ગુજરાતમાં ભાજપ ‘મોહલ્લા ક્લિનિક’ ખોલીને આમ આદમી પાર્ટીની નકલ કરે છે?

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

ગુજરાતમાં કોરોના વાઇરસને કારણે થનારી મિની વિધાનસભા જેવી મ્યુનિસિપલ કૉર્પોરેશન, જિલ્લા પંચાયત અને ગ્રામ પંચાયતની ચૂંટણીઓ હાલ પૂરતી સ્થગિત કરી દેવાઈ છે.

આ ચૂંટણીઓ હવે ફેબ્રુઆરીમાં થવાની સંભાવના છે, ત્યારે રાજકીય પક્ષો એની તૈયારીઓમાં લાગી ગયા છે.

આપ (આમ આદમી પાર્ટી) હવે ગુજરાતમાં પગપેસારો કરવા માટે દિલ્હી મૉડલ પર "મોહલ્લા ક્લિનિક" બનાવી રહ્યું છે તો ભાજપ પણ 'દીનદયાલ ક્લિનિક' બનાવી રહ્યું છે.

બંને પક્ષો કહે છે કે આ ચૂંટણીલક્ષી યોજના નથી, પણ રાજકીય પંડિતોનું માનવું છે કે આ ચૂંટણી જીતવાની એક વ્યૂહરચના સમાન છે.

આમ તો ઑક્ટોબરના અંત અથવા નવેમ્બરની શરૂઆતમાં ગુજરાતમાં મ્યુનિસિપલ કૉર્પોરેશન, જિલ્લા પંચાયત, નગર પંચાયત અને ગ્રામ પંચાયતની ચૂંટણી થવાની હતી, પણ કોરોનાને કારણે આ ચૂંટણીઓ ફેબ્રુઆરીના અંતમાં અથવા માર્ચની શરૂઆતમાં યોજાય એવી સંભાવના છે.

સ્થાનિક ચૂંટણીઓનું કેટલું મહત્ત્વ?

સ્થાનિક રીતે યોજાતી આ ચૂંટણીઓ સંગઠનશક્તિ સહિત અનેક મોરચે મહત્ત્વની માનવામાં આવે છે. આથી કોઈ પક્ષ તેને નજરઅંદાજ પણ કરતા નથી.

2000માં કેશુભાઈ પટેલના નેતૃત્વમાં ભાજપને જિલ્લા પંચાયત અને નગર પંચાયતની ચૂંટણીમાં હાર મળી હતી અને બાદમાં 2001માં ભૂકંપ આવ્યો અને તેમને ગુજરાતની ગાદી છોડવી પડી હતી.

આવું જ કંઈક 15 વર્ષ પછી ગુજરાતનાં તત્કાલીન મુખ્ય મંત્રી આનંદીબહેન પટેલ સાથે થયું હતું.

2015માં ગુજરાતમાં પાટીદાર આંદોલન, દલિત આંદોલન અને ઓબીસી આંદોલન થયાં પછી આવેલી જિલ્લા પંચાયત અને ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ભાજપને હાર મળી હતી.

ત્યારબાદ આનંદીબહેન પટેલે રાજીનામું આપ્યું હતું. તેમના રાજીનામા પાછળ આંદોલન સહિત સ્થાનિક ચૂંટણીની હાર પણ કારણભૂત માનવામાં આવી હતી.

હવે ગુજરાતમાં દિલ્હીમાં સત્તાધારી પાર્ટી આપ (આમ આદમી પાર્ટી) પગ જમાવવા માગે છે.

આમ આદમી પાર્ટીનો દાવો છે કે તેઓએ લૉકડાઉનના સમયમાં ગરીબ વિસ્તારમાં સારું કામ કર્યું છે અને સારો પ્રતિસાદ મળતા ગુજરાતનાં શહેરોમાં "મોહલ્લા ક્લિનિક" ખોલવા માગે છે.

તો આમ આદમી પાર્ટીની સાથેસાથે ગુજરાત સરકારે પણ રાજ્યમાં "દીનદયાળ ક્લિનિક" શરૂ કરવાની વાત કરી છે.

ગરીબ મતદારોને રીઝવવાનો પ્રયાસ?

બંને પક્ષોની આ પહેલ ગરીબ વિસ્તારના મતદારોનો રીઝવવા સમાન લાગી રહી છે.

જાણીતા રાજકીય વિશ્લેષક ઘનશ્યામ શાહ કહે છે કે બંને પક્ષનો ઉદ્દેશ તો ચૂંટણીલક્ષી છે, એમાં કોઈ બેમત નથી.

બીબીસી ગુજરાતી સાથે વાત કરતા તેઓ કહે છે, "દેશ આઝાદ થયો એ વખતે ગરીબોને આરોગ્યની સુવિધા મળી રહે એ માટે "ભોલે કમિશન"ની રચના થઈ હતી, જેના આધારે આપણે પબ્લિક હેલ્થ સેન્ટર શરૂ કર્યાં."

તેઓ સવાલ કરે છે કે "70 વર્ષમાં આ પબ્લિક હેલ્થ સેન્ટરમાં કેટલા ડૉક્ટર છે? ખાટલે મોટી ખોડ એ છે કે તમે પબ્લિક હેલ્થ સેન્ટરમાં ડૉક્ટર અને પૂરતી દવા આપી શકતા નથી, ત્યારે ઝૂંપડપટ્ટીમાં આવા દીનદયાલ ક્લિનિકમાં સુવિધા કેવી રીતે પૂરી પડશે?"

તેઓ વધુમાં કહે છે, "ચૂંટણી નજીક આવી રહી છે અને કોરોનામાં સૌથી વધુ માર ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોને પડ્યો છે. ત્યારે એમની નજીક જવા માટે આ સરળ રસ્તો છે."

"બીજું કે કોરોનામાં દરેક માટે આરોગ્ય એ મુખ્ય મુદ્દો બનવા લાગ્યો છે. એટલે 70 વર્ષ જૂના ભોલે કમિશનની ભલામણો અત્યારે અમલમાં મુકાય એ ચૂંટણી સમયે ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોને આકર્ષવા સિવાય આ કોઈ મોટું કામ નથી."

તો ગુજરાતના આરોગ્યમંત્રી અને નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે "લોકો ભલે ગમે તે કહે પણ અમે શહેરો અને નગરપાલિકામાં દીનદયાલ ક્લિનિક ચાલુ કરવા માટે બજેટમાં જોગવાઈ કરી જ હતી."

"કોરોનાના કારણે એને અમલમાં મૂકી શકાઈ નહોતી. આ કોરોનાકાળ દરમિયાન અમે જોયું કે ધન્વંતરિ રથની મદદથી ઘણા લોકોને આરોગ્યની સુવિધા મળી છે. હવે કોરોનાનો કેર ઓછો થયો છે ત્યારે અમે એનો અમલ શરૂ કર્યો છે."

'રાજકીય પક્ષો આપેલાં વચનો યાદ અપાવે છે'

જાણીતા રાજકીય વિશ્લેષક અને તાલીમ રિસર્ચ ફાઉન્ડેશનના ડિરેક્ટર ડૉ. એમ.આઈ. ખાનના મતે, બજેટમાં જોગવાઈ કરી હોય અને એ કામ ત્રણ કે ચાર વર્ષ પહેલાં કરી દીધું હોય તો એને લોકો ભૂલી જાય છે.

તેઓ વધુમાં કહે છે, "પણ ચૂંટણી નજીક આવતી હોય ત્યારે દરેક રાજકીય પક્ષ પોતે આપેલાં વચનો પ્રમાણે કામ કરવા લાગે છે. આવા સમયે જૂનાં કામોને યાદ કરાવે છે એટલે એની એક રિકૉલ વેલ્યુ ઊભી થાય છે. આ કામ સૅમ્પલ પ્રોજેક્ટ તરીકે શરૂ થાય, ચૂંટણીમાં ઉપયોગી થાય છે, આ દરેક રાજકીય પક્ષની સ્ટ્રેટેજી છે."

"રહી વાત આપ પાર્ટીની જેમ મોહલ્લા ક્લિનિક ચાલુ કરવાની, તો દરેક પાર્ટી બીજા પક્ષના લોકપ્રિય કામને પોતાનું નવું નામ આપીને એની રેપ્લિકા શરૂ કરે એ નવું નથી."

"એટલે દીનદયાલ ક્લિનિક ખોલવા માટે અત્યારનો સમય નક્કી કરવા પાછળનું કારણ પણ પોતે આપેલાં વચન પાળી રહ્યાં છે અને જૂનાં કામોને રિકૉલ કરાવવાનું છે, એનાથી વધુ કંઈ નથી."

ખાન વધુમાં કહે છે, "આમ આદમી પાર્ટી માટે ગુજરાતમાં પોતાનો પગ જમાવવા માટે આરોગ્યની સુવિધાની જરૂરિયાત છે ત્યારે દિલ્હીની રેપ્લિકા જેવા મોહલ્લા ક્લિનિક શરૂ કરી પ્રવેશવાની ઉત્તમ તક છે. એમાં સફળ રહે તો મ્યુનિસિપલ કૉર્પોરેશન અને જિલ્લા પંચાયત કે નગર પંચાયતમાં સત્તા નહીં, પણ પોતાનું અસ્તિત્વ ઊભું કરી શકશે."

શું ભાજપ આપની કૉપી કરે છે?

નીતિન પટેલ કહે છે, "આ કોઈ ચૂંટણીલક્ષી પગલું નથી. લોકોની સુખાકારી અમારા માટે પ્રાથમિકતા છે અને અમે કોઈ પક્ષની કૉપી કરી રહ્યા નથી. અમે બજેટમાં દીનદયાલ ક્લિનિક બનાવવાની વાત કરી હતી એનો અમલ કરી રહ્યા છીએ, ચૂંટણી આવી છે માટે કરી રહ્યા છીએ એવું નથી."

તેઓ વધુમાં કહે છે, "દીનદયાલ ક્લિનિકમાં જગ્યા મ્યુનિસિપલ કૉર્પોરેશન અને નગરપાલિકા આપશે, જ્યારે દવા અને ડૉક્ટરની સુવિધા સરકાર પૂરી પાડશે."

તો આમ આદમી પાર્ટીનાં ગુજરાતનાં પ્રવક્તા તુલી બેનરજી કહે છે કે "અમે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ લડવાના છીએ, પણ આ મોહલ્લા ક્લિનિક પાછળ કોઈ રાજકીય ગણતરી નથી."

બીબીસી સાથેની વાતચીતમાં તેઓએ કહ્યું, "ગુજરાતમાં અમારું અસ્તિત્વ 2014થી શરૂ થયું છે. અમે અમારો પગ જમાવવા નથી કરી રહ્યા."

"લૉકડાઉનમાં અમે ગરીબ વિસ્તારમાં લોકોની પડખે ઊભા રહ્યા છીએ. અનાજ વિતરણથી માંડી તમામ કાર્યવાહી કરી છે. અમને આ કોરોનાકાળમાં દેખાયું કે મોહલ્લા ક્લિનિકની ગુજરાતમાં જરૂર છે એટલે અમે વૉલિન્ટરી ડૉક્ટરની મદદથી સાંજે પાંચથી નવના સમયમાં દિલ્હી પૅટર્ન પ્રમાણે મોહલ્લા ક્લિનિક ચાલુ કર્યાં છે."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો