છોટુભાઈ વસાવાના સથવારે અસદુદ્દીન ઔવેસીની ગુજરાતમાં ઍન્ટ્રી કોને ફળશે?

    • લેેખક, જીગર ભટ્ટ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

ગુજરાતમાં જેમ જેમ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પક્ષોએ પોતાના કાર્ડ રમવાના શરૂ કરી દીધા છે.

તાજેતરનાં એક સમાચારે ગુજરાતના રાજકારણમાં ચહલપહલ મચાવી દીધી છે. દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારમાં મજબૂત પકડ ધરાવતી ભારતીય ટ્રાઇબલ પાર્ટી (BTP), અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી ઑલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)ની સાથે મળીને ચૂંટણી લડશે.

છોટુ વસાવાએ મીડિયાના માધ્યમથી કહ્યું કે તેમની પાર્ટી (બીટીપી) અને અસદુદ્દીનની પાર્ટી ગુજરાતમાં આવનારી ચૂંટણીમાં સાથે મળીને ચૂંટણી લડશે.

તેઓએ ટ્વીટને કરીને આ માહિતી આપી હતી, તો સામે પક્ષે અસદુદ્દીન ઔવેસીએ તેમના ટ્વીટને રીટ્વીટ કર્યું હતું.

BTPના રાષ્ટ્રીય પ્રમુખ અને ડેડિયાપાડાના ધારાસભ્ય મહેશ વસાવાએ કહ્યું કે, મેં ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઔવેસીના પક્ષ AIMIM સાથે ગઠબંધન કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, જે તેમણે સ્વીકારી લીધો હતો.

ઔવેસીની પાર્ટી જે પણ રાજ્યમાં ચૂંટણી લડે છે ત્યારે કૉંગ્રેસ અને અન્ય પાર્ટીઓ નુકસાન થાય છે તેવું આ પાર્ટીઓ સ્વીકારે છે. બીટીપી અને ઔવેસીની પાર્ટી એકસાથે આવવાથી ભાજપ, કૉંગ્રેસ અને બીટીપીને ફાયદો થશે કે નુકસાન?

બીટીપી અને ઔવેસીની પાર્ટીનું ગઠબંધન કેમ થયું?

ભારતીય ટ્રાઇબલ પાર્ટીએ રાજસ્થાનમાં વિધાનસભાની છેલ્લી ચૂંટણીમાં બે બેઠક જીતી હતી. ત્યારબાદ થોડા દિવસ રાજસ્થાનમાં અગાઉ યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણી પણ લડી હતી.

રાજસ્થાનના ડુંગરપુરની જિલ્લા પંચાયતની ચૂંટણીમાં બીટીપીએ જે ઉમેદવારને સમર્થન કર્યું હતું તેમને પ્રમુખ બનવા માટે એક મતની જરૂરિયાત હતી. ત્યારે કૉંગ્રેસના જિલ્લા પંચાયતના છ સભ્યોએ ભાજપ સમર્થિત ઉમેદવારને મત આપતા ભારતીય ટ્રાઇબલ પાર્ટીએ કૉંગ્રેસ સાથે ગઠબંધન તોડી નાખ્યું હતું.

બીટીપીના બે ધારાસભ્યોએ રાજસ્થાનમાં કૉંગ્રેસની ગેહલોત સરકારને પણ ટેકો આપ્યો હતો. તેમણે આ ઘટના પછી પોતાનું સમર્થન પરત ખેંચી લીધું હતું.

BTPના રાષ્ટ્રીય પ્રમુખ અને ડેડિયાપાડાના ધારાસભ્ય મહેશ વસાવાએ કહ્યું કે, "અમારો કૉંગ્રેસ સાથેનો અનુભવ કડવો રહ્યો હતો. કૉંગ્રેસે અમને ડુંગરપુર જિલ્લા પંચાયત અને રાજસ્થાનની નવ તાલુકા પંચાયતની ચૂંટણીમાં ટેકો નહોતો આપ્યો."

"રાજસ્થાનના આ અનુભવ બાદ મારી ઓવૈસી સાથે ચાર દિવસ પહેલાં વાત થઈ હતી. તે દરમિયાન મેં ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તેમના પક્ષ AIMIM સાથે ગઠબંધન કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. જે તેમણે સ્વીકારી લીધો હતો."

આ બંને પાર્ટીઓ ક્યાં ક્યાં વર્ચસ્વમાં છે?

ગુજરાતમાં બીટીપીનું વર્ચસ્વ દક્ષિણ ગુજરાતમાં છે. દક્ષિણ ગુજરાતની બે બેઠક પરથી તેના બે ધારાસભ્યો છે.

આ ઉપરાંત રાજસ્થાનમાં પણ બે ધારસભ્ય છે. ભરૂચ જિલ્લા પંચાયત બીટીપી અને કૉંગ્રેસના ગઠબંધનથી ચાલે છે. જ્યારે નર્મદા જિલ્લા પંચાયતમાં બીટીપીની બહુમતી છે. આ ઉપરાંત ઝગડિયા, વાલિયા, નેત્રંગ અને ડેડિયાપાડા તાલુકા પંચાયતમાં બીટીપીનું વર્ચસ્વ છે.

ઔવેસીની પાર્ટી હૈદરાબાદની સ્થાનિક પાર્ટી હતી જેને મુસ્લિમોનું ખૂબ મોટું સમર્થન મળે છે.

હાલમાં તેણે પોતાનો વિસ્તાર વધાર્યો છે. ગત લોકસભાની ચૂંટણીમાં હૈદરાબાદની બહાર મહારાષ્ટ્રમાં એક બેઠક પર પાર્ટીએ જીત મેળવી હતી. જ્યારે તાજેતરમાં યોજાયેલી બિહાર વિધાનસભાની ચૂંટણીમાં પાંચ બેઠક પણ જીતી હતી. હાલ તેઓ પશ્ચિમ બંગાળની ચૂંટણીની તૈયારી રહ્યા છે.

ભાજપ અને કૉંગ્રેસને ફાયદો થશે કે નુકસાન?

રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે ગુજરાતમાં બીટીપી અને એમઆઈએમનું ગઠબંધન થવાથી કૉંગ્રેસના મત ચોક્કસ પણે તૂટી શકે છે.

રાજકીય વિશ્લેષક ફયસલ બકીલી કહે છે કે કૉંગ્રેસને નુકસાન થવાનું નક્કી છે. કારણ કે મુસ્લિમ અને આદિવાસી, જે કૉંગ્રેસની મતબૅન્ક છે, તેમાં આ બંને પાર્ટી સાથે આવવાથી ભાગ પડશે. જેના કારણે ભાજપને ફાયદો થશે.

દક્ષિણ ગુજરાતના રાજકીય વિશ્લેષક મનોજ મિસ્ત્રી કહે છે કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય કે કોઈ પણ ચૂંટણી, ભરૂચ અને ડાંગના આદિવાસી વિસ્તાર જ્યાં છોટુભાઈનો દબદબો છે ત્યાં તેમને ફાયદો થશે.

તેઓ કહે છે, બીટીપી સાથે કૉંગ્રેસે જે કર્યું તેના રીએક્શન તરીકે ઔવેસી સાથે ગઠબંધન થઈ રહ્યું છે. એ વિસ્તારમાં ઔવેસીની એટલી પકડ નથી કે તેઓ મોટું પરિવર્તન કરી શકે, પરંતુ ભરૂચના મુસ્લિમ નેતાઓનો કૉન્ફિડન્સ થોડો વધશે. જ્યારે બાકીના આદિવાસી વિસ્તારમાં ખ્રિસ્તી લોકો વધારે છે માટે કોઈ એવી અસર થશે નહીં.

બીજી તરફ રાજકીય વિશ્લેષક જગદીશ આચાર્ય કહે છે કે, "બીટીપીનું પ્રભુત્વ આદિવાસી વિસ્તારમાં છે, જ્યારે ઔવેસીની પાર્ટીનું પ્રભુત્વ મુસ્લિમ વિસ્તારમાં હોવાથી કૉંગ્રેસની જે મુખ્ય મત બૅન્ક છે તેની પર મોટી અસર થશે. કૉંગ્રેસના પાંચથી દસ ટકા મતો પર અસર પડી શકે છે."

બંને લોકો માને છે કે કૉંગ્રેસના મત તોડવાથી ભાજપને તેનો ફાયદો થવાનો છે.

બંને રાજકીય વિશ્લેષક માને છે કે ઔવેસી એટલી મોટી અસર નહીં કરી શકે.

જગદીશ આચાર્ય કહે છે, "ચૂંટણી લડવા માટે મોટા નેટવર્કની જરૂર હોય છે, પણ ઔવેસીની પાર્ટી પાસે ગુજરાતમાં મોટું નેટવર્ક નથી એટલે કાંઈ એટલી મોટી જીત નહીં મળી શકે."

ફયસલ બકિલી કહે છે કે, "ઔવેસીની પાર્ટીની સોશિયલ મીડિયામાં હાજરી છે પરંતુ ગુજરાતમાં કોઈ એવો ચહેરો નથી કે કોઈ સંગઠન નથી માટે એમને એક પણ સીટ નહીં મળે."

જગદીશ આચાર્ય એમ પણ કહે છે કે આ નાની પાર્ટીઓના ગઠબંધન લાંબા સમય સુધી ટકતા હોતા નથી. બીટીપી પહેલાં કૉંગ્રેસ સાથે હતી. પછી ભાજપ સાથે જોડાઈ. આમ, જોડાણ બદલાતું રહે છે. માટે હાલ ચૂંટણી છે તો ત્યાં સુધીનું ગઠબંધન રહી શકે છે.

શું હશે ગઠબંધનનું ભવિષ્ય?

આ ગઠબંધનની ભવિષ્યની અસર વિશે વાત કરતા જગદીશ આચાર્ય કહે છે, "લાંબા ગાળે આદિવાસી અને મુસ્લિમ મત એક થાય તો દક્ષિણ ગુજરાતની બે ત્રણ બેઠકો પર આ પાર્ટી ચૂંટણી જીતી શકે છે."

તેના કારણ આપતા તેઓ કહે છે, "બંને પાર્ટીઓનો બેઝ નાનો છે. આદિવાસીઓને હિંદુઓની મત બૅન્કથી અલગ કરીને મુસ્લિમ સાથે જોડી. હિંદુત્વના મતને નબળા પાડવામાં આવે તો આગામી દિવસોમાં ડાંગ કે દક્ષિણ ગુજરાતમાં ફાયદો થશે."

ફયસલ બકીલી બંને પાર્ટીઓના ગઠબંધનના ભવિષ્ય પર કહે છે, "આની અસર ભવિષ્યમાં ભરૂચની લોકસભાની સીટ પર થઈ શકે છે. ત્યાં મુસ્લિમ અને આદિવાસી મતો એકઠા થાય અને તે બીટીપીને મળે."

ભાજપ અને કૉંગ્રેસ શું કહે છે?

ગુજરાતના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ સોશિયલ મીડિયામાં કહ્યું કે "આ પરેશાન થયેલા ભાજપની બી ટીમ છે. બીટીપી પ્લસ એઆઈએમઆઈએમ એટલે ભાજપ. અમે સારી રીતે જાણીએ છીએ. લોકો આખી રમત જોઈ રહ્યા છે. અમે જ ચૂંટણી જીતીશું."

બીજી તરફ ગુજરાત ભાજપના પ્રમુખ સી. આર. પાટીલે કહ્યું હતું કે તેમને ચૂંટણી લડવા દો. આ લોકશાહી છે અમે તેમની સામે લડીશું.

ભાજપને આનાથી લાભ થવાના પ્રશ્ન પર તેમણે કહ્યું, "અમે આ પ્રકારે આને જોતા નથી. અમે ખૂબ મહેનત કરીએ છીએ અમારો વિકાસનો ઍજન્ડા બોલે છે."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો