You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
એવા પિતાની કહાણી, જે પ્રેમિકા થકી જન્મેલી પુત્રી માટે સૌ સામે લડ્યા
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી
લગ્નેતર સંબંધોથી જન્મેલું સંતાન - સમાજના ડરથી આવી ઘટના છુપાવાતી હોય છે. પણ એક પ્રેમી એવો છે જેણે પત્નીની મંજૂરીથી પ્રેમિકાના કુખે દીકરીને જન્મ અપાવડાવ્યો.
દીકરી જીવન મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહી ત્યારે પિતાને કોરોના થયો. કોરોનાથી સાજા થઈને આવ્યા ત્યારે તેમનાં પત્ની અને પ્રેમિકાની જાણ બહાર તેમનાં સગી માતા સમાજના ડરથી તેમને અનાથ આશ્રમમાં મૂકી આવ્યાં, અને જયારે ખબર પડી ત્યારે ગુજરાત હાઈકોર્ટના દરવાજા ખખડાવી પ્રેમિકાથી થયેલી દીકરીને ફરી પોતાના ઘરે લઇ આવ્યા.
મઘ્ય ગુજરાતના 35 વર્ષના એક વેપારી હિરેન શાહ [નામ બદલ્યું છે] નાના હતા ત્યારે જ તેમના પિતાનું અવસાન થયું હતું.
હિરેને બાપદાદાના વ્યવસાયને આગળ વધારવાની સાથે સાથે નવો ધંધો ચાલુ કર્યો હતો. 2014માં તેમની જ જ્ઞાતિની છોકરી ધ્વનિ સાથે તેમનાં લગ્ન થયાં હતાં. લગ્નજીવન સુખરૂપ ચાલતું હતું, અને સમય જતાં તેમના ઘરે દીકરીનો જન્મ થયો.
આ અરસામાં હિરેનનો પરિચય અંગ્રેજીના ખાનગી ક્લાસિસ ચલાવતાં મનીષા નામની એક યુવતી સાથે થયો.
લગ્ન બાદ પ્રેમસંબંધ
હિરેને બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, "બહારગામથી આવેલી અને ખેડામાં વસેલી મનીષા સાથે મારો પરિચય એક મિત્ર દ્વારા થયો હતો. મનીષા મને બિઝનેસના પ્રૅઝન્ટેશન બનાવવામાં મદદ કરતી હતી અને તેનાં પ્રૅઝન્ટેશનથી મને બિઝનેસમાં ફાયદો પણ થતો હતો."
"2018માં અમારો પરિચય પ્રોફેશનલ હતો, અને અમે ક્યારે પ્રેમમાં પડ્યાં તેની મને કે એને ખબર ના પડી. તેનાં ટ્યુશન-ક્લાસ પુરા થાય અને મારી દુકાન બંધ કરીને અમે અલગઅલગ જગ્યાએ મળતાં હતા."
"એક તબક્કો એવો આવ્યો કે અમે એકબીજાના પ્રેમનો એકરાર કરી લીધો, એ જાણતી હતી કે હું પરણેલો છું."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હિરેન અને મનીષાનો પ્રેમ પ્રગાઢ બનતો ગયો અને બંને એક બીજા વિના રહી શકતાં નહોતાં.
હિરેન તેમનાં પત્નીને જેટલો જ સમય મનીષાને પણ આપતા હતા અને પોતાની દીકરીને પણ એ ખુબ ચાહતા હતા.
હિરેનનાં પત્નીને પણ પ્રેમસંબંધની જાણ થઈ ગઈ. મનીષાને તે ખાનગીમાં મળતા હતા અને 2019માં પ્રેમસંબંધોથી મનીષા ગર્ભવતી થયાં હતાં.
હિરેનનાં પત્નએ શું કહ્યું?
એ વખતે મનીષા ગર્ભપાત કરાવવા તૈયાર હતાં પણ હિરેન એ માટે તૈયાર નહોતા. વળી, વધારે સમય થઈ ગયો હોવાથી ઍબોર્શન કરવું પણ શક્ય નહોતું.
હિરેન કહે છે, "લૉકડાઉન ખુલ્યા પછી હું તેને ડોક્ટરને ત્યાં લઈ જતો. હવે પ્રસુતિ કરાવવી પડે એવું હતું. યોગ્ય ખોરાક નહીં હોવાથી બાળકનો વિકાસ બરાબર થતો નહતો."
"મેં મારી પત્ની ધ્વનિને વાત કરી. શરૂઆતમાં તે સંમત ના થઈ પણ મેં એને કહ્યું કે મારા પર તારો ગુસ્સો વાજબી છે પણ તેમાં આવનાર બાળક નો શું વાંક? એ માની ગઈ."
આ એક પ્રશ્ન ઉકેલાયો ત્યાં નવી સમસ્યા ઊભી થઈ.
મનીષાનાં માતાપિતાએ આ સંતાન મુદ્દે વિરોધ કર્યો. જોકે, હિરેને બાળકની જવાબદારી સ્વીકારવાની ખાતરી આપી ત્યારે તેઓ માની ગયાં. આખરે 28 જુલાઈએ સાડા સાત મહિને મનીષાએ દીકરીને જન્મ આપ્યો.
હિરેનનાં પત્નીએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "નવજાત બાળકીની હાલત જોઈને મને દયા આવી કે મારા પતિની ભૂલ થઈ ગઈ પણ નાનકડી દીકરીનો શું વાંક?"
"એ જીવનમરણ વચ્ચે ઝોલાં ખાતી હતી અને ઓક્સિજન પર રાખવામાં આવી હતી. એટલે હું અને મારા પતિ બંને તેની સારવાર કરાવતાં હતાં. અમે તેના તેના ઉછેરની જવાબદારી સ્વીકારી લીધી. મનીષા માની ગઈ."
એક બાદ એક સમસ્યા
પરિસ્થિતિ માંડ થાળે પડી ત્યાં બીજી સમસ્યા આવીને ઊભી રહી.
દીકરીના જન્મના બીજા જ દિવસે હિરેનને કોરોના વાઇરસનો ચેપ લાગ્યો. તેમને હૉસ્પિટલમાં દાખલ થવું પડ્યું. હિરેનનાં માતા પણ મનીષા અને તેની નવજાત દીકરીની સારવારમાં લાગી ગયાં. આ બાજુ હૉસ્પિટલમાં સારવાર લઇ રહેલા હીરેનની સેવામાં ધ્વની જોડાઈ ગયાં.
હિરેનને હૉસ્પિટલમાંથી રજા મળી ગઈ અને તેને આઘાતજનક સમાચાર મળ્યા.
હિરેન કહે છે કે 'હું હૉસ્પિટલમાંથી બહાર આવ્યો અને મારી માતાને પૂછ્યું કે દીકરી ક્યાં છે? તો મારી માતાએ કહ્યું કે તે સારવાર દરમ્યાન મૃત્યુ પામી છે."
"હું આ માનવા તૈયાર ન હતો, મનીષા પણ માનવા તૈયાર નહતી. મેં હૉસ્પિટલમાં તપાસ કરી તો ખબર પડી કે તે સાજી થઈ ગઈ એટલે મારી મા તેને લઈ ગઈ હતી."
"મેં મારી મા સાથે વાત કરી તો તેણે કહ્યું કે સમાજમાં ખબર પડે કે આ તારું અનૌરસ બાળક છે, તો તારી પોતાની દીકરીના લગ્ન નહીં થાય, એટલે હું તેને અમદાવાદમાં અનાથઆશ્રમમાં મૂકી આવી છું."
આખરે પિતાને બાળકીનો કબજો સોંપાયો
હિરેનની સમસ્યાનો કોઈ અંત નહોતો. તેમણે તરત જ અનાથાશ્રમનો સંપર્ક કર્યો. પોલીસ પાસેથી તેમને એન.ઓ.સી. સર્ટિફિકેટ લાવવાનું કહેવાયું પણ પોલીસે આવું સર્ટિફિકેટ આપવાની ના પડી દીધી. એટલે તેમણે હાઈકોર્ટમાં અરજી કરી. 25 નવેમ્બરે કરેલી અરજીની તાત્કાલિક સુનાવણી થઈ.
હિરેનના વકીલ એ.એસ. ટિમ્બલિયાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, "કોર્ટમાં હિરેનનાં પત્નીએ, હિરેનના પ્રેમિકાએ બાળકીને સાચવવાની તૈયારી દર્શાવી, અને બાળકીનો ડી.એન.એ ટેસ્ટ રજૂ કર્યો. જેમાં હિરેન બાયૉલોજીકલ પિતા હોવાનું સાબિત થયું."
કોર્ટે બાળકના બાયૉલોજીકલ પિતાને બાળકી સોંપવાનો આદેશ આપ્યો છે અને અનાથઆશ્રમની સારી કામગીરી બદલ ડૉનેશન આપવા હિરેનને આદેશ આપ્યો છે. આમ, હિરેનને તેની બાળકીનો કબજો સોંપવામાં આવ્યો છે.
જોકે, આ દરમિયાન અમે અમદાવાદના 'મહીપતરાય અનાથઆશ્રમ'ના અધિકારી અને હિરેનનાં માતાનો સંપર્ક સાધવા પ્રયત્ન કર્યો પણ તેમણે આ અંગે કોઈ પણ પ્રતિક્રિયા આપવાનો ઇનકાર કર્યો હતો.
હિરેન કહે છે કે, 'આ નાનકડો જીવ મારો અંશ છે, ત્યારે સમાજની પરવાહ કર્યા વગર, મારી સગી માતા સામે લડીને હું એને લઈ આવ્યો છું. સમય જતા એ ભૂલી જશે અને એને સ્વીકારી પણ લેશે."
(ઉપરોક્ત તમામ નામ બદલેલાં છે)
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો