You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ખેડૂત આંદોલન : ભાજપની જાહેરાતના એ 'ખુશ ખેડૂત' જે દિલ્હીમાં ધરણાં કરે છે - ફૅક્ટ ચેક
તાજેતરમાં પંજાબ ભાજપના સોશિયલ મીડિયા હૅન્ડલ પર એક તસવીરવાળી જાહેરાત મૂકવામાં આવી હતી. જેને લઈને વિવાદ પણ થયો.
તસવીરમાં પંજાબના એક ખુશાલ ખેડૂત અને ખેતપેદાશોના ભાવ તથા એમએસપી વિશેની સમાગ્રી હતી.
નરેન્દ્ર મોદી સરકારે પસાર કરેલા કૃષિકાયદાઓનો વિરોધ થઈ રહ્યો છે ત્યારે આ જાહેરાત નવા કૃષિ કાયદાથી પંજાબના ખેડૂતો ખુશ હોવાની વાત દર્શાવવા માટે પ્રકાશિત કરાઈ હતી.
પરંતુ હવે આ જાહેરાત વિવાદિત થઈ ગઈ છે કારણે જાહેરાતમાં જે ખેડૂતની તસવીર મૂકવામાં આવી છે અને જેમને ખુશ બતાવવામાં છે, તેઓ ખરેખર દિલ્હી સરહદે ચાલી રહેતા ખેડૂત આંદોલનમાં ખેડૂતો સાથે આંદોલન કરી રહ્યા છે.
વિવાદ શું છે?
કેટલાક દિવસો પહેલા ભાજપના ફેસબુક પેજ પર એક જાહેરાત પોસ્ટ થઈ હતી. તેમાં ટાઇટલ હતું કે 'ખુશાલ કિસાન, સમૃદ્ધ રાષ્ટ્ર.'
વળી તેમાં વર્ષ 2020-2021 માટે એમએસપી મૂલ્યોની ખરીદી અને ભાવની વિગતો પણ હતી.
જોકે સૌથી રસપ્રદ વાત એ છે કે તેમાં એક પંજાબી ખેડૂતની તસવીર હતી. તસવીરમાં તે ખેડૂત ખુશ દર્શાવાયા છે.
જોકે તસવીર વાઇરલ થતાં એ ખેડૂત પાસે પહોંચી જેમની તસવીર આ જાહેરાતમાં ઉપયોગ લેવામાં આવી છે. તેમને જાણ થતાં તેમણે જે સ્પષ્ટીકરણ આપ્યું તેનાથી વિવાદ વધુ ચર્ચાસ્પદ બન્યો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જાહેરાતમાં જે ખેડૂતને સરકારની નીતિઓ અને કાયદાથી ખુશ દર્શાવાયા છે, તેઓ ખરેખર કેન્દ્ર સરકારથી નારાજ હોઈ ખેડૂત આંદોલનમાં ધરણાં કરી રહ્યાં છે.
બીબીસી પંજાબી સર્વિસના સંવાદદાતા જસપાલ સિંહે આ ખેડૂત સાથે વાતચીત કરી અને સમગ્ર બાબત જાણવાની કોશિશ કરી.
કોણ છે આ ખેડૂત?
જાહેરાતમાં જેમની તસવીરનો ઉપયોગ થયો છે તેમનું નામ હરપ્રીત સિંહ છે અને તેઓ પંજાબના હોશિયારપુર જિલ્લાના રહેવાસી છે.
તેમણે પોતાના વિશે જણાવતા કહ્યું, "હું ફિલ્મ મેકર છું. પંજાબના હોશિયારપુર જિલ્લાથી છું. ઍક્ટિંગ પણ કરું છું. ફ્રીલાન્સ પણ કરું છું. અહીં કેટલાક દિવસથી - હું બે સપ્તાહથી છુ. અહીં ફોટોગ્રાફી કરી અને મિત્રો માટે ઍરિયલ ફૂટેજ પણ લીધું છે."
તસવીરના વિવાદ અને હકીકત વિશે પૂછતા તેમણે કહ્યું કે તેમની પરવાનગી વગર તસવીરનો ઉપયોગ જાહેરાતમાં કરાયો છે.
તેમણે જણાવ્યું," મને પૂછ્યા વગર તેમણે જાહેરાતમાં તસવીર લીધી છે. મને 21 તારીખે રાત્રે મિત્રએ વૉટ્સએપ પર તસવીર મોકલી અને જાણ કરી પછી ખબર પડી."
"આ 6-7 વર્ષ જૂની તસવીર છે. મારા મિત્રએ તેને ખેંચી હતી. પછી ત્યારે મેં તેને સોશિયલ મીડિયા પર મૂકી હતી. જ્યાં સુધી તસવીરના દુરુપયોગની વાત છે તો પહેલા તેમનો મુદ્દો હતો કે આંદોલન કરતા ખેડૂતોને ખાલિસ્તાની કહ્યાં પણ તે મુદ્દો ફેલ થઈ ગયો એટલે એમણે હવે બીજી રીત અપનાવી. હવે તેમણે ખુશ ખેડૂત બતાવવાની કોશિશ કરી. એવું બતાવવા માગે છે કે પંજાબના ખેડૂતો ખુશ છે, આંદોલન કરનારા તો દલાલ અને અન્ય લોકો છે."
"વળી પાઘડી-દાઢી સાથે સરદારની તસવીર છે. એટલે લાગે છે કે તે પંજાબને દર્શાવે છે. એટલે ચાલ એવી છે કે તેઓ વિશ્વને બતાવવા માગે છે કે પંજાબનાં ખેડૂતો તો ઘણાં ખુશ છે."
"મુદ્દો મોટો છે. તેઓ પંજાબના લોકો ખુશ છે એવું બતાવવાની ચાલ રમી રહ્યા છે. આથી મેં સોશિયલ મીડિયા પર એક સંદેશ મૂક્યો છે કે લોકો ભાજપના પંજાબના ફેસબુક પેજ પર જઈને રિપોર્ટ કરે. અને મારા મિત્ર વકીલને પણ વાત કરી છે. અમે લીગલ નોટિસ પણ મોકલીશું."
આંદોલન વિશે વધુ વાત કરતા હરપ્રીત કહે છે," અમારે કાયદો રદ કરાવીને જ જવું છે. અમે ખેતીનું કામકાજ છોડીને આવ્યા છે પરિવારથી દૂર છીએ એટલે સરકાર ખેડૂતોની વાત માની કાયદા રદ કરે તે જરૂરી છે. અમારે કાયદામાં કોઈ સુધારો નથી જોઈતો."
અત્રે ઉલ્લેખનીય છે કે સોશિયલ મીડિયામાં ભાજપે પોસ્ટ કરેલી આ જાહેરાત પર ઘણી ચર્ચાઓ થઈ અને વિવાદ પણ થયો છે.
દરમિયાન વડા પ્રધાન મોદીએ 25મી તારીખે ખેડૂતો સાથે વાતચીત કરવાની તૈયારી પણ દર્શાવી છે અને તેનું પ્રસારણ કરવાની પણ વાત થઈ રહી છે.
જ્યારે કોઈ અજાણી મહિલાને ભાજપના સાંસદે કાશ્મીરી મહિલા તરીકે દર્શાવી..
જોકે જ્યાં સુધી જાહેરાતમાં અજાણી વ્યક્તિઓની તસવીરોના આવા ઉપયોગની વાત છે, તો આવું પહેલી વાર નથી બન્યું કે કોઈ વ્યક્તિની જાણ બહાર જાહેરાતમાં તેની તસવીર વાપરવામાં આવી હોય.
ભૂતકાળમાં ભાજપના સાંસદ વિજય ગોયલે પણ કાશ્મીરની કલમ 370 મામલેના એક હૉર્ડિંગની તસવીર સોશિયલ મીડિયામાં શૅર કરી હતી.
તેમાં તેમણે લખ્યું હતું,"ધારા 370 કા જાના, તેરા મુસ્કુરાના (કલમ 370 હઠવી અને તારું સ્મિત કરવું.)"
આ લખાણ સાથે તેમણે એક હૉર્ડિંગની તસવીર મૂકી હતી જેમાં એક મહિલા કાશ્મીરી પહેરવેશમાં છે અને સ્મિત કરી રહ્યાં છે.
જોકે દિલ્હી મહિલા પંચનું ધ્યાન જતા તેમણે રાજ્યસભાના સાંસદ ગોયલની ટીકા પણ કરી હતી. આ પોસ્ટર તેમના નિવાસસ્થાને જ લાગ્યું હતું.
8મી ઑગસ્ટે તેમણે આ તસવીર ટ્વીટ કરી હતી. જોકે વેબસાઇટે 'ઑલ્ટ ન્યૂઝ'ની તપાસમાં આ મહિલાની તસવીર જૂની હોવાનું બહાર આવ્યું હતું.
વેબસાઇટે પ્રકાશિત કહેલા અહેવાલ અનુસાર કોઈ એક વ્યક્તિએ કાશ્મીર પર બ્લૉગ લખ્યો હતો, તેમાં આ તસવીર વાપરવામાં આવી હતી. વળી તસવીર કાશ્મીરી મહિલાની નહીં હોવાનું પણ અહેવાલમાં કહેવાયું હતું.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો