઘોષિત કરી દેવાઈ છે, જોકે એવું નથી.
કેમ શરૂ થઈ ચર્ચા?
ઇસ્લામમાં એ પ્રોડક્ટને 'હલાલ' કહેવામાં આવે છે, જેમાં 'હરામ' ચીજોનો ઉપયોગ નથી થતો. ઉદાહરણ માટે દારૂ કે સૂવરનું માંસ.
હાલના સમયમાં હલાલ બ્યૂટી પ્રોડક્ટસનો મુસ્લિમ અને બિનમુસ્લિમ દેશોમાં ઉપયોગ વધ્યો છે.
હવે સવાલ એ થાય કે કોરોના રસીને લઈને હરામ કે હલાલની ચર્ચા કેમ શરૂ થઈ?
કોઈ પણ રસીને લાંબા સમય સુધી સુરક્ષિત રાખવા માટે સૂવરનાં હાડકાં, ચરબી કે ચામડીથી બનેલા જિલેટીનનો ઉપયોગ થાય છે.
જોકે કેટલીક કંપનીઓએ ઘણાં વર્ષો સુધી કામ કરીને આના વિના રસી બનાવવામાં સફળતા મેળવી છે.
પોર્ક-ફ્રી વૅક્સિન
સમાચાર એજન્સી એપી અનુસાર, સ્વિટ્ઝર્લૅન્ડની કંપની નોવાર્ટિસે મગજના તાવની પોર્ક-ફ્રી વૅક્સિન બનાવવામાં સફળતા મેળવી છે.
તો સાઉદી અરેબિયા અને મલેશિયાસ્થિત એ. જે. ફાર્મા પોતાની રસી બનાવવા પર કામ કરી રહી છે.
કોરોના વૅક્સિનના હલાલ કે હરામ હોવાની ચર્ચા અહીં જ ખતમ નથી થતી.
પોર્ક (સૂવરનું માંસ)ના જિલેટીનના ઉપયોગથી અન્ય કોરોના રસી બનાવવા માટે સૂવરના ડીએનએના ઉપયોગની વાત પણ કરાઈ રહી છે.
સિવોવૅકે પોતાની રસીમાં શેનો-શેનો ઉપયોગ કર્યો છે, એના વિશે હજુ કંઈ જણાવ્યું નથી.
ઇસ્લામમાં માનવીય જિંદગી
સૂવરના જિલેટીનના ઉપયોગને લઈને માત્ર મુસલમાનોની જ નહીં, પણ યહૂદીઓની પણ ચિંતાઓ છે.
યહૂદી રૂઢિવાદીઓ પણ સૂવરના માંસ અને તેનાથી બનેલી ચીજોનો ઉપયોગ કરતા નથી.
સૂવરના જિલેટીન અને ડીએનએથી બનેલી રસીનો શું મુસલમાન કે યહૂદી સમુદાય હવે ધાર્મિક કારણોથી ઉપયોગ નહીં કરી શકે?
મૌલાના આઝાદ યુનિવર્સિટી જોધપુરના કુલપતિ અને ઇસ્લામિક સ્ટડીઝના જાણકાર પ્રોફેસર અખ્તરુલ વાસે બીબીબી હિન્દીને કહે છે કે ઇસ્લામમાં માનવીય જિંદગીને પ્રાથમિકતા અપાઈ છે.
તેઓ કહે છે, "માણસનો જીવ બચાવવા માટે જો કોઈ માણસ ભૂખ્યો હોય અને તેની પાસે ખાવા માટે કશું ન હોય તો હરામ પણ હલાલ થઈ જાય છે. આ ઇસ્લામી ન્યાયવિધિનું માનવું છે."
"કોરોના રસીને લઈને આ રીતની ચર્ચાથી દુનિયામાં મુસલામાનો અને ઇસ્લામની છબિ ખરાબ જ થશે, તેનાથી કોઈ છબિ સારી નહીં થાય."
મુસ્લિમ દેશોનો વિરોધ
પોલિયોની રસીને લઈને પાકિસ્તાન સમેત કેટલાક મુસ્લિમ દેશોએ શરૂઆતમાં વિરોધ નોંધાવ્યો હતો.
તેનો હવાલો આપીને પ્રોફેસર વાસે કહે છે, "આપણે જોઈ ચૂક્યા છીએ કે પોલિયો રસીને લઈને કેવી છબિ બનાવી હતી, પણ ખુશી છે કે ભારતમાં મુસ્લિમ ધર્મગુરુઓએ પોલિયોની ચિંતાને સમજી હતી અને આ રસીને સારી જણાવી હતી. તેનું સમર્થન કર્યું હતું અને તેણે ભારતમાં પોલિયોનાબૂદી માટે મુખ્ય ભૂમિકા નિભાવી હતી."
"બ્રિટનમાં હવે કોરોના વાઇરસનું નવું રૂપ સામે આવી રહ્યું છે. આવી સ્થિતિમાં ચિંતા એ થવી જોઈએ કે કોરોના વાઇરસની આવનારી રસી માત્ર અસરકારક હોય, કેમ કે આ માનવજીવનનો મામલો છે."
ઇન્ડોનેશિયાના મૌલવીઓની શીર્ષ સંસ્થા ઇન્ડોનેશિયન ઉલેમા કાઉન્સિંલ કોરોના વાઇરસની રસી માટે હલાલ સર્ટિફિકેટ ઇચ્છે છે.
પોર્કના ઉપયોગ પર ચર્ચા
જો મુસ્લિમ દેશો પાસે હલાલ અને સૂવરના જિલેટીનના ઉપયોગવાળી રસી- બંને હોય તો કઈ રસીનો ઉપયોગ કરવો જોઈએ?
આ સવાલ પર પ્રોફેસર વાસે કહે છે કે કઈ રસી અસરકારક છે તેની પસંદગી ડૉક્ટરો કરશે. જો સૂવરની જિલેટીનવાળી રસી અસરદાર છે, તો એ જ લગાવવી જોઈએ.
ઇઝરાયલમાં રબ્બિનિકલ ઑર્ગેનાઇઝેશનના ચૅરમૅન રબ્બી ડેવિડ સ્ટાવ સમાચાર એજન્સી એપીને કહે છે કે યહૂદી કાયદામાં પ્રાકૃતિક રીતે પોર્કના ઉપયોગ કે તેના ખાવા પર પ્રતિબંધ છે.
તેઓ કહે છે કે જો તેને મોઢાથી નહીં પણ ઇંજેક્શનથી દેવામાં આવી રહી છે તો તેના પર કોઈ રોક નથી અને ખાસ કરીને જ્યારે આ બીમારીનો મામલો હોય.
પોર્કના ઉપયોગની ચર્ચા વચ્ચે ફાઇઝર, મૉડર્ના અને એસ્ટ્રાજેનેકા કંપનીઓએ નિવેદન જાહેર કરીને કહ્યું છે કે તેમની રસીમાં પોર્કની પ્રોડક્ટનો ઉપયોગ કરાયો નથી.
તેના સમર્થનમાં બ્રિટનના ઇસ્લામિક મેડિકલ ઍસોસિયેશન (બ્રિટિશ આઈએમએ)એ પણ નિવેદન જાહેર કર્યું છે કે ફાઇઝરની રસી દરેક રીતે સુરક્ષિત છે.
બ્રિટિશ આઈએમએએ નિવેદન જાહેર કરીને કહ્યું કે તેણે માત્ર ફાઇઝર માટે જ એટલા માટે નિવેદન જાહેર કર્યું કે બ્રિટનમાં હાલમાં આ રસીના ઉપયોગની મંજૂરી છે.
સંગઠને જણાવ્યું કે તેઓએ આ રસી માટે મુસ્લિમ સ્વાસ્થ્યકર્મીઓ, ઇસ્લામના વિદ્વાનો અને ઘણાં ઇસ્લામી સંગઠનો સાથે ચર્ચા કરી છે. સાથે જ તેઓએ એ પણ જણાવ્યું કે આ રસીમાં પ્રાણીઓના કોઈ પદાર્થનો ઉપયોગ કરાયો નથી.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો