ખેડૂત આંદોલન : ભારતના ખેડૂતોને બ્રિટનના સાંસદો ટેકો કેમ આપે છે?

    • લેેખક, ગગન સભરવાલ
    • પદ, બીબીસી સંવાદદાતા

બ્રિટનના વડા પ્રધાન આગામી 26 જાન્યુઆરીએ પ્રજાસત્તાકદિનની ઉજવણીમાં ભારતના મહેમાન છે ત્યારે ખેડૂત આંદોલનના નેતાઓએ બોરિસ જોન્સનને ભારતની મુલાકાતે ન આવવાની અપીલ કરી છે.

ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ મુજબ સિંઘુ બૉર્ડર પર ખેડૂત નેતાએ હરવિન્દર સિંહ લાખોવાલે કહ્યું કે, જ્યાં સુધી ખેડૂતોની માગણીઓ પર નીવેડો ન આવે ત્યાં સુધી ભારત ન આવવા તેઓ બ્રિટનના વડા પ્રધાનને અપીલ કરશે.

છેલ્લાં કેટલાંક અઠવાડિયાંથી ભારતમાં ચાલતા ખેડૂત આંદોલનની તસવીરો અને વીડિયો દુનિયાભરમાં પ્રકાશિત થયાં છે. વિશ્વભરના ઘણા નેતાઓ અને ભારતીય મૂળના લોકોએ આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે.

બ્રિટનની સંસદમાં પણ આ મુદ્દો ગાજ્યો છે. બ્રિટિશ સાંસદ તનમનજીત સિંહ ધેસીએ આ અંગે બ્રિટનના વડા પ્રધાન બોરિસ જોન્સનને સવાલ પૂછ્યો હતો અને તે વિશે બ્રિટિશ વડા પ્રધાનના જવાબની પણ ઘણી ચર્ચા થઈ છે.

આ મુદ્દાથી અજાણ લાગતા વડા પ્રધાન બોરિસે જણાવ્યું હતું કે, “આ ભારત-પાકિસ્તાન વચ્ચેનો કોઈ પ્રશ્ન છે અને બંને દેશોએ તેને દ્વિપક્ષીય વાતચીત દ્વારા ઉકેલવો જોઈએ.”

આ ઉપરાંત બ્રિટનના લંડન અને બર્મિંઘમ જેવાં શહેરોમાં ભારતીય મૂળના લોકો, ખાસ કરીને શીખ સમુદાયના લોકોએ ઘણાં વિરોધપ્રદર્શન કર્યાં છે.

લેબર પાર્ટીના વિરેન્દ્ર શર્મા એક બ્રિટિશ રાજનેતા છે જેઓ લંડનના ઇસ્ટ સાઉથોલના સાંસદ છે. ત્યાં 31 ટકા વસતી ભારતીય મૂળના લોકોની છે અને અહીં અંગ્રેજી પછી સૌથી વધુ બોલવામાં આવતી ભાષા પંજાબી છે.

35 સાંસદોએ મુદ્દો ઉઠાવ્યો

શર્મા સહિત 35 સાંસદોએ વિદેશમંત્રી ડોમિનિક રાબ સમક્ષ વિનંતી કરી છે કે તેઓ ખેડૂત સંબંધિત મુદ્દાને ભારત સરકાર સમક્ષ ઉઠાવે.

બ્રિટનના લેબર પાર્ટીના સાંસદ ધેસીએ આ પત્ર લખ્યો હતો જેના અંગે ભારતીય મૂળના વિરેન્દ્ર શર્મા ઉપરાંત લેબર પાર્ટીનાં સીમા મલ્હોત્રા અને વેલેરી વાઝે પણ સહી કરી છે.

બીબીસી સાથે વાત કરતાં વિરેન્દ્ર શર્મા કહે છે, “અમે બ્રિટિશ સંસદના સભ્ય છીએ અને એક બ્રિટિશ સાંસદ તરીકે ભારત અમારા માટે બહારનો દેશ છે. તેનો વહીવટ એ તેની આંતરિક બાબત છે. અમે તેમાં હસ્તક્ષેપ કરી ન શકીએ, આપણે તેમાં હસ્તક્ષેપ કરવો પણ ન જોઈએ અને અમે હસ્તક્ષેપ કરીશું પણ નહીં. જેવી રીતે આપણે નથી ઇચ્છતા કે બ્રિટનના મામલામાં કોઈ બહારના દેશ દખલગીરી કરે.”

“પરંતુ સાથે સાથે હું પ્રથમ પેઢીનો ભારતીય છું જેનો જન્મ પંજાબમાં થયો હતો. ત્યાં જ મોટો થયો, ત્યાર પછી બ્રિટન આવ્યો અને રાજકારણમાં સામેલ થઈ ગયો. પરંતુ મારા સંસદીય ક્ષેત્રના મોટા ભાગના લોકો મારી જ જેમ ભારત સાથે મજબૂત સંબંધો ધરાવે છે.”

ભારતીય મૂળના લોકોનું જોડાણ

શર્મા જેવા પહેલી પેઢીના ભારતીય અપ્રવાસીઓ સારી રીતે જાણે છે કે ભારતીય મૂળના લોકો ભારતના મુદ્દા સાથે સંકળાયેલા છે. તેમના મતક્ષેત્રમાં ઘણા લોકોના પરિવારો હજુ પણ ભારતમાં રહે છે અને આ મુદ્દે તેઓ ગંભીર છે.

તેઓ કહે છે, “અમે આ સમસ્યાનો ઉકેલ નથી આપી રહ્યા. અમે એમ પણ નથી કહી રહ્યા કે ભારતમાં જે થઈ રહ્યું છે તે યોગ્ય છે કે અયોગ્ય. અમે ઇચ્છીએ છીએ કે વિદેશ સચિવ ભારતીય ઉચ્ચાયુક્ત અને દિલ્હીમાં બ્રિટિશ ઉચ્ચાયુક્ત સાથે વાત કરે અને તેમને જણાવે કે ભારતમાં જે કંઈ થઈ રહ્યું છે તે વિશે અમારા સંસદીય ક્ષેત્રના લોકો શું અનુભવે છે.”

ભારતીય ખેડૂતોના મુદ્દાને માત્ર આ 36 સાંસદોએ ઉઠાવ્યો છે એવું નથી.

હાઉસ ઓફ લોર્ડ્સના ઇન્દ્રજિત સિંહે સંસદના ઉપલા ગૃહમાં પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો. પરંતુ બ્રિટનના કેબિનેટ કાર્યાલય મંત્રી લોર્ડ નિકોલસ ટ્રુએ ગૃહમાં જવાબ આપતી વખતે કોઈ પણ દેશની ‘વ્યાપક ટીકા’ કરવાનો ઇનકાર કર્યો હતો.

તેમણે કહ્યું, “આપણાં મૂલ્યો લોકતાંત્રિક છે. તેનો વ્યાપક રીતે આદાનપ્રદાન કરવામાં આવે છે અને દુનિયાભરમાં પ્રચલિત છે. અમે ઇચ્છીએ છીએ કે તેને જાળવી રાખવામાં આવે.”

આ ઉપરાંત લગભગ 25 સામુદાયિક અને ચૅરિટી પ્રતિનિધિઓ, ધાર્મિક અને ઉદ્યોગ જગતના આગેવાનો, ભારતીય પૃષ્ઠભૂમિના કાઉન્સિલરો અને પ્રોફેશનલ લોકોએ લંડનમાં ભારતનાં ઉચ્ચાયુક્ત ગાયત્રી ઇસ્સર કુમાર તથા બ્રિટનના વિદેશમંત્રી ડોમિનિક રાબને એક સંયુક્ત પત્ર પણ લખ્યો છે.

ઇસ્સર કુમારને લખેલા પત્રમાં તેમણે ભારતીય ખેડૂતો પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે અને “દિલ્હી પહોંચીને માત્ર શાંતિપૂર્વક વિરોધ કરવા માંગતા ખેડૂતો અને કામદારો પર પોલીસ દ્વારા ટિયરગૅસ અને વૉટર કેનનના ઉપયોગની ટીકા કરી છે.”

બ્રિટનના લોકોનો અભિપ્રાય શું છે?

પરંતુ શું બ્રિટનમાં વસતા ભારતીય મૂળના લોકો ઇચ્છે છે કે બ્રિટિશ સાંસદ આ મુદ્દાને ઉચ્ચ સ્તર સુધી ઉઠાવે? આ અંગે કોઈ સામાન્ય સહમતી પણ નથી.

ઓવરસિઝ ફ્રેન્ડ્ઝ ઑફ બીજેપીના યુકેના અધ્યક્ષ કુલદીપ શેખાવતે બીબીસીને જણાવ્યું, “ભારતીય ખેડૂતો ભારતમાં વિદેશપ્રદર્શન કરી રહ્યા છે. તે તેમનો અધિકાર છે. તેમની સામે કોઈ મુદ્દો હોય તો તેઓ ભારત સરકાર સમક્ષ તેને ઉઠાવી શકે છે. ભારત એક સ્વતંત્ર લોકશાહી દેશ છે. તેની પાસે એક જીવંત લોકતંત્ર છે અને બ્રિટનના સાંસદોને ભારતીય ખેડૂતો વિશે યુકેમાં બોલવાનો કોઈ અધિકાર નથી. કારણ કે તે સ્વતંત્ર રાષ્ટ્રના આંતરિક મામલામાં દખલગીરી કરવા સમાન છે.”

“ડોમિનિક રાબને પત્ર લખવો અથવા યુકેના વડાપ્રધાનને ભારતમાં વિરોધ પ્રદર્શન કરતા ખેડૂતો વિશે સવાલ કરવો એ અયોગ્ય છે. પીએમ મોદી ખેડૂતોની આવક બમણી કરવાનો એક સ્પષ્ટ એજન્ડા ધરાવે છે અને આ ગેરમાહિતી આધારિત અભિયાનને તાત્કાલિક બંધ કરવામાં આવશે.”

લંડનના નિવાસી અને ભારતીય મૂળનાં રશ્મિ મિશ્રાએ પણ આ પ્રકારની ચિંતા વ્યક્ત કરી છે. તેઓ કહે છે, “શું બ્રિટિશ સાંસદો અને કાઉન્સિલરોએ ખેડૂત કાયદાને વાંચ્યો છે? શું તેઓ ખેડૂતોની પહેલાંની પીડાને સમજે છે? શું તેઓ જાણે છે કે 1947માં આઝાદી મળ્યા પછી ભારતમાં ખેડૂતોની આત્મહત્યાનો દર કેટલો છે? શું કોઈએ આ પ્રશ્ન ઉકેલવાની કોશિશ કે મદદ કરી છે? ભારતના આંતરિક મામલામાં દખલગીરી કરવાનો શું તેમને કોઈ અધિકાર છે?”

રાબને લખેલા પત્ર વિશે વકીલ વૈશાલી નાગપાલ જણાવે છે, “તેમના દ્વારા આ ખોટી માહિતી ફેલાવવાનું અને હસ્તક્ષેપ કરવાનું નિરાધાર કાર્ય છે. તેમણે કદાચ ભારતમાં નવા કૃષિકાયદાના બુલેટ પૉઇન્ટ પણ વાંચ્યા નથી. તેમનો પત્ર માત્ર પંજાબ પર કેન્દ્રિત છે. તેમના માનવા પ્રમાણે ત્યાં જ તેની સૌથી વધારે અસર પડશે કારણ કે તે ભારતનું ‘બ્રેડ બાસ્કેટ’ છે. મહેરબાની કરીને થોડું ગૂગલ કરો અને જાણકારી મેળવો. કારણ કે ભારતમાં સૌથી વધારે કૃષિ ઉત્પાદન કરતું રાજ્ય ઉત્તર પ્રદેશ છે અને ઉત્તર પ્રદેશના ખેડૂતો આ વિરોધપ્રદર્શનમાં ભાગ નથી લઈ રહ્યા.”

વૂલ્વરહેમ્પલ્ટનમાં વસતા એન્ડ્રુ થોમસ એવી વ્યક્તિઓ પૈકી એક છે જેઓ બ્રિટિશ સાંસદ દ્વારા આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો તેનાથી નાખુશ છે.

તેઓ કહે છે, “યુકેમાં બીજા ઘણા મહત્ત્વના મુદ્દા છે, જેમ કે કોરોના વાઇરસ મહામારી અને બ્રેક્ઝિટ. મને સમજાતું નથી કે આપણા નેતાઓ બીજા દેશને લગતા મુદ્દા શા માટે ઉઠાવી રહ્યા છે.”

“આપણા સાંસદોએ આપણા માટે કામ કરવું જોઈએ અને અમારા પ્રશ્નો અને ચિંતાઓને ઉકેલવા પ્રયાસ કરવો જોઈએ. શક્ય છે કે તેઓ પોતાના કેટલાક મતદારોને ખુશ કરવા માટે આવું કરતા હોય. પરંતુ મને નથી લાગતું કે તેઓ બીજા દેશને અસર કરતા મુદ્દાને ઉકેલવા માટે બ્રિટનની સંસદમાં બેઠા હોય. યુકે અને અહીંના લોકોની મદદ કરવી એ તેમની પ્રાથમિકતા હોવી જોઈએ.”

કેટલાક લોકો સાંસદોના પગલાથી ખુશ છે, કેટલાક નારાજ

ભારતીય મૂળના વેપારી સંદીપ બિશ્ત કહે છે, “ભારતીય ખેડૂતોને બ્રિટન સહિત દુનિયાભરમાંથી સમર્થન મળી રહ્યું છે તે જોઈને સારું લાગે છે. ખેડૂતોના સમર્થનમાં બ્રિટનમાં જે કંઈ થાય છે તેનાથી કોઈ રીતે ભારત સરકાર પર દબાણ વધશે. ભારતમાં કોઈ પણ પક્ષની સરકાર સત્તા પર આવે, તે હંમેશાં ખેડૂતોની ઉપેક્ષા કરતી રહી છે. અત્યારે એવું પ્રથમ વખત થયું છે જ્યારે આખા ભારતના ખેડૂતો સંગઠિત થયા છે અને એક સાથે પોતાની માંગ અંગે વિરોધપ્રદર્શન કરી રહ્યા છે.”

“આપણા બ્રિટિશ સાંસદો પણ તેને ટેકો આપે છે તે જોવું ગમે છે. પરંતુ મેં સાંસદ તનમનજીત સિંહ ધેસીની ટિપ્પણીઓને સાંભળી. તેઓ ખેડૂતોને ટેકો આપવાના બદલે ભારત સરકાર પર આરોપો વધારે લગાવતા હતા. તે યોગ્ય નથી. તેમણે સંતુલિત થવું જોઈએ અને યોગ્ય કૂટનીતિ જાળવવી જોઈએ.”

લીડ્સના બલબિર સિંહને પણ લાગે છે કે બ્રિટિશ સરકારે ભારતીય અધિકારીઓ સાથે આ મુદ્દે વાત કરવી જોઈએ કારણ કે ભારતીયોએ યુકે અને તેના અર્થતંત્રનું નિર્માણ કરવામાં એક મહત્ત્વની ભૂમિકા ભજવી છે.

તેમણે જણાવ્યું, “બ્રિટિશ સરકારે ખેડૂતો વિશે ચિંતા કરવી જોઈએ કારણ કે મારા જેવા ભારતીયોએ આ દેશ માટે ઘણું યોગદાન આપ્યું છે અને બ્રિટન સાથે ભારતના વેપારે પણ. આ ઉપરાંત ભારતીયોએ આ દેશમાં સ્ટીલ અને કારઉદ્યોગને ટકાવ્યો છે.”

વેસ્ટ મિડલેન્ડ્સસ્થિત ઇતિહાસકાર અને ક્યુરેટર રાજવિંદર પાલનો જન્મ ભારતમાં થયો હતો.

બીબીસી સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, “સાંસદ તનમનજીત સિંહ ધેસી સ્વયં પંજાબની પૃષ્ઠભૂમિથી આવ્યા છે. તેમના વિસ્તારમાં પણ એવા લોકો છે જેનું તેઓ પ્રતિનિધિત્વ કરે છે. આવા મુદ્દા સંસદમાં ઉઠાવવા યોગ્ય છે. પરંતુ આપણા પીએમને એ વાતની ખબર નથી કે ધેસી કયા મુદ્દે વાત કરી રહ્યા છે અને એ બહુ શરમજનક વાત છે.”

ભારતના મુદ્દે બ્રિટિશ નેતાઓનું બોલવું કેટલી હદે વાજબી ગણાય?

પરંતુ બ્રિટિશ સાંસદ અને સ્થાનિક કાઉન્સિલર ભારતના મામલામાં પોતાને સામેલ કરીને શું પ્રાપ્ત કરવા માંગે છે અને શું આમ કરવું યોગ્ય ગણાય?

ડૉ. મુકુલિકા બેનરજી લંડન સ્કૂલ ઑફ ઇકૉનૉમિક્સમાં ઍસોસિએટ પ્રોફેસર છે. તેઓ ભારતીય ખેતી વિશે 20 વર્ષથી વધુ સમયના સંશોધનનો અનુભવ ધરાવે છે. તેઓ કહે છે કે ભારતમાં થતા વિરોધપ્રદર્શન ચિંતાજનક છે.

ડૉક્ટર બેનરજીએ જણાવ્યું, “બ્રિટિશ રાજનેતાઓએ હંમેશાં વૈશ્વિક મુદ્દા ઉઠાવ્યા છે અને આ મામલામાં તેમના મતક્ષેત્રના લોકો ભારતમાં ખેડૂતોના પરિવાર મારફત સીધા સંકળાયેલા છે. કોઈ પણ સાંસદ પોતાના ક્ષેત્રના લોકોની ચિંતાઓનો જવાબ આપવા માટે બંધાયેલા છે. સંસદીય લોકશાહી આ રીતે જ કામ કરે છે. આ ઉપરાંત બ્રેક્ઝિટ પછી ગ્લોબલ બ્રિટને દરેક દેશ સાથે દ્વિપક્ષીય સંબંધ બનાવવા પડશે અને ભારત સાથે સંબંધ ટકાવવા જરૂરી છે. ભારતીય ડાયસ્પોરા બંને દેશ વચ્ચે એક મુખ્ય જીવંત સેતુ સમાન છે. આ કારણથી ભારત સરકાર પોતાના ડાયસ્પોરા સાથે સતત જોડાયેલી રહે છે અને કામ કરે છે.”

તેઓ કહે છે, કે પ્રદર્શનકારીઓએ એ બાબતે ચિંતા વ્યક્ત કરી છે કે ભારતીય ખેડૂતો સાથે કેવો વ્યવહાર કરવામાં આવી રહ્યો છે. તેને હસ્તક્ષેપ ન કહી શકાય.

ડૉ. બેનરજીએ જણાવ્યું કે અહીં વસતા ભારતીય મૂળના લોકોએ ભારતમાં સત્તાધારી પક્ષની ચૂંટણી વખતે નાણાં અને કેમ્પેન દ્વારા મદદ કરી હતી.

તેમણે કહ્યું, “ભારતીય મૂળના વિદેશી લોકો કોઈ પક્ષનો હિસ્સો ન હોવા છતાં વ્યક્તિગત નેતાઓ અને પક્ષોને નાણાકીય ટેકો આપે તેને વિદેશી દખલગીરી કહી શકાય છે. પરંતુ બ્રિટન અને ભારતીય મૂળના નાગરિકો, જેઓ ભારતમાં પરિવાર અને રોકાણ ધરાવે છે, તેઓ ચોક્કસ રીતે ભારતના પ્રશ્નો સાથે જોડાયેલા રહેવા માંગે છે અને સ્થિતિ પર બારીક નજર રાખશે.”

2019 પછી ભારતને લગતા મામલે યુકેમાં ઘણાં વિરોધપ્રદર્શન થયાં છે. પછી તે કાશ્મીરના મુદ્દે હોય કે નાગરિકતા કાનૂનના મુદ્દો. ડૉ. બેનરજી કહે છે, “આ બધું અચાનક નથી થયું. અને આ ઘટના પાછળ એક કારણ છે તાજેતરનાં વર્ષોમાં બ્રિટન આવનારા વિદ્યાર્થીઓની મોટી સંખ્યા.”

બેનરજીના જણાવ્યા મુજબ, “પોસ્ટ-ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ, ખાસ કરીને જેમણે ભારતમાં પોતાની પ્રથમ ડિગ્રી માટે અભ્યાસ કર્યો હતો તેઓ ભારતીય હોવા પર ગર્વ અનુભવે છે. તેઓ જાણકાર ભારતીયો છે જેઓ ભારતના સમાચાર પર બારીક નજર રાખે છે. ભારતમાં શું થાય છે તેની તેઓ પરવા કરે છે. તેઓ ભારતના નાગરિકો સાથે અન્યાય થાય તે સ્વીકારી નથી શકતા. દુનિયાભરમાં અન્યાય સામેની લડાઈમાં વિદ્યાર્થીઓએ હંમેશાં આગેવાની લીધી છે.”

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો