વાઇરસ કેમ સ્વરૂપ બદલે છે અને તે ચિંતાનો વિષય કેમ છે?

    • લેેખક, હેલેન બ્રિગ્સ
    • પદ, બીબીસી પર્યાવરણ સંવાદદાતા

બ્રિટનમાં મળી આવેલા કોરોના વાઇરસના નવા વેરીઅન્ટ યાને કે પ્રકાર કે સ્વરૂપે મહામારીમાં ચિંતા વધારી છે.

જ્યારથી મહામારી શરૂ થઈ છે ત્યારથી વૈજ્ઞાનિકો કોરોના વાઇરસના જનીન સ્વરૂપોમાં આવી રહેલા બદલાવનો અભ્યાસ કરી તેના પર નજર રાખી રહ્યા છે.

બધા જ વાઇરસ કુદરતી સ્વરૂપો બદલે છે અને સાર્વ-કોવિ-2 પણ તેમાંથી બાકાત નથી. તે એક મહિનામાં બેથી ત્રણ વખત બદલાય છે.

વાઇરસના ગુણધર્મોમાં ઓછી અસર છોડે તો પણ સ્વરૂપમાં બદલાવ એક સામાન્ય રીતે ઘટના છે.

ડૉ. લૂસી વાન ડોર્પ અનુસાર મોટાભાગના માત્ર વાહક જ હોય છે. તેઓ યુનિવર્સિટી કૉલેજ લંડનમાં વાઇરસના ઉદભવ અને ઉત્ક્રાંતિ વિષયનાં નિષ્ણાત છે.

તેઓ કહે છે, "મ્યુટેશન એટલે કે જનિનકોડમાં બદલાવ ભાગ્યે જ ખરાબ પરિણમે છે. અત્યાર સુધી સાર્વ-કોવિ-2ના જેટલા મ્યુટેશન જોયા છે તેમાં તેઓ મોટાભાગે વાઇરસ વાહક જ બન્યાં છે."

"તેઓ વાઇરસનો મુખ્ય ગુણધર્મ નથી બદલતા. તેઓ માત્ર તેના વાહક બને છે."

જોકે ક્યારેક તેનો બદલાવ વાઇરસને એ રીતે ફાયદો પહોંચાડે છે જેમાં તે તેની ટકી રહેવાની અને વૃદ્ધિ કરવાની ક્ષમતા વધી જાય છે.

ડૉ. લૂસી કહે છે,"કુદરતી રીતે જ પછી વાઇરસને વૃદ્ધિ પામવા માટેનાં પરિબળો મળી જતાં તેની વૃદ્ધિ પામવાની ક્ષમતામાં વધારો થઈ જાય છે."

હવે યુકેના વેરીઅન્ટ (વાઇરસ સમૂહનો પ્રકાર) બી.1.1.7 અથવા BUI-202012/01 માટે આવું થયું છે કે નહીં તે સંશોધન પછી જાણી શકાશે. કેમ કે તે સામાન્ય કરતા વધારે ઝડપથી પ્રસરે છે.

જનીનમાં જે મ્યુટેશન થાય છે તેમાં સ્પાઇક પ્રોટીન માટે મહત્ત્વપૂર્ણ હોય છે આથી આ બાબતની જાણકારી મહત્ત્વની અને ચિંતાજનક પણ હોય છે. કેમ કે વાઇરસ મનુષ્યના શરીરમાં દાખલ થવા માટે તેનો ઉપયોગ કરે છે.

અગાઉ પણ મ્યુટેશન થયા છે પરંતુ આટલી નિશ્ચિત સંખ્યા અને સંયોજનમાં નથી થયા.

આ નવો પ્રકાર 14 વખત બદલાઈ ચૂક્યો છે અને એમિનો એસિડમાં એટલે કે પ્રોટીન બનાવતા બ્લૉક્સમાં ફેરફાર કરે છે. તેમાં ત્રણ ડિલેશન એટલે જિનેટિક કોડના કેટલાક ભાગ નથી મળી રહ્યાં.

વિશ્વ આરોગ્ય સંસ્થા અનુસાર કેટલાક મ્યુટેશન વાઇરસને ઝડપથી ફેલાવવા માટે પ્રભાવિત કરી શકે છે.

અગાઉ અન્ય દેશોમાં સ્પાઇક પ્રોટીનમાં (જે N501Y તરીકે પણ ઓળખાય છે.) મ્યુટેશન જોવા મળ્યું હતું. પરંતુ વધુ સંખ્યામાં અને સંયોજનમાં તે મ્યુટેશન નહોતું. જે દર્શાવે છે કે એક જ જેવું જ મ્યુટેશન કેટલીક વખત થયું છે અને તેથી તે મહત્ત્વનું છે.

સ્પાઇક પ્રોટીન (P681H)માં થયેલું મ્યુટેશન વિશ્વ આરોગ્ય સંસ્થા અનુસાર જીવનિજ્ઞાનની દૃષ્ટિએ મહત્ત્વનું છે.

69-70ની પૉઝિશનમાં થયેલું ડિલેશન (જિનેટિક કોડના વિલોપ ભાગ) મિંક ફાર્મમાં વ્યાપેલા વાઇરસ સાથે જોડવામાં આવ્યું હતું અને એવા દરદીઓમાં જેઓની રોગ પ્રતિકારક શક્તિ નબળી હોવાથી વાઇરસ તેમાં કેટલોક સમય રહી શકે છે.

ડિલેશન કદાચ જાણકારી આપી શકે છે કે આ નવો પ્રકાર કઈ રીતે ઉત્ક્રાંતિ કરે છે. ખાસ કરીને એવા દર્દીઓ જેમનામાં રોગ પ્રતિકારક શક્તિ ઓછી છે અને જેઓ વાઇરસ સામે લડવામાં અસક્ષમ છે. તેમનામાં વાઇરસ લાંબો સમય મહિનાઓ સુધી રહે. તેમાં મ્યુટેશન પણ થયા કરે છે.

યુકેનો વૈજ્ઞાનિકોનો સમૂહ વાઇરસના સ્વરૂપોમાં થતા બદલાવનું વિશ્લેષણ કરી રહ્યો છે.

તેમાંના જ એક નિષ્ણાત પ્રો. ડેવિડ રોબર્ટસન (યુનિવર્સિટી ઑફ ગ્લાસગો)નું કહેવું છે,"અત્યાર સુધી એવું માનવામાં આવે છે કે ઘાતકી સંક્રમણની બાબતે વાઇરસના મ્યુટેશન સંદર્ભે ઘણી ઉત્ક્રાંતિ થઈ છે. જોકે મિંક (નોળિયા વર્ગનું એક ઉભયચર પ્રાણી) સાથે તેના જોડાણની શક્યતા ઘણી ઓછી છે."

"જોકે, એવા કોઈ પુરાવા નથી કે જેમાં તે મિંક અથવા કોઈ અન્ય પશુમાંથી થયું છે. પણ તેની શક્યતા નકારી પણ ન શકાય."

યુકેના પ્રકારમાં થયેલા મ્યુટેશનનો તેઓ વધુ અભ્યાસ કરી રહ્યા છે. તે ઑસ્ટ્રેલિયા, ડેન્માર્ક, ઇટાલી અને આઇસલૅન્ડ તથા નૅધરલૅન્ડમાં પણ જોવા મળ્યું છે.

વળી વાઇરસમાં આવો જ એક ફેરફાર દક્ષિણ આફ્રિકામાં જોવા મળ્યો છે. તેમાં પણ કેટલાંક આવા જ મ્યુટેશન થયા છે તે પણ ચિંતા સર્જી રહ્યા છે.

એવી શંકા છે કે આ બંને વેરીઅન્ટ ઝડપથી ફેલાઈ રહ્યા છે પણ હજુ તે સ્પષ્ટ નથી થઈ શક્યું.

સાર્સ-કોવિ-2 મામલે વિશ્વના વૈજ્ઞાનિકો જાન્યુઆરી-2020થી અભૂતપૂર્વ અભ્યાસ અને સંશોધન કરી રહ્યા છે. જ્યારથી ચીને તેનો જિનોમ સિક્વન્સ પ્રકાશિત કર્યો હતો ત્યારથી તેઓ સંશોધનમાં છે.

અત્યાર સુધી વૈજ્ઞાનિકોએ કોરોના વાઇરસના 2.50 (અઢી) લાખથી પણ વધારે જિનોમ્સનું સિકવન્સિંગ કર્યું છે. તેને એક જાહેર મંચ પર શૅર કરાય છે.

વ્યક્તિનો સ્વેબ લઈને તેમાંથી વાઇરસનો જિનેટિક કોડ જાણી શકાય છે પછી તેને સિક્વન્સર દ્વારા વાંચવા માટે સંખ્યા વધારવા આવે છે.

અક્ષરોની હારમાળા અથવા ન્યૂક્લિઓટાઇડ્સ જિનોમ્સ અને મ્યુટેશનને સરખાવવામાં મદદ કરે છે.

ડૉ. વાન ડોર્પ કહે છે,"સંયુક્ત પ્રયાસ અને યુકેને લૅબોરેટરીની મદદને કારણે યુકેમાં સામે આવેલો કોરોના વાઇસરનો પ્રકાર ઓળખાઈ ગયો તે સારી વાત છે."

હાલ ખૂબ જ ઝડપથી વૈજ્ઞાનિક જાણકારીઓને વહેંચવામાં આવી રહી છે.

જોકે સૌથી મહત્ત્વનો સવાલ એ છે કે મ્યુટેશન રસીની ક્ષમતાને અસર કરી શકે છે કે નહીં. ઘણા નિષ્ણાતો કહે છે કે આની શક્યતા નથી. ટૂંકા સમય માટે તો આવું નહીં જ થાય એવું તેઓ કહે છે.

ડૉ. ડોર્પ કહે છે,"રસીકરણ ચાલુ થયું છે એટલે એ વાત જરૂરી રહેશે કે આવા વેરીઅન્ટને જલદી ઓળખી લેવાય અને વૅક્સિનને અપગ્રેડ પણ કરી લેવાય."

"જોકે રસીની ડિલિવરી અને અસરકારતાના પુનઃમૂલ્યાંકન માટે વધુ લાંબો સમય જોઈશે. એટલે આ બાબત ખૂબ જ અગત્ય પુરવાર થશે. હાલ કંઈ કહેવું ઘણું ઉતાવળિયું ગણાશે."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો