અસદુદ્દીન ઓવૈસીની AIMIM પાર્ટી મુસલમાનો માટે મસીહા છે કે મુસીબત?

    • લેેખક, ઝુબૈર અહમદ
    • પદ, બીબીસી સંવાદદાતા

હાલના સમયમાં શું કોઈ ભારતમાં મુસલમાનોના રાષ્ટ્રીય નેતા છે? ભારતીય મુસલમાનોમાં નેતૃત્ત્વની ઊણપ છે એવું કહેનારા મોટાભાગે આવો સવાલ કરતા હોય છે.

તેમના માટે ઇમ્તિયાજ જલીલનો સીધો જવાબ છે કે એઆઈએમઆઈએમના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસી ભારતીય મુસલમાનોના એક માત્ર લિડર છે.

ઇમ્તિયાજ જલીલ ઑલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન અથવા એઆઈએમઆઈએમના મહારાષ્ટ્રથી ચૂંટાયેલા સાંસદ છે. તેમના દાવાને પડકારતા લોકોને તેઓ સવાલ કરે છે,"તમે બીજા કોઈ નેતા બતાવો?"

પોતાના નેતાનું નામ લઈને એક બીજો સવાલ કરે છે, "મુસલમાનોના એવા લોકપ્રિય નેતા બતાવી શકો જેવા ઓવૈસી સાહેબ છે? આટલું મક્કમતાથી બોલવાવાળા અને સંસદની અંદર પણ મુસલમાનો માટે બોલનારા કોઈ અન્ય મુસ્લિમ નેતાનું નામ જણાવો? કોઈ પણ રાજ્ય અને શહેરમાં પૂછી લો તમને બીજું કોઈ નામ નહીં મળે."

ઇમ્તિયાજ જલીલ પોતાની પાર્ટીને પણ એ જ દરજ્જો આપે છે જેવો તે પોતાના નેતાને આપે છે.

બિહાર વિધાનસભા ચૂંટણીમાં 5 બેઠકો જિત્યા બાદ કહેવાઈ રહ્યું છે કે એઆઈએમઆઈએમ મુસલમાનોની રાષ્ટ્રીય સ્તરની પાર્ટી બનીને ઊભરી રહી છે અને એટલા માટે અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસી સમુદાયના સૌથી મોટા નેતાના રૂપમાં ઊભરી આવ્યા છે.

એઆઈએમઆઈએમની સ્થાપના વર્ષ 1927માં થઈ હતી. શરૂઆતમાં પાર્ટી માત્ર તેલંગણા સુધી મર્યાદિત હતી. 1984થી પાર્ટી સતત હૈદરાબાદ લોકસભા બેઠક જીતતી આવી છે.

વર્ષ 2014માં થયેલી તેલંગણા વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીએ 7 બેઠકો જીતી હતી અને 2014ના મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં બે બેઠકો જિત્યા બાદ આ પાર્ટીએ પોતાનો દરજ્જો એક નાની શહેરી પાર્ટીથી વધીને રાજ્ય સ્તરની પાર્ટીના રૂપમાં સ્થાપિત કરી દીધી.

બિહારમાં જીત નોંધાવ્યા બાદ પાર્ટીના ઇરાદા બુલંદ થઈ ગયા છે. તેલંગણા અને મહારાષ્ટ્ર બાદ પાર્ટીએ હવે બિહારમાં પોતાનું ખાતું ખોલ્યું છે અને પોતાના મુખ્યાલય હૈદરાબાદ અને તેની બહાર વિધાનસભાની સૌથી વધુ બેઠકો પહેલી વાર જીતી છે.

પાર્ટીએ હવે પશ્ચિમ બંગાળમાં પોતાની કિસ્મત અજમાવવાનો નિર્ણય કર્યો છે જ્યાં ચૂંટણી આગામી છ મહિનામાં જ થવાની છે. બિહારની સરખાણીએ અહીં મુસલમાનોની સંખ્યા વધુ છે.

પાર્ટી ઉત્તર પ્રદેશમાં વર્ષ 2017માં કેટલીક બેઠકો પર ડિપોઝીટ જપ્ત થયા બાદ પણ 2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાગ લેવાની વાત કરી રહી છે.

ઇમ્તિયાજ જલીલનું કહેવું છે કે પાર્ટીની ચૂંટણી સફળતા પાછળ ઓવૈસી પર લોકોનો વધતો વિશ્વાસ પણ છે.

તેઓ કહે છે, "લોકોને હવે અહેસાસ થઈ રહ્યો છે કે ઓવૈસી થોડું તીખું બોલશે પણ જે બોલશે તે સાચું જ બોલશે. લોકોને તેમની જબાન પસંદ નથી આવતી પણ લોકોને લાગે છે કે તેમની રીત યોગ્ય નથી પણ તેઓ વાત સાચી કરશે."

મુસલમાનો માટે પાર્ટી મદદગાર કે મુસીબત?

મુસ્લિમ સમુદાયમાં એક દલીલ અને ચર્ચા એ છે કે ઓવૈસીની પાર્ટી સમુદાય માટે એક મસીહા બનીને ઊભરશે કે પછી એક મુસીબત બની જશે?

હૈદરાબાદના જૈદ અંસાર પાર્ટીના મજબૂત સમર્થક છે. તેઓ કહે છે, "મુસલમાનોને દેશના રાજકારણ અને સત્તાથી દૂર રાખવાની કોશિશ કરવામાં આવી રહી છે."

"અમને લાગે છે કે અમે અનાથ છીએ. અમારા માટે બોલવાવાળું કોઈ છે જ નહીં. એ પાર્ટી જે અમારા મત મેળવતી આવી છે તે પણ ચૂપ રહે છે. એવામાં ઓવૈસી સાહેબે અમને અવાજ આપ્યો અને અમારા અધિકારમાં બોલાવાની અમને તાકત આપી."

સાંસદ ઇમ્તિયાજ જલીલ સ્પષ્ટ રીતે કહે છે કે તેમની પાર્ટી માત્ર મુસલમાનોની પાર્ટી નથી. તેઓ કહે છે કે પાર્ટીએ કેટલાક દલિતો અને હિંદુઓને ચૂંટણીમાં ટિકિટ આપી છે. ખાસ કરીને સ્થાનિક ચૂંટણીમાં.

પરંતુ તેઓ એ વાત પર ભાર મૂકે છે કે તેમની પાર્ટી રાજકીય વ્યવસ્થામાં મુસલમાનોની સંકોચાતી જગ્યાને પૂરવાની કોશિશ કરી રહી છે.

તેઓ કહે છે, "અમે ક્યારેય કોઈ પણ જગ્યાએ નથી કહ્યું કે એઆઈએમઆઈએમ મુસલમાનોની જ પાર્ટી છે. એ વાત સાચી છે કે મુસલમાનાનો સૌથી વધુ મુદ્દા છે આથી જ્યારે તેને કોઈ ઉઠાવતું નથી તો અમારે ઉઠાવવા પડે છે. જો બીજી પાર્ટી મુસલમાનોના મુદ્દા ઉઠાવ્યા હોત તો મારા વિચારમાં અમારી પાર્ટીને એ જગ્યા ન મળી હોત."

કહેવાય છે કે મુસ્લિમ યુવાઓમાં એઆઈએમઆઈએમની ઘણી લોકપ્રિયતા છે.

મુંબઈમાં એક કંપનીમાં મૅનેજરની પોસ્ટ પર કામ કરતા દીબા અરીઝ પોતાના ભાડાના મકાનને બદલવા માગે છે. પરંતુ તેમના અનુસાર મુસલમાન હોવાના કારણે તેમને બીજું ઘર નથી મળી રહ્યું. તેમના પ્રેમી ઓવૈસીની પાર્ટીના સમર્થક છે પરંતુ ખુદ ઓવૈસી અથવા ઝાકીર નાઇક જેવા મુસ્લિમ નેતાઓને તેઓ પસંદ નથી કરતાં.

તેઓ કહે છે,"હું હંમેશાં ઓવૈસીની વધતી લોકપ્રિયતાથી પરેશાન હતી. મારા પ્રેમી અને તેમના મિત્રો સાથે મારે ઘણી વખત આ મુદ્દે બોલચાલ પણ થઈ હતી."

"હું ધર્મનિરપેક્ષ મુસ્લિમ પરિવારમાંથી આવું છું. પરંતુ જ્યારે મારી સાથે ધર્મના નામે ભેદભાવ થવા લાગ્યો, ઘર શોધવામાં પરેશાની થવા લાગી તો મારા મગજમાં એક વાત ફરવા લાગી કે શું અત્યાર સુધી હું ખોટી હતી અને મારા પ્રેમી તથા તેમના એઆઈએમઆઈએમના સમર્થકો સાચા હતા?"

દીબાને હજુ પણ ઘર નથી મળી રહ્યું. પરંતુ આ કડવા અનુભવના કારણે તેઓ કહે છે કે તેઓ ઓવૈસીના રાજનીતિનો વિરોધ કરતા રહેશે કેમ કે તેમની રાજનીતિ મુસ્લિમ સમાજ માટે હાનિકારક છે.

ફહદ અહમદ પણ મુંબઈમાં રહે છે. તેઓ ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઑફ સોશિયલ સાયન્સના વિદ્યાર્થી છે. બિહાર વિધાનસભા ચૂંટણીમાં રૂચિના કારણે તેઓ ચૂંટણીના સમયે બિહારમાં હતા.

તેમનું કહેવું છે કે એઆઈએમઆઈએમના પક્ષમાં અથવા વિરોધમાં આપવામાં આવતા બંને તર્ક ખોટા છે. તેઓ કહે છે કે મુસ્લિમ યુવાઓના મનમાં લાગણી છે કે ધર્મનિરપેક્ષ પાર્ટી મુસ્લિમ મુદ્દા નથી ઉઠાવતી અને ઓવૈસી આવા મુદ્દાઓ ઉઠાવે છે.

તેઓ કહે છે,"ઓવૈસીને ધર્મનિરપેક્ષ પક્ષો પચિંગ બૅગની જેમ વાપરી રહ્યા છે. તેને તમે મુક્કો મારશો તો પરત એ તમને જ વાગશે."

ફહદ અહમદ અનુસાર ઓવૈસીની પાર્ટીનું ઊભરવું અંતે તો મુસલમાનોના જ હકમાં નથી. તેમની નજરમાં ધર્મનિરપેક્ષ પાર્ટીઓ યુવાન અને ઊભરતા મુસલમાન નેતાઓને જગ્યા આપે તો ઓવૈસીનું મહત્ત્વ આપોઆપ જ ઓછું થઈ જશે.

એઆઈએમઆઈએમ એક સાંપ્રદાયિક પાર્ટી છે?

એ વાત સાચી છે કે અસદુદ્દીન ઔવેસી મોટાભાગે સંસદમાં મુસલમાન સમુદાય સાથે જોડાયેલા મુદ્દાઓ ઉઠાવતા રહે છે. તે બાબરી મસ્જિદનો ચુકાદો હોય કે કથિત લવ-જેહાદનો મુદ્દો હોય કે પછી નાગરિકતા સંશોધન કાયદો કે પછી એનઆરસી.

તેમનો અવાજ સંસદમાં ગૂંજતો જ રહે છે અને મોટાભાગે બીજા નેતાઓની સરખામણીમાં તેઓ સારા તર્ક આપે છે. તેઓ સ્પષ્ટવક્તા છે.

પરંતુ એ પણ છે કે સામાન્ય મુસલમાનની પાટીની લોકપ્રિયતા વધી રહી છે તો બીજી તરફ મુસ્લિમ સમાજના એક મોટા સમુદાયમાં ચિંતા પણ છે.

ઇન્ડિયન મુસ્લિમ ફૉર પ્રૉગ્રેસ ઍન્ડ રિફૉર્મનાં સભ્ય શીબા અસલમ ફહમી કહે છે,"એઆઈએમઆઈએમનું લોકપ્રિય થવું જોખમી છે. આ અફસોસજનક પણ છે."

"જે વિસ્તારોમાંથી વિભાજનની રેખા નહોતી નીકળી એ વિસ્તારોએ ના તો નફરત જોઈ હતી કે ના તો શરણાર્થીઓ આવ્યા તેને."

"તેમણે લૂંટાયેલા સરદારો અને બંગાળીઓના પ્રવેશને પણ જોયો ન હતો. એટલું સરળ છે કે કેટલા પણ નિષ્ફળ વડા પ્રધાન હોય પણ તેની સામે આવીને કોઈ મુસલમાન કહે કે અમે મુસલમાન છીએ અમે મુસલમાનોની રાજનીતિ કરીશું તો પછી તેમની પાસે વધુ મહેનત કરવા માટે કંઈ બચતું નથી."

શીબા કહે છે કે ભારતના મુસલમાનોને સાંપ્રદાયિકતાની જગ્યાએ સેક્યુલર સિસ્ટમની સૌથી વધુ જરૂર છે. આ જ સિસ્ટમમાં મુસલમાનો સુરક્ષિત રહી શકે છે.

તેઓ કહે છે,"મને સ્પષ્ટ દેખાય છે કે ભાજપ ઇચ્છે છે કે તેમનો વિપક્ષ તેમની પસંદગીનો હોવો જોઈએ અને ઓવૈસી સાહેબ દ્વારા તેઓ પોતાની પસંદગીનો વિપક્ષ પેદા કરાવી રહ્યા છે. આ એક આજ્ઞાકારી વિપક્ષ છે જે ભાજપ માટે લાભકારી છે."

શીબા ચેતવવા માગે છે કે સ્થિતિ દેશના વિભાજન પહેલાં જેવી બની રહી છે. તેમના અનુસાર આની અસલ જવાબદાર ભાજપ છે અને તેને દેશની અખંડતાથી વધુ હિંદુ રાષ્ટ્ર બનાવવાની પડી છે.

જોકે રાજકીય વિશ્લેષક અને સ્વરાજ ઇન્ડિયાના નેતા યોગેન્દ્ર યાદવ ઓવૈસીના વધતા પ્રભાવને સેક્યુલર રાજનીતિની હાર અને સેક્યુલર પાર્ટીઓની રાજનીતિની નિષ્ફળતા ગણાવે છે.

તેઓ પોતાના એક ભાષણમાં કહે છે કે,"વિભાજન બાદ ક્યારેક મુસલમાનોએ મુસ્લિમ પાર્ટીને મત નથી આપ્યા. પોતાના રાજકીય પ્રતિનિધિત્વ મામલે તેમણે મુસલમાન નેતાઓનો આધાર ન લીધો કેમ કે તેમનું માનવું હતું કે જો પાર્ટી બહુસંખ્યકોનું ધ્યાન રાખી શકે છે તો તેમના હિતોનું પણ ધ્યાન પણ રાખી શકે છે."

"લોકતંત્ર માટે આ ખૂબસુરત બાબત હોય છે. પરંતુ આ દેશની સેક્યુલર પાર્ટીઓને મુસલસમાન મતોનું બંધક બનાવવાની કોશિશ કરી છે. મુસલમાન કંટાળી ચૂક્યા છે આ પ્રકારની રાજનીતિથી."

આ વખતે બિહાર વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસ પાર્ટીના સફળ ઉમેદવારોમાંથી એક શકીલ અહમદ ખાન ઓવૈસીના ઉદયની તુલના બિહારના દિવંગત નેતા સૈયદ શહાબુદ્દીન સાથે કરે છે જેમને પૂર્વ વડા પ્રધાન નરસિંહ રાવના સમયમાં મુસલમાનોના મુદ્દા ઉઠાવતા હતા અને સમુદાયના રાષ્ટ્રીય નેતાના રૂપમાં ઊભરવાની કોશિશ કરી હતી.

એઆઈએમઆઈએણની વધતી લોકપ્રિયતાનું કારણ

કૉંગ્રેસ નેતા શકીલ અહમદ ખાન કહે છે કે પાર્ટીની લોકપ્રિયતા વધવા પાછળ ત્રણ કારણો છે, "પ્રથમ છેલ્લાં પાંચ વર્ષોમાં સંસદમાં જે નિર્ણયો થયા અને ઓવૈસીએ જે રીતે વલણ અપનાવ્યું તેનાથી તેમની મદદ મળી છે કેમ કે યુવાઓને લાગતું કે તેમનો અવાજ સોથી મજબૂત છે. પરંતુ તેઓ સમજી નથી શકતા કે આ પ્રકારની રાજનીતિની મુશ્કેલીઓ શું છે અને લોકતંત્રમાં તેનું શું નુકસાન થઈ શકે છે."

"બીજું કારણ એ છે કે જ્યાંથી પાર્ટીએ વિજય નોંધાવ્યો છે તે વિસ્તારોની વસ્તીમાં 73-74 ટકા મુસલમાનો છે. તો અહીં પાર્ટીનું આગળ વધવું ત્યાંની મુસ્લિમ લીડરશીપની નિષ્ફળતા છે."

"ત્રીજું કારણ એ છે કે જો કોઈ સાંપ્રદાયિક વાતો કરે છે તો મુસ્લિમ સમાજના લોકોને ઉશ્કેરવાનો જોટલે મજબૂતીથી વિરોધ કરવો જોઈએ એટલો થયો નહીં."

શકીલ અહમદ ખાનનું કહેવું હતું કે તેમણે એઆઈએમઆઈએમની સાંપ્રદાયિકતાનો સામનો કરવો અને એટલા માટે તેઓ પોતાની બેઠક જિત્યા.

તેઓ કહે છે,"હું પણ ઓવૈસીની જેમ ઉર્દૂ બોલી શકું છું અને શાયરી વાચી શકું છે પરંતુ તેનાથી અહીંના મુસલમાનોની મુદ્દાઓનો ઉકેલ તો નહીં આવશે. હું કહું છું તેમના ભડકાઉ ભાષણના કારણે મુસ્લિમ સમાજને કોઈ ફાયદો નહીં થશે. મુસ્લિમ સમાજ અથવા કોઈ પણ સમાજનો ફાયદો એક સેક્યુલર રાજનીતિમાં જ થઈ શકે છે. મેં આ જ લાઇનને અનુસરી અને લોકોએ અમારો સાથ આપ્યો."

શીબા ફહમી અનુસાર ઓવૈસી પીડિતોની રાજનીતિ કરી રહ્યા છે. તેઓ કહે છે, "આ દેશમાં કોઈને પણ સામાજિક ન્યાય નથી મળી રહ્યો. માત્ર મુસલમાન જ પીડિત નથી. દલિતો અને ગરીબોને પણ સામાજિક ન્યાય નથી મળી રહ્યો. પરંતુ મુસ્લિમ સમુદાયને એવું કહેવામાં આવે છે કે માત્ર તમને જ ન્યાય નથી મળી રહ્યો. આથી લોકો તમારી સાથે જોડાઈ જાય છે."

ઇમ્તિયાજ જલીલ પોતાની પાર્ટીના બચાવમાં કહે છે કે તેઓ કૉંગ્રેસ અથવા બીજી પાર્ટીને પૂછીને રાજનીતિ કરશે?

તેમણે કૉંગ્રેસને બેવડા ધોરણો અપનાવતી અને મુસલમાનો સાથે દગાબાજી કરતી પાર્ટી ગણાવી.

તેઓ કહે છે,"મારી નજરમાં કૉંગ્રેસ, એનસીપી જેવી પાર્ટી આ બધી એક જ જેવી પાર્ટી છે. મુસલમાનોનો ચૂંટણી સમયે ઉપયોગ કરો અને ત્યાર બાદ ભૂલી જાવ. તેઓ પોતાના નુકસાનની વાત કરે છે પરંતુ સૌથી મોટું નુકસાન તો મુસલમાનોને જ થયું છે."

તેઓ કહે છે,"સોશિયલ મીડિયાના સમયમાં નાનું બાળક પણ જોઈ રહ્યું છે કે શું થઈ રહ્યું છે. મધ્ય પ્રદેશમાં ધર્મનિરપેક્ષતાના નામે કૉંગ્રેસ ધારાસભ્યો જીતે છે અને પછી બાદમાં ભાજપના ખોડામાં જઈને બેસી જાય છે."

"2015ની બિહાર વિધાનસભા ચૂંટણીમાં મુસલમાન નીતીશકુમાર સાથે ઊભા હતા કેમ કે તેમને લાગતું કે મોદીને બિહારમાં તેઓ જ હરાવી શકે છે. પણ તેમને મુસલમાનોના મત મેળવ્યા અને દોઢ વર્ષ બાદ મોદી સાથે હાથ મિલાવી લીધા."

"મહારાષ્ટ્રમાં જે શિવસેના મુસલમાનોને ગાળો આપતી હતી તે હવે કૉંગ્રેસ અને એનસીપી સાથે મળીને સરકારમાં છે. આવું ક્યાં સુધી ચાલશે? લોકોને એટલું તો ખબર પડે કે અમારી પાર્ટી ભાજપ સાથે નથી મળેલી."

પરંતુ એઆઈએમઆઈએમના વિરુદ્ધ ભાજપને જાણીકરીને ફાયદો પહોંચાડવાનો ગંભીર આરોપ લાગી રહ્યો છે.

અખિલેશ પ્રતાપ કહે છે કે તેઓ શરૂઆતથી જ કહેતા આવ્યા છે કે ઓવૈસીની પાર્ટી ભાજપની ટીમ-બી છે.

તેઓ કહે છે,"જ્યારથી મોદી આવ્યા છે એક રીતે એઆઈએમઆઈએમને પ્રમોટ કરી રહ્યા છે. મહારાષ્ટ્ર, દિલ્હીમાં સ્થાનિક ચૂંટણીમાં પણ અને બિહાર વિધાનસભાની ચૂંટણીમાં અથવા ઉત્તર પ્રદેશમાં."

"તેમનો ઉદ્દેશ્ય એ છે કે તેઓ લઘુમતિઓના મત વહેંચી દે જેથી જીતવામાં સરળતા રહે. આ વાસ્તવિકતા છે કે જ્યારથી મોદી આવ્યા છે બંને તરફથી કટ્ટરતાની રાજનીતિમાં વધારો થયો છે."

યોગેન્દ્ર યાદવ ઓવૈસીની પાર્ટી પર લાગેલા ભાજપની બી ટીમ અને વોટ ખેંચવાના આરોપ સાથે સંમત નથી. જોકે તેઓ કહે છે કે પાર્ટીની સફળતા સાંપ્રદાયિક રાજનીતિને પ્રોત્સાહિત કરે છે.

તેઓ માને છે કે હિંદુત્વની રાજનીતિ મુસલામાનોની એક્સક્લુઝિવ પાર્ટીને પ્રોત્સાહન આપે છે અને આ ટ્રૅન્ડ ભારતીય લોકતંત્ર માટે જોખમી છે.

તેઓ કહે છે,"આ માટે એક ઉપાય સેક્યુલર પાર્ટીઓને મુસલમાન હિંદુ અને તમામ ધર્મના સાધારણ લોકોનો વિશ્વાસ જીતવો પડશે. હાલ ન તો હિંદુ તેમના પર ભરોસો કરે છે ન મુસલમાન."

ભાજપ અને એઆઈએમઆઈએમ બંને એકબીજાની ખોરાક?

તારિક અનવર બિહારના વરિષ્ઠ કૉંગ્રેસી નેતા છે જેઓ કેટલાંક વર્ષો સુધી રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટીમાં પણ રહી ચૂક્યા છે.

તેમનું કહેવું છે કે ભાજપ અને એઆઈએમઆઈએમ બંને સાંપ્રદાયિક રાજનીતિ કરવાવાળી પાર્ટી છે. અને તે બંનેનો વિરોધ પણ જરૂરી છે કેમ કે તે દેશની એકતાને ભંગ કરતી તાકતો છે.

તેઓ કહે છે,"જ્યાં સુધી એઆઈએમઆઈએમ અથવા ઓવૈસી સાહેબનો સવાલ છે હું કહીશ કે કોઈ પણ પ્રકારની સાંપ્રદાયિકતા દેશના વિરુદ્ધ છે. હિંદુ સાંપ્રદાયિકતા હોય અથવા મુસ્લિમ સાંપ્રદાયિકતા હોય - બંને એકબીજાની ખોરાક છે અને તેનું નુકસાન દેશને જ વેઠવાનું આવશે."

"એઆઈએમઆઈએમનો અર્થ છે કે મુસ્લિમ ઇત્તેહાદ અથવા એકતા. જ્યારે તમે મુસ્લિમ એકતાની વાત કરો છો તો સ્પષ્ટ છે કે તેનાથી હિંદુ ફિરકાપરસ્ત છે અથવા કટ્ટરપંથી છે તેમને એનો ફાયદો થાય છે. સીધી રીતે નહીં તો અપ્રત્યક્ષ રીતે એઆઈએમઆઈમ જરૂર હિંદુ સાંપ્રદાયિકતાને પ્રોત્સાહિત કરી દે છે અને એ માત્ર મુસલમાનો માટે નહીં પરંતુ સમગ્ર દેશ માટે નુકસનાકારક છે."

ઓવૈસી પર એ પણ આરોપ લાગે છે કે તેઓ મોદી સરકારની ટીકા કરવાનું ટાળવાની કોશિશ કરે છે અને તેમનું નિશાન મોટાભાગે કૉંગ્રેસ અને બીજા સેક્યુલર દળ હોય છે.

શીબા કહે છે,"અકબરુદ્દીન ઓવૈસી (અસદુદ્દીન ઓવૈસીના નાના ભાઈ)ના એક અયોગ્ય નિવેદનથી તોગડિયાના 100 અયોગ્ય નિવેદનો વાજબી ઠેરવવામાં આવી રહ્યાં છે. અને ઉમા ભારતીનાં પણ 100 નિવદનોને જસ્ટિફાઈ કરવામાં આવી રહ્યાં છે."

ઓવૈસી વિરોધી તત્ત્વો એ પણ કહે છે કે તેમની પાર્ટી માત્ર એ જ બેઠકો પર ચૂંટણી લડે છે જ્યાં મુસલમાન વસતિ વધુ હોય.

તારિક અનવર અનુસાર ઓવૈસી મુસલમાનોની ભાવનાઓ સાથે રમત રમીને મત મેળવવાની કોશિશ કરે છે જેથી મતો વહેંચાઈ જાય અને તેઓ ફાયદો ભાજપને થાય છે જ્યારે સેક્યુલર પાર્ટીઓને તેનું નુકસાન થાય છે.

તેઓ કહે છે, "ઓવૈસીએ બિહાર ચૂંટણીમાં મહાગઠબંધનની 15 બેઠકોના મત કાપ્યા. જો આ 15 બેઠકો અમે જીતી જઈએ તો આજે બિહારમાં અમારી સરકાર હોત."

પરંતુ પાર્ટીના સાસંદ ઇમ્તિયાજ જલીલ મુસલામાનોના હિતમાં બોલવાની વાતને સાંપ્રદાયિકતા નથી માનતા અને એવું પણ નથી માનતા કે તમની પાર્ટીની રાજનીતિથી ભાજપને ફાયદો થાય છે.

તેઓ કહે છે, "જો અમે એ વિસ્તારોમાંથી ચૂંટણી નહીં લડીશું જ્યાં અમારા મુસલમાન વધુ છે તો શું ત્યાંથી આરએસએસવાળા, બજરંગ દળ વાળા, શિવસેનાવાળા ચૂંટણી લડશે?"

પાર્ટીનો આગામી પડાવ બંગાળ છે જ્યાં છ મહિનાની અંદર વિધાનસભા ચૂંટણી થવાની છે. બંગાળમાં મુસ્લિમ મતોનું પ્રમાણ 25 ટકાથી વધુ છે. ઇમ્તિયાજ કહે છે,"ઇન્શાઅલ્લાહ અમે લડીશું. અમે દરેક જગ્યાએ જઈશું."

બંગાળ વિધાનસભા ચૂંટણીને જીતવા માટે ભાજપ સંપૂર્ણ તાકત લગાવી રહી છે. કદાચ એ ખબર કે એઆઈએમઆઈએમ બંગાળમાં ચૂંટણી લડશે એ ભાજપ માટે ખુશખબરી હશે.

પરંતુ કૉંગ્રેસ માટે આ ખબર કેવી રહેશે? અખિલેશ પ્રતાપ કહે છે,"અમે હમણાંથી જ રાજ્યમાં સક્રિય થઈ ગયા છે અને એઆઈએમઆઈએમને રોકવાની અમારી તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો