You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ડૉ. મહિન્દર વત્સ : ભારતના સૌથી વિખ્યાત ‘સેક્સપર્ટ’નું 96 વર્ષની વયે નિધન
ડૉ. મહિન્દર વત્સ, તાલીમબદ્ધ ઍબ્સ્ટેટ્રિશિયન અને ગાયનેકૉલૉજિસ્ટ હતા. તેમણે દસ વર્ષ કરતાં વધુ સમય સુધી 'આસ્ક ધ સેક્સપર્ટ' (સેક્સપર્ટને પૂછો) નામે પ્રસિદ્ધ કોલમ લખી હતી.
હજારો ભારતીયો તેમની સમક્ષ સેક્સને લગતી મુંઝવણો રજૂ કરતા અને સવાલો પૂછતા. તેઓ રમૂજવૃતિ સાથે તેમને સ્પષ્ટ સલાહ આપતા હતા.
તેમનાં સંતાનો દ્વારા અપાયેલા સત્તાવાર નિવેદનમાં જણાવાયું હતું, "તેઓ (ડૉ. વત્સ) પોતાની મરજી મુજબ શાનદાર જીવન જીવ્યા હતા."
મૃત્યુના સમયે તેઓ કોઈ બીમારીથી પીડીત હતા કે નહીં તે જાણી શકાયું નથી.
ડૉ. વત્સે 'મુંબઈ મિરર' અખબારમાં સેક્સ વિશે સલાહ આપતી દૈનિક કોલમ શરૂ કરી ત્યારે તેઓ 80 વર્ષના હતા.
બિભત્સતાના આરોપ લાગ્યા
મોટા ભાગના ભારતીય પરિવારોમાં સેક્સ વિશે જાહેરમાં ઉલ્લેખ ટાળવામાં આવે છે. તેથી તેમની કોલમે વાચકોમાં તરત રસ જગાવ્યો અને સાથોસાથ ટીકા પણ થઈ.
અખબારના તંત્રી બઘેલે 2014માં બીબીસીને જણાવ્યું હતું કે, "અમે આ કોલમ શરૂ કરી ત્યાં સુધી ભારતીય મીડિયામાં 'શિશ્ન' અને 'યોનિ' શબ્દનો ભાગ્યેજ ઉપયોગ થતો હતો."
તેમણે કહ્યું કે, તેમની સામે બિભત્સતા આરોપો થયા હતા, કેસ કરવામાં આવ્યા હતા અને નફરતભર્યા મેઇલ મોકલવામાં આવતા હતા. પરંતુ અખબારને જે મુશ્કેલીઓ વેઠવી પડી તેના કરતાં આવી કોલમથી જે લાભ થતો હતો તે ઘણો વધારે હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે ડૉ. વત્સની પ્રોફાઈલમાં લખ્યું કે, "એકલા મિરરમાં જ તેમણે (ડૉ. વત્સે) વાચકોના 20,000થી વધુ સવાલોના જવાબ આપ્યા હતા. તેમની સેક્સ સલાહકાર તરીકેની કારકિર્દીમાં તેમણે 40,000થી વધુ પ્રશ્નોના જવાબ આપ્યા હશે. આ ઉપરાંત તેમણે જે દર્દીઓના જીવન પર બહુ નિકટતાથી અસર કરી હશે તે અલગ."
ડૉ. વત્સને સૌ પ્રથમ 1960માં મહિલાઓના એક સામયિકે 'ડિયર ડૉક્ટર' નામે કોલમ લખવા માટે જણાવ્યું હતું. ત્યારે તેઓ ત્રીસીમાં હતા.
ડૉ. વત્સે 2014માં બીબીસીને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું, "મારી પાસે ખાસ અનુભવ ન હતો એ મારે સ્વીકારવું પડે."
તેમને થોડા સમયમાં જ સમજાઈ ગયું કે વાચકો તેમને જે પ્રશ્નો પૂછે છે તેમાંથી મોટા ભાગના પ્રશ્નો જાતીય શિક્ષણ (સેક્સ એજ્યુકેશન)ના અભાવના કારણે હતા.
તેથી તેમણે જાતીય શિક્ષણ આપવા માટે આજીવન મિશન ચલાવ્યું. સૌથી પહેલાં ફેમિલી પ્લાનિંગ ઍસોસિયેશન ઑફ ઇન્ડિયા (FPAI) દ્વારા અને ત્યાર પછી તેમના પોતાના સંગઠન કાઉન્સિલ ઓફ સેક્સ ઍજ્યુકેશન ઍન્ડ પૅરન્ટહૂડ ઇન્ટરનેશનલ (CSEPI) દ્વારા.
યૂકેથી ભારત આવ્યા
1974માં વત્સ એફપીએ ઇન્ડિયામાં સલાહકાર તરીકે કામ કરતા હતા ત્યારે તેમણે તેમને જાતીય સલાહ અને શિક્ષણ અંગે કાર્યક્રમ શરૂ કરવા સમજાવ્યા હતા. તે સમયે સેક્સ વિશે વાત કરવાનું ટાળવામાં આવતું હતું.
ઘણાને ડૉ. વત્સનું સૂચન પોર્નોગ્રાફિક લાગ્યું હતું. જ્યારે આરોગ્યના નિષ્ણાતોને તેમનું સૂચન 'અવૈજ્ઞાનિક' લાગ્યું હતું.
જોકે, FPAIએ તેમને ટેકો આપ્યો અને ભારતના સૌપ્રથમ સેક્સ એજ્યુકેશન, સલાહ અને થેરેપી કેન્દ્રની સ્થાપના કરવામાં આવી હતી.
ડૉ. વત્સ જ્યારે મુંબઈમાં મેડિકલ કૉલેજમાં અભ્યાસ કરતા હતા ત્યારે તેઓ એક મોટા પરિવાર સાથે રહ્યા હતા જે તેમનાં માતાપિતાથી પરિચિત હતો.
અહીં તેમની મુલાકાત પ્રોમિલા સાથે થઈ જેમની સાથે તેમણે લગ્ન કર્યાં. પ્રોમિલા મૂળ સિંધનાં હતાં જ્યારે ડૉ. વત્સ પંજાબી હતા. તેમની જ્ઞાતિ પણ અલગ હતી.
તેમને એક પુત્ર થયો અને બે વર્ષ સુધી તેઓ યૂકેમાં રહ્યા હતા. વત્સ ત્યાં એક હૉસ્પિટલમાં હાઉસમેન અને રજિસ્ટ્રાર તરીકે કામ કરતા હતા.
યૂકેમાં તેઓ ખુશ હતા, પરંતુ તેમના આર્મી ડૉક્ટર પિતા બીમાર પડતા તેમણે ભારત પરત આવવું પડ્યું.
ભારતમાં તેમણે 'ગ્લૅક્સો'માં મેડિકલ ઑફિસર તરીકે કામ શરૂ કર્યું. આ ઉપરાંત તેઓ ગાયનેકૉલૉજિસ્ટ અને ઑબ્સ્ટેટ્રિશિયન તરીકે પણ કામ કરતા હતા.
તેમણે બીબીસી સાથે વાત કરતા જણાવ્યું હતું, "કેટલીક વખત હું રાત્રે પ્રસૂતિ કરાવતો અને પછી આખો દિવસ કામ પર જતો."
તેમણે કહ્યું હતું, "સેક્સ બહુ આનંદદાયક ચીજ છે. પરંતુ ઘણા લેખકો સેક્સ વિશે લખતી વખતે મેડિકલ પર બહુ ધ્યાન આપે છે અને ગંભીર બની જાય છે."
જોકે, તેઓ રમૂજ અને સહાનુભૂતિ સાથે વાચકોની ચિંતાઓ અને જિજ્ઞાસાનો સંતોષવાનું વધારે પસંદ કરતા હતા. કેટલાક ઉદાહરણ :
લોકો કેવા સવાલો પૂછતા હતા?
પ્રશ્નઃ બે દિવસ અગાઉ મેં મારી ગર્લફ્રેન્ડ સાથે બિનસુરક્ષિત સેક્સ માણ્યું હતું. ગર્ભધારણ અટકાવવા માટે અમે એક આઇ-પિલ (ઇમરજન્સી ગર્ભનિરોધક) ખરીદી હતી. પરંતુ ઉતાવળમાં મારી ગર્લફ્રેન્ડના બદલે હું તે ગોળી ગળી ગયો. શું તેનાથી મને કોઈ સમસ્યા થઈ શકે?
જવાબઃ બીજી વખત સેક્સ કરો ત્યારે મહેરબાની કરીને કૉન્ડોમનો ઉપયોગ કરજો અને તેને પણ ગળી જવાની ભૂલ ન કરશો.
પ્રશ્નઃ મેં સાંભળ્યું છે કે કોઈ પણ પ્રકારનો ઍસિડિક પદાર્થ ગર્ભાવસ્થા અટકાવી શકે છે. હું સેક્સ પછી મારી ગર્લફ્રેન્ડની યોનિમાં લીંબુ કે સંતરાના રસના કેટલાંક ટીપાં નાખું તો? તેનાથી તેને કોઈ તકલીફ થશે?
જવાબઃ તમે ભેળપૂરી વેચો છો કે શું? તમને આવો વિચાર ક્યાંથી આવ્યો? ગર્ભધારણ અટકાવવા માટે બીજા ઘણા સુરક્ષિત અને સરળ ઉપાયો છે. તમે કૉન્ડોમનો ઉપયોગ કરવાનું વિચારી શકો છો.
પ્રશ્નઃ દિવસમાં ચાર વખત સેક્સ માણ્યા બાદ મને બીજા દિવસે બહુ થાક લાગે છે. પાંચ મિનિટ સુધી મારી દૃષ્ટિ ધુંધળી થઈ જાય છે અને મને કંઈ સ્પષ્ટ દેખાતું નથી. પ્લીઝ, મદદ કરો.
જવાબઃ તમે શું ઇચ્છો છો? આખા શહેરમાં 'હુર્રે' અને 'હું ચેમ્પિયન છું' એવી બૂમો પાડવી છે?
પ્રશ્નઃ મારા શિશ્નનું કદ નાનું છે અને મને લાગે છે કે હું મારી ગર્લફ્રેન્ડને સંતોષ નહીં આપી શકું. મારા જ્યોતિષે મને દરરોજ શ્લોક બોલતાબોલતા 15 મિનિટ સુધી શિશ્નને ખેંચી રાખવાની સલાહ આપી છે. હું એક મહિનાથી આમ કરું છું, છતાં કોઈ ફાયદો નથી થયો. હવે મારે શું કરવું જોઈએ?
જવાબઃ જ્યોતિષની વાત સાચી હોત તો મોટા ભાગના પુરુષોના શિશ્ન ઘુંટણ સુધી પહોંચી ગયા હોત. નબળા અને મૂર્ખ લોકોને ઇશ્વર મદદ નથી કરતો. તેના બદલે તમને પ્રેમની કળા શીખવી શકે તેવા કોઈ સેક્સપર્ટની સલાહ લો.
પ્રશ્નઃ મારો પરિવાર મને લગ્ન કરી લેવા જણાવે છે. છોકરી વર્જિન છે કે નહીં તેની મને કઈ રીતે ખબર પડે?
જવાબઃ મારી સલાહ છે કે તમે લગ્ન જ ન કરો. ડિટેક્ટિવની મદદ લીધા વગર આ જાણવાનો કોઈ રસ્તો નથી. તમારા શંકાશીલ દિમાગના કારણે કોઈ બીચારી છોકરીને તકલીફમાં ન મૂકશો.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો