ગુલિયન બેરે સિન્ડ્રોમ : ગુજરાતમાં કોરોનામાંથી સાજા થયેલા દર્દીઓને થતા આ રોગનાં શું છે લક્ષણો?

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

કોરોનાગ્રસ્ત દર્દીઓના સાજા થવાનો દર વધી રહ્યો છે પરંતુ કોરોના મટ્યા પછી લોકો નવા રોગના શિકાર બન્યા હોય એવા કિસ્સા સામે આવ્યા છે.

શરૂઆતમાં રાજ્યમાં કોરોનાને કારણે થતાં મૃત્યુનો દર વધુ હતો, સમય જતાં મૃત્યુની સંખ્યા ઘટી હતી. જોકે કોરોના ચેતાતંત્ર, હૃદય અને ફેફસાં જેવાં શરીરનાં મહત્ત્વનાં અંગો પર ગંભીર અસર કરે છે.

આ ઉપરાંત કોરોના વાઇરસ આંખને પણ અસર કરતો હોવાનું હવે સામે આવ્યું છે.

ગુજરાતમાં કેટલાક કેસો એવા સામે આવ્યા છે, જેમાં કોરોનામાંથી સ્વસ્થ થઈ ચૂકેલા લોકોની આંખોને અસર થઈ રહી છે, આ રોગ મ્યુકરમાઇક્રોસિસ છે.

કોરોના પછી થતા ઘાતક રોગોની યાદીમાં વધુ એક જીવલેણ રોગ ગુલિયન બેરે સિન્ડ્રોમ સામેલ થયો છે. જેમાં લકવાથી માંડી રોગીના મોત સુધીનાં પરિણામો આવવાની સંભાવના છે.

તબીબો શું કહે છે?

ગુજરાતના કોરોના ઇન્ટેન્સિવ કૅરના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર મહર્ષિ દેસાઈએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું, “અમે કોરોનાની સ્ટ્રેઇનને પકડવાની કોશિશ કરી રહ્યા હતા ત્યારે અમે જોયું કે જૂન અને જુલાઈ મહિનામાં કોરોનામાંથી સાજા થયેલા લોકોને પોસ્ટ કોરોના ઇફેક્ટમાં ચેતાતંત્ર અને હૃદય પર અસર જોવા મળી હતી.”

“અમે આ સમસ્યાઓની સારવારમાં લાગેલા હતા, તે દરમિયાન જ સપ્ટેમ્બર માસથી ચેતાતંત્ર પર અસરના કારણે થતો મ્યુકરમાઇક્રોસિસ રોગના કિસ્સા સામે આવ્યા, જેમાં લોકોની આંખો પર અસર થતી હતી.”

તેઓ આગળ વાત કરતાં જણાવે છે, “હજુ અમે આંખ પર અસર કરતા રોગ મ્યુકરમાઇક્રોસિસનો તોડ કાઢીએ ત્યાં ચેતાતંત્ર પર અસરને કારણે ભાગ્યે જ થતાં ગુલિયન બેરે સિન્ડ્રોમના દર્દીઓ સામે આવવા લાગ્યા. જે ખતરાની નવી ઘંટડી છે, કારણ કે આ રોગને લૅબોરેટરી ટેસ્ટથી પકડવો મુશ્કેલ છે. તે ક્લિનિકલ ડાયગ્નોસિસથી જ પકડી શકાય છે.”

આ વાત ને સમર્થન આપતાં અમદાવાદ મેડિકલ ઍસોસિયેશનના પ્રવક્તા અને ક્રિટિકલ કોવિડ ટીમના સભ્ય ડૉક્ટર મુકેશ માહેશ્વરીએ કહ્યું, “આ ભાગ્યે જ થતો રોગ છે, બીજા રોગોને પૅથૉલૉજી લૅબોરેટરીમાં પકડી શકાય છે પણ આને પકડવો મુશ્કેલ છે, આ રોગમાં પહેલાં નર્વસ સિસ્ટમને અસર થાય છે."

"જેનાથી સખત થાક લાગે છે, શરીરના સ્નાયુ નબળા પડે છે અને સંવેદના પર અસર થાય છે.”

“આ રોગનો પૅથૉલૉજી ટેસ્ટ શક્ય નથી, સ્પાઇનલ ફ્લ્યુઇડ સાદી ભાષામાં કહીએ તો કમરના ભાગેથી પાણી લઈને એના પ્રોટીનનો ટેસ્ટ કરવામાં આવે છે.”

“આ સિવાય બીજી રીત એ છે કે નબળા પડી ગયેલા સ્નાયુઓનો ઇલેટ્રો માઇક્રોગ્રામ કરવામાં આવે, આ બંને રિપોર્ટના આધારે ક્લિનિકલ જજમેન્ટ લઈને સારવાર કરવાની હોય છે."

"જોકે એમાં બેથી છ અઠવાડિયાંમાં બરાબર સારવાર અપાય તો 60 ટકા જેટલી બચવાની શક્યતા છે પણ આવા કેસમાં દર્દીને લકવો થવાની શક્યતા રહેલી છે અને જો આ કેસમાં દર્દીનાં ફેફસાં સુધી અસર પહોંચી જાય તો દર્દીની બચવાની શક્યતા ઘણી ઓછી થઈ જાય છે.”

આ જ રીતે કોવિડ-19 ક્રિટિકલ ટીમના સભ્ય ડૉ. તુષાર પટેલ કહે છે, “ઘણી વખત ગુલિયન બેરે સિન્ડ્રોમ વાઇરલ ઇન્ફૅક્શન પછી જોવા મળે છે. કારણ કે વાઇરલ ઇન્ફૅક્શન દર્દીની નર્વસ સિસ્ટમ પર અસર કરે છે.”

જોકે, તેઓ માને છે કે આ રોગના કેસ જવલ્લે જ જોવા મળે છે.

ગુલિયન બેરે સિન્ડ્રોમનાં લક્ષણો વિશે વાત કરતાં તેઓ કહે છે, “કોરોનામાંથી બેઠી થયેલી વ્યક્તિને જો આ રોગ લાગે તો તે તેના અપર અને લૉઅર લિંબ પર અસર કરે છે. સ્નાયુ નબળા પડી જાય છે અને હાથ-પગના હલનચલનને અસર થાય છે.”

તેઓ આ ઘાતક રોગનાં લક્ષણો અંગે વાત કરતાં કહે છે કે “જો આ રોગની અસર દર્દીના શરીરના ઉપરના ભાગ પર થાય તો તેનાથી દર્દીની ડોક આપમેળે ઢળી પડવી અથવા આંખનાં પોપચાં ઢળી પડે એવું પણ થાય છે."

“ઘણા કેસોમાં દર્દીના શરીરમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધતાં શરીરના સ્નાયુ નબળા પડી જવાથી દર્દીને વૅન્ટિલેટર પર રાખવાની ફરજ પડે છે.”

કોરોનાના દર્દીને ગુલિયન બેરે સિન્ડ્રોમ કેવી રીતે થાય?

ડૉ. મુકેશ કોરોનાના દર્દીને ગુલિયન બેરે સિન્ડ્રોમ કેવી રીતે થાય છે તે અંગે સમજાવતાં કહે છે, “કોરોના વાઇરસ સામે માનવશરીરની રોગપ્રતિકારક શક્તિ નબળી પડે ત્યારે શરીરમાં ઍન્ટિબૉડી વિકસતી વખતે શરીરમાં ઘણાં કૅમિકલ બને છે, જે પૈકી કેટલાંક આપણા શરીરનાં સારાં કોષો અને ચેતાતંત્રને અસર કરે છે અને ઘણી વાર સ્નાયુઓને નુકસાન પહોંચાડવાનું શરૂ કરે છે. આ રોગને ગુલિયન બેરે સિન્ડ્રોમ કહ છે.”

તેઓ આ રોગ અંગે આગળ વાત કરતાં કહે છે કે, “કોરોનામાંથી બેઠા થયેલા દર્દીઓમાં આ રોગનાં લક્ષણો દેખાવામાં થોડો સમય લાગે છે. તેથી અમારી પાસે ઑગસ્ટ-સપ્ટેમ્બર મહિનામાં આ રોગના કેસો આવવાની શરૂઆત થઈ હતી.”

આ રોગની સારવાર માટેની પ્રક્રિયા અંગે સમજાવતાં તેઓ કહે છે, “ગુલિયન બેરે સિન્ડ્રોમની સારવાર બે રીતે થઈ શકે છે. પ્રથમ રીતમાં જે ઍન્ટિબૉડી શરીરને નુકસાન પહોંચાડી રહી છે, તેની સામે બહારથી ઍન્ટિબૉડી આપવામાં આવે છે. તેમજ બીજી રીતમાં દર્દીના પ્લાઝ્મા બદલવામાં આવે છે.”

ન્યુરોલૉજિસ્ટ ડૉક્ટર કૃણાલ પઢેરિયા આ રોગ વિશે વાત કરતાં કહે છે, “ગુજરાતમાં ગુલિયન બેરે સિન્ડ્રોમના કેસ દેખાયા, એ પહેલાં મુંબઈમાં કોરોનાની માંદગીમાંથી બેઠા થયેલા લોકોમાં આ રોગ જોવા મળ્યો હતો.”

તેઓ કહે છે, “અમે ત્યારથી આવા કેસની સારવાર માટેની લાઇન ઑફ ઍક્શન પર નજર રાખી રહ્યા હતા. કોરોનામાંથા સાજા થયેલા દર્દીને જ્યારે ઑક્સિજનની જરૂર ઊભી થાય ત્યારે હાથ-પગના હલનચલન પર તેની અસર થાય છે."

"આવા દર્દીઓને ICUમાં રાખી ઑક્સિજન આપવાની જરૂરિયાત ઊભી થાય છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં આ માંદગીના 36 કેસ સામે આવ્યા છે.”

તેઓ આ રોગની સારવાર અંગે વિગતવાર માહિતી આપતાં જણાવે છે, “હાથપગનાં સ્નાયુ અને નસ નબળાં પડે તેવી સ્થિતિમાં અમે ગામાનાં ઇંજેક્શન આપીએ છીએ, જે પ્રમાણમાં મોંઘાં હોય છે. જો ઇંજેક્શન પણ બેઅસર સાબિત થાય તો પ્લાઝ્મા બદલીને સારવાર કરવામાં આવે છે.”

આ રોગને ફેલાતો અટકાવવા માટે થઈ રહેલા પ્રયત્નો અંગે વાત કરતાં તેઓ કહે છે, “કોરોના વાઇરસની માંદગીમાંથી બેઠા થયેલા લોકોના સ્વાસ્થ્ય પર થતી અસરો પર અમે નજર રાખી રહ્યા છીએ, જેથી આ રોગને ફેલાતો અટકાવી શકાય. કોરોના બાદ જે દર્દીઓને ફિઝિયૉથૅરપીની જરૂર પડી હોય, અમે તેમની પણ કાળજી રાખવાનું શરૂ કર્યું છે. જેથી આ રોગ પ્રસરતો અટકાવી શકાય.”

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો