You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમેરિકાની ચૂંટણીઃ ટ્રમ્પ કે મીડિયા, કોણ નક્કી કરે કે કોણ જિત્યું?
- લેેખક, બીબીસી ન્યૂઝ વર્લ્ડ
- પદ, _________________
જો બાઇડનને ચૂંટાયેલા પ્રૅસિડન્ટ તરીકે સ્વીકારી લેવાયા છે, પરંતુ સત્તાવાર રીતે હજી સુધી પરિણામની જાહેરાત કરવામાં આવી નથી.
7 નવેમ્બર સુધીમાં મોટા ભાગનાં રાજ્યોમાં ગણતરી પૂરી થઈ હતી અને તેના આધારે ડેમૉક્રેટિક ઉમેદવાર બાઇડનને (કુલ 538 ઇલેક્ટૉરલ કૉલેજના મતોમાંથી) 270 મતો મળી શકે છે તેવો અંદાજ બાંધીને તેમને વિજેતા માની લેવાયા હતા.
તે જ દિવસે વાઇસ પ્રેસિડન્ટ કમલા હેરિસ અને બાદમાં જો બાઇડને પણ વિજય પછીનું પોતાનું પ્રવચન આપ્યું અને તે પછી આ દિવસોમાં પોતાની આગામી સરકાર શું કરવા શું કરશે તે અંગનાં નીતિવિષયક નિવેદનો પણ તેઓ આપતાં રહ્યાં છે.
આ રીતે પરિણામોની સત્તાવાર જાહેરાત થાય તે પહેલાં નિષ્ણાતો અને અખબારી જગત દ્વારા ચૂંટાયેલા પ્રમુખ "elected president" કોણ છે તે નક્કી થઈ જતું હોય છે અને હારી જનારા ઉમેદવાર પણ હાર સ્વીકારીને પરિણામોને અનુમોદન આપી દેતા હોય છે.
જોકે આ વખતે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હાર સ્વીકારી નહીં અને ઉલટાની તેમની ટીમ તરફથી કેટલા અગત્યનાં રાજ્યોમાં પરિણામો અંગે શંકા વ્યક્ત કરીને અદાલતમાં દાવા માંડવામાં આવ્યા છે.
ટ્રમ્પે એવું કહેતા રહ્યા છે કે આ રીતે મીડિયા કે ચૂંટણીના નિષ્ણાતોને કોઈ અધિકાર નથી કે તે કોઈ ઉમેદવારને ચૂંટાયેલા પ્રમુખ જાહેર કરી દે. તો પછી નિર્ણય કોણ કરે?
સંકુલ ચૂંટણી પદ્ધતિ
અન્ય ઘણા દેશોથી વિપરીત અમેરિકામાં કોઈ કેન્દ્રીય ચૂંટણી પંચ નથી કે જે રાષ્ટ્રીય ચૂંટણીનાં પરિણામોને સત્તાવાર રીતે માન્ય કરીને તેનાં પ્રમાણપત્રો જાહેર કરે.
અમેરિકાનાં 50 રાજ્યોના પોતપોતાના ચૂંટણીના નિયમો અને પદ્ધતિઓ છે, જેમાં સમયગાળો પણ જુદો જુદો હોય છે. તેના કારણે જ કેટલાક રાજ્યોની મતગણતરીની પ્રક્રિયામાં વિલંબ અને વિવાદો થયા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અખબારો અને મીડિયા નિષ્ણાતોની ટીમના અભિપ્રાયો સાથે પરિણામોને ધારી લે છે, કેમ કે અમુક બાબતમાં ભલે જાહેરાત ના થઈ હોય, પરંતુ સ્થિતિમાં ફરક પડશે નહીં એમ અનુભવના આધારે આ નિષ્ણાતો તારવતા હોય છે.
તેથી સત્તાવાર પરિણામો જાહેર થાય તે પહેલાં જ કોઈ એકને વિજેતા માની લેવામાં આવતા હોય છે.
જોકે 2020ની ચૂંટણી પછી આ રીતે સ્પષ્ટપણે પરિણામોને સ્વીકારી લેવાનું શક્ય ના બન્યું તેનાં ઘણાં કારણો છે.
આ વખતે કોરોના સંકટ વચ્ચે મતદાન થયું હતું અને સુરક્ષાને ધ્યાનમાં લઈને અમેરિકાના નાગરિકોએ મોટા પ્રમાણમાં મેઇલથી એટલે કે પોસ્ટલ વૉટથી મતદાન કરવાનું નક્કી કર્યું હતું. તેના કારણે મોટી સંખ્યામાં પોસ્ટલ વૉટ્સ ગણવાના આવ્યા અને પ્રક્રિયા ધીમી પડી ગઈ હતી.
બીજી બાજુ પોતાના સ્વભાવ પ્રમાણે ટ્રમ્પે આવા અંદાજોને સ્વીકાર્યા નહી અને અમેરિકાની પ્રણાલીઓ તોડી.
અંદાજોના આધારે ઉમેદવાર પોતાની હાર સ્વીકારીને હરિફને અભિનંદન તથા સહકારની ખાતરી આપતા હોય છે, પણ ટ્રમ્પે હાર સ્વીકારવાનો ઇનકાર કરી દીધો.
તેના બદલે ટ્રમ્પની પ્રચાર ટીમ અને કાનૂની ટીમે કેટલાંક અગત્યનાં રાજ્યોમાં મતગણતરી અટકાવી દેવા માટેની માગણી સાથે અદાલતમાં અરજીઓ કરી.
અરજીમાં શું આક્ષેપો કરાયા?
રાજ્યોમાં પોતાની પદ્ધતિએ મતગણતરી કર્યા પછી અમુક દિવસો બાદ વિજેતાઓને પ્રમાણપત્ર સુપરત કરાતાં હોય છે. તે પછી રાજ્યનું પરિણામ સત્તાવાર ગણાય.
રાજ્યો પ્રમાણે પદ્ધતિમાં ફરક હોય છે, પણ મોટા ભાગે થોડાં અઠવાડિયાઓમાં આ પ્રક્રિયા પૂર્ણ થઈ જતી હોય છે. ખાસ કરીને મધ્ય ડિસેમ્બરમાં ઇલેટૉરલ કૉલેજની બેઠક મળવાની હોય છે તે પહેલાં પરિણામોને સત્તાવાર રીતે જાહેર કરી દેવાતાં હોય છે.
મતદાનના દિવેસ જ મતગણતરી પણ શરૂ થઈ જતી હોય છે અને રાત્રે પ્રાથમિક આંકડા આપવામાં આવે તેના આધારે વિજેતાની ધારણા બંધાતી હોય છે. પરંતુ રાત્રે જાહેર થતા આંકડા બિનસત્તાવાર હોય છે.
દરેક રાજ્યમાં પૂર્ણપણે ગણતરી કરીને એક કે બે અઠવાડિયા બાદ સત્તાવાર રીતે પરિણામો જાહેર થતાં હોય છે.
આ માટે દરેક મતગણતરીની પુનઃ ચકાસણી થતી હોય છે અને મતગણતરી પ્રક્રિયામાં કોઈ ખામી નહોતી રહી તેની ખાતરી કરી લેવાતી હોય છે.
પદ્ધતિસર મતગણતરી થઈ ગયા બાદ જે તે રાજ્યના ચૂંટણી વિભાગના વડા, અથવા ગર્વનર અથવા ચૂંટણી પ્રચાર સમિતિઓના સભ્યો દ્વારા તેની સત્તાવાર જાહેરાત કરીને પ્રમાણપત્રો આપવામાં આવતાં હોય છે.
પ્રમાણપત્ર આપવામાં કેટલો સમય લાગે?
ચકાસણી સાથે મતગણતરી સંપૂર્ણ કરવા માટેની દરેક રાજ્યની પદ્ધતિઓ અલગ અલગ છે. પ્રમાણપત્ર આપતા પહેલાં સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવતી હોય છે.
દરેક કાઉન્ટીમાં મતગણતરી થાય અને તેના તરફથી સ્થાનિક પરિણામોનું પ્રમાણપત્ર પ્રાદેશિક કચેરીને અથવા ચૂંટણી અધિકારીને મોકલવામાં આવે. તે માટેનો સમયગાળો નિશ્ચિત કરાયેલો હોય છે.
ઘણાં રાજ્યોમાં આ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે, પણ હજી કેટલાંક મહત્ત્વનાં રાજ્યોમાં પ્રક્રિયા ચાલી રહી છે અને નિર્ધારિત સમય હજી બાકી છે:
નેવાડામાં ડેડલાઇન 16 નવેમ્બરની હતી.
વિસ્કોન્સિનમાં 17 નવેમ્બર સુધીમાં કાઉન્ટીએ મતો ગણીને રાજ્ય ચૂંટણી પંચને પરિણામો મોકલી આપવાનાં હતાં.
જ્યોર્જિયામાં 20મી નવેમ્બરની ડેડલાઇન હતી.
મિશિગન અને પેન્સિલવેનિયામાં 23 નવેમ્બર સુધીમાં કાઉન્ટીએ મતગણતરી પૂર્ણ કરવાની હોય છે.
એરિઝોનામાં આ સમય મર્યાદા 30 નવેમ્બરની છે.
ખરાઈ કરીને પ્રમાણપત્ર આપવાનું મહત્ત્વ
દરેક રાજ્યનો ચૂંટણી વિભાગ પરિણામોની ખરાઈ કરીને, આખરી ગણતરી ચકાસીને, કોઈ ટેક્નિકલ ખામી રહી હોય તો તે શોધીને, માનવીય ભૂલ કે છેતરપિંડી નથી થઈ તેની ખાતરી મેળવીને પછી સત્તાવાર રીતે પરિણામો જાહેર કરતો હોય છે.
અમેરિકાના ચૂંટણી ઇતિહાસમાં ચૂંટણીમાં ગેરરીતિ કે છેતરપિંડીના કિસ્સા ભાગ્યે જ જોવા મળ્યા છે.
આ રીતે પરિણામોની ખરાઈ કરવામાં આવે તેના કારણે ભાગ્યે જ પ્રારંભમાં ધારણા કરવામાં આવી હોય તેનાથી જુદાં પરિણામો આવતાં હોય છે.
ખાસ કરીને કટોકટીની સ્પર્ધા થઈ હોય અને થોડા જ મતોનો તફાવત હોય ત્યારે આ રીતે ખરાઈ કરવાની પ્રક્રિયાનું આગવું મહત્ત્વ હોય છે.
નિર્ધારિત સમય પછી પણ પ્રમાણપત્રો જાહેર ના કરવામાં આવે તેવી ટ્રમ્પ ટીમની માગણી છે તે માટે તેમણે અદાલતમાં બહુ નક્કર પુરાવા અને મજબૂત રજૂઆતો કરવી પડે. તેઓએ દર્શાવવું પડશે કે ગેરરીતિ થઈ છે અને પરિણામોમાં ફરક પડે તેવી ગંભીર બાબતો રહેલી છે.
12 નવેમ્બર સુધીમાં આવા કોઈ પુરાવા ટ્રમ્પની ટીમ આપી શકી નહોતી.
આગળની પ્રક્રિયા
કેન્દ્ર સરકારના કાયદા પ્રમાણે સંપૂર્ણ મતગણતરી કરી દેવા માટેની એક તારીખ નિર્ધારિત કરી રાખવામાં આવી છે. તેને "safe harbor" એટલે કે સાનુકૂળ તારીખ ગણવામાં આવે છે, જે 8 ડિસેમ્બરની ગણાય છે.
8 ડિસેમ્બર સુધીમાં દરેક રાજ્યે મતગણતરીની પ્રક્રિયા પૂરી કરીને પરિણામો જાહેર કરી દેવાં જરૂરી છે.
બધાં જ રાજ્યો સત્તાવાર પરિણામો જાહેર કરે અને પ્રમાણપત્રો આપી દે પછીય પ્રેસિડન્ટની પસંદગી હજી બાકી જ ગણાય. સત્તાવાર રીતે પ્રમાણપત્રો પછીય પ્રેસિડન્ટ તરીકે કોઈ જાહેર થતું નથી.
તે પછીની તારીખ અગત્યની હોય છે અને તે હોય છે ડિસેમ્બરના બીજા બુધવાર પછીનો સોમવાર. આ વર્ષે આ સોમવાર 14 ડિસેમ્બરે આવશે. આ દિવસે ઇલેક્ટૉરલ કૉલેજની બેઠક દરેક રાજ્યની રાજધાનીમાં મળે છે. આ ઇલેક્ટોરલ કૉલેજના પ્રતિનિધિઓએ પોતાનો મત સત્તાવાર રીતે પ્રેસિડન્ટને આપવાનો હોય છે.
દરેક રાજ્યની વસતિ પ્રમાણે ઇલેક્ટોરલ વૉટ્સ હોય છે અને કુલ 538 સભ્યોની ઇલેક્ટોરલ કૉલેજ બનેલી છે.
જાહેર થયેલાં પરિણામોના આધારે વિજેતા નક્કી જ હોય છે, પરંતુ તેની સત્તાવાર જાહેરાત આ બેઠકમાં થતી હોય છે અને તે રીતે આ બેઠક વિધિ ખાતર થતી હોય છે.
રાજ્યમાં જે ઉમેદવારને સૌથી વધુ મતો મળ્યા હોય તેને બધા જ ઇલેક્ટોરલ વૉટ્સ આપ્યાની જાહેરાત થાય છે. જોકે કેટલીક વાર પ્રતિનિધિ નિર્ધારિત પરિણામો પ્રમાણે મતદાન ના કરે ત્યારે ઉમેદવારને ઓછા મતો મળી શકે છે. 2016માં આવું થયું હતું અને ટ્રમ્પને બે મતો ઓછા મળ્યા હતા. ધારણા પ્રમાણે તેમના મતો 306ના બદલે 304 જ થયા હતા.
માત્ર બે રાજ્યો જ એવાં છે, મેઇન અને નેબ્રાસ્કા કે જ્યાં ઉમેદવારને કેટલા મતો મળ્યા છે તેના આધારે ઇલેક્ટોરલ વૉટ્સ ઉમેદવારો વચ્ચે વહેંચી દેવામાં આવે છે. બાકીનાં રાજ્યોમાં સૌથી વધુ મતો મેળવનારાને જ બધા ઇલેક્ટોરલ વૉટ્સ આપી દેવાય છે.
આ વર્ષે શું થઈ શકે
જોકે આ વખતે પરિસ્થિતિ તરલ બની છે અને ઇલેક્ટૉરલ કૉલેજ માત્ર વિધિ ખાતર મળે અને મતો આપી દે તેવું ના પણ બને.
એ યાદ રાખવું જરૂરી છે કે આખરે રાજ્યોની વિધાનસભા નક્કી કરતી હોય છે કે આ બેઠકમાં પ્રતિનિધિ તરીકે કઈ વ્યક્તિ જશે.
એવી શક્યતા નકારી ના શકાય કે પ્રમુખ ટ્રમ્પે આ વખતે ચૂંટણીમાં ઘાલમેલની ફરિયાદ થઈ છે ત્યારે બેઠકમાં મતદાન વખતે કંઈક જુદું જોવા મળે. એવું બની શકે કે ટ્રમ્પના આક્ષેપોના કારણે રિપબ્લિકન પક્ષ જે રાજ્યોમાં સત્તામાં છે તે રાજ્યોની વિધાનસભાઓ પોતાના રાજ્યમાં જાહેર થયેલાં પરિણામોને માન્ય ના રાખવાનું નક્કી કરી નાખે.
તેના કારણે 14 ડિસેમ્બરે ઇલેક્ટોરલ કૉલેજની બેઠક મળે ત્યારે કેટલાક ડેલિગેટ્સ એવા પણ હોય કે જેઓ સત્તાવાર રીતે જાહેર થયેલાં પરિણામોના બદલે પોતાના રાજ્યની વિધાનસભાએ આપેલા આદેશ પ્રમાણે વર્તવાનું નક્કી કરે.
જોકે આવા સંજોગોમાં રાજ્યો તરફથી મોકલવામાં આવેલા ડેલિગેટ્સના બે જૂથોમાંથી કોને માન્ય ગણવા તે નક્કી કરવાનું કામ અમેરિકાની સંસદ પર આવશે. 1876થી આજ સુધીમાં ક્યારેય એવી જરૂર પડી નથી, પરંતુ આ વર્ષે શું આવો નિર્ણય લેવો પડશે તે જોવાનું રહે છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો