પશ્ચિમ બંગાળ : કૉંગ્રેસનું ગઠબંધન અમિત શાહની બાજી બગાડી શકશે?

    • લેેખક, સરોજ સિંહ
    • પદ, બીબીસી સંવાદદાતા

પશ્ચિમ બંગાળમાં આગામી વર્ષે ચૂંટણી થવાની છે અને રાજકીય ગરમાવો અત્યારથી તેજ થઈ રહ્યો છે.

એક તરફ ભાજપના રાષ્ટ્રીય નેતાઓ બંગાળની મુલાકાત કરતા રહે છે, બીજી તરફ ટીએમસી પણ ભાજપને જવાબ આપવામાં કોઈ કસર છોડતી નથી.

આ દરમિયાન કૉંગ્રેસ અને લેફ્ટ પાર્ટીએ પણ વિધાનસભાની ચૂંટણી માટે ગઠબંધનનું એલાન કર્યું છે.

કૉંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ ગુરુવારે ટ્વીટર પર લખ્યું કે આ ગઠબંધન માટે કૉંગ્રેસના હાઈકમાન્ડે મંજૂરી આપી દીધી છે.

એટલે કે પશ્ચિમ બંગાળમાં આવનારી વિધાનસભા ચૂંટણીમાં હવે મુકાબલે ત્રિકોણીય થવા જઈ રહ્યો છે. ટીએમસી, ભાજપ અને લેફ્ટ-કૉંગ્રેસનું ગઠબંધન.

એવું નથી કે લેફ્ટ અને કૉંગ્રેસ પશ્ચિમ બંગાળમાં પહેલી વાર સાથે આવ્યો હોય. અગાઉ 2016ની વિધાનસભા ચૂંટણી પણ બંને પાર્ટીએ સાથે મળીને લડી હતી.

જોકે 2019ની લોકસભા ચૂંટણીમાં તેઓ અલગ થઈ ગયા હતા. હવે 2021ની વિધાનસભામાં ફરી સાથે આવી રહ્યા છે.

આ માટે બંને પાર્ટીઓના 'મિલન-અલગ થવું-મિલન'ની રાજનીતિ અને રણનીતિ સમજવી જરૂરી છે.

કૉંગ્રેસ-લેફ્ટ કોનો ખેલ બગાડશે?

વર્ષ 2011માં જ્યારે તૃણમૂલ કૉંગ્રેસ સત્તામાં આવી એ અગાઉ પશ્ચિમ બંગાળ લેફ્ટનો ગઢ માનવામાં આવતું હતું.

પણ ધીરેધીરે તેની શાખ એવી ઘટી કે વિધાનસભામાં મુખ્ય વિપક્ષ પાર્ટી પણ ન રહી. આજે અસ્તિત્વ બચાવવાની નોબત આવી ગઈ છે.

પશ્ચિમ બંગાળની રાજનીતિ પર પક્કડ ધરાવતા વરિષ્ઠ પત્રકાર જયંતો ઘોષાલ કહે છે, "બંગાળમાં હાલમાં કૉંગ્રેસ અને લેફ્ટ મુખ્ય વિપક્ષી દળ છે. મમતા બેનરજી સત્તાવિરોધી લહેરનો સામનો કરી રહ્યાં છે. જો તેમની સાથે મળીને ગઠબંધન કરત તો કદાચ કૉંગ્રેસ અને લેફ્ટનું રાજકીય અસ્તિત્વ સાવ ખતમ થઈ જતું. એટલા માટે બંને પાર્ટીઓએ તૃણમૂલ કૉંગ્રેસને પડકાર આપવા માટે એક થવું પડ્યું છે."

તેઓ વધુમાં કહે છે, "આ ગઠબંધન સામે સૌથી મોટો પડકાર એ છે કે તેમના માટે ભાજપ સૌથી મોટો પડકાર છે કે તૃણમૂલ કૉંગ્રેસ. ગઠબંધને એ અંગે નક્કી કરવું પડશે."

હાલમાં બંને પાર્ટીઓ સમાન અંતર રાખીને ચાલવાની રણનીતિ પર કામ કરી રહ્યા છે. પણ તેમની આ રણનીતિથી તૃણમૂલને નુકસાન થશે કે ભાજપને એ કહેવું મુશ્કેલ છે.

જયંતો ઘોષાલ કહે છે, "ભાજપના હિંદુ વોટ છે અને કૉંગ્રેસના પણ. એ જ રીતે તૃણમૂલ કૉંગ્રેસ પાસે પણ મુસ્લિમ વોટ છે અને લેફ્ટ પાસે પણ."

"આ ગઠબંધન અન્ય પાર્ટીઓના મત કાપશે કે પછી પોતાનું અસ્તિત્વ બચાવવામાં સફળ થશે? આ સૌથી મોટો સવાલ છે. રાજ્યમાં ભાજપના વધતા પ્રભાવે મુકાબલાને વધુ રસપ્રદ બનાવી દીધો છે."

વિધાનસભા અને લોકસભાની ચૂંટણી તસવીર

હકીકતમાં છેલ્લાં પાંચ વર્ષમાં પશ્ચિમ બંગાળમાં રાજકીય સમીકરણ ઝડપી બદલાયાં છે.

વર્ષ 2016ની વિધાનસભા ચૂંટણીમાં કુલ 293 સીટોમાંથી તૃણમૂલ કૉંગ્રેસ 211 સીટ જીતીને સૌથી મોટી પાર્ટી બની હતી. કૉંગ્રેસને 44 સીટ, લેફ્ટને 32 સીટ અને ભાજપને 3 સીટ મળી હતી.

વોટશૅરની વાત કરીએ તો તૃણમૂલ કૉંગ્રેસને અંદાજે 45 ટકા વોટશૅર મળ્યા હતા.

લેફ્ટ પાસે વોટશૅર 25 ટકા હતો, પણ સીટો ઓછી હતી. કૉંગ્રેસ પાસે 12 ટકાની આસપાસ હતો. પણ તેને લેફ્ટથી વધુ સીટ મળી હતી. ભાજપનો વોટશૅર અંદાજે 10 ટકા હતો.

વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં આ બધાં સમીકરણ બદલાઈ ગયાં. કુલ 40 સીટોમાંથી તૃણમૂલ કૉંગ્રેસને 22 સીટ મળી, ભાજપને 18 અને કૉંગ્રેસને 2 સીટ. લેફ્ટ ખાતું પણ ખોલી શકી નહોતી.

તૃણમૂલ કૉંગ્રેસનો વોટશૅર 43 ટકા હતો અને ભાજપનો 40 ટકા. એટલે કે બંને પાર્ટી વચ્ચે માત્ર ત્રણ ટકા વોટશૅરનું અંતર હતું. કૉંગ્રેસ અને લેફ્ટ પાર્ટીનો વોટશૅર 10 ટકાથી નીચે રહી ગયો હતો.

આ કારણે આ વખતે બંગાળ વિધાનસભામાં ભાજપની આશા બુલંદ છે અને અમિત શાહ 200+ સીટ જીતવાનો નારો આપી રહ્યા છે.

ચૂંટણી આંકડાઓનું વિશ્લેષણ કરનારા અને સેન્ટર ફૉર ધ સ્ટડી ઑફ ડેવલપિંગ સોસાયટીઝમાં પ્રોફેસર સંજય કુમાર કહે છે, "સામાન્ય રીતે પાર્ટીનો વોટશૅર વિધાનસભા અને લોકસભા ચૂંટણીમાં બરાબર રહેતો નથી."

"એ મોટા ભાગે ત્યારે બરાબર રહે છે કે જ્યારે લોકસભા અને વિધાનસભા ચૂંટણી છ મહિનાની અંદર થઈ હોય."

"વિધાનસભા ચૂંટણીમાં મતનું વિભાજન પણ લોકસભા ચૂંટણી કરતાં ઓછું રહે છે. આથી વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીના વોટશૅરમાં ઘટાડો જોવા મળે છે."

એવામાં લેફ્ટ-કૉંગ્રેસનું ગઠબંધન થોડું ચિંતિત જણાઈ આવે છે.

ગઠબંધનનું ભાજપ માટે શું મહત્ત્વ?

જોકે વરિષ્ઠ પત્રકાર મહુઆ ચેટરજી અનુસાર, 2019ની લોકસભા ચૂંટણીના આંકડાઓ પર ભાજપે ખુશ થવાની જરૂર નથી. 2019માં ભાજપની જીત તેની એકલી નહોતી, પણ લેફ્ટની મદદ પણ મળી હતી. આવો મહુઆનો દાવો છે.

આ વાતને વિસ્તારથી સમજાવતા તેઓ કહે છે, "લેફ્ટના કાર્યકરોમાં એકલા તૃણમૂલ કૉંગ્રેસનો મુકાબલો કરવાની ક્ષમતા નથી. એટલે તેઓએ ભાજપના સહારે મમતાને સીમિત કરવાની કોશિશ કરી હતી."

"અંદરખાને પાર્ટીના કાર્યકરોનો નારો હતો, '19માં હાફ, 21માં સાફ.' મતબલ કે 2019માં મમતા બેનરજી અડધી સીટ પર આવી જશે અને 21માં સાફ થઈ જશે. સત્તાવાર રીતે આ વાતનો કોઈ પાર્ટીએ ક્યારેય સ્વીકાર ન કર્યો."

મહુઆએ 2019માં આ અંગે ટાઇમ્સ ઑફ ઇન્ડિયામાં એક સમાચાર પણ છાપ્યા હતા. બાદમાં લેફ્ટ પાર્ટી તરફથી આ સમાચારનું ખંડન પણ કરવામાં આવ્યું હતું.

જોકે આજે લેફ્ટ પાર્ટીનો એ જ દાવ તેના માટે ઊંધો પડી ગયો છે. આજે પશ્ચિમ બંગાળમાં લેફ્ટ-કૉંગ્રેસ ગઠબંધન સામે ન માત્ર મમતા બેનરજીને હરાવવાનો પડકાર છે, પણ ભાજપથી ખુદને બચાવવાની પણ મજબૂરી છે. જેથી કમસે કમ તે મુખ્ય વિપક્ષી પાર્ટી બની રહે.

તેઓ કહે છે, "2016માં લેફ્ટ અને કૉંગ્રેસનું ગઠબંધન ચૂંટણીના કેટલાક દિવસ પહેલાં થયું હતું. મોડું થવાથી લેફ્ટની કૅડરમાં આ વાત નીચે સુધી પહોંચી નહોતી. કૉંગ્રેસને લેફ્ટના મત તો મળ્યા પણ લેફ્ટને કૉંગ્રેસના મત ટ્રાન્સફર થઈ શક્યા નહોતા. આથી કૉંગ્રેસની સીટ લેફ્ટ કરતાં વધુ આવી હતી."

મહુઆનું માનીએ તો ભાજપ પાસે આજે પણ બંગાળમાં પોતાની સ્થાનિક સ્તરે એટલી તાકાત નથી, જે એ કહી રહ્યો છે. બંગાળમાં લેફ્ટ પાસે પોતાની વોટબૅન્ક પહેલાં પણ હતી અને આજે પણ છે. કૉંગ્રેસ ભલે કોઈ એક જગ્યાએ જ મજબૂત હોય. જો સારી રીતે ગઠબંધન પોતાના કાર્યકરો અને વોટબૅન્કનો ઉપયોગ કરે તો તેમનું પ્રદર્શન સારું થઈ શકે છે.

ખેડૂત આંદોલન- કેટલો મોટો મુદ્દો

ઉદાહરણ તરીકે મહુઆ કહે છે કે ખેડૂતોના મુદ્દાનો લેફ્ટ-કૉંગ્રેસ ગઠબંધન બંગાળમાં પોતાના પક્ષમાં માહોલ બનાવવા ઉપયોગ કરી શકે છે.

બંગાળમાં 70 ટકા વસતી કૃષિ પર નિર્ભર રહે છે.

તો શું દિલ્હીમાં છેલ્લા એક મહિનાથી ચાલતું આંદોલન બંગાળમાં ચૂંટણીનો મુદ્દો બની શકે છે?

જયંતો ઘોષાલ કહે છે, "કોઈ પણ ચૂંટણી કોઈ એક મુદ્દા પર લડી ન શકાય. ઘણા મુદ્દા હોય છે. નવા કૃષિકાયદા તેમાંથી એક મુદ્દો ચોક્કસ છે."

એ વાત પર ધ્યાન આપવું જોઈએ કે તૃણમૂલ કૉંગ્રેસ હોય કે લેફ્ટ- બંને પાર્ટીની પૃષ્ઠભૂમિમાં 'લૅન્ડ રિફૉર્મ' એક મહત્ત્વનો મુદ્દો રહ્યો છે.

જમીન આંદોલનમાંથી નીકળેલી પાર્ટીઓ

વર્ષ 1960ના દશકમાં લેફ્ટ પાર્ટીએ બ્રિટિશ શાસનના સમયથી ચાલી આવતી જૂની જમીનદારી પ્રથા, પર્મેનન્ટ સેટલમૅન્ટ જેવા કાયદાનો વિરોધ કરવાનું શરૂ કર્યું હતું.

વર્ષ 1977માં જ્યારે તે સત્તામાં આવી તો નાના ખેડૂતોને તેમની જમીનનો માલિકહક અપાવ્યો.

બંગાળમાં લેફ્ટ પાર્ટીની સફળતા માટે અનેક કારણોમાંથી આ જમીનસુધારકાર્યને એક મહત્ત્વનું માનવામાં આવે છે.

તેના સૌથી મોટા નેતા બિનૉય ચૌધરીને બંગાળના લોકો આજે પણ લૅન્ડ રિફૉર્મ મિનિસ્ટરના રૂપમાં યાદ કરે છે.

આગળ જતા આ નાની-નાની જમીનના ટુકડાઓ અને તેના અલગઅલગ માલિકહકને કારણે લેફ્ટને ઔદ્યોગિકીકરણમાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો.

ખેડૂતોની આ જમીન અધિગ્રહણની લડાઈ સિંગુરમાં મમતા બેનરજીએ લડી અને પોતાની રાજકીય તાકાત તૈયાર કરી.

જોકે દિલ્હીમાં ચાલતા ખેડૂત આંદોલનના મુદ્દાઓ બંગાળથી થોડા અલગ છે.

બંગાળમાં ધાન્યની સાથેસાથે શાકભાજી ઉગાડવામાં આવે છે. પંજાબ-હરિયાણાના ખેડૂતો કરતાં બંગાળમાં ખેડૂતોની આર્થિક સ્થિતિ થોડી નબળી છે.

હાલમાં દિલ્હીમાં બેસેલા ખેડૂતોનો મુખ્ય મુદ્દો એમએસપીને લઈને છે.

જોકે આ મુદ્દાનો લાભ લેવાનો મમતા બેનરજી પૂરો પ્રયત્ન કરી રહ્યાં છે. શરદ પવાર પણ તેમનો સાથ આપી રહ્યા છે.

આવનારા દિવસોમાં કૉંગ્રેસ અને અન્ય વિપક્ષી પાર્ટીઓને એકસાથે લાવીને એક બિનરાજકીય લડાઈ લડવાના પ્રયાસો પણ થઈ રહ્યા છે. બીબીસી સાથેની વાતમાં જયંતો ઘોષાલે આ વાત કરી હતી.

ભાજપ જે રીતે બંગાળમાં ખૂલીને રાજકીય ખેલ રમી રહ્યો છે, તેની પીચ પર માત્ર ખેડૂતોનો એક મુદ્દો છે, જેના પર તેમને બૅકફૂટ પર ધકેલી શકાય છે.

આવું મમતા બેનરજી અને લેફ્ટ બંનેને લાગે છે. બંને વિપક્ષી પાર્ટીઓએ આ દિશામાં કામ કરવાનું પણ શરૂ કરી દીધું છે.

તૃણમૂલ કૉંગ્રેસ સાથે ગઠબંધન

જો ભાજપની સામે તૃણમૂલ કૉંગ્રેસ અને લેફ્ટ એક જ મુદ્દો ઉઠાવી રહ્યા છે, તો પછી ત્રણેય પાર્ટીઓ એકસાથે કેમ નથી આવતી? આવું કરવાથી તેઓ ભાજપ કરતાં વધુ સીટો જીતી શકે છે.

આ સવાલ પર જયંતો ઘોષાલ કહે છે, "ત્રણેય પાર્ટીઓ સાથે લડે તો લેફ્ટ-કૉંગ્રેસને ફાયદો થશે. કૉંગ્રેસના દિલ્હીના નેતા ઇચ્છતા હતા કે કૉંગ્રેસ મમતા બેનરજી સાથે ગઠબંધન કરે. પણ તેના માટે અધીર રંજન ચૌધરી અને બંગાળ કૉંગ્રેસના સ્થાનિક નેતાઓ તૈયાર ન થયા."

"બીજી તરફ મમતા બેનરજી પણ કૉંગ્રેસ અને લેફ્ટ સાથે ગઠબંધન માટે તૈયાર નહોતાં. હવે તેમને પણ લાગે છે કે તૃણમૂલ એકલી ભાજપ માટે પૂરતી છે."

એ બધા જાણે છે કે અધીર રંજન ચૌધરી અને મમતા બેનરજીને બનતું નથી, પણ સોનિયા ગાંધી અને મમતા બેનરજી વચ્ચે સારી કૅમિસ્ટ્રી છે. પછી 2024 પણ દૂર નથી, જ્યારે નરેન્દ્ર મોદી સામે લડવા માટે વિપક્ષને એક થવું પડશે.

ચૂંટણી પછી શું સમીકરણ બને છે, એના પર પણ ઘણું નિર્ભર કરશે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો