You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમિત શાહની પશ્ચિમ બંગાળની રણનીતિનો ભાજપના જ નેતા વિરોધ કેમ કરે છે?
- લેેખક, પ્રભાકર મણિ તિવારી
- પદ, કોલકાતાથી, બીબીસી માટે.
TMCના વિદ્રોહી નેતાઓને જથ્થાબંધ ભાવે પાર્ટીમાં સામેલ કરવાના અભિયાનને કારણે ભાજપના સ્થાનિક નેતાઓમાં અસંતોષ વધી રહ્યો છે.
આ વિરુદ્ધ મોઢું ખોલવાના આરોપમાં બે નેતા સાયંતન બસુ અને અગ્નિમિત્ર પાલને કારણ જણાવો નોટિસ પર જારી કરવામાં આવી છે.
TMCના વિદ્રોહી નેતાઓને સામેલ કરવાનને લઈને પાર્ટીની અંદર સતત પ્રશ્નો ઊઠી રહ્યા છે.
પુછાઈ રહ્યું છે કે જે વિસ્તારોમાં પાર્ટી મજબૂત છે ત્યાંના નેતાઓને કેમ સામેલ કરાઈ રહ્યા છે? ત્યાંના જે ભાજપના કાર્યકર્તાઓએ નીચલા સ્તરે ઝઝૂમી પાર્ટીને મજબૂત કરી છે તેમની ઉપેક્ષા કેમ કરાઈ રહી છે?
બાબુલ સુપ્રિયોની નારાજગીને કારણે ભાજપના નેતાઓએ આસનસોલના TMC પ્રમુખ અને પાંડવેશ્વરના ધારાસભ્ય જિતેન્દ્ર તિવારીને લાલ ઝંડી દેખાડી દીધી હતી અને તેમને TMCમાં પરત ફરવું પડ્યું હતું.
પરંતુ અન્ય નેતા બાબુલ જેટલા તાકતવર નથી. તેથી તેમની વાતોથી પ્રદેશ અને કેન્દ્રીય નેતાઓ ન ડગ્યા.
ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ
બાંકુડા જિલ્લાના બિષ્ણુપુરના ભાજપ સાંસદ સૌમિત્ર ખાંનાં પત્ની સુજાતા મંડલ ખાંએ આ અઠવાડિયે જ TMCમાં સામેલ થયા બાદ આરોપ લગાવ્યો હતો કે ભાજપ TMCના નેતાઓને મલાઈદાર પદની લાલચ આપી પોતાના પક્ષમાં લાવવાનો પ્રયાસ કરી રહ્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમનું કહેવું હતું કે, “તકવાદી અને પક્ષપલટુઓને પાર્ટીમાં સામેલ કરાઈ રહ્યા છે. આ કારણે પાર્ટીના જૂના નેતાઓ અને કાર્યકર્તાઓમાં ઝડપથી અસંતોષ વધી રહ્યો છે.”
આ અઠવાડિયે નવા વિરુદ્ધ જૂના વિવાદના કાણે પશ્ચિમ મેદિનીપુર અને દુર્ગાપુરમાં ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ પણ થઈ ચૂક્યાં છે. વિસ્તારમાં ઘણી જ્ગ્યાએ TMCના વિદ્રોહી નેતાઓને ભાજપમાં સામેલ કરવાના વિરોધમાં પોસ્ટર પણ લાગ્યાં છે.
TMCના ધારાસભ્ય જિતેન્દ્ર તિવારીને પાર્ટીમાં સામેલ કરવાનો સાર્વજનિક વિરોધ કરવાના કાણે ભાજપના બે નેતાઓ- પ્રદેશ મહાસચિવ સાયંતન બસુ અને મહિલા મોરચા પ્રમુખ અગ્નિમિત્ર પાલને કારણ જણાવો નોટિસ આપી દેવાઈ છે. હવે આ બંને નેતાઓએ કોઈ પણ ટિપ્પણી કરવાથી ઇનકાર કરી દીધો છે.
કેટલાક નેતા ખુલ્લેઆમ કરી રહ્યા છે વિરોધ
આગામી વિધાનસભા ચૂંટણી પહેલાં ભાજપમાં સામેલ થનાર TMC નેતાઓની લાઇન સતત લાંબી થતી જઈ રહી છે. ભાજપના નીચલા સ્તરના નેતા પાર્ટીની અંદર અને બહાર તેનો ખૂબ વિરોધ કરી રહ્યા છે.
તેમને લાગે છે કે રાજ્યમાં ભાજપના મૂળ મજબૂત બનાવ્યા બાદ અને જીવ હથેળી પર લઈને TMC સાથે મુકાબલો કર્યા બાદ હવે TMCમાંથી આવનારા નેતાઓને મલાઈદાર પદ સોંપવામાં આવશે અને ટિકિટોની વહેંચણીમાં પણ પ્રાથમિકતા અપાશે.
પાર્ટીમાં વધતાં અસંતોષ છતાં ભાજપનું શીર્ષ નેતૃત્વ TMCનું ઘર તોડવાની રણનીતિ પર અડગ છે. પાર્ટીમાં ઊઠતા વિરોધના અવાજોને દબાવવા માટે કારણ જણાવો નોટિસનો ઉપયોગ હથિયાર તરીકે થઈ રહ્યો છે.
અત્યાર સુધી કુલ ચાર નેતાઓને કથિતપણે પાર્ટીવિરોધી પ્રવૃત્તિઓના આરોપમાં કારણ જણાવો નોટિસ મોકલવામાં આવી છે.
પ્રદેશ ભાજપ નેતૃત્વ કારણ જણાવો નોટિસ સાથે અસંતુષ્ટોને કડક ચેતવણી આપી રહ્યું છે.
પ્રદેશ ભાજપ પ્રવક્તા શમીક ભટ્ટાચાર્ય કહે છે કે, “સાંગઠનિક ગોપનીયતા, આદર્શો પ્રત્યે દૃઢ ભરોસો, અને નેતૃત્વ પ્રત્યે નિષ્ઠા કોઈ પણ રાજકીય પાર્ટીનો સભ્ય થવા માટેની પ્રાથમિક શરત છે.”
પ્રદેશ અધ્યક્ષ દિલીપ ઘોષ કહે છે કે, “પાર્ટીના નવા નેતા હોય કે જૂના, અનુશાસનનું પાલન કરવું બધાને માટે અનિવાર્ય છે, પાર્ટી લાઇન વિરુદ્ધ જવાની સ્થિતિમાં કાર્યવાહી જરૂર કરવામાં આવશે.”
પરંતુ આસનસોલના TMC નેતા જિતેન્દ્ર તિવારીને પાર્ટીમાં સામેલ કરવાનો સૌથી વધુ વિરોધ તો સ્થાનિક સાંસદ અને કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રિયોએ કર્યો હતો.
આવી પરિસ્થિતિમાં માત્ર સાયંતન અને અગ્નિમિત્રા વિરુદ્ધ જ કાર્યવાહી શું કામ કરાઈ છે? આ પ્રશ્ન પર ઘોષનું કહેવું હતું કે, “બાબુલને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. કોને સામેલ કરવા અને કોને નહીં, તેનો નિર્ણય પાર્ટી જ કરશે, વ્યક્તિ નહીં.”
આમ, પ્રદેશ ભાજપના એક વરિષ્ઠ નેતા જણાવે છે કે, “સાયંતન અને અગ્નિમિત્રાને કારણ જણાવો નોટિસ મોકલીને બાબુલને પરોક્ષ સંદેશ મોકલવામાં આવ્યો છે.”
પાર્ટીમાં વધતા અસંતોષ પર સાર્વજનિકપણે ભલે ભાજપના નેતા કંઈ પણ કહેવાથી બચી રહ્યા હોય. બીજા પક્ષોમાંથી આવનાર નેતાઓના ટ્રૅક રેકૉર્ડે પ્રદેશ નેતાઓની ચિંતા વધારી દીધી છે.
ઉદાહરણ તરીકે ઉત્તર બંગાળમાં નાગરાકાટાના TMC ધારાસભ્ય સુકરા મુંડાના ચૂંટણી ક્ષેત્રમાં ગત લોકસભા ચૂંટણીમાં મતોની બાબતે ભાજપ પ્રથમ સ્થાને હતો.
ભાજપને કેટલો લાભ થશે?
આવી પરિસ્થિતિમાં પ્રશ્ન ઊઠી રહ્યા છે કે મુંડાથી પાર્ટીને કેટલો ફાયદો થશે? આવો જ પ્રૅશ્ન માલદા જિલ્લાના ગાજોલથી TMCનાં ધારાસભ્ય દીપાલી વિશ્વાલને લઈને પણ ઊઠી રહ્યા છે.
પ્રદેશ ભાજપના એક નેતાએ નામ ન છાપવાની શરતે કહ્યું કે, “ગત લોકસભા ચૂંટણીના આંકડા ધ્યાનમાં રાખીએ તો દીપાલીના સામેલ થવાથી પાર્ટીને કોઈ ખાસ ફાયદો નહીં થાય.”
પુરુલિયાના કૉંગ્રેસ ધારાસભ્ય સુદીપ મુખર્જી ભાજપમાં સામેલ થયા પછી હવે પાર્ટીના સ્થાનિક નેતાઓ દલીલ આપી રહ્યા છે કે ગત લોકસભા ચૂંટણીમાં ત્યાં ભાજપને લગભગ 53 ટકા વોટ મળ્યા હતા અને કૉંગ્રેસને માત્ર 4.6 ટકા.
આવી પરિસ્થિતિમાં તેમના આવવાથી કેટલું ભલું થશે? જો આ નેતાઓને સામેલ કરવાથી કોઈ લાભ નથી થવાનો તો આખરે ભાજપ તમામ રાજકીય દળોના નેતાઓને તોડવાની બદનામી આખરે કેમ લઈ રહી છે?
આ પ્રશ્નો અંગે પ્રદેશ ભાજપ નેતાઓએ પોતાનાં મોઢાં બંધ રાખ્યાં છે. પ્રદેશ અધ્યક્ષ દિલીપ ઘોષ જણાવે છે કે, “પાર્ટીના સંગઠનને મજબૂત કરવા માટે જ બીજા પક્ષોના નેતાઓને ભાજપમાં સામેલ કરાઈ રહ્યા છે.”
પરંતુ રાજ્યના મોટા ભાગના નેતા તેમની આ દલીલથી સંમત નથી. તેમને શંકા છે કે આ નેતાઓને પાર્ટીમાં સામેલ કર્યા બાદ ભાજપના મૂળ નેતા અને કાર્યકર્તા ચૂપ થઈને બેસી શકે છે. તેનાથી લાભની જગ્યાએ નુકસાન જ થવાની આશંકા વધુ છે.
'પાર્ટીમાં કોને સામેલ કરવા કોને નહીં તે અંગે દિલ્હીમાં જ નિર્ણય લેવાય છે'
પાર્ટી-વિરોધી પ્રવૃત્તિઓ માટે કાર્યવાહીના ડરથી કોઈ પણ નેતા સાર્વજનિકપણે કંઈ પણ કહેવા માટે તૈયાર નથી. એક અસંતુષ્ટ નેતાએ ના ન છાપવાની શરતે કહ્યું કે, “બંગાળ ભાજપમાં હાલ કેન્દ્રીય નેતૃત્વનું શાસન ચાલી રહ્યું છે. કોને પાર્ટીમાં સામેલ કરાશે અને કોને નહીં, તેનો નિર્ણય દિલ્હીમાં જ લેવાય છે. અમારા મતનો કોઈ મહત્ત્વ નથી.”
તૃણમૂલ કૉંગ્રેસના પ્રવક્તા સૌગત રાય કહે છે કે, “બીજા રાજકીય પક્ષોને તોડવાની આ રણનીતિ પર ભાજપને ફાયદાની જગ્યાએ નુકસાન જ થશે. TMC ત્યાગીને ભઊજપમાં જનારા કોઈ પણ નેતાને આ વખત ટિકિટ મળવાની સંભાવના નહોતી.”
“હવે આ લોકો ભાજપમાં જઈને અસંતોષની આગમાં ઘી નાખવાનું કામ કરી રહ્યા છે.” TMC મહાસચિવ અને સંસદીય કાર્યમંત્રી પાર્થ ચટર્જી જણાવે છે કે, “ભાજપ બીજાના ઘરને તોડી રહ્યો છે, હવે તેમના ઘરમાં વિવાદ વધી રહ્યો છે. ખરેખર, પોતાનું કોઈ સંગઠન ન હોવાને કારણે તે બીજાં દળોના નેતાઓ દ્વારા પોતાના પગ મજબૂત કરવા માગે છે.”
બીજી તરફ, રાજકીય વર્તુળોમાં પ્રશ્નો ઊઠવા લાગ્યા છે કે શું 200 કરતાં વધુ બેઠકો મેળવવાનો દાવો કરનાર ભાજપ માત્ર ગુનાહિત છબિવાળા અને વિદ્રોહી નેતાઓના આશરે TMCનો મુકાબલો કરશે?
આ પ્રશ્ન નિરાધાર નથી. બે વર્ષ પહેલાં TMC સાથે છેડો ફાડીને ભાજપમા સામેલ થયેલા મુકુલ રૉય હોય કે પછી અમિત શાહના પ્રવાસ સમયે શનિવારે પોતાનાં દળ-બળ સાથે ભગવો ઝંડો થામવાવાળા શુભેંદુ અધિકારી, કોઈની છબિ સાફ નથી.
શારદા ચિટફંડ ગોટાળામાં ભ્રષ્ટાચારના આરોપો સામે ઝઝૂમનાર આ બંને નેતાઓ પૈકી મુકુલ રૉય પર તૃણમૂલ કૉંગ્રેસના ધારાસભ્ય સત્યજિત વિશ્વાસની હત્યાનો પણ આરોપ છે. હત્યાની તપાસ કરનારી CIDની ટીમે હાલમાં કોર્ટમાં જે પૂરક આરોપ પત્ર દાખલ કર્યો છે તેમાં પણ રૉયનું નામ સામેલ છે.
રાજકીય વિશ્લેષકોનું કહેવું છે કે બીજાં દલોમાંથી આવનારા નેતાઓના કારણે ભાજપને ભલે ખાસ ફાયદો ન થયો હોય, બીજાં દળોને થોડું-ઘણું નુકસાન જરૂર થઈ શકે છે.
રાજકીય વિશ્લેષક વિશ્વનાથ ચક્રવર્તી જણાવે છે કે, “ભાજપ હાલ ખુદને મજબૂત કરવાના સ્થાને બીજાં દળોને કમજોર કરવાની રણનીતિ પર આગળ વધી રહ્યો છે. ખરાબ છબિ ધરાવતા નેતાઓ તેમના પક્ષમાં સામેલ થવાની સાથે જ તેમના ભ્રષ્ટાચારના જૂના રેકૉર્ડ ધોવાઈ જાય છે."
"ઉદાહરણ તરીકે શુભેંદુ જ્યારે પાર્ટીમાં સામેલ થયા ત્યારે ભાજપે સોશિયલ મીડિયા પરથી એ વીડિયો હઠાવી લીધો જેમાં નારદા સ્ટિંગ મામલામાં તેઓ (શુભેંદુ) પૈસા લેતા નજરે પડે છે. કદાચ ભાજપ પ્રેમ, યુદ્ધ અને રાજકારણમાં બધું ચાલે વાળી કહેવતને ચરિતાર્થ કરવામાં લાગેલા છે.”
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો